યહોશુઆ ૩:૧-૧૭

  • ઇઝરાયેલીઓ યર્દન પાર કરે છે (૧-૧૭)

 યહોશુઆ વહેલી સવારે ઊઠ્યો. તે અને બધા ઇઝરાયેલીઓ* શિટ્ટીમથી+ નીકળીને યર્દન નદીએ આવ્યા. એ પાર કરતા પહેલાં તેઓએ ત્યાં રાત વિતાવી. ૨  ત્રણ દિવસ પછી અધિકારીઓ+ આખી છાવણીમાં ફરી વળ્યા ૩  અને લોકોને આજ્ઞા આપી: “જ્યારે તમે જુઓ કે લેવી યાજકોએ* તમારા ઈશ્વર યહોવાનો કરારકોશ* ઊંચક્યો છે,+ ત્યારે તમે તરત જ પોતાની જગ્યા છોડીને એની પાછળ પાછળ જજો. ૪  એનાથી તમને ખબર પડશે કે કયા માર્ગે જવાનું છે, કેમ કે એ માર્ગે તમે અગાઉ ગયા નથી. પણ કરારકોશથી આશરે ૨,૦૦૦ હાથ* દૂર રહેજો, એનાથી નજીક ન જશો.” ૫  યહોશુઆએ લોકોને કહ્યું: “તમે શુદ્ધ થાઓ,+ કેમ કે કાલે યહોવા તમારી વચ્ચે અદ્‍ભુત કામો કરશે.”+ ૬  યહોશુઆએ યાજકોને કહ્યું: “કરારકોશ ઊંચકીને+ લોકોની આગળ ચાલો.” તેઓએ કરારકોશ ઊંચક્યો અને લોકોની આગળ આગળ ચાલવા લાગ્યા. ૭  પછી યહોવાએ યહોશુઆને કહ્યું: “આજથી હું તને સર્વ ઇઝરાયેલીઓની નજરમાં મોટો મનાવીશ.+ એનાથી તેઓ જાણશે કે જેમ હું મૂસા સાથે હતો,+ તેમ તારી સાથે પણ છું.+ ૮  કરારકોશ ઊંચકતા યાજકોને તું આ આજ્ઞા આપ: ‘તમે યર્દન પાસે પહોંચીને એના પાણીમાં ઊભા રહો.’”+ ૯  યહોશુઆએ ઇઝરાયેલીઓને કહ્યું: “આવો અને તમારા ઈશ્વર યહોવાનાં વચનો ધ્યાનથી સાંભળો.” ૧૦  તેણે આગળ કહ્યું: “આ બનાવો પરથી તમને ખાતરી થશે કે જીવતા ઈશ્વર તમારી મધ્યે છે+ અને તે કનાનીઓને, હિત્તીઓને, હિવ્વીઓને, પરિઝ્ઝીઓને, ગિર્ગાશીઓને, અમોરીઓને અને યબૂસીઓને તમારી આગળથી ચોક્કસ હાંકી કાઢશે.+ ૧૧  જુઓ! આખી પૃથ્વીના માલિકનો કરારકોશ તમારી આગળ યર્દનમાં જઈ રહ્યો છે. ૧૨  તમે ઇઝરાયેલનાં કુળોમાંથી ૧૨ માણસો લો, દરેક કુળમાંથી એક માણસ.+ ૧૩  આખી પૃથ્વીના પ્રભુ યહોવાનો કરારકોશ ઊંચકનારા યાજકોના પગ જેવા યર્દનના પાણીને અડશે કે તરત ઉપરથી વહેતું પાણી અટકી જશે અને એ દીવાલની* જેમ થંભી જશે.”+ ૧૪  જ્યારે લોકો યર્દન પાર કરવા પોતાના તંબુઓમાંથી નીકળ્યા, ત્યારે કરારકોશ ઊંચકનારા યાજકો+ તેઓની આગળ ચાલી નીકળ્યા. ૧૫  કરારકોશ ઊંચકનારા યાજકો યર્દન પાસે પહોંચ્યા (હવે કાપણીના સર્વ દિવસોમાં યર્દનના બંને કાંઠા પાણીથી છલકાતા હતા).+ તેઓએ પોતાના પગ પાણીમાં મૂક્યા કે તરત ૧૬  ઉપરથી વહેતું પાણી અટકી ગયું. એ પાણી દૂર આદમ શહેર આગળ, સારથાન પાસે દીવાલની* જેમ થંભી ગયું. બાકીનું પાણી અરાબાહ સમુદ્રમાં, એટલે કે ખારા સમુદ્રમાં* વહી ગયું. આમ નદીનું પાણી અટકી ગયું અને લોકો એને પાર કરીને યરીખો પાસે ગયા. ૧૭  બધા ઇઝરાયેલીઓએ નદી પાર કરી લીધી ત્યાં સુધી, યહોવાનો કરારકોશ ઊંચકનારા યાજકો યર્દનની વચ્ચોવચ કોરી જમીન પર ઊભા રહ્યા.+ તેઓ બધાએ યર્દન નદી પાર કરી.+

ફૂટનોટ

મૂળ, “ઇઝરાયેલના દીકરાઓ.”
આશરે ૮૯૦ મી. (૨,૯૨૦ ફૂટ). વધારે માહિતી ખ-૧૪ જુઓ.
અથવા, “બંધની.”
અથવા, “બંધની.”
એટલે કે, મૃત સરોવર.