રૂથ ૧:૧-૨૨

  • અલીમેલેખનું કુટુંબ મોઆબ રહેવા જાય છે (૧, ૨)

  • નાઓમી, ઓર્પાહ અને રૂથ વિધવા બની (૩-૬)

  • નાઓમી અને તેના ઈશ્વરને રૂથ વળગી રહી (૭-૧૭)

  • નાઓમી રૂથની સાથે બેથલેહેમ પાછી ફરે છે (૧૮-૨૨)

 યહૂદા દેશમાં ન્યાયાધીશો+ ન્યાય કરતા હતા ત્યારની આ વાત છે. એ દેશમાં દુકાળ પડ્યો. એટલે બેથલેહેમથી+ એક માણસ પોતાની પત્ની અને બે દીકરાઓને લઈને મોઆબ+ દેશ રહેવા ગયો. ૨  એ માણસનું નામ અલીમેલેખ* હતું. તેની પત્નીનું નામ નાઓમી* હતું. તેના બે દીકરાઓનાં નામ માહલોન* અને કિલ્યોન* હતાં. તેઓ યહૂદામાં આવેલા એફ્રાથાહના, એટલે કે બેથલેહેમના રહેવાસીઓ હતા. તેઓ મોઆબ દેશ આવ્યા અને ત્યાં જ રહેવા લાગ્યા. ૩  થોડા સમય પછી, નાઓમીના પતિ અલીમેલેખનું મરણ થયું. નાઓમી અને તેના બે દીકરાઓ એકલા પડી ગયા. ૪  સમય જતાં, બંને દીકરાઓએ મોઆબી છોકરીઓ સાથે લગ્‍ન કર્યા, એકનું નામ ઓર્પાહ હતું અને બીજીનું નામ રૂથ.+ તેઓ મોઆબમાં લગભગ દસ વર્ષ રહ્યા. ૫  ત્યાર બાદ માહલોન અને કિલ્યોનનું પણ મરણ થયું. હવે નાઓમીનો પતિ ન હતો અને દીકરાઓ પણ ન હતા. ૬  પછી નાઓમીએ સાંભળ્યું કે યહોવાએ* પોતાના લોકો પર રહેમનજર કરીને ખોરાક* પૂરો પાડ્યો છે. એટલે તે બંને વહુઓ સાથે મોઆબ દેશ છોડીને પોતાના વતન જવા નીકળી. ૭  નાઓમી પોતાની બે વહુઓ સાથે જ્યાં રહેતી હતી, એ જગ્યા છોડીને યહૂદા દેશ પાછી જવા નીકળી. તેઓ રસ્તે ચાલતી હતી ત્યારે, ૮  નાઓમીએ બંને વહુઓને કહ્યું: “જાઓ, તમે બંને તમારા પિયર પાછી જાઓ. તમારા બંનેના પતિઓ ગુજરી ગયા છે. તમે જેમ તેઓને અને મને અતૂટ પ્રેમ* બતાવ્યો, એમ યહોવા તમને અતૂટ પ્રેમ બતાવે.+ ૯  યહોવા તમને બંનેને પોતપોતાના પતિના ઘરમાં સુખ-શાંતિ આપે.”+ તેણે તેઓને ચુંબન કર્યું અને તેઓ પોક મૂકીને રડી. ૧૦  તેઓએ નાઓમીને વારંવાર કહ્યું: “ના, અમે તો તમારી સાથે તમારા લોકો પાસે આવીશું.” ૧૧  પણ નાઓમીએ કહ્યું: “મારી દીકરીઓ, પાછી જાઓ. તમે શા માટે મારી સાથે આવવા માંગો છો? શું હું હજી દીકરાઓને જન્મ આપી શકું છું, જેઓ તમારા પતિ બને?+ ૧૨  પાછી જાઓ દીકરીઓ, કેમ કે હું ઘરડી થઈ ગઈ છું અને ફરી લગ્‍ન કરી શકું એમ નથી. અરે, જો આજે રાતે હું લગ્‍ન કરું અને દીકરાઓને જન્મ આપું, ૧૩  તોપણ શું તેઓ મોટા થાય ત્યાં સુધી તમે રાહ જોશો? શું તમે ફરી લગ્‍ન નહિ કરો? ના મારી દીકરીઓ, યહોવાનો હાથ મારી વિરુદ્ધ થયો છે. એના લીધે તમારી જે દશા થઈ છે, એ જોઈને મારું કાળજું કપાઈ જાય છે.”+ ૧૪  તેઓ ફરીથી પોક મૂકીને રડી. ઓર્પાહે પોતાની સાસુને ચુંબન કર્યું અને વિદાય લીધી. પણ રૂથે નાઓમીનો સાથ છોડ્યો નહિ. ૧૫  નાઓમીએ તેને કહ્યું: “જો, તારી દેરાણી પોતાના લોકો અને પોતાના દેવો પાસે પાછી ગઈ છે. તું પણ તેની સાથે પાછી જા.” ૧૬  રૂથે કહ્યું: “તમને છોડીને પાછા જવાની મને અરજ ન કરો; કેમ કે જ્યાં તમે જશો, ત્યાં હું જઈશ; જ્યાં તમે રાત રોકાશો, ત્યાં હું રોકાઈશ. તમારા લોકો એ મારા લોકો અને તમારા ઈશ્વર એ મારા ઈશ્વર થશે.+ ૧૭  જ્યાં તમે મરશો ત્યાં હું મરીશ અને ત્યાં જ હું દટાઈશ. જો મરણ સિવાય બીજા કશાને લીધે હું તમને છોડી દઉં, તો યહોવા મને આકરી સજા કરે.” ૧૮  નાઓમીએ જોયું કે રૂથે તેની સાથે આવવાનો પાકો નિર્ણય કર્યો છે. એટલે તેણે તેને મનાવવાનું છોડી દીધું. ૧૯  તેઓ બંને બેથલેહેમ આવી પહોંચી.+ તેઓ ત્યાં પહોંચી કે તરત તેઓ વિશે આખા શહેરમાં વાતો થવા લાગી. સ્ત્રીઓ કહેવા લાગી કે “શું આ નાઓમી છે?” ૨૦  તેણે સ્ત્રીઓને કહ્યું: “મને નાઓમી* ન કહો. મને મારા* કહો, કેમ કે સર્વશક્તિમાને મારું જીવન કડવાશથી ભરી દીધું છે.+ ૨૧  હું ગઈ ત્યારે મારી પાસે બધું જ હતું, પણ હવે યહોવા મને ખાલી હાથે પાછી લાવ્યા છે. ખુદ યહોવા મારી વિરુદ્ધ થયા છે અને સર્વશક્તિમાન મારા પર આફત લાવ્યા છે. તો પછી તમે મને નાઓમી કેમ કહો છો?”+ ૨૨  આ રીતે નાઓમી પોતાની મોઆબી વહુ રૂથ સાથે મોઆબ દેશથી+ બેથલેહેમ પાછી ફરી. તેઓ આવી ત્યારે જવની કાપણી શરૂ થઈ હતી.+

ફૂટનોટ

અર્થ, “મારા ઈશ્વર રાજા છે.”
અર્થ, “વહાલી.”
કદાચ હિબ્રૂમાંથી આવેલો શબ્દ, જેનો અર્થ થાય, “કમજોર થવું; બીમાર પડવું.”
અર્થ, “નિષ્ફળ જનાર; અંત સુધી આવી ગયેલો.”
મૂળ, “રોટલી.”
અર્થ, “વહાલી.”
અર્થ, “કડવી.”