રૂથ ૨:૧-૨૩

  • રૂથ બોઆઝના ખેતરમાં કણસલાં ભેગાં કરે છે (૧-૩)

  • રૂથ અને બોઆઝ મળે છે (૪-૧૬)

  • રૂથ નાઓમીને બોઆઝની કૃપા વિશે જણાવે છે (૧૭-૨૩)

 નાઓમીના પતિના સગામાં એક માણસ હતો, જે ઘણો ધનવાન હતો. તેનું નામ બોઆઝ હતું+ અને તે અલીમેલેખના કુટુંબનો હતો. ૨  મોઆબી રૂથે નાઓમીને કહ્યું: “મને ખેતરમાં જવા દો, જેથી મારા પર જે કોઈ દયા બતાવે એની પાછળ પાછળ જઈને હું બાકી રહી ગયેલાં કણસલાં ભેગાં કરું.”+ નાઓમીએ તેને કહ્યું: “જા બેટા.” ૩  તે ગઈ અને એવું બન્યું કે તે બોઆઝના ખેતરમાં+ આવી પહોંચી, જે અલીમેલેખના કુટુંબનો હતો.+ ત્યાં તે કાપણી કરનારાઓની પાછળ પાછળ કણસલાં ભેગાં કરવાં લાગી. ૪  એવામાં બોઆઝ બેથલેહેમથી આવ્યો અને કાપણી કરનારાઓને કહ્યું: “યહોવા તમારી સાથે રહો.” તેઓએ કહ્યું: “યહોવા તમને આશીર્વાદ આપો.” ૫  બોઆઝે કાપણી કરનારાઓના ઉપરીને પૂછ્યું: “આ યુવાન સ્ત્રી કોના કુટુંબની છે?” ૬  એ ઉપરીએ જવાબ આપ્યો: “તે મોઆબી છે+ અને નાઓમી સાથે મોઆબ દેશથી+ આવી છે. ૭  તેણે મને પૂછ્યું હતું, ‘શું હું કાપણી કરનારાઓની પાછળ જઈને રહી ગયેલાં કણસલાં* વીણી શકું?’+ સવારથી તે કામ કરે છે. થોડો આરામ કરવા હમણાં જ તે છાપરા નીચે બેઠી છે.” ૮  બોઆઝે રૂથને કહ્યું: “મારી દીકરી, સાંભળ. કણસલાં વીણવાં તું બીજા કોઈના ખેતરમાં જઈશ નહિ. કાપણી કરનારી સ્ત્રીઓ સાથે અહીં રહેજે.+ ૯  તેઓ ખેતરમાં ક્યાં કાપણી કરે છે એ જોજે અને તેઓની સાથે જજે. મેં મારા માણસોને આજ્ઞા આપી છે કે તને હેરાન ન કરે. તને તરસ લાગે ત્યારે યુવાનોએ ભરેલાં માટલાંમાંથી પાણી પીજે.” ૧૦  એ સાંભળીને રૂથે ઘૂંટણિયે પડીને નમન કર્યું અને બોઆઝને કહ્યું: “હું તો પરદેશી છું, તોપણ તમે મારા પર આટલી કૃપા કેમ બતાવો છો? આટલી બધી રહેમનજર કેમ રાખો છો?”+ ૧૧  બોઆઝે જવાબ આપ્યો: “તારા પતિના મરણ પછી તેં તારી સાસુ માટે જે કંઈ કર્યું છે, એ મેં સાંભળ્યું છે. મને જાણવા મળ્યું છે કે તું કઈ રીતે તારાં માબાપ અને તારું વતન છોડીને અજાણ્યા લોકોમાં રહેવા આવી છે.+ ૧૨  તેં જે કર્યું છે એ માટે યહોવા તને આશીર્વાદ આપે.+ ઇઝરાયેલના ઈશ્વર યહોવા પાસેથી તને પૂરો બદલો* મળે, જેમની પાંખો નીચે તું આશરો લેવા આવી છે.”+ ૧૩  રૂથે કહ્યું: “હે મારા માલિક, તમારી કૃપા મારા પર રહે. હું તો તમારી દાસી પણ નથી, છતાં તમે મને દિલાસો આપ્યો છે. તમે તમારી આ દાસી સાથે વાત કરીને હિંમત વધારી છે.” ૧૪  જમવાના સમયે બોઆઝે રૂથને કહ્યું: “અહીં આવ, આ રોટલી સરકામાં* બોળીને ખા.” એટલે તે કાપણી કરનારાઓ સાથે બેઠી. બોઆઝે તેને પોંક પણ આપ્યો. રૂથે ધરાઈને ખાધું, છતાં તેની પાસે થોડું વધ્યું. ૧૫  તે કણસલાં ભેગાં કરવાં પાછી ગઈ.+ બોઆઝે પોતાના માણસોને આજ્ઞા આપી: “ભેગાં કરેલાં કણસલાંમાંથી* પણ તેને વીણવા દેજો, તેને પજવશો નહિ.+ ૧૬  તેના માટે પૂળામાંથી પણ થોડાં કણસલાં ખેંચી કાઢીને પડતાં મૂકજો, જેથી તે વીણી શકે. તેને કોઈ રોકટોક કરશો નહિ.” ૧૭  રૂથ સાંજ સુધી ખેતરમાં વીણતી રહી.+ તેણે ભેગાં કરેલાં કણસલાં ઝૂડ્યાં ત્યારે, એમાંથી લગભગ એક એફાહ* જવ નીકળ્યા. ૧૮  એ લઈને તે શહેરમાં પાછી ગઈ. તેણે જે ભેગું કર્યું હતું, એ તેની સાસુએ જોયું. રૂથે બપોરે ખાધા પછી જે વધ્યું હતું,+ એ પોતાની સાસુને આપ્યું. ૧૯  રૂથની સાસુએ પૂછ્યું: “આજે તેં ક્યાં કામ કર્યું? તેં કોના ખેતરમાં કણસલાં વીણ્યાં? તને જેણે દયા બતાવી, તેના પર ભગવાનની કૃપા રહે.”+ રૂથે પોતાની સાસુને કહ્યું: “આજે જેમના ખેતરમાં મેં કામ કર્યું તેમનું નામ બોઆઝ છે.” ૨૦  એ સાંભળીને નાઓમીએ રૂથને કહ્યું: “જીવતાઓ અને ગુજરી ગયેલાઓ પર યહોવા પોતાનો અતૂટ પ્રેમ* હંમેશાં બતાવે છે; તે બોઆઝને આશીર્વાદ આપે.”+ પછી નાઓમીએ કહ્યું: “તે આપણા સગામાં છે+ અને આપણો છોડાવનાર* છે.”+ ૨૧  રૂથે કહ્યું: “તેમણે મને એમ પણ જણાવ્યું, ‘મારા મજૂરો કાપણી કરી લે ત્યાં સુધી તેઓ સાથે જ રહેજે.’”+ ૨૨  નાઓમીએ કહ્યું: “હા બેટા, બીજા કોઈના ખેતરમાં તારી પજવણી થઈ શકે છે. એટલે સારું રહેશે કે બોઆઝના ખેતરમાં કામ કરતી સ્ત્રીઓ સાથે તું રહે.” ૨૩  રૂથ બોઆઝના ખેતરમાં કામ કરતી યુવાન સ્ત્રીઓ સાથે રહી. જવની કાપણી અને પછી ઘઉંની કાપણી પૂરી થઈ ત્યાં સુધી તેણે કણસલાં વીણ્યાં.+ તે પોતાની સાસુ સાથે રહેતી હતી.+

ફૂટનોટ

અથવા કદાચ, “અનાજના પૂળા.”
અથવા, “પૂરું ઇનામ.”
એટલે કે, ખાટો દ્રાક્ષદારૂ.
અથવા કદાચ, “અનાજના પૂળામાંથી.”
આશરે ૨૨ લિ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.