યાકૂબનો પત્ર ૧:૧-૨૭

  • સલામ ()

  • ધીરજ રાખવાથી આનંદ મળે છે (૨-૧૫)

    • શ્રદ્ધાની કસોટી ()

    • શ્રદ્ધાથી માંગતા રહો (૫-૮)

    • ઇચ્છા તો પાપ અને મરણ તરફ દોરી જાય છે (૧૪, ૧૫)

  • દરેક સારું દાન સ્વર્ગમાંથી મળે છે (૧૬-૧૮)

  • સંદેશો સાંભળીને એ પ્રમાણે ચાલો (૧૯-૨૫)

    • અરીસામાં જોનાર માણસ (૨૩, ૨૪)

  • શુદ્ધ અને પવિત્ર ભક્તિ (૨૬, ૨૭)

 હું યાકૂબ,+ ઈશ્વરનો દાસ અને આપણા માલિક ઈસુ ખ્રિસ્તનો* દાસ, વિખેરાઈ ગયેલાં ૧૨ કુળોને સલામ મોકલું છું. ૨  મારા ભાઈઓ, તમારા પર જુદી જુદી કસોટીઓ આવી પડે ત્યારે આનંદ કરો,+ ૩  કેમ કે તમે જાણો છો કે આ રીતે શ્રદ્ધાની કસોટીમાંથી પાર ઊતર્યા પછી, તમારામાં ધીરજ પેદા થાય છે.+ ૪  પણ ધીરજને એનું કામ પૂરું કરવા દો, જેથી તમે સર્વ બાબતોમાં પૂર્ણ અને કલંક વગરના બનો અને તમારામાં કોઈ ખામી ન રહે.+ ૫  એટલે જો કોઈને ડહાપણની જરૂર* હોય, તો તેણે ઈશ્વર પાસે માંગતા રહેવું.+ તેને એ આપવામાં આવશે,+ કેમ કે ઈશ્વર બધાને ઉદારતાથી આપે છે અને ઠપકો આપતા નથી.*+ ૬  પણ તેણે પૂરી શ્રદ્ધાથી માંગતા રહેવું+ અને જરાય શંકા કરવી નહિ,+ કેમ કે જે શંકા કરે છે તે પવનથી ઊછળતાં અને અફળાતાં દરિયાનાં મોજાં જેવો છે. ૭  એવા માણસે તો યહોવા* પાસેથી કંઈ પણ મેળવવાની આશા રાખવી ન જોઈએ. ૮  એવો માણસ ઢચુપચુ છે+ અને પોતાના માર્ગો બદલતો રહે છે. ૯  પણ ગરીબ ભાઈને ઊંચું સ્થાન અપાયું હોવાથી તે આનંદ* કરે+ ૧૦  અને ધનવાન ભાઈને નીચું સ્થાન અપાયું+ હોવાથી તે આનંદ કરે, કેમ કે ખેતરના ફૂલની જેમ તેનો નાશ થશે. ૧૧  સૂર્ય ચઢે ત્યારે એના સખત તાપમાં છોડ કરમાઈ જાય છે, એનું ફૂલ ખરી પડે છે અને એની સુંદરતાનો નાશ થાય છે. એવી જ રીતે, ધનવાન માણસ સંપત્તિ ભેગી કરવામાં ડૂબેલો હશે ત્યારે તેનો નાશ થશે.+ ૧૨  જે માણસ કસોટીમાં ટકી રહે છે તે સુખી છે,+ કેમ કે તે ઈશ્વરની નજરમાં ખરો સાબિત થશે એ પછી, તેને જીવનનો મુગટ મળશે.+ યહોવાએ* આ વચન એવા લોકોને આપ્યું છે, જેઓ હંમેશાં તેમને પ્રેમ કરે છે.+ ૧૩  કસોટી થાય ત્યારે કોઈએ એમ ન કહેવું કે “ઈશ્વર મારી કસોટી કરે છે,” કેમ કે કશાથી* ઈશ્વરની કસોટી કરી શકાતી નથી અને ઈશ્વર પણ કોઈની કસોટી કરતા નથી. ૧૪  પણ દરેક માણસ પોતાની ઇચ્છાઓથી લલચાય છે અને કસોટીમાં ફસાય છે.*+ ૧૫  પછી એ ઇચ્છા વધે છે ત્યારે માણસ પાપ કરે છે* અને પાપ કરવાથી મરણ આવે છે.+ ૧૬  મારા વહાલા ભાઈઓ, છેતરાશો નહિ. ૧૭  દરેક સારું દાન અને દરેક સંપૂર્ણ ભેટ સ્વર્ગમાંથી મળે છે.+ એ પ્રકાશોના* પિતા તરફથી આવે છે.+ પડછાયામાં વધ-ઘટ થાય છે, પણ ઈશ્વર કદી બદલાતા નથી.+ ૧૮  તેમની ઇચ્છા હતી કે સત્યના સંદેશા દ્વારા તે આપણને જીવન આપે,+ જેથી તેમણે બનાવેલા મનુષ્યોમાંથી આપણે પ્રથમ ફળ* બનીએ.+ ૧૯  મારા વહાલા ભાઈઓ, આ ધ્યાનમાં રાખો: દરેક માણસે ધ્યાનથી સાંભળવું, વિચાર્યા વગર ન બોલવું+ અને જલદી ગુસ્સે ન થવું,+ ૨૦  કેમ કે ગુસ્સો કરનાર માણસ ઈશ્વરની નજરે જે ખરું છે, એ કરતો નથી.+ ૨૧  એટલે, તમારામાંથી બધી અશુદ્ધતા અને દરેક પ્રકારની દુષ્ટતા* કાઢી નાખો.+ ઈશ્વર તમારાં દિલમાં સંદેશો રોપે ત્યારે નમ્રતાથી એને સ્વીકારો. એ સંદેશો તમને બચાવી શકે છે. ૨૨  તમે સંદેશા પ્રમાણે ચાલનારા બનો,+ ખોટી દલીલોથી પોતાને છેતરીને ફક્ત સાંભળનારા નહિ. ૨૩  કેમ કે જે કોઈ સંદેશો સાંભળે છે, પણ એ પ્રમાણે ચાલતો નથી,+ તે એવા માણસ જેવો છે જે અરીસામાં પોતાનો ચહેરો જુએ છે. ૨૪  પોતાને જોયા પછી તે ત્યાંથી ચાલ્યો જાય છે અને તરત જ ભૂલી જાય છે કે તે કેવો દેખાય છે. ૨૫  પણ જે માણસ આઝાદી આપનાર સંપૂર્ણ નિયમમાં*+ ધ્યાનથી જુએ છે અને એ પ્રમાણે કરતો રહે છે, તે સાંભળીને ભૂલી જતો નથી, પણ એ પ્રમાણે કરે છે અને એનાથી તેને ખુશી મળે છે.+ ૨૬  જો કોઈ માણસ વિચારે કે તે ધાર્મિક* છે, પણ પોતાની જીભ પર કાબૂ* રાખતો નથી,+ તો તે પોતાના દિલને છેતરે છે અને તેની ભક્તિ નકામી છે. ૨૭  આપણા ઈશ્વર અને પિતાની નજરમાં શુદ્ધ અને પવિત્ર ભક્તિ* આ છે: અનાથો+ અને વિધવાઓ+ પર મુશ્કેલી+ આવે ત્યારે, તેઓની સંભાળ રાખવી અને દુનિયાના ખરાબ માર્ગોથી દૂર રહેવું.+

ફૂટનોટ

અથવા, “ઊણપ.”
અથવા, “વાંક કાઢતા નથી.”
મૂળ, “ગર્વ.”
મૂળ, “ખરાબ ઇરાદાથી.”
અથવા, “જાણે ફાંદામાં પડે છે.”
મૂળ, “ઇચ્છા ગર્ભ ધરે છે ત્યારે એ પાપને જન્મ આપે છે.”
આ સૂર્ય, ચંદ્ર અને તારાઓને બતાવે છે.
અથવા કદાચ, “અને પુષ્કળ દુષ્ટતા.”
આ ઈશ્વરની વાણીને બતાવે છે.
અથવા, “ઈશ્વરનો ભક્ત.”
અથવા, “લગામ.”
અથવા, “પવિત્ર ધર્મ.”