યહોશુઆ ૨૩:૧-૧૬

  • ઇઝરાયેલના આગેવાનોને યહોશુઆના છેલ્લા શબ્દો (૧-૧૬)

    • યહોવાનું એકેય વચન નિષ્ફળ ગયું નથી (૧૪)

૨૩  યહોવાએ ઇઝરાયેલને ચારે તરફના બધા દુશ્મનોથી શાંતિ આપી+ એને હવે ઘણા દિવસો વીતી ગયા હતા. યહોશુઆ વૃદ્ધ અને મોટી ઉંમરનો થયો હતો.+ ૨  યહોશુઆએ બધા ઇઝરાયેલીઓ, તેઓના વડીલો, આગેવાનો, ન્યાયાધીશો અને અધિકારીઓને+ બોલાવીને+ કહ્યું: “હવે હું ઘરડો થઈ ગયો છું; મારી ઉંમર ઘણી થઈ છે. ૩  તમે પોતે જોયું છે કે યહોવા તમારા ઈશ્વરે આ બધી પ્રજાઓના કેવા હાલ કર્યા છે. હકીકતમાં તમારા ઈશ્વર યહોવા તમારા માટે લડતા હતા.+ ૪  જુઓ, યર્દનથી લઈને પશ્ચિમમાં* છેક મોટા સમુદ્ર* સુધીનો વિસ્તાર, મેં તમારાં કુળોને વારસામાં આપ્યો છે.*+ એટલે કે, જે બધી પ્રજાઓને મેં મિટાવી દીધી છે+ તેઓનો વિસ્તાર અને હજી જે લોકો બાકી રહ્યા છે તેઓનો વિસ્તાર. ૫  યહોવા તમારા ઈશ્વરે તમારી આગળથી તેઓને હાંકી કાઢ્યા+ અને તમારા માટે તેઓ પાસેથી દેશનો કબજો લઈ લીધો. યહોવા તમારા ઈશ્વરે તમને આપેલા વચન પ્રમાણે, તમે તેઓનો દેશ કબજે કર્યો છે.+ ૬  “મૂસાના નિયમશાસ્ત્રમાં જે જે લખ્યું છે, એ પાળવા અને એ પ્રમાણે જીવવા માટે હિંમત રાખજો.+ એમાંથી કદી પણ જમણે કે ડાબે ફરતા નહિ.+ ૭  તમારી સાથે રહેતી બીજી પ્રજાઓના લોકો સાથે તમારે ક્યારેય હળવું-મળવું નહિ.+ તમારે તેઓના દેવોનાં નામ ન લેવા,+ તેઓના સમ ન ખાવા, તેઓની ભક્તિ ન કરવી અને નમન પણ ન કરવું.+ ૮  પણ આજ સુધી તમે કરતા આવ્યા છો તેમ, તમારા ઈશ્વર યહોવાને વળગી રહેજો.+ ૯  યહોવા તમારી આગળથી મોટી અને શક્તિશાળી પ્રજાઓને હાંકી કાઢશે,+ જેમ આજ સુધી તેમણે કર્યું છે. એટલે તમારી સામે કોઈ માણસ ટકી શક્યો નથી.+ ૧૦  તમારામાંનો એક માણસ તેઓના હજારને નસાડી મૂકશે,+ કેમ કે યહોવા તમારા ઈશ્વરે વચન આપ્યા પ્રમાણે+ તે પોતે તમારા માટે લડે છે.+ ૧૧  હંમેશાં આ વાતનું ધ્યાન રાખજો+ કે તમે તમારા ઈશ્વર યહોવાને પ્રેમ કરતા રહો.+ ૧૨  “જો તમે ઈશ્વરથી ફરી જશો, બાકી રહી ગયેલી પ્રજાઓ+ સાથે ભળી જશો, તેઓ સાથે લગ્‍નસંબંધ બાંધશો+ અને હળશો-મળશો, ૧૩  તો નક્કી જાણજો કે યહોવા તમારા ઈશ્વર, એ પ્રજાઓને તમારી આગળથી હાંકી કાઢશે નહિ.+ યહોવા તમારા ઈશ્વરે આપેલા આ દેશમાંથી તમારો નાશ ન થાય ત્યાં સુધી, તેઓ તમારા માટે ફાંદો અને જાળ બની જશે.+ તેઓ તમને પીઠ પર ચાબુક જેવા અને આંખમાં કણા જેવા થઈ પડશે. ૧૪  “જુઓ, હું મરવાની અણીએ છું. તમે સારી રીતે* જાણો છો કે યહોવા તમારા ઈશ્વરે જે જે વચનો તમને આપ્યાં હતાં, એમાંનું એકેય નિષ્ફળ ગયું નથી. એ બધાં જ પૂરાં થયાં છે, એક પણ રહી ગયું નથી.+ ૧૫  યહોવા તમારા ઈશ્વરે આપેલાં બધાં સારાં વચનો તેમણે પૂરાં કર્યાં છે.+ એ જ રીતે યહોવાએ જે બધી આફતો લાવવા વિશે કહ્યું હતું, એ પણ તમારા પર લાવી શકે છે. તમારા ઈશ્વર યહોવાએ આપેલા આ સારા દેશમાંથી તમારો નાશ કરી શકે છે.+ ૧૬  તમારા ઈશ્વર યહોવાએ જે કરાર પાળવાની આજ્ઞા આપી હતી, એ જો તમે તોડશો અને બીજા દેવોને ભજીને તેઓને નમન કરશો, તો યહોવાનો કોપ તમારા પર સળગી ઊઠશે.+ તેમણે આપેલા સારા દેશમાંથી તે તમારો જલદી જ વિનાશ કરી નાખશે.”+

ફૂટનોટ

અથવા, “ચિઠ્ઠીઓ નાખીને વહેંચી આપ્યો છે.”
એટલે કે, ભૂમધ્ય સમુદ્ર.
અથવા, “સૂર્યાસ્ત તરફ.”
મૂળ, “પૂરા દિલથી અને પૂરા જીવથી.”