યહોશુઆ ૮:૧-૩૫

  • આયની સામે યહોશુઆ છૂપા હુમલાની ગોઠવણ કરે છે (૧-૧૩)

  • આય શહેર કબજે થયું (૧૪-૨૯)

  • એબાલ પર્વત પાસે નિયમશાસ્ત્ર વંચાયું (૩૦-૩૫)

 પછી યહોવાએ યહોશુઆને કહ્યું: “ડરીશ નહિ કે ગભરાઈશ નહિ.+ તારી સાથે બધા લડવૈયા પુરુષોને લે અને આયની સામે જા. જો, મેં આયનો રાજા, તેના લોકો, તેનું શહેર અને તેનો દેશ બધું જ તારા હાથમાં સોંપી દીધું છે.+ ૨  આય અને એના રાજાના એવા હાલ કરજે, જેવા તેં યરીખો અને એના રાજાના કર્યા હતા.+ ફક્ત એ જ કે તમે એની લૂંટ અને એનાં ઢોરઢાંક પોતાના માટે લઈ લેજો. તમે હુમલો કરવા શહેર પાછળ સંતાઈ રહેજો.” ૩  એટલે યહોશુઆ અને બધા લડવૈયા પુરુષો આયની સામે લડવા ગયા. યહોશુઆએ ૩૦,૦૦૦ પરાક્રમી યોદ્ધાઓ પસંદ કર્યા અને તેઓને રાતોરાત ત્યાં મોકલી દીધા. ૪  તેણે તેઓને આ આજ્ઞા આપી: “તમે હુમલો કરવા શહેર પાછળ સંતાઈ રહેજો. શહેરથી બહુ દૂર જશો નહિ અને તમે બધા તૈયાર રહેજો. ૫  હું અને મારી સાથેના સર્વ લોકો શહેરની આગળ જઈશું. અગાઉની જેમ તેઓ અમારી સામે આવશે ત્યારે,+ અમે તેઓ આગળથી ભાગવા માંડીશું. ૬  તેઓ એવું વિચારીને અમારો પીછો કરશે કે અમે અગાઉની જેમ તેઓથી ડરીને ભાગી રહ્યા છીએ.+ તેઓને શહેરથી દૂર ન લઈ જઈએ ત્યાં સુધી અમે ભાગતા રહીશું. ૭  પછી તમે જ્યાં સંતાયેલા હોવ ત્યાંથી નીકળી આવજો અને શહેર કબજે કરી લેજો. તમારા ઈશ્વર યહોવા એ તમારા હાથમાં સોંપી દેશે. ૮  તમે શહેર પર કબજો કરી લો કે તરત એને આગ લગાડજો.+ તમારે યહોવાના કહેવા પ્રમાણે કરવું. એ મારો હુકમ છે.” ૯  યહોશુઆએ તેઓને મોકલ્યા અને તેઓ હુમલો કરવા એક જગ્યાએ સંતાઈ ગયા. તેઓ બેથેલ અને આયની વચ્ચે, એટલે કે આયની પશ્ચિમે સંતાઈ રહ્યા. પણ યહોશુઆ એ રાતે લોકો સાથે રહ્યો. ૧૦  યહોશુઆએ સવારે વહેલા ઊઠીને સૈનિકો ભેગા કર્યા. તે અને ઇઝરાયેલના વડીલો તેઓને લઈને આય શહેર ગયા. ૧૧  તેની સાથેના બધા લડવૈયા પુરુષો+ કૂચ કરીને શહેર આગળ પહોંચ્યા. તેઓએ આયની ઉત્તરે છાવણી નાખી. આય અને તેઓની વચ્ચે નીચાણ પ્રદેશ હતો. ૧૨  એ દરમિયાન, યહોશુઆએ હુમલો કરવા આયની પશ્ચિમે, બેથેલ+ અને આયની વચ્ચે આશરે ૫,૦૦૦ માણસો સંતાડી રાખ્યા હતા.+ ૧૩  લોકોએ શહેરની ઉત્તરે મુખ્ય છાવણી કરી,+ જ્યારે કે સંતાઈ રહેલા માણસો પશ્ચિમે હતા.+ યહોશુઆ એ રાતે નીચાણ પ્રદેશની* વચ્ચે ગયો. ૧૪  આયના રાજાએ એ જોયું. તરત જ તે અને શહેરના માણસો વહેલી સવારે ઇઝરાયેલ સામે લડવા ઉતાવળે એ જગ્યાએ પહોંચી ગયા, જેની સામે ઉજ્જડ પ્રદેશ હતો. પણ રાજાને ખબર ન હતી કે તેની વિરુદ્ધ હુમલો કરવા શહેરની પાછળ માણસો સંતાયેલા છે. ૧૫  આયના માણસોએ હુમલો કર્યો ત્યારે, યહોશુઆ અને બધા ઇઝરાયેલીઓ વેરાન પ્રદેશ તરફ જતાં માર્ગે ભાગવા લાગ્યા.+ ૧૬  ત્યારે શહેરના બધા લોકોને તેઓનો પીછો કરવાનું કહેવામાં આવ્યું. યહોશુઆનો પીછો કરતાં કરતાં તેઓ શહેરથી ઘણે દૂર નીકળી ગયા. ૧૭  આય અને બેથેલમાં એવો એકેય પુરુષ ન હતો, જે ઇઝરાયેલીઓ પાછળ ગયો ન હોય. તેઓએ શહેરના દરવાજા ખુલ્લા મૂકીને તેઓનો પીછો કર્યો. ૧૮  યહોવાએ હવે યહોશુઆને કહ્યું: “તારા હાથમાંનો ભાલો આય તરફ લાંબો કર,+ કેમ કે હું એ શહેર તારા હાથમાં સોંપીશ.”+ એટલે યહોશુઆએ પોતાના હાથમાંનો ભાલો આય તરફ લાંબો કર્યો. ૧૯  જેવો તેણે હાથ લાંબો કર્યો કે તરત સંતાઈ રહેલા માણસો ઉતાવળે પોતાની જગ્યાએથી નીકળી આવ્યા. તેઓએ શહેરમાં દોડી જઈને એને કબજે કર્યું અને તરત એને આગ લગાડી દીધી.+ ૨૦  આયના માણસોએ પાછળ ફરીને જોયું તો, શહેરમાંથી ધુમાડાના ગોટેગોટા આકાશમાં ચઢતા હતા. હવે તેઓ કોઈ પણ દિશામાં છટકી શકતા ન હતા. જે ઇઝરાયેલીઓ વેરાન પ્રદેશ તરફ ભાગી રહ્યા હતા, તેઓ પોતાનો પીછો કરનારા તરફ ફર્યા. ૨૧  જ્યારે યહોશુઆએ અને બધા ઇઝરાયેલીઓએ જોયું કે સંતાઈ રહેલા માણસોએ શહેર કબજે કર્યું છે અને શહેરમાંથી ધુમાડો ઊંચે ચઢી રહ્યો છે, ત્યારે તેઓ પાછા ફરીને આયના માણસો પર તૂટી પડ્યા. ૨૨  જેઓએ શહેર કબજે કર્યું હતું, તેઓ પણ હુમલો કરવા બહાર નીકળી આવ્યા. એટલે આયના માણસો ફસાઈ ગયા, અમુક ઇઝરાયેલીઓ આ તરફ અને અમુક પેલી તરફ. ઇઝરાયેલીઓએ તેઓને મારી નાખ્યા. તેઓમાંથી કોઈ છટકી શક્યું નહિ, કોઈ બચી શક્યું નહિ.+ ૨૩  પણ તેઓએ આયના રાજાને જીવતો પકડ્યો+ અને યહોશુઆ આગળ લાવ્યા. ૨૪  આયના બધા રહેવાસીઓ ઇઝરાયેલીઓનો પીછો કરતાં કરતાં વેરાન પ્રદેશ સુધી આવી પહોંચ્યા હતા. ત્યાં ઇઝરાયેલીઓએ તેઓને મારી નાખ્યા. તેઓ બધા તલવારથી માર્યા ગયા. ત્યાર બાદ બધા ઇઝરાયેલીઓ પાછા આય ગયા અને એમાંના સર્વનો તલવારથી વિનાશ કર્યો. ૨૫  એ દિવસે આયનાં જે સ્ત્રી-પુરુષો માર્યાં ગયાં, તેઓ બધાં મળીને ૧૨,૦૦૦ હતાં. ૨૬  આયના બધા રહેવાસીઓનો વિનાશ થયો નહિ ત્યાં સુધી,+ યહોશુઆએ જે હાથે ભાલો લાંબો કર્યો હતો+ એ પાછો ખેંચી લીધો નહિ. ૨૭  યહોવાએ યહોશુઆને આજ્ઞા આપી હતી એ પ્રમાણે, ઇઝરાયેલીઓએ શહેરનાં ઢોરઢાંક અને લૂંટ પોતાના માટે લઈ લીધાં.+ ૨૮  પછી યહોશુઆએ આય શહેર બાળી નાખ્યું અને હંમેશ માટે ઉજ્જડ બનાવી દીધું,+ જે આજ સુધી એમ જ છે. ૨૯  તેણે આયના રાજાને મારી નાખ્યો અને સાંજ સુધી થાંભલા* પર લટકાવી રાખ્યો. સૂરજ આથમવા આવ્યો ત્યારે, યહોશુઆએ તેના શબને થાંભલા પરથી ઉતારવાની આજ્ઞા કરી.+ પછી તેઓએ તેનું શબ શહેરના દરવાજા આગળ નાખી દીધું અને તેના ઉપર પથ્થરોનો મોટો ઢગલો કરી દીધો, જે આજ સુધી ત્યાં છે. ૩૦  ત્યાર બાદ યહોશુઆએ ઇઝરાયેલના ઈશ્વર યહોવા માટે એબાલ પર્વત+ પર વેદી* બાંધી. ૩૧  તેણે એવી જ વેદી બાંધી, જે વિશે યહોવાના સેવક મૂસાએ ઇઝરાયેલીઓને આજ્ઞા આપી હતી. એ વિશે મૂસાના નિયમશાસ્ત્રમાં+ આમ લખ્યું હતું: “આખા પથ્થરોની વેદી બનાવો, જેના પર લોઢાનું કોઈ ઓજાર વપરાયું ન હોય.”+ તેઓએ એ વેદી પર યહોવા માટે અગ્‍નિ-અર્પણો* અને શાંતિ-અર્પણો* ચઢાવ્યાં.+ ૩૨  પછી યહોશુઆએ ત્યાં પથ્થરો પર એ નિયમશાસ્ત્રની નકલ ઉતારી,+ જે નિયમશાસ્ત્ર મૂસાએ ઇઝરાયેલીઓ આગળ લખ્યું હતું.+ ૩૩  લેવી યાજકોની આગળ કરારકોશની બંને બાજુએ બધા ઇઝરાયેલીઓ, તેઓના વડીલો, અધિકારીઓ અને ન્યાયાધીશો* ઊભા હતા. યાજકોએ યહોવાનો કરારકોશ ઊંચકેલો હતો. ત્યાં ઇઝરાયેલીઓ સાથે પરદેશીઓ પણ ઊભા હતા.+ (યહોવાના સેવક મૂસાએ અગાઉ આજ્ઞા કરી હતી તેમ,)+ અડધા લોકો ગરીઝીમ પર્વત આગળ અને બાકીના અડધા એબાલ પર્વત આગળ ઊભા હતા,+ જેથી ઇઝરાયેલીઓને આશીર્વાદ મળે. ૩૪  ત્યાર બાદ નિયમશાસ્ત્રમાં લખવામાં આવ્યું હતું એ પ્રમાણે, યહોશુઆએ નિયમશાસ્ત્રના બધા શબ્દો મોટેથી વાંચી સંભળાવ્યા.+ હા, આશીર્વાદો+ અને શ્રાપ+ પણ વાંચી સંભળાવ્યા. ૩૫  મૂસાએ આજ્ઞા કરી હતી એમાંનો એકેય શબ્દ એવો ન હતો, જે યહોશુઆએ ઇઝરાયેલની આખી પ્રજાને* વાંચી સંભળાવ્યો ન હોય.+ તેઓમાં સ્ત્રીઓ, બાળકો અને તેઓ સાથે રહેનારા પરદેશીઓ પણ હતાં.+

ફૂટનોટ

અથવા, “ખીણની.”
અથવા, “ઝાડ.”
મૂળ, “મંડળને.” શબ્દસૂચિમાં “મંડળ” જુઓ.