યહોશુઆ ૭:૧-૨૬

  • આયમાં ઇઝરાયેલની હાર (૧-૫)

  • યહોશુઆની પ્રાર્થના (૬-૯)

  • ઇઝરાયેલની હારનું કારણ પાપ (૧૦-૧૫)

  • આખાન પકડાયો અને પથ્થરે માર્યો ગયો (૧૬-૨૬)

 ઇઝરાયેલીઓએ વિનાશને લાયક વસ્તુઓ વિશે આપેલી આજ્ઞા પાળી નહિ અને અપરાધ કર્યો. યહૂદા કુળના એક માણસ આખાને+ વિનાશ કરવાની વસ્તુઓમાંથી અમુક લઈ લીધી.+ એના લીધે યહોવાનો કોપ ઇઝરાયેલીઓ પર સળગી ઊઠ્યો.+ આખાન કાર્મીનો દીકરો હતો, કાર્મી ઝાબ્દીનો અને ઝાબ્દી ઝેરાહનો દીકરો હતો. ૨  પછી યહોશુઆએ યરીખોથી આય+ શહેર જવા માણસો મોકલ્યા. એ બેથ-આવેનની નજીક અને બેથેલની+ પૂર્વ તરફ હતું. યહોશુઆએ તેઓને કહ્યું: “જાઓ, દેશની જાસૂસી કરો.” એટલે એ માણસો આયની જાસૂસી કરવા ગયા. ૩  તેઓએ પાછા ફરીને યહોશુઆને જણાવ્યું: “આખા લશ્કરે ત્યાં જવાની જરૂર નથી. આયને હરાવવા આશરે બે કે ત્રણ હજાર સૈનિકો પૂરતા છે. ત્યાં ઘણા ઓછા લોકો હોવાથી, બધા સૈનિકોને લઈ જઈને થકવી દેવાની જરૂર નથી.” ૪  એટલે આશરે ૩,૦૦૦ સૈનિકો ત્યાં ગયા, પણ તેઓએ આયના માણસો આગળથી નાસવું પડ્યું.+ ૫  આયના માણસોએ ઇઝરાયેલના ૩૬ સૈનિકોને મારી નાખ્યા અને શહેરના દરવાજાથી છેક શબારીમ* સુધી ઇઝરાયેલીઓનો પીછો કર્યો. તેઓએ ઢોળાવ સુધી તેઓનો સંહાર કર્યો. તેથી ઇઝરાયેલી લોકોનાં હૃદય કાંપી ઊઠ્યાં અને તેઓમાં જરાય હિંમત ન રહી.* ૬  એ સાંભળીને યહોશુઆ અને ઇઝરાયેલના વડીલોએ પોતાનાં કપડાં ફાડ્યાં અને યહોવાના કરારકોશ આગળ સાંજ સુધી માથું નમાવીને પડી રહ્યા. તેઓ પોતાનાં માથાં પર ધૂળ નાખતા રહ્યા. ૭  યહોશુઆએ કહ્યું: “ઓ વિશ્વના માલિક* યહોવા, શું તમે આ લોકોને યર્દન પાર કરાવીને અમોરીઓના હાથે વિનાશ કરવા લાવ્યા છો? અમે યર્દનની સામેની તરફ* રહેવામાં સંતોષ માન્યો હોત તો સારું થાત! ૮  માફ કરજો યહોવા, પણ ઇઝરાયેલીઓ જે રીતે પોતાના દુશ્મનો સામેથી નાસી છૂટ્યા,* એ વિશે હું બીજું શું કહું? ૯  કનાનીઓ અને દેશના બીજા રહેવાસીઓ એ સાંભળશે ત્યારે, તેઓ અમને ઘેરી વળશે અને પૃથ્વી પરથી અમારું નામનિશાન મિટાવી દેશે. પછી, તમારા મહાન નામનું શું થશે?”+ ૧૦  યહોવાએ યહોશુઆને કહ્યું: “ઊભો થા! તું શા માટે માથું નમાવીને પડ્યો છે? ૧૧  ઇઝરાયેલે પાપ કર્યું છે. તેઓએ મારો કરાર* તોડીને મારી આજ્ઞા પાળી નથી.+ વિનાશને લાયક વસ્તુઓમાંથી+ અમુક ચોરી લઈને,+ તેઓએ એને પોતાના સામાનમાં સંતાડી દીધી છે.+ ૧૨  તેથી ઇઝરાયેલીઓ પોતાના દુશ્મનો સામે ટકી શકશે નહિ. તેઓ દુશ્મનો સામે પીઠ ફેરવીને ભાગી છૂટશે, કેમ કે તેઓ પોતે વિનાશને લાયક ઠર્યા છે. વિનાશને લાયક વસ્તુઓનો તમારી વચ્ચેથી તું પૂરેપૂરો નાશ નહિ કરે, ત્યાં સુધી હું અગાઉની જેમ તને સાથ આપીશ નહિ.+ ૧૩  ઊભો થા અને લોકોને શુદ્ધ કર!+ તેઓને કહે, ‘કાલ માટે પોતાને શુદ્ધ કરજો, કેમ કે ઇઝરાયેલનો ઈશ્વર યહોવા આમ કહે છે: “ઓ ઇઝરાયેલીઓ, વિનાશને લાયક વસ્તુઓ તમારી વચ્ચે છે. જ્યાં સુધી એને તમારી વચ્ચેથી કાઢી નહિ નાખો, ત્યાં સુધી તમે દુશ્મનો સામે ટકી શકશો નહિ. ૧૪  તમારે પોતપોતાનાં કુળ પ્રમાણે કાલે સવારે હાજર થવું. એમાંથી યહોવા જે કુળ પસંદ કરે,+ એ આગળ આવે. એમાંથી યહોવા જે કુટુંબ પસંદ કરે, એ આગળ આવે. એમાંથી યહોવા જે ઘર પસંદ કરે, એ આગળ આવે. એ ઘરના બધા પુરુષો એક પછી એક આગળ આવે. ૧૫  જેની પાસેથી વિનાશને લાયક વસ્તુઓ મળી આવશે, તેને અને તેનું જે કંઈ છે એ બધું જ બાળીને ભસ્મ કરી નાખવામાં આવશે.+ તેણે યહોવાનો કરાર તોડ્યો છે+ ને ઇઝરાયેલમાં શરમજનક કામ કર્યું છે.”’” ૧૬  બીજા દિવસે યહોશુઆ વહેલી સવારે ઊઠ્યો. તેણે ઇઝરાયેલને પોતપોતાનાં કુળ પ્રમાણે આગળ આવવા કહ્યું અને યહૂદાનું કુળ પકડાયું. ૧૭  પછી તેણે યહૂદાનાં કુટુંબોને આગળ આવવા કહ્યું અને એમાંથી ઝેરાહીઓનું કુટુંબ+ પકડાયું. તેણે ઝેરાહીઓના કુટુંબમાંથી એક એક પુરુષને આગળ આવવા કહ્યું અને ઝાબ્દી પકડાયો. ૧૮  આખરે તેણે ઝાબ્દીના ઘરમાંથી એક એક પુરુષને આગળ આવવા કહ્યું. યહૂદા કુળનો આખાન પકડાયો, જે કાર્મીનો દીકરો, કાર્મી ઝાબ્દીનો અને ઝાબ્દી ઝેરાહનો દીકરો હતો.+ ૧૯  યહોશુઆએ આખાનને કહ્યું: “મારા દીકરા, કૃપા કરીને ઇઝરાયેલના ઈશ્વર યહોવાને મહિમા આપ અને તેમની આગળ પાપ કબૂલ કર. કૃપા કરીને મને જણાવ કે તેં શું કર્યું છે. મારાથી કંઈ છુપાવીશ નહિ.” ૨૦  આખાને યહોશુઆને કહ્યું: “હકીકતમાં મેં ઇઝરાયેલના ઈશ્વર યહોવા વિરુદ્ધ પાપ કર્યું છે. મેં આમ કર્યું છે: ૨૧  મેં લૂંટની વસ્તુઓમાં શિનઆરનો+ સારો દેખાતો કીમતી પોશાક, ૨૦૦ શેકેલ* ચાંદી અને ૫૦ શેકેલ વજનની સોનાની લગડી જોઈ. મને એની લાલચ જાગી અને એ બધું મેં લઈ લીધું. એ બધું મારા તંબુમાં જમીન નીચે દાટેલું છે અને સૌથી નીચે સોના-ચાંદી છે.” ૨૨  યહોશુઆએ તરત માણસો મોકલ્યા અને તેઓ આખાનના તંબુમાં દોડી ગયા. તંબુમાં પોશાક સંતાડેલો હતો અને એની નીચે સોના-ચાંદી હતાં. ૨૩  એ વસ્તુઓ તંબુની બહાર કાઢીને તેઓ યહોશુઆ અને બધા ઇઝરાયેલીઓની પાસે લાવ્યા. તેઓએ એ યહોવા આગળ મૂકી. ૨૪  યહોશુઆ અને બધા ઇઝરાયેલીઓ ઝેરાહના દીકરા આખાનને,+ તેણે ચોરેલાં ચાંદી, કીમતી પોશાક, સોનાની લગડી+ તેમજ તેનાં દીકરા-દીકરીઓ, બળદો, ગધેડાં, ઢોરઢાંક, તેનો તંબુ અને તેની બધી જ વસ્તુઓ સાથે આખોરની ખીણ*+ પાસે લાવ્યા. ૨૫  યહોશુઆએ કહ્યું: “તું અમારા પર કેમ આફત લાવ્યો?+ આજે યહોવા તારા પર આફત લાવશે.” ઇઝરાયેલીઓએ તેઓને પથ્થરે મારી નાખ્યા+ અને આગમાં બાળી નાખ્યા.+ આમ ઇઝરાયેલીઓએ તેઓ બધાને પથ્થરે મારી નાખ્યા. ૨૬  તેઓએ આખાન ઉપર પથ્થરોનો મોટો ઢગલો કરી દીધો, જે આજ સુધી છે. ત્યાર પછી યહોવાનો કોપ શમી ગયો.+ એના લીધે જ એ જગ્યા આજ સુધી આખોરની* ખીણ કહેવાય છે.

ફૂટનોટ

અર્થ, “પથ્થરની ખાણો.”
અથવા, “લોકોની હિંમત પીગળીને પાણીની જેમ વહી ગઈ.”
એટલે કે, પૂર્વ તરફ.
અથવા, “પીઠ ફેરવી.”
એક શેકેલ એટલે ૧૧.૪ ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
અથવા, “નીચાણ પ્રદેશ.”
અર્થ, “આફત આવવી; કૃપા ગુમાવવી.”