લૂક ૧૪:૧-૩૫

  • જલોદર થયેલો માણસ સાબ્બાથે સાજો કરાયો (૧-૬)

  • નમ્ર મહેમાન બનો (૭-૧૧)

  • પાછું વાળી ન શકે તેઓને આમંત્રણ આપો (૧૨-૧૪)

  • બહાનાં કાઢતા મહેમાનોનું ઉદાહરણ (૧૫-૨૪)

  • શિષ્ય બનવાની કિંમત (૨૫-૩૩)

  • સ્વાદ વગરનું મીઠું (૩૪, ૩૫)

૧૪  બીજા એક પ્રસંગે ઈસુ ફરોશીઓના એક આગેવાનના ઘરે સાબ્બાથના દિવસે જમવા ગયા. ઘરમાંના લોકોની નજર તેમના પર હતી. ૨  જુઓ! એક માણસ જેને જલોદરનો રોગ* હતો, તે તેમની સામે હતો. ૩  ઈસુએ નિયમશાસ્ત્રના પંડિતો અને ફરોશીઓને પૂછ્યું: “શું નિયમ પ્રમાણે સાબ્બાથના દિવસે સાજા કરવું બરાબર છે?”+ ૪  તેઓ ચૂપ રહ્યા. એટલે તેમણે એ માણસ પર હાથ મૂકીને તેને સાજો કર્યો અને મોકલી આપ્યો. ૫  તેમણે કહ્યું: “માનો કે તમારામાંથી કોઈનો દીકરો અથવા બળદ સાબ્બાથના દિવસે કૂવામાં પડી જાય.+ તમારામાંથી કોણ એને તરત બહાર ખેંચી નહિ કાઢે?”+ ૬  તેઓ આનો જવાબ આપી શક્યા નહિ. ૭  પછી તેમણે જોયું કે ત્યાં આવેલા મહેમાનો મુખ્ય જગ્યાઓ પસંદ કરતા હતા.+ તેમણે તેઓને આ ઉદાહરણ આપ્યું: ૮  “લગ્‍નની મિજબાની માટે તમને કોઈ આમંત્રણ આપે ત્યારે, મુખ્ય જગ્યા પર બેસશો નહિ.+ કદાચ તમારાથી વધારે મહત્ત્વના માણસને પણ બોલાવવામાં આવ્યો હોય. ૯  પછી તમને બંનેને આમંત્રણ આપનાર આવીને તમને કહેશે, ‘આ માણસને તારી જગ્યા પર બેસવા દે.’ એટલે તમારે શરમાઈને સૌથી નીચી જગ્યા લેવી પડશે. ૧૦  પણ જ્યારે કોઈ તમને આમંત્રણ આપે ત્યારે જાઓ અને સૌથી નીચી જગ્યા પર બેસો. એટલે જેણે તમને બોલાવ્યા હોય તે આવીને તમને કહેશે, ‘મિત્ર, ઊંચી જગ્યા પર બેસ.’ આમ બધા મહેમાનો સામે તમને માન મળશે.+ ૧૧  જે કોઈ પોતાને ઊંચો કરશે તે નીચો કરાશે અને જે કોઈ પોતાને નીચો કરશે તે ઊંચો કરાશે.”+ ૧૨  ઈસુને આમંત્રણ આપ્યું હતું, તેને પણ તેમણે કહ્યું: “તું દિવસનું કે સાંજનું જમણ ગોઠવે ત્યારે તારા મિત્રો, તારા ભાઈઓ, તારાં સગાઓ અથવા તારા ધનવાન પડોશીઓને ન બોલાવ. કદાચ તેઓ પણ તને બોલાવે અને બદલો વાળી આપે. ૧૩  પણ તું મિજબાની ગોઠવે ત્યારે ગરીબ, લૂલા, લંગડા અને આંધળાઓને+ આમંત્રણ આપ. ૧૪  એનાથી તને આનંદ થશે, કારણ કે તને પાછું વાળી આપવા માટે તેઓ પાસે કંઈ નથી. નેક લોકોને મરણમાંથી જીવતા કરવામાં* આવશે+ ત્યારે તને બદલો મળશે.” ૧૫  આ વાતો સાંભળીને એક મહેમાને કહ્યું: “ઈશ્વરના રાજ્યમાં જે જમશે* તેને ધન્ય છે!” ૧૬  ઈસુએ તેને કહ્યું: “એક માણસે સાંજનો ભોજન સમારંભ ગોઠવ્યો.+ તેણે ઘણાને આમંત્રણ આપ્યું. ૧૭  સાંજના ભોજન સમયે તેણે આમંત્રણ આપેલા લોકો પાસે ચાકર મોકલીને કહ્યું: ‘ચાલો, હવે બધું તૈયાર છે.’ ૧૮  પણ તેઓ બધા બહાનાં કાઢવા લાગ્યા.+ પહેલાએ કહ્યું, ‘મેં ખેતર ખરીદ્યું છે અને મારે એ જોવાનું છે. મને માફ કર, હું આવી નહિ શકું.’ ૧૯  બીજાએ કહ્યું, ‘મેં પાંચ જોડી બળદ લીધા છે અને હું તેઓને તપાસવા જાઉં છું. મને માફ કર, હું આવી નહિ શકું.’+ ૨૦  બીજા એકે કહ્યું, ‘મેં હમણાં જ લગ્‍ન કર્યા છે, એટલે હું આવી નથી શકતો.’ ૨૧  ચાકરે આવીને પોતાના માલિકને એ બધું જણાવ્યું. ઘરનો માલિક ઘણો ગુસ્સે થયો અને ચાકરને કહ્યું, ‘શહેરના મુખ્ય રસ્તાઓ અને ગલીઓમાં જલદી જા. ગરીબ, લૂલા, લંગડા અને આંધળાઓને અહીં લઈ આવ.’ ૨૨  ચાકરે પાછા આવીને કહ્યું, ‘માલિક, તમારા હુકમ પ્રમાણે કર્યું. છતાં પણ હજુ જગ્યા બાકી છે.’ ૨૩  માલિકે કહ્યું, ‘રસ્તાઓ અને શેરીઓમાં જા. લોકોને અહીં આવવા આગ્રહ કર, જેથી મારું ઘર ભરાય જાય.+ ૨૪  હું તને કહું છું, જેઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું, તેઓમાંથી કોઈ પણ મારું સાંજનું ભોજન ચાખશે નહિ.’”+ ૨૫  લોકોનાં ટોળાં ઈસુની સાથે જતાં હતાં. તેઓની તરફ ફરીને તેમણે કહ્યું: ૨૬  “જો કોઈ મારી પાસે આવે અને પોતાના પિતાને, માતાને, પત્નીને, બાળકોને, ભાઈઓને અને બહેનોને, હા, પોતાને પણ ધિક્કારે નહિ,*+ તો તે મારો શિષ્ય થઈ શકતો નથી.+ ૨૭  જે કોઈ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી.+ ૨૮  દાખલા તરીકે, તમારામાંથી એવું કોણ છે જેને ઘર બાંધવું* છે અને જે પહેલા બેસીને હિસાબ નહિ કરે કે તેની પાસે પૂરતા પૈસા છે કે નહિ? ૨૯  એમ નહિ કરે તો તે કદાચ ઘરનો પાયો નાખે, પણ એને પૂરું નહિ કરી શકે. એ જોનારા બધા તેની મશ્કરી કરવા લાગશે. ૩૦  તેઓ કહેશે: ‘આ માણસે બાંધવાનું શરૂ તો કર્યું, પણ પૂરું ન કરી શક્યો.’ ૩૧  અથવા માનો કે કોઈ રાજા પોતાના ૧૦,૦૦૦ સૈનિકો સાથે બીજા રાજા સામે લડવા જાય છે જેની પાસે ૨૦,૦૦૦ સૈનિકો છે. શું તે પહેલા બેસીને સલાહ નહિ લે કે પોતે બીજા રાજા સામે જીતી શકશે કે કેમ? ૩૨  જો તે એમ ન કરી શકતો હોય, તો બીજો રાજા હજુ દૂર હશે ત્યારે તે એલચીઓનું જૂથ મોકલશે. તે સુલેહ કરવાનો પ્રયત્ન કરશે. ૩૩  ભૂલશો નહિ, તમારામાંથી જે કોઈ પણ પોતાની બધી સંપત્તિનો ત્યાગ કરતો નથી, તે મારો શિષ્ય બની શકતો નથી.+ ૩૪  “મીઠું સારું છે. પણ જો મીઠું સ્વાદ વગરનું થઈ જાય, તો તમે શાનાથી એનો સ્વાદ પાછો લાવશો?+ ૩૫  એ જમીન કે ખાતરમાં નાખવા માટે પણ કામ આવતું નથી. લોકો એને ફેંકી દે છે. હું જે કહું છું એ કાન દઈને સાંભળો.”+

ફૂટનોટ

શરીરમાં પાણી ભરાવાને લીધે સોજા ચઢી જાય એવી બીમારી.
મૂળ, “રોટલી ખાશે.”
અથવા, “ઓછા પ્રમાણમાં પ્રેમ કરે નહિ.”
મૂળ, “મિનારો બાંધવો.”