યહોશુઆ ૧૭:૧-૧૮

  • પશ્ચિમ તરફ મનાશ્શાનો વારસો (૧-૧૩)

  • યૂસફના વંશજોને વધારે જમીન (૧૪-૧૮)

૧૭  પછી ચિઠ્ઠીઓ+ નાખીને મનાશ્શાના કુળને+ હિસ્સો વહેંચી આપવામાં આવ્યો, કારણ કે તે યૂસફનો પ્રથમ જન્મેલો* દીકરો હતો.+ મનાશ્શાનો પ્રથમ જન્મેલો દીકરો માખીર+ લડવૈયો પુરુષ હતો અને તે ગિલયાદનો પિતા હતો. એટલે માખીરને ગિલયાદ અને બાશાન વિસ્તારો મળ્યા.+ ૨  ત્યાર બાદ ચિઠ્ઠીઓ નાખીને મનાશ્શાના બાકીના વંશજોને તેઓનાં કુટુંબો પ્રમાણે હિસ્સો વહેંચી આપવામાં આવ્યો. એટલે કે અબીએઝેરના દીકરાઓ,+ હેલેકના દીકરાઓ, આસરિએલના દીકરાઓ, શખેમના દીકરાઓ, હેફેરના દીકરાઓ અને શમીદાના દીકરાઓને. તેઓ યૂસફના દીકરા મનાશ્શાના વંશજોમાંથી આવેલા અલગ અલગ કુટુંબના પુરુષો હતા.+ ૩  મનાશ્શાનો દીકરો માખીર હતો, માખીરનો ગિલયાદ, ગિલયાદનો હેફેર અને હેફેરનો સલોફહાદ+ હતો. સલોફહાદને દીકરા ન હતા, ફક્ત દીકરીઓ જ હતી. તેઓનાં નામ આ પ્રમાણે છે: માહલાહ, નોઆહ, હોગ્લાહ, મિલ્કાહ અને તિર્સાહ. ૪  તેઓ એલઆઝાર+ યાજક, નૂનના દીકરા યહોશુઆ અને મુખીઓ પાસે ગઈ અને કહ્યું: “યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી કે અમારા પિતાના ભાઈઓ સાથે અમને પણ વારસો આપવામાં આવે.”+ એટલે યહોવાના હુકમ પ્રમાણે તેઓને પોતાના પિતાના ભાઈઓ સાથે વારસો આપવામાં આવ્યો.+ ૫  યર્દનની પેલી તરફ* આવેલા ગિલયાદ અને બાશાનના વિસ્તાર ઉપરાંત, મનાશ્શાને વારસામાં જમીનના દસ હિસ્સા મળ્યા,+ ૬  કારણ કે મનાશ્શાના દીકરાઓ સાથે તેની દીકરીઓને પણ વારસો મળ્યો હતો. ગિલયાદનો વિસ્તાર મનાશ્શાના બાકીના વંશજોની માલિકીનો બન્યો. ૭  મનાશ્શાની હદ આશેરથી મિખ્મથાથ સુધી હતી,+ જે શખેમની+ સામે આવેલું છે. એ હદ આગળ દક્ષિણ તરફ* એન-તાપ્પૂઆહના લોકોના વિસ્તાર સુધી હતી. ૮  તાપ્પૂઆહનો+ વિસ્તાર મનાશ્શાનો થયો, પણ મનાશ્શાની સરહદે આવેલું તાપ્પૂઆહ શહેર એફ્રાઈમના વંશજોનું થયું. ૯  એ હદ નીચે કાનાહના વહેળા સુધી દક્ષિણે જતી હતી. મનાશ્શાનાં શહેરો વચ્ચે એફ્રાઈમનાં શહેરો પણ હતાં+ અને મનાશ્શાની હદ વહેળાની ઉત્તર તરફ હતી. એ હદ મોટા સમુદ્ર પાસે પૂરી થતી હતી.+ ૧૦  દક્ષિણ ભાગ એફ્રાઈમનો અને ઉત્તર ભાગ મનાશ્શાનો હતો; મનાશ્શાની હદ સમુદ્ર સુધી હતી.+ તેઓની* હદ ઉત્તરમાં આશેર સુધી અને પૂર્વમાં ઇસ્સાખાર સુધી હતી. ૧૧  ઇસ્સાખાર અને આશેરનાં આ શહેરો, એના લોકો અને એની આસપાસનાં નગરો મનાશ્શાને આપવામાં આવ્યાં: બેથ-શેઆન, યિબ્લઆમ,+ દોર,+ એન-દોર,+ તાઅનાખ+ અને મગિદ્દો. એમાંના ત્રણ પહાડી વિસ્તારો તેના હતા. ૧૨  પણ મનાશ્શાના વંશજો એ શહેરો પર કબજો કરી શક્યા નહિ. કનાનીઓ હઠીલા બનીને એ વિસ્તારોમાં જ રહ્યા.+ ૧૩  ઇઝરાયેલીઓ બળવાન થયા ત્યારે, તેઓએ કનાનીઓને પોતાના ગુલામ બનાવ્યા,+ પણ તેઓને ત્યાંથી પૂરી રીતે હાંકી કાઢ્યા નહિ.+ ૧૪  યૂસફના વંશજોએ યહોશુઆને કહ્યું: “તમે ચિઠ્ઠીઓ નાખીને અમને* વારસા તરીકે જમીનનો એક જ હિસ્સો કેમ આપ્યો?+ યહોવાએ આપેલા આશીર્વાદને લીધે અમે ઘણા લોકો છીએ.”+ ૧૫  યહોશુઆએ તેઓને જવાબ આપ્યો: “જો તમે ઘણા લોકો હોવ અને એફ્રાઈમનો પહાડી વિસ્તાર+ તમારા માટે પૂરતો ન હોય, તો પરિઝ્ઝીઓ+ તથા રફાઈઓના+ વિસ્તારમાં જાઓ અને જંગલ કાપીને ત્યાં તમારા રહેવા માટે જગ્યા કરો.” ૧૬  તેઓએ કહ્યું: “પહાડી વિસ્તાર અમારા માટે પૂરતો નથી. નીચાણ પ્રદેશના વિસ્તારમાં રહેતા બધા કનાનીઓ પાસે, એટલે કે બેથ-શેઆન+ અને એની આસપાસનાં નગરો પાસે તેમજ યિઝ્રએલની ખીણના+ વિસ્તારના કનાનીઓ પાસે યુદ્ધના એવા રથો*+ છે, જેનાં પૈડાંમાં તલવારો લાગેલી છે.” ૧૭  યહોશુઆએ યૂસફના ઘરનાને, એફ્રાઈમ અને મનાશ્શાને કહ્યું: “તમે ઘણા લોકો છો અને ખૂબ બળવાન છો. તમને ફક્ત એક જ હિસ્સો નહિ,+ ૧૮  પહાડી વિસ્તાર પણ મળશે.+ એ જંગલ હોવા છતાં તમે એને કાપી નાખશો અને તમારી હદ ત્યાં સુધી ફેલાશે. ભલે કનાનીઓ શક્તિશાળી છે અને તેઓ પાસે યુદ્ધના એવા રથો* છે, જેનાં પૈડાંમાં તલવારો લાગેલી છે, તોપણ તમે તેઓને જરૂર હાંકી કાઢશો.”+

ફૂટનોટ

એટલે કે, પૂર્વ તરફ.
મૂળ, “જમણી તરફ.”
એટલે કે, મનાશ્શાના લોકો અથવા મનાશ્શાનો વિસ્તાર.
મૂળ, “મને.”
મૂળ, “લોઢાના રથો.”
મૂળ, “લોઢાના રથો.”