યહોશુઆ ૧૩:૧-૩૩

  • જીતવાનો બાકી રહેલો વિસ્તાર (૧-૭)

  • યર્દનની પૂર્વ તરફના વિસ્તારના ભાગ કરાયા (૮-૧૪)

  • રૂબેનનો વારસો (૧૫-૨૩)

  • ગાદનો વારસો (૨૪-૨૮)

  • પૂર્વ તરફ મનાશ્શાનો વારસો (૨૯-૩૨)

  • લેવીઓનો વારસો યહોવા (૩૩)

૧૩  હવે યહોશુઆ વૃદ્ધ અને મોટી ઉંમરનો થયો હતો.+ યહોવાએ તેને કહ્યું: “તું ઘણો વૃદ્ધ અને મોટી ઉંમરનો થયો છે. પણ હજુ ઘણો વિસ્તાર જીતવાનો* બાકી છે. ૨  બાકી રહેલો વિસ્તાર આ પ્રમાણે છે:+ પલિસ્તીઓનો આખો વિસ્તાર અને ગશૂરીઓનો આખો વિસ્તાર+ ૩  (જે ઇજિપ્તની પૂર્વે* આવેલી નાઈલના ફાંટાથી* લઈને ઉત્તર તરફ એક્રોનની હદ સુધીનો હતો. એ કનાનીઓનો વિસ્તાર ગણાતો હતો).+ એમાં ગાઝીઓ, આશ્દોદીઓ,+ આશ્કલોનીઓ,+ ગિત્તીઓ+ અને એક્રોનીઓનો+ વિસ્તાર પણ આવે છે, જેના પર પલિસ્તીઓના+ પાંચ શાસકો રાજ કરે છે; આવ્વીમનો+ વિસ્તાર ૪  જે દક્ષિણે આવેલો છે; કનાનીઓનો આખો વિસ્તાર; સિદોનીઓના+ મઆરાહથી લઈને અમોરીઓની સરહદે આવેલા અફેક સુધી; ૫  ગબાલીઓનો+ દેશ અને પૂર્વ તરફ આખું લબાનોન; હેર્મોન પર્વતની તળેટીએ આવેલા બઆલ-ગાદથી લીબો-હમાથ*+ સુધી; ૬  લબાનોનથી+ મિસ્રેફોથ-માઈમના+ આખા પહાડી વિસ્તારના બધા લોકો અને બધા સિદોનીઓ.+ હું ઇઝરાયેલીઓ આગળથી તેઓને હાંકી કાઢીશ.+ મેં તને આજ્ઞા આપી છે એ પ્રમાણે તું એ વિસ્તાર વારસા તરીકે ઇઝરાયેલને વહેંચી આપજે.+ ૭  તું આ વિસ્તાર નવ કુળોને અને મનાશ્શાના અડધા કુળને વારસા તરીકે જરૂર વહેંચી આપજે.”+ ૮  મનાશ્શાના બાકીના અડધા કુળ સાથે રૂબેનીઓએ અને ગાદીઓએ યર્દનની પૂર્વ તરફ મૂસાએ આપેલો વારસો લીધો. યહોવાના સેવક મૂસાએ તેઓને આપેલો વારસો આ છે:+ ૯  આર્નોનની ખીણને+ કિનારે આવેલા અરોએરથી+ લઈને ખીણની વચ્ચે આવેલું શહેર અને છેક દીબોન સુધી ફેલાયેલો મેદબાનો આખો સપાટ વિસ્તાર; ૧૦  અમોરીઓનો રાજા સીહોન જે હેશ્બોનથી રાજ કરતો હતો, તેનાં સર્વ શહેરોથી લઈને આમ્મોનીઓની સરહદ સુધી;+ ૧૧  ગિલયાદ અને ગશૂરીઓ તથા માઅખાથીઓનો વિસ્તાર;+ આખો હેર્મોન પર્વત અને સાલખાહ+ સુધીના બાશાનનો આખો વિસ્તાર;+ ૧૨  આશ્તારોથ અને એડ્રેઈમાં રાજ કરતા બાશાનના રાજા ઓગનું આખું રાજ્ય. (તે રફાઈઓમાંથી બાકી રહેલાઓમાંનો એક હતો.)+ મૂસાએ તેઓને હરાવીને હાંકી કાઢ્યા હતા.+ ૧૩  પણ ઇઝરાયેલીઓએ ગશૂરીઓ અને માઅખાથીઓને હાંકી કાઢ્યા નહિ.+ ગશૂરના અને માઅખાથના લોકો આજ સુધી ઇઝરાયેલમાં વસે છે. ૧૪  મૂસાએ ફક્ત લેવીઓના કુળને કોઈ વારસો આપ્યો ન હતો.+ ઈશ્વરે તેઓને વચન આપ્યું હતું તેમ,+ ઇઝરાયેલના ઈશ્વર યહોવાને ચઢાવવામાં આવતાં અગ્‍નિ-અર્પણો તેઓનો વારસો છે.+ ૧૫  મૂસાએ રૂબેનીઓના કુળના દરેક કુટુંબને વારસો આપ્યો હતો. ૧૬  તેઓનો વિસ્તાર આર્નોનની ખીણને કિનારે આવેલું અરોએર અને ખીણની વચ્ચે આવેલું શહેર અને મેદબાનો આખો સપાટ વિસ્તાર; ૧૭  હેશ્બોન અને સપાટ વિસ્તાર પર આવેલાં બધાં નગરો,+ દીબોન, બામોથ-બઆલ, બેથ-બઆલ-મેઓન,+ ૧૮  યાહાસ,+ કદેમોથ,+ મેફાઆથ,+ ૧૯  કિર્યાથાઈમ, સિબ્માહ+ અને નીચાણ પ્રદેશના પહાડ પર આવેલું સેરેથ-શાહાર, ૨૦  બેથ-પેઓર, પિસ્ગાહના ઢોળાવો,+ બેથ-યશીમોથ,+ ૨૧  સપાટ વિસ્તારનાં બધાં શહેરો અને હેશ્બોનમાં રાજ કરતા અમોરીઓના રાજા સીહોનનું આખું રાજ્ય.+ મૂસાએ તેને અને મિદ્યાની મુખીઓ અવી, રેકેમ, સૂર, હૂર અને રેબાને હરાવ્યા હતા.+ તેઓ સીહોનને આધીન રહીને રાજ કરતા હતા અને એ વિસ્તારમાં રહેતા હતા. ૨૨  ઇઝરાયેલીઓએ જેઓને તલવારથી મારી નાખ્યા હતા, તેઓમાં બયોરનો દીકરો બલામ+ પણ હતો, જે શુકન જોનાર હતો.+ ૨૩  રૂબેનીઓની હદ યર્દન નદી સુધી હતી; રૂબેનીઓને તેઓનાં કુટુંબો પ્રમાણે એ વિસ્તાર, એનાં શહેરો અને ગામડાઓ વારસામાં મળ્યાં હતાં. ૨૪  મૂસાએ ગાદના કુળને, એટલે ગાદીઓને તેઓનાં કુટુંબો પ્રમાણે વારસો આપ્યો હતો. ૨૫  તેઓના વિસ્તારમાં આનો સમાવેશ થયો: યાઝેર+ અને ગિલયાદનાં બધાં શહેરો તથા રાબ્બાહની+ સામે આવેલા અરોએર સુધીનો આમ્મોનીઓનો અડધો દેશ;+ ૨૬  હેશ્બોનથી+ રામાથ-મિસ્પેહ અને બટોનીમ સુધી તથા માહનાઈમથી+ દબીરની સરહદ સુધી; ૨૭  નીચાણ પ્રદેશમાં બેથ-હારામ, બેથ-નિમ્રાહ,+ સુક્કોથ+ અને સાફોન, હેશ્બોનના+ રાજા સીહોનનું બાકીનું રાજ્ય, જેની હદ યર્દનની પૂર્વ બાજુએ છેક કિન્‍નેરેથ સમુદ્રના*+ નીચલા ભાગ સુધી હતી. ૨૮  ગાદીઓને તેઓનાં કુટુંબો પ્રમાણે એ વિસ્તાર, એનાં શહેરો અને ગામડાઓ વારસામાં મળ્યાં હતાં. ૨૯  મૂસાએ મનાશ્શાના અડધા કુળને તેઓનાં કુટુંબો પ્રમાણે વારસો આપ્યો હતો.+ ૩૦  તેઓનો વિસ્તાર માહનાઈમથી+ લઈને આખા બાશાન સુધી હતો. એટલે કે, બાશાનના રાજા ઓગનું આખું રાજ્ય અને બાશાનમાં આવેલાં યાઈરનાં+ સર્વ ગામો,* કુલ ૬૦ નગરો. ૩૧  મનાશ્શાના દીકરા માખીરના દીકરાઓ, એટલે કે માખીરના+ અડધા કુટુંબને તેઓનાં કુટુંબો પ્રમાણે અડધું ગિલયાદ, આશ્તારોથ, એડ્રેઈ+ અને બાશાનના રાજા ઓગના રાજ્યનાં શહેરો આપવામાં આવ્યાં હતાં. ૩૨  ઇઝરાયેલીઓ મોઆબના ઉજ્જડ પ્રદેશમાં હતા ત્યારે, મૂસાએ તેઓને યરીખોની પૂર્વ તરફના અને યર્દન પારના વિસ્તારો વારસા તરીકે આપ્યા હતા.+ ૩૩  પણ મૂસાએ લેવીઓના કુળને કોઈ વારસો આપ્યો ન હતો,+ કેમ કે ઈશ્વરે તેઓને વચન આપ્યું હતું તેમ, ઇઝરાયેલના ઈશ્વર યહોવા તેઓનો વારસો છે.+

ફૂટનોટ

અથવા, “વતન તરીકે લેવાનો.”
અથવા, “શિહોરથી.”
મૂળ, “સામે.”
અથવા, “હમાથના પ્રવેશદ્વાર.”
એટલે કે, ગન્‍નેસરેત સરોવર અથવા ગાલીલ સરોવર.
હિબ્રૂમાં વપરાયેલો શબ્દ એવાં ગામોને બતાવે છે, જેમાં લોકો તંબુમાં રહેતા હોય.