યાકૂબનો પત્ર ૪:૧-૧૭

  • દુનિયા સાથે દોસ્તી ન કરો (૧-૧૨)

    • શેતાનની સામા થાઓ ()

    • ઈશ્વરની પાસે આવો ()

  • ઘમંડ વિશે ચેતવણી (૧૩-૧૭)

    • “જો યહોવાની ઇચ્છા હશે” (૧૫)

 તમારામાં શાના લીધે લડાઈ-ઝઘડા થાય છે? એ તો તમારી સ્વાર્થી ઇચ્છાઓને લીધે થાય છે, જે તમારાં મનમાં* લડ્યા કરે છે.+ ૨  તમે કંઈક મેળવવાની ઇચ્છા તો રાખો છો, પણ તમને મળતું નથી. તમે ખૂબ નફરત* અને લોભ* કરો છો, તોપણ તમને એ મળતું નથી. તમે લડાઈ-ઝઘડા કરો છો અને યુદ્ધે ચઢો છો,+ પણ તમને એ મળતું નથી, કેમ કે તમે ઈશ્વર પાસેથી માંગતા નથી. ૩  જ્યારે તમે માંગો છો ત્યારે તમને મળતું નથી, કેમ કે તમે ખોટા ઇરાદાથી માંગો છો, તમે પોતાની સ્વાર્થી ઇચ્છાઓ સંતોષવા એ માંગો છો. ૪  ઓ બેવફા લોકો,* શું તમે જાણતા નથી કે દુનિયા સાથે દોસ્તી એ ઈશ્વર સાથે દુશ્મની છે? જે કોઈ દુનિયા સાથે દોસ્તી કરવા માંગે છે, તે પોતાને ઈશ્વરનો દુશ્મન બનાવે છે.+ ૫  શાસ્ત્ર કહે છે, “આપણામાં રહેલું વલણ ઈર્ષા જગાડે છે અને એ આપણને લાલસા સંતોષવા ઉશ્કેરે છે.” શું તમને એ વાત નકામી લાગે છે?+ ૬  એવા વલણ કરતાં ઈશ્વર તરફથી મળતી અપાર કૃપા* મહાન છે. એટલે શાસ્ત્ર કહે છે: “ઈશ્વર ઘમંડી લોકોની વિરુદ્ધ છે,+ પણ નમ્ર લોકો પર તે અપાર કૃપા વરસાવે છે.”+ ૭  તેથી તમે ઈશ્વરને આધીન થાઓ,+ પણ શેતાનની* સામા થાઓ+ અને તે તમારી પાસેથી નાસી જશે.+ ૮  તમે ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે.+ ઓ પાપીઓ,+ તમારા હાથ શુદ્ધ કરો. ઓ બે મનવાળાઓ, તમે તમારાં હૃદયો શુદ્ધ કરો.+ ૯  તમારી ખરાબ હાલતને લીધે દુઃખી થાઓ, શોક કરો અને રડો.+ તમે હસવાને બદલે શોક કરો અને આનંદ કરવાને બદલે નિરાશામાં ડૂબી જાઓ. ૧૦  યહોવાની* આગળ પોતાને નમાવો+ અને તે તમને ઊંચા કરશે.+ ૧૧  ભાઈઓ, એકબીજાની વિરુદ્ધ બોલવાનું બંધ કરો.+ જે કોઈ પોતાના ભાઈની વિરુદ્ધ બોલે છે અથવા તેનો દોષ કાઢે છે, તે નિયમની વિરુદ્ધ બોલે છે અને નિયમનો દોષ કાઢે છે. જો તું નિયમનો દોષ કાઢતો હોય, તો તું એ પ્રમાણે ચાલનાર નહિ પણ એનો ન્યાય કરનાર બને છે. ૧૨  નિયમ આપનાર અને ન્યાય કરનાર તો એક જ છે.+ તે જ બચાવી શકે છે અને નાશ કરી શકે છે.+ તો પછી, તારા પડોશીનો ન્યાય કરનાર તું કોણ?+ ૧૩  હવે સાંભળો, તમે કહો છો: “આજે નહિ તો કાલે આપણે આ શહેરમાં જઈશું. ત્યાં એક વર્ષ રહીશું અને વેપાર કરીને પૈસા કમાઈશું.”+ ૧૪  પણ તમે જાણતા નથી કે કાલે તમારા જીવનમાં શું થશે.+ તમે ધુમ્મસ જેવા છો, જે થોડી વાર દેખાય છે, પછી ગાયબ થઈ જાય છે.+ ૧૫  તમારે તો આમ કહેવું જોઈએ: “જો યહોવાની* ઇચ્છા હશે,+ તો આપણે જીવીશું અને આ કામ કે પેલું કામ કરીશું.” ૧૬  પણ હમણાં તમે પોતાના વિશે ઘમંડ કરો છો અને બડાઈ હાંકો છો. આવી બડાઈ કરવી દુષ્ટતા છે. ૧૭  એટલે જો કોઈ માણસ ખરું કરવાનું જાણતો હોય, છતાં એવું કરતો નથી તો તે પાપ કરે છે.+

ફૂટનોટ

મૂળ, “તમારાં શરીરમાં.”
મૂળ, “ખૂન.” ૧યો ૩:૧૫ જુઓ.
અથવા, “અદેખાઈ.”
મૂળ, “વ્યભિચારીઓ.”
શબ્દસૂચિમાં “ડીઆબોલોસ” જુઓ.