રૂથ ૩:૧-૧૮

  • નાઓમી રૂથને સલાહ આપે છે (૧-૪)

  • ખળીમાં રૂથ અને બોઆઝ (૫-૧૫)

  • નાઓમી પાસે રૂથ પાછી ફરે છે (૧૬-૧૮)

 એક દિવસ નાઓમીએ પોતાની વહુ રૂથને કહ્યું: “મારી દીકરી, શું હું તારા માટે કોઈ સારું ઘર ન શોધું,+ જેથી તું સુખી થાય? ૨  શું બોઆઝ આપણા સગામાં નથી?+ તેના ખેતરમાંની સ્ત્રીઓ સાથે તેં કામ કર્યું છે. હવે સાંભળ, આજે રાતે તે ખળીમાં* જવ છૂટા પાડવાનો છે. ૩  નાહી-ધોઈને અત્તર લગાડ અને તૈયાર થઈને ખળીમાં જા. તે ખાઈ-પી રહે ત્યાં સુધી તેને ખબર પડવા ન દેતી કે તું ત્યાં છે. ૪  તે ક્યાં સૂએ છે એ જોજે. પછી તેણે પગ પર ઓઢેલું કપડું હટાવીને તેના પગ પાસે સૂઈ જજે. તે તને જણાવશે કે તારે શું કરવું.” ૫  રૂથે કહ્યું: “તમે જે કહો છો, એ બધું હું કરીશ.” ૬  પછી તે ખળીમાં ગઈ અને પોતાની સાસુના કહેવા પ્રમાણે બધું કર્યું. ૭  બોઆઝે ખાધું-પીધું અને તે બહુ ખુશ હતો. તે અનાજના ઢગલા પાસે જઈને સૂઈ ગયો. ત્યાર બાદ રૂથ ચૂપચાપ આવી અને બોઆઝે પગ પર ઓઢેલું કપડું હટાવીને તેના પગ પાસે સૂઈ ગઈ. ૮  મધરાતે બોઆઝ ધ્રૂજવા લાગ્યો અને તે બેઠો થયો. તેણે જોયું કે કોઈ સ્ત્રી તેના પગ પાસે સૂતી હતી. ૯  બોઆઝે પૂછ્યું: “તું કોણ છે?” તેણે જવાબ આપ્યો: “હું તમારી દાસી રૂથ છું. તમારું કપડું તમારી દાસી પર ઓઢાડો,* કેમ કે તમે છોડાવનાર છો.”+ ૧૦  બોઆઝે કહ્યું: “દીકરી, યહોવા તને આશીર્વાદ આપે. તેં અગાઉ કરતાં હમણાં વધારે અતૂટ પ્રેમ* બતાવ્યો છે,+ કેમ કે તું કોઈ યુવાન પાછળ ગઈ નથી, ભલે તે અમીર હોય કે ગરીબ. ૧૧  ગભરાઈશ નહિ દીકરી. તારા કહેવા પ્રમાણે હું બધું જ કરીશ,+ કેમ કે મારા શહેરના બધા લોકો જાણે છે કે તું ખૂબ સારી છે. ૧૨  ખરું કે હું છોડાવનાર છું,+ છતાં બીજા એક માણસ પાસે પણ એ હક છે. તે મારા કરતાં વધારે નજીકના સગામાં છે.+ ૧૩  આજે રાતે અહીં રહે. જો સવારે તે છોડાવનારની જવાબદારી નિભાવે તો સારું. ભલે તે તને છોડાવે.+ પણ જો તે એમ કરવા ન ચાહે, તો યહોવાના સમ* કે હું પોતે એ જવાબદારી નિભાવીશ. સવાર સુધી અહીં સૂઈ રહે.” ૧૪  એટલે પરોઢ થતાં સુધી રૂથ તેના પગ પાસે સૂઈ રહી. અજવાળું થતાં પહેલાં તે ઊઠી ગઈ, જેથી તેને કોઈ ઓળખી ન જાય. બોઆઝે કહ્યું: “ખળીમાં કોઈ સ્ત્રી આવી હતી એની જાણ થવી ન જોઈએ.” ૧૫  બોઆઝે એમ પણ કહ્યું: “તારી ચાદર અહીં પાથર.” એટલે રૂથે પોતાની ચાદર પાથરી. બોઆઝે એમાં છ માપ* જવ ભરી આપ્યા. પછી તે શહેરમાં ચાલ્યો ગયો. ૧૬  રૂથ પોતાની સાસુ પાસે પાછી ગઈ. નાઓમીએ પૂછ્યું: “મારી દીકરી, ત્યાં શું બન્યું?” બોઆઝે રૂથ માટે જે કર્યું હતું એ બધું જ તેણે જણાવ્યું. ૧૭  રૂથે એમ પણ કહ્યું: “તેમણે મને આ છ માપ જવ આપીને કહ્યું, ‘તારી સાસુ પાસે ખાલી હાથે ન જા.’” ૧૮  નાઓમીએ રૂથને કહ્યું: “મારી દીકરી, હવે શું થશે એની જાણ થાય ત્યાં સુધી રાહ જો. એ માણસ આજે આ વાતનો ઉકેલ લાવ્યા વગર જંપીને બેસવાનો નથી.”

ફૂટનોટ

અથવા, “તમારી દાસીને રક્ષણ પૂરું પાડો.”
મૂળ, “યહોવાના જીવના સમ.”
કદાચ છ શીઆ માપ, અથવા ૪૪ લિ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.