રોમનોને પત્ર ૧૫:૧-૩૩

  • ખ્રિસ્તની જેમ એકબીજાનો સ્વીકાર કરો (૧-૧૩)

  • પાઉલ, બીજી પ્રજાઓ માટે સેવક (૧૪-૨૧)

  • મુસાફરી માટે પાઉલની યોજના (૨૨-૩૩)

૧૫  આપણે જેઓ શ્રદ્ધામાં મજબૂત છીએ, તેઓએ શ્રદ્ધામાં નબળાઓનો વિચાર કરવો જોઈએ.+ આપણે પોતાને જ ખુશ કરવા ન જોઈએ.+ ૨  આપણે પોતાના પડોશીનું ભલું કરીને તેને ખુશ કરીએ, જેથી તે દૃઢ થાય.+ ૩  ખ્રિસ્તે પણ પોતાને ખુશ કર્યા ન હતા.+ શાસ્ત્ર કહે છે: “તમારી નિંદા કરનારાઓની નિંદા મારા પર આવી પડી છે.”+ ૪  વર્ષો અગાઉ શાસ્ત્રમાં જે કંઈ લખવામાં આવ્યું હતું, એ આપણને શીખવવા માટે લખવામાં આવ્યું હતું.+ આપણી પાસે આશા છે,+ કેમ કે શાસ્ત્ર આપણને ધીરજ ધરવા મદદ કરે છે+ અને ઉત્તેજન* આપે છે. ૫  હું પ્રાર્થના કરું છું કે ઈશ્વર તમને ધીરજ ધરવા મદદ કરે અને ઉત્તેજન* આપે. તે તમને બધાને ખ્રિસ્ત ઈસુ જેવું મન આપે. ૬  આમ તમે એકતામાં આવીને*+ ઈશ્વરનો મહિમા કરશો, જે આપણા માલિક ઈસુ ખ્રિસ્તના પિતા છે. ૭  જેમ ખ્રિસ્તે તમારો સ્વીકાર* કર્યો,+ તેમ તમે પણ એકબીજાનો સ્વીકાર* કરો.+ એનાથી ઈશ્વરને મહિમા મળે છે. ૮  હું તમને જણાવું છું કે ખ્રિસ્ત યહૂદીઓના* સેવક બન્યા,+ જેથી તે ઈશ્વરને સાચા સાબિત કરે અને ઈશ્વરે તેઓના બાપદાદાઓને આપેલાં વચનો ખરાં ઠરાવે.+ ૯  એવું એટલા માટે પણ કર્યું, જેથી ઈશ્વરની દયાને લીધે બીજી પ્રજાઓ તેમને મહિમા આપે.+ જેમ શાસ્ત્ર કહે છે: “એ માટે હું બધી પ્રજાઓ આગળ તમને મહિમા આપીશ અને તમારા નામનો જયજયકાર કરીશ.”+ ૧૦  ઈશ્વરે એમ પણ જણાવ્યું: “હે પ્રજાઓ, ઈશ્વરના લોકો સાથે આનંદ કરો.”+ ૧૧  વધુમાં, “હે સર્વ પ્રજાઓ, યહોવાની* સ્તુતિ કરો અને સર્વ લોકો તેમની સ્તુતિ કરો.”+ ૧૨  યશાયાએ પણ કહ્યું: “યિશાઈનું મૂળ*+ પ્રજાઓનો ન્યાય કરવા ઊભું થશે.+ પ્રજાઓ તેના પર આશા રાખશે.”+ ૧૩  તમે તેમના પર ભરોસો રાખ્યો છે, એટલે આશા આપનાર ઈશ્વર તમને પુષ્કળ આનંદ અને શાંતિથી ભરપૂર કરે. હા, પવિત્ર શક્તિ તમને બળથી ભરપૂર કરે અને તમારી આશા વધતી ને વધતી* જાય.+ ૧૪  ભાઈઓ, મને ખાતરી છે કે તમે ભલાઈથી ભરપૂર છો, તમારી પાસે જ્ઞાન છે અને તમે એકબીજાને શીખવી* શકો છો. ૧૫  પણ અમુક વાતો વિશે મેં તમને ઘણું સ્પષ્ટ લખ્યું છે, જેથી હું તમને એની યાદ અપાવી શકું. ઈશ્વરે મને અપાર કૃપા બતાવી છે એટલે હું એમ કરું છું. ૧૬  હું બીજી પ્રજાઓ માટે ખ્રિસ્ત ઈસુનો સેવક છું.+ ઈશ્વરની ખુશખબર ફેલાવવાના પવિત્ર કામ માટે હું સખત મહેનત કરું છું.+ હું આ કામ કરું છું, જેથી એ પ્રજાઓ પવિત્ર શક્તિ દ્વારા પવિત્ર થાય અને ઈશ્વરને ખુશ કરે એવું અર્પણ બને. ૧૭  હું ખ્રિસ્ત ઈસુનો શિષ્ય છું અને ઈશ્વરનું કામ કરું છું, એટલે મને ખૂબ ખુશી થાય છે. ૧૮  હું એ કામો વિશે નહિ બોલું જે મેં કર્યાં છે. હું એ કામો વિશે બોલીશ, જે ખ્રિસ્તે મારા દ્વારા કર્યાં છે. પ્રજાઓ તેમને આધીન થાય એ માટે તેમણે મારા દ્વારા જે જાહેર કર્યું છે એ વિશે હું બોલીશ. ૧૯  ઈશ્વરની શક્તિથી જે મોટા ચમત્કારો અને અદ્‍ભુત કામો કરવામાં આવ્યાં+ એના લીધે એ પ્રજાઓ આધીન થઈ છે. આમ, યરૂશાલેમથી લઈને છેક ઈલુરીકમ સુધી મેં ખ્રિસ્ત વિશેની ખુશખબર પૂરી રીતે જાહેર કરી છે.+ ૨૦  મેં નક્કી કર્યું હતું કે જ્યાં ખ્રિસ્તનું નામ પ્રગટ થઈ ચૂક્યું હોય, ત્યાં હું ખુશખબર જાહેર ન કરું. કેમ કે બીજા કોઈએ નાખેલા પાયા પર હું બાંધકામ કરવા માંગતો ન હતો. ૨૧  જેમ શાસ્ત્ર કહે છે: “જેઓને તેના વિશે કહેવામાં આવ્યું નથી, તેઓ તેને જોશે અને જેઓએ સાંભળ્યું નથી તેઓ સમજશે.”+ ૨૨  આ કારણે મને તમારી પાસે આવતાં ઘણી વાર રોકવામાં આવ્યો. ૨૩  પણ હવે આ વિસ્તારમાં એવી કોઈ જગ્યા નથી, જ્યાં મેં પ્રચાર કર્યો ન હોય. હું ઘણાં* વર્ષોથી તમને મળવાની ઝંખના રાખું છું. ૨૪  હું આશા રાખું છું કે સ્પેન જતી વખતે તમને મળી શકું. થોડો સમય તમારી સાથે વિતાવ્યા પછી હું ચાહું છું કે તમે મને થોડે સુધી મૂકવા આવો. ૨૫  પણ હમણાં હું પવિત્ર જનોની સેવા માટે યરૂશાલેમ જવાની તૈયારી કરું છું.+ ૨૬  કેમ કે મકદોનિયા અને અખાયાના ભાઈઓએ યરૂશાલેમના ગરીબ પવિત્ર જનો માટે ખુશીથી દાન* આપ્યું છે.+ ૨૭  તેઓએ ખુશીથી દાન આપ્યું છે, કેમ કે તેઓ પવિત્ર જનોના દેવાદાર છે. એ પવિત્ર જનોએ ઈશ્વર પાસેથી મળેલી વસ્તુઓમાં એ ભાઈઓને ભાગીદાર બનાવ્યા છે. એટલે એ ભાઈઓની ફરજ છે કે યરૂશાલેમમાં રહેતા પવિત્ર જનોને પોતાની વસ્તુઓ આપીને મદદ કરે.+ ૨૮  આ દાન તેઓને પહોંચાડ્યા પછી હું તમને મળવા આવીશ અને પછી ત્યાંથી સ્પેન જઈશ. ૨૯  મને ખબર છે કે હું તમારી પાસે આવીશ ત્યારે, ખ્રિસ્ત પાસેથી પુષ્કળ આશીર્વાદ લઈને આવીશ. ૩૦  ભાઈઓ, માલિક ઈસુ ખ્રિસ્ત દ્વારા અને પવિત્ર શક્તિના પ્રેમ દ્વારા હું તમને વિનંતી કરું છું કે તમે મારા માટે ઈશ્વરને પૂરા દિલથી પ્રાર્થના કરતા રહો, જેમ હું કરું છું.+ ૩૧  તમે પ્રાર્થના કરો કે યહૂદિયામાં જે લોકો ઈસુમાં માનતા નથી, તેઓથી મારો બચાવ થાય.+ તમે એવી પણ પ્રાર્થના કરો કે યરૂશાલેમના પવિત્ર જનો ખુશી ખુશી દાન સ્વીકારે.+ ૩૨  પછી ઈશ્વરની ઇચ્છા હશે તો, હું ખુશી ખુશી તમારી પાસે આવીશ અને તમારી સંગતથી તાજગી અનુભવીશ. ૩૩  શાંતિ આપનાર ઈશ્વર તમારા બધા સાથે રહે.+ આમેન.

ફૂટનોટ

અથવા, “દિલાસો.”
અથવા, “દિલાસો.”
અથવા, “એક અવાજે.”
અથવા, “આવકાર.”
અથવા, “આવકાર.”
મૂળ, “સુન્‍નત થયેલા લોકોના.”
અથવા, “વંશજ.”
અથવા, “ઊભરાતી.”
અથવા, “સલાહ આપી.”
અથવા કદાચ, “અમુક.”
અથવા, “ભેટ.”