યહોશુઆ ૨:૧-૨૪

  • યહોશુઆ બે જાસૂસોને યરીખો મોકલે છે (૧-૩)

  • રાહાબ જાસૂસોને સંતાડી દે છે (૪-૭)

  • રાહાબને આપેલું વચન (૮-૨૧ક)

    • લાલ રંગના દોરડાની નિશાની (૧૮)

  • જાસૂસો યહોશુઆ પાસે પાછા આવ્યા (૨૧ખ-૨૪)

 પછી નૂનના દીકરા યહોશુઆએ ખાનગીમાં બે માણસોને શિટ્ટીમથી+ જાસૂસો તરીકે મોકલ્યા. તેણે તેઓને કહ્યું: “જાઓ અને દેશની તપાસ કરો, ખાસ કરીને યરીખોની.” તેઓ ત્યાં ગયા અને રાહાબ+ નામની વેશ્યાના ઘરે રોકાયા. ૨  યરીખોના રાજાને કોઈએ જાણ કરી: “આપણા દેશની જાસૂસી કરવા આજે રાતે ઇઝરાયેલી માણસો આવ્યા છે.” ૩  યરીખોના રાજાએ રાહાબને સંદેશો મોકલ્યો: “તારા ઘરે રોકાયેલા માણસોને બહાર કાઢ, કેમ કે તેઓ આખા દેશની જાસૂસી કરવા આવ્યા છે.” ૪  રાહાબે જાસૂસોને સંતાડી દીધા. તેણે કહ્યું: “હા, અહીં માણસો આવ્યા હતા, પણ મને ખબર ન હતી કે તેઓ ક્યાંના હતા. ૫  જ્યારે અંધારું થયું અને શહેરનો દરવાજો બંધ થવાની તૈયારીમાં હતો, ત્યારે તેઓ બહાર જતા રહ્યા. મને ખબર નથી કે તેઓ ક્યાં ગયા. જો તમે હમણાં જ તેઓનો પીછો કરશો, તો તેઓને પકડી પાડશો.” ૬  (તેણે જાસૂસોને ધાબા પર શણના ઢગલા નીચે સંતાડી દીધા હતા.) ૭  રાજાના માણસો તેઓને પકડવા યર્દન નદીના ઘાટ તરફ ગયા.+ રાજાના માણસો બહાર ગયા પછી શહેરનો દરવાજો બંધ કરવામાં આવ્યો. ૮  બંને જાસૂસો ઊંઘી જાય એ પહેલાં, રાહાબ તેઓ પાસે ધાબા પર ગઈ. ૯  તેણે તેઓને કહ્યું: “મને ખબર છે કે યહોવા તમને આ દેશ જરૂર આપશે.+ અમારા પર તમારો ડર છવાઈ ગયો છે.+ દેશના બધા રહેવાસીઓ તમારે લીધે થરથર કાંપે છે.+ ૧૦  અમે સાંભળ્યું છે કે તમે ઇજિપ્ત* છોડ્યું ત્યારે, યહોવાએ લાલ સમુદ્રનું પાણી સૂકવી નાખ્યું હતું.+ અમે એ પણ સાંભળ્યું છે કે યર્દનની પેલી તરફ* અમોરીઓના બે રાજાઓ, સીહોન+ અને ઓગના+ તમે બૂરા હાલ કર્યા હતા અને તેઓનો પૂરેપૂરો વિનાશ કર્યો હતો. ૧૧  અમે એ સાંભળ્યું ત્યારે અમારા હાંજા ગગડી ગયા. તમારા લીધે કોઈનામાં હિંમત ન રહી, કેમ કે તમારા ઈશ્વર યહોવા, સ્વર્ગ અને પૃથ્વીના ઈશ્વર છે.+ ૧૨  હવે યહોવા આગળ સમ ખાઓ કે જેમ મેં તમારા પર કૃપા કરી છે,* તેમ તમે પણ મારા પિતાના ઘરના લોકો પર કૃપા કરશો. મને એની ખાતરી થાય એવી કોઈ નિશાની આપો. ૧૩  તમે મારાં માતા-પિતા, મારાં ભાઈ-બહેનો અને તેઓનાં ઘરના બધાનાં જીવન બચાવજો અને અમને મોતથી ઉગારી લેજો.”+ ૧૪  જાસૂસોએ રાહાબને કહ્યું: “જો અમે વચન ન પાળીએ, તો ઈશ્વર અમને મારી નાખો! તું અમારી યોજના વિશે કોઈને નહિ કહે તો, યહોવા અમને આ દેશ આપે ત્યારે અમે તારા પર કૃપા કરીને* વફાદારી બતાવીશું.” ૧૫  રાહાબે તેઓને બારીમાંથી દોરડાં વડે નીચે ઉતાર્યા, કેમ કે તેનું ઘર શહેરની દીવાલને અડીને હતું. તે જે ઘરમાં રહેતી હતી એ દીવાલ પર બનેલું હતું.+ ૧૬  તેણે તેઓને કહ્યું: “પહાડી વિસ્તારમાં નાસી જાઓ અને ત્રણ દિવસ સુધી છુપાઈ રહો, જેથી તમારો પીછો કરનારા તમને શોધી ન શકે. તેઓ પાછા ફરે પછી તમે તમારે રસ્તે જજો.” ૧૭  જાસૂસોએ તેને કહ્યું: “તેં અમને જે સમ ખવડાવ્યા છે એનાથી અમે બંધાયેલા છીએ.+ ૧૮  પણ એક શરત છે: અમે દેશમાં આવીએ ત્યારે, આ લાલ રંગનું દોરડું તું બારીએ બાંધી રાખજે, જેના વડે તું અમને નીચે ઉતારે છે. તારાં માતા-પિતા, ભાઈ-બહેનો અને તારા પિતાના ઘરના સર્વને તારી સાથે ઘરમાં રાખજે.+ ૧૯  જો તારા ઘરનું કોઈ દરવાજાની બહાર નીકળે, તો તેનું લોહી તેને માથે અને અમે નિર્દોષ રહીશું. પણ જો કોઈ તારી સાથે તારા ઘરમાં હોય અને તેને નુકસાન પહોંચે, તો તેનું લોહી અમારે માથે. ૨૦  જો તું અમારી યોજના કોઈને જણાવીશ,+ તો તેં ખવડાવેલા સમથી અમે મુક્ત થઈશું.” ૨૧  રાહાબે કહ્યું: “તમારા કહેવા પ્રમાણે થાઓ.” એમ કહીને તેણે જાસૂસોને વિદાય કર્યા અને તેઓ પોતાને રસ્તે ગયા. પછી તેણે લાલ રંગનું દોરડું બારીએ બાંધ્યું. ૨૨  જાસૂસો ત્યાંથી નીકળી ગયા અને જ્યાં સુધી પીછો કરનારા માણસો પાછા ન ફર્યા, ત્યાં સુધી પહાડી વિસ્તારમાં જઈને ત્રણ દિવસ રહ્યા. પીછો કરનારા માણસો એ જાસૂસોને બધા રસ્તે શોધી વળ્યા, પણ તેઓ ન મળ્યા. ૨૩  પછી એ બે જાસૂસો પહાડી વિસ્તારમાંથી નીચે ઊતર્યા અને નદી પાર કરીને નૂનના દીકરા યહોશુઆ પાસે આવ્યા. જે બન્યું હતું, એ બધું જ તેઓએ તેને જણાવ્યું. ૨૪  તેઓએ યહોશુઆને કહ્યું: “યહોવાએ આખો દેશ આપણા હાથમાં સોંપ્યો છે.+ અરે, એ દેશના બધા રહેવાસીઓ આપણાથી થરથર કાંપે છે.”+

ફૂટનોટ

એટલે કે, પૂર્વ તરફ.
અથવા, “મિસર.”
અથવા, “અતૂટ પ્રેમ બતાવ્યો છે.”
અથવા, “અતૂટ પ્રેમ બતાવીને.”