યૂના ૧:૧-૧૭
૧ અમિત્તાયના દીકરા યૂના*+ પાસે યહોવાનો* આ સંદેશો આવ્યો:
૨ “ઊઠ અને મોટા શહેર નિનવેહ જા.+ એની વિરુદ્ધ મારો ન્યાયચુકાદો જાહેર કર, કેમ કે એની દુષ્ટતા મેં ધ્યાનમાં લીધી છે.”
૩ પણ યહોવાથી દૂર જવા યૂના તાર્શીશ તરફ નાસી ગયો. તે યાફા સુધી ગયો. ત્યાં તેને તાર્શીશ જતું વહાણ મળ્યું. તે ભાડું ચૂકવીને વહાણમાં ચઢી ગયો અને બાકીના લોકો સાથે તાર્શીશ જવા નીકળી ગયો, જેથી તે યહોવાથી દૂર જઈ શકે.
૪ પછી યહોવાએ સમુદ્ર પર ભારે પવન ચલાવ્યો. એટલું મોટું તોફાન આવ્યું કે વહાણ તૂટવાના આરે હતું.
૫ વહાણના ખલાસીઓ એટલા ડરી ગયા કે તેઓ મદદ માટે પોતપોતાના દેવોને પોકારવા લાગ્યા. વહાણને હલકું કરવા તેઓ માલ-સામાન સમુદ્રમાં ફેંકવા લાગ્યા.+ પણ યૂના વહાણના સૌથી અંદરના ભાગમાં ઘસઘસાટ ઊંઘતો હતો.
૬ વહાણના કપ્તાને તેની પાસે આવીને કહ્યું: “તું કેમ હજી ઊંઘે છે? ઊઠ અને તારા ઈશ્વરને પોકાર કર! કદાચ સાચા ઈશ્વર* આપણા પર દયા કરે અને આપણે માર્યા ન જઈએ.”+
૭ તેઓએ એકબીજાને કહ્યું: “ચાલો, આપણે ચિઠ્ઠીઓ* નાખીએ+ અને જોઈએ કે આ આફત કોના લીધે આવી છે.” તેઓએ ચિઠ્ઠીઓ નાખી અને યૂનાનું નામ નીકળ્યું.+
૮ તેઓએ તેને કહ્યું: “અમને કહે, શું તારા લીધે આ આફત આવી છે? તારો ધંધો શો છે? તું ક્યાંથી આવ્યો છે? તું કયા દેશનો છે, કઈ જાતિનો છે?”
૯ યૂનાએ જવાબ આપ્યો: “હું એક હિબ્રૂ છું. જે ઈશ્વરે સમુદ્ર અને પૃથ્વી બનાવ્યાં છે, તે સ્વર્ગના ઈશ્વર યહોવાની હું ભક્તિ કરું છું.”*
૧૦ એ સાંભળીને ખલાસીઓ વધારે ડરી ગયા, કેમ કે યૂનાએ તેઓને પહેલાં જ જણાવ્યું હતું કે તે યહોવા આગળથી નાસી રહ્યો છે. તેઓએ યૂનાને પૂછ્યું: “બોલ, તેં શું કર્યું છે?”
૧૧ હવે સમુદ્ર વધારે ને વધારે તોફાની બની રહ્યો હતો. એટલે તેઓએ તેને પૂછ્યું: “સમુદ્ર શાંત થાય એ માટે અમે શું કરીએ?”
૧૨ તેણે કહ્યું: “મને ઊંચકીને સમુદ્રમાં ફેંકી દો, એટલે સમુદ્ર શાંત થઈ જશે. હું જાણું છું કે, મારા લીધે આ મોટું તોફાન તમારા પર આવ્યું છે.”
૧૩ એ માણસોએ વહાણને કિનારે લાવવા ખૂબ હલેસાં માર્યાં, પણ તેઓ સફળ થયા નહિ, કેમ કે તોફાન વધતું ને વધતું જતું હતું.
૧૪ પછી તેઓએ યહોવાને પોકાર કરીને કહ્યું: “હે યહોવા, કૃપા કરીને આ માણસને લીધે અમારો નાશ ન કરતા! એક નિર્દોષ માણસને મારી નાખવાનો* દોષ અમારે માથે ન નાખતા, કેમ કે હે યહોવા, તમારી ઇચ્છા પ્રમાણે બધું થઈ રહ્યું છે.”
૧૫ પછી તેઓએ યૂનાને ઊંચકીને સમુદ્રમાં ફેંકી દીધો અને તોફાની સમુદ્ર શાંત થઈ ગયો.
૧૬ એ જોઈને વહાણના માણસો પર યહોવાનો ડર*+ છવાઈ ગયો. તેઓએ યહોવાને બલિદાન* ચઢાવ્યું અને માનતા લીધી.
૧૭ પછી યહોવાએ એક મોટી માછલી મોકલી, જે યૂનાને ગળી ગઈ. આમ યૂના ત્રણ દિવસ અને ત્રણ રાત માછલીના પેટમાં રહ્યો.+
ફૂટનોટ
^ અર્થ, “કબૂતર.”
^ વધારે માહિતી ક-૪ જુઓ.
^ અથવા, “ડર રાખું છું.”
^ મૂળ, “માણસના લોહીનો.”
^ શબ્દસૂચિમાં “ઈશ્વરનો ડર” જુઓ.