યહોશુઆ ૪:૧-૨૪
-
નિશાની તરીકે પથ્થરો (૧-૨૪)
૪ આખી પ્રજાએ યર્દન પાર કરી લીધી કે તરત યહોવાએ યહોશુઆને કહ્યું:
૨ “લોકોમાંથી ૧૨ માણસો લે, દરેક કુળમાંથી એક માણસ.+
૩ તેઓને આજ્ઞા કર: ‘યર્દન નદીની વચ્ચોવચ જ્યાં યાજકો ઊભા છે,+ ત્યાંથી ૧૨ પથ્થરો ઉપાડીને પોતાની સાથે લો અને જે જગ્યાએ તમે રાત વિતાવો ત્યાં મૂકો.’”+
૪ એટલે યહોશુઆએ ૧૨ માણસો બોલાવ્યા, જેઓને તેણે ઇઝરાયેલના દરેક કુળમાંથી પસંદ કર્યા હતા.
૫ યહોશુઆએ તેઓને કહ્યું: “તમારા ઈશ્વર યહોવાના કરારકોશની આગળ યર્દનની વચ્ચોવચ જાઓ. ઇઝરાયેલનાં કુળોની ગણતરી પ્રમાણે તમારે દરેકે પોતાના ખભા પર એક એક પથ્થર ઊંચકી લાવવો.
૬ એ પથ્થરો તમારા માટે નિશાની થશે. આગળ જતાં, જ્યારે તમારાં બાળકો* પૂછે કે ‘આ પથ્થરો અહીં કેમ મૂક્યા છે?’+
૭ ત્યારે તમારે કહેવું: ‘યહોવાનો કરારકોશ યર્દન નદીમાંથી લઈ જવામાં આવ્યો ત્યારે, યર્દનનું વહેતું પાણી અટકી ગયું હતું.+ આ પથ્થરો ઇઝરાયેલના લોકોને કાયમ એની યાદ અપાવવા માટે છે.’”+
૮ ઇઝરાયેલીઓએ યહોશુઆના કહેવા પ્રમાણે જ કર્યું. યહોવાએ યહોશુઆને જણાવ્યું હતું તેમ, તેઓએ ઇઝરાયેલનાં કુળોની ગણતરી પ્રમાણે યર્દનની વચ્ચેથી ૧૨ પથ્થરો લીધા અને જ્યાં રાત રોકાવાના હતા ત્યાં મૂક્યા.
૯ યહોશુઆએ પણ યર્દનની વચ્ચોવચ ૧૨ પથ્થરો ઊભા કર્યા, જ્યાં યાજકો કરારકોશ ઊંચકીને ઊભા હતા.+ એ પથ્થરો આજે પણ ત્યાં જ છે.
૧૦ યહોવાએ યહોશુઆને જે આજ્ઞા આપી હતી અને જે વિશે મૂસાએ યહોશુઆને કહ્યું હતું, એ પ્રમાણે લોકો નદી પાર કરી લે ત્યાં સુધી કરારકોશ ઊંચકનારા યાજકો યર્દનની વચ્ચોવચ ઊભા રહ્યા. એ દરમિયાન લોકોએ ઉતાવળે નદી પાર કરી.
૧૧ લોકોએ નદી પાર કરી લીધી કે તરત તેઓના દેખતા યાજકોએ પણ યહોવાના કરારકોશ સાથે નદી પાર કરી.+
૧૨ મૂસાએ કહ્યું હતું તેમ+ રૂબેનીઓએ, ગાદીઓએ અને મનાશ્શાના અડધા કુળે સૈનિકોની જેમ ટુકડીઓ બનાવી+ અને તેઓએ બીજા ઇઝરાયેલીઓ પહેલાં નદી પાર કરી.
૧૩ યુદ્ધ માટે તૈયાર આશરે ૪૦,૦૦૦ સૈનિકો યહોવાની આગળ નદી પાર કરીને યરીખોના ઉજ્જડ પ્રદેશમાં પહોંચ્યા.
૧૪ યહોવાએ એ દિવસે યહોશુઆને સર્વ ઇઝરાયેલીઓની નજરમાં મોટો કર્યો.+ જેમ ઇઝરાયેલીઓએ મૂસાને માન આપ્યું હતું,+ તેમ યહોશુઆ જીવ્યો ત્યાં સુધી તેને પણ ઊંડું માન આપ્યું.
૧૫ પછી યહોવાએ યહોશુઆને કહ્યું:
૧૬ “સાક્ષીકોશ* ઊંચકનારા યાજકોને આજ્ઞા કર+ કે તેઓ યર્દનમાંથી બહાર નીકળી આવે.”
૧૭ એટલે યહોશુઆએ યાજકોને આજ્ઞા કરી: “યર્દનમાંથી બહાર નીકળી આવો.”
૧૮ યહોવાનો કરારકોશ ઊંચકનારા યાજકો+ યર્દનની વચ્ચેથી બહાર નીકળી આવ્યા. જેવા તેઓના પગ કિનારા પર પડ્યા કે તરત યર્દનનું પાણી ફરીથી વહેવા લાગ્યું અને અગાઉની જેમ નદી બંને કાંઠે છલકાવા લાગી.+
૧૯ પહેલા મહિનાના દસમા દિવસે લોકો યર્દન પાર કરીને બહાર નીકળી આવ્યા. તેઓએ યરીખોની પૂર્વ તરફની સરહદે, ગિલ્ગાલમાં છાવણી કરી.+
૨૦ તેઓ યર્દનમાંથી જે ૧૨ પથ્થરો લાવ્યા હતા, એ યહોશુઆએ ગિલ્ગાલમાં ઊભા કર્યા.+
૨૧ પછી તેણે ઇઝરાયેલીઓને કહ્યું: “ભવિષ્યમાં જ્યારે તમારાં બાળકો તમને પૂછે કે ‘એ પથ્થરો કેમ અહીં છે?’+
૨૨ ત્યારે તમારે તેઓને સમજાવવું: ‘ઇઝરાયેલીઓએ કોરી જમીન પર ચાલીને યર્દન પાર કરી હતી.+
૨૩ તેઓ યર્દન પાર કરે ત્યાં સુધી, તમારા ઈશ્વર યહોવાએ એનું પાણી સૂકવી નાખ્યું હતું. એ અગાઉ પણ ઈશ્વરે એવું કર્યું હતું. ઇઝરાયેલીઓ લાલ સમુદ્ર પાર કરી લે ત્યાં સુધી, તમારા ઈશ્વર યહોવાએ એનું પાણી સૂકવી નાખ્યું હતું.+
૨૪ તેમણે એટલા માટે એવું કર્યું, જેથી આખી પૃથ્વીના લોકો જાણે કે યહોવાનો હાથ કેટલો બળવાન છે+ અને તમે હંમેશાં તમારા ઈશ્વર યહોવાનો ડર રાખો.’”