રોમનોને પત્ર ૫:૧-૨૧
૫ હવે શ્રદ્ધાને લીધે આપણે નેક ઠર્યા છીએ,+ એટલે માલિક ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણે ઈશ્વર સાથે શાંતિનો આનંદ માણી શકીએ છીએ.*+
૨ ઈસુ પર શ્રદ્ધા હોવાથી આપણે ઈશ્વરની નજીક જઈ શકીએ છીએ અને તેમની કૃપા મેળવી શકીએ છીએ.+ આપણને ઈશ્વર પાસેથી મહિમા મેળવવાની આશા છે, એટલે આપણે આનંદ કરી શકીએ છીએ.
૩ મુસીબતોમાં પણ આનંદ કરી શકીએ છીએ,+ કેમ કે આપણે જાણીએ છીએ કે મુસીબતો સહન કરવાથી ધીરજ ઉત્પન્ન થાય છે.+
૪ ધીરજથી ઈશ્વરની કૃપા* મળે છે+ અને એ કૃપા આશા આપે છે.+
૫ આશા આપણને નિરાશ થવા દેતી નથી,+ કેમ કે ઈશ્વરે આપેલી પવિત્ર શક્તિથી આપણાં હૃદયોમાં ઈશ્વરનો પ્રેમ રેડવામાં આવ્યો છે.+
૬ આપણે સાવ લાચાર* હતા+ ત્યારે, નક્કી કરેલા સમયે દુષ્ટ* લોકો માટે ખ્રિસ્ત મરણ પામ્યા.
૭ નેક* માણસ માટે તો ભાગ્યે જ કોઈ મરે, સારા માણસ માટે કદાચ કોઈ મરવા તૈયાર પણ થાય.
૮ પણ ઈશ્વરે આપણા પર પોતાનો પ્રેમ આ રીતે જાહેર કર્યો: આપણે હજુ પાપી હતા ત્યારે, ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યા.+
૯ આપણે ખ્રિસ્તના લોહીથી નેક ઠર્યા છીએ,+ એટલે એમાં કોઈ શંકા નથી કે ઈશ્વરના કોપથી આપણે બચી જઈશું.+
૧૦ આપણે ઈશ્વરના દુશ્મનો હતા, પણ તેમના દીકરાના મરણથી આપણે તેમના દોસ્ત બન્યા છીએ.*+ હવે આપણે ઈશ્વરના દોસ્ત છીએ,* એટલે એમાં કોઈ શંકા નથી કે ઈસુના જીવન દ્વારા આપણે બચી જઈશું.
૧૧ ઈશ્વરે આપણા માલિક ઈસુ ખ્રિસ્ત દ્વારા જે કર્યું છે એના લીધે આપણે આનંદ કરીએ છીએ, કેમ કે ઈસુ દ્વારા આપણે ઈશ્વરના દોસ્ત બન્યા છીએ.*+
૧૨ એક માણસથી દુનિયામાં પાપ આવ્યું અને પાપથી મરણ આવ્યું.+ આમ બધા માણસોએ પાપ કર્યું, એટલે બધામાં મરણ ફેલાયું.+
૧૩ નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું એ પહેલાં પણ આ દુનિયામાં પાપ હતું. પણ નિયમ ન હોય તો કોઈના પર પાપનો દોષ લાગતો નથી.+
૧૪ તોપણ આદમથી લઈને મૂસા સુધી મરણે રાજા તરીકે રાજ કર્યું. તેણે એવા લોકો પર પણ રાજ કર્યું, જેઓએ આદમ જેવું પાપ કર્યું ન હતું. આદમ તો પછીથી આવનાર માણસ જેવો હતો.+
૧૫ ઈશ્વરે આપેલી ભેટ કંઈ આદમના પાપ જેવી નથી. કેમ કે તેના પાપને લીધે ઘણા લોકો મરી ગયા. પણ ઈશ્વરની અપાર કૃપાથી અને તેમની ભેટથી ઘણા લોકોને લાભ થયો છે. એ ભેટ તો અપાર કૃપાથી અને એક માણસ+ ઈસુ ખ્રિસ્તથી આપવામાં આવી છે!+
૧૬ એક માણસના પાપ+ અને ઈશ્વરે આપેલી ભેટમાં આભ-જમીનનો ફરક છે. એક પાપનો ચુકાદો સજા હતી,+ જ્યારે કે અનેક પાપ પછી મળેલી ભેટથી લોકો નેક ગણાયા.+
૧૭ એક માણસના પાપને લીધે મરણે રાજા તરીકે રાજ કર્યું.+ તો એમાં કોઈ શંકા નથી કે જેઓ ઈશ્વરની અપાર કૃપા મેળવે છે અને તેમની ભેટને લીધે નેક* ગણાય છે,+ તેઓ એક માણસ ઈસુ ખ્રિસ્ત દ્વારા જીવશે+ અને રાજાઓ તરીકે રાજ કરશે!+
૧૮ એટલે જેમ એક પાપને લીધે દરેક પ્રકારના માણસોને સજા મળી,+ તેમ એક નેક કાર્યથી દરેક પ્રકારના માણસોને+ જીવન માટે નેક ગણવામાં આવે છે.+
૧૯ જેમ એક માણસે આજ્ઞા ન માની હોવાથી ઘણા લોકો પાપી ગણાયા,+ તેમ એક માણસે આજ્ઞા માની હોવાથી ઘણા લોકો નેક ગણાશે.+
૨૦ લોકો કેટલા પાપી છે, એ બતાવવા નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું હતું.+ જ્યારે પાપ વધ્યું, ત્યારે અપાર કૃપા પણ અનેક ઘણી વધી.
૨૧ જેમ પાપે મરણ સાથે રાજ કર્યું,+ તેમ અપાર કૃપા પણ નેકી દ્વારા રાજ કરે છે. પરિણામે, એ આપણને માલિક ઈસુ ખ્રિસ્ત દ્વારા હંમેશ માટેના જીવન તરફ દોરી જાય છે.+
ફૂટનોટ
^ અથવા કદાચ, “આપણને શાંતિ છે.”
^ અથવા, “મંજૂરી.”
^ મૂળ, “કમજોર.”
^ અથવા, “અધર્મી.”
^ અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
^ મૂળ, “સુલેહ કરી છે.”
^ મૂળ, “સુલેહ થઈ છે.”
^ અથવા, “સુલેહ થઈ છે.”
^ અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.