રોમનોને પત્ર ૨:૧-૨૯

  • યહૂદીઓ અને ગ્રીકો પર ઈશ્વરનો ન્યાયચુકાદો (૧-૧૬)

    • અંતઃકરણ કઈ રીતે કામ કરે છે (૧૪, ૧૫)

  • યહૂદીઓ અને નિયમશાસ્ત્ર (૧૭-૨૪)

  • હૃદયની સુન્‍નત (૨૫-૨૯)

 એટલે હે માણસ, ભલે તું ગમે તે હોય,+ જો તું બીજાઓનો ન્યાય કરે તો તું પોતાને નિર્દોષ ઠરાવી શકતો નથી. તું જ્યારે બીજાઓને દોષિત ઠરાવે છે, ત્યારે તું પણ સજાને લાયક બને છે. તું કોઈ બહાનું કાઢી શકતો નથી, કેમ કે તું પોતે પણ તેઓનાં જેવાં જ કામ કરે છે.+ ૨  આપણે જાણીએ છીએ કે ઈશ્વર એવા લોકોનો ન્યાય કરશે અને તેમનો ન્યાયચુકાદો સત્યને આધારે છે. ૩  હવે તું આવાં કામ કરનારાઓનો ન્યાય કરે છે અને પોતે એવાં કામ કરે છે. શું તું એમ માને છે કે ઈશ્વરના ન્યાયચુકાદાથી તું છટકી જઈશ? ૪  શું તું જાણતો નથી કે ઈશ્વર તને પુષ્કળ કૃપા,+ સહનશીલતા+ અને ધીરજ+ બતાવે છે? શું તું જાણતો નથી કે તું પસ્તાવો કરે એ માટે ઈશ્વર પ્રેમથી તને મદદ કરી રહ્યા છે?+ ૫  પણ તું હઠીલો છે અને પસ્તાવો કરતો નથી. એટલે ઈશ્વર કોપના દિવસે અદ્દલ ન્યાય કરશે ત્યારે, તને સજા કરશે.+ ૬  તે દરેકને તેનાં કામ પ્રમાણે બદલો વાળી આપશે.+ ૭  જેઓ ધીરજથી સારું કામ કરતા રહીને મહિમા, માન અને અવિનાશી જીવન શોધે છે,+ તેઓને હંમેશ માટેનું જીવન મળશે. ૮  પણ જેઓ ઝઘડાખોર છે* અને સત્ય પ્રમાણે ચાલતા નથી, તેઓ પર ઈશ્વરનો ગુસ્સો અને કોપ ઊતરી આવશે.+ ૯  ખરાબ કામ કરનાર દરેક માણસ પર સંકટ અને દુઃખો આવશે, પહેલા યહૂદી પર અને પછી ગ્રીક* પર. ૧૦  પણ સારાં કામ કરનાર દરેકને માન, મહિમા અને શાંતિ મળશે, પહેલા યહૂદીને+ અને પછી ગ્રીકને.+ ૧૧  કેમ કે ઈશ્વર પક્ષપાત કરતા નથી.+ ૧૨  જેઓ પાસે નિયમશાસ્ત્ર* ન હતું અને પાપ કર્યું, તેઓનો નાશ નિયમશાસ્ત્ર વગર થશે.+ પણ જેઓ પાસે નિયમશાસ્ત્ર હતું અને પાપ કર્યું, તેઓનો ન્યાય નિયમશાસ્ત્રથી થશે.+ ૧૩  જેઓ નિયમશાસ્ત્ર સાંભળે છે તેઓને ઈશ્વર નેક ગણતા નથી, પણ જેઓ નિયમશાસ્ત્ર પ્રમાણે જીવે છે તેઓને નેક ગણશે.+ ૧૪  બીજી પ્રજાના લોકો* પાસે નિયમશાસ્ત્ર નથી,+ છતાં જ્યારે તેઓ સ્વાભાવિક રીતે વર્તે છે અને નિયમશાસ્ત્ર પ્રમાણે કામ કરે છે, ત્યારે બતાવી આપે છે કે તેઓનાં દિલમાં નિયમ છે. ૧૫  તેઓ સાબિત કરે છે કે નિયમશાસ્ત્રની વાતો તેઓનાં દિલમાં લખેલી છે અને તેઓનું અંત:કરણ* એની સાથે સહમત છે. તેઓના પોતાના વિચારો તેઓને દોષિત કે નિર્દોષ ઠરાવે છે. ૧૬  ઈશ્વર જ્યારે ખ્રિસ્ત ઈસુ દ્વારા માણસોની છૂપી વાતોનો ન્યાય કરશે,+ ત્યારે એવું બનશે. એ વિશે હું ખુશખબરમાં જણાવું છું. ૧૭  તું પોતાને યહૂદી ગણે છે.+ તું નિયમશાસ્ત્ર પર ભરોસો કરે છે અને ઈશ્વર સાથેના સંબંધને લીધે ગર્વ કરે છે. ૧૮  તું ઈશ્વરની ઇચ્છા જાણે છે અને મહત્ત્વની વાતો સ્વીકારે છે, કેમ કે તને નિયમશાસ્ત્રમાંથી શીખવવામાં* આવ્યું છે.+ ૧૯  તને ખાતરી છે કે તું આંધળાને માર્ગ બતાવી શકે છે અને અંધારામાં છે તેઓને પ્રકાશ આપી શકે છે. ૨૦  તને લાગે છે કે તું મૂર્ખને સુધારી શકે છે અને બાળકોને* શીખવી શકે છે, કેમ કે તારી પાસે નિયમશાસ્ત્રના સત્યનું જરૂરી જ્ઞાન અને સમજણ છે. ૨૧  પણ ઓ બીજાને શીખવનાર, તું પોતાને કેમ શીખવતો નથી?+ “ચોરી ન કરવી”+ એવો ઉપદેશ આપનાર, શું તું પોતે ચોરી કરે છે? ૨૨  “વ્યભિચાર ન કરવો”+ એમ કહેનાર, શું તું પોતે વ્યભિચાર કરે છે? મૂર્તિઓને ધિક્કારનાર, શું તું મંદિરોને લૂંટે છે? ૨૩  નિયમશાસ્ત્રમાં ગર્વ લેનાર, શું તું પોતે નિયમશાસ્ત્ર તોડીને ઈશ્વરનું અપમાન કરે છે? ૨૪  કેમ કે લખેલું છે, “તમારા લીધે બીજી પ્રજાઓમાં ઈશ્વરના નામની નિંદા થઈ રહી છે.”+ ૨૫  જો તું નિયમશાસ્ત્ર પાળતો હોય તો જ સુન્‍નતથી*+ ફાયદો છે.+ પણ જો તું એ ન પાળતો હોય, તો તારી સુન્‍નત થયેલી હોવા છતાં તું બેસુન્‍નતી છે. ૨૬  પણ જો બેસુન્‍નતી માણસ+ નિયમશાસ્ત્રનાં ન્યાયી ધોરણો પાળતો હોય, તો શું ઈશ્વર તેને સુન્‍નત થયેલો નહિ ગણે?+ ૨૭  તારી પાસે લેખિત નિયમો છે અને તારી સુન્‍નત થઈ છે, છતાં તું નિયમશાસ્ત્ર તોડે છે. એટલે જેની સુન્‍નત થઈ નથી એવો માણસ નિયમશાસ્ત્ર પ્રમાણે ચાલીને તને દોષિત ઠરાવે છે. ૨૮  જે બહારથી યહૂદી દેખાય છે તે સાચો યહૂદી નથી+ અથવા જે સુન્‍નત શરીર પર થાય છે એ સાચી સુન્‍નત નથી.+ ૨૯  પણ જે અંદરથી યહૂદી છે,+ તે જ સાચો યહૂદી છે. તેની સુન્‍નત હૃદયની છે,+ જે લેખિત નિયમોથી નહિ પણ પવિત્ર શક્તિથી થઈ છે.+ આવા માણસને લોકો પાસેથી નહિ, પણ ઈશ્વર પાસેથી પ્રશંસા મળે છે.+

ફૂટનોટ

અથવા, “જેઓને દલીલ કરવી ગમે છે.”
આ અને પછીની કલમમાં “ગ્રીક” શબ્દ બિનયહૂદી લોકોને બતાવે છે.
અથવા, “બિનયહૂદી લોકો.”
અથવા, “મૌખિક રીતે શીખવવામાં.”
અહીં કદાચ એવા લોકોની વાત થાય છે જેઓને જ્ઞાન અને સમજણમાં વધવાની જરૂર છે.