લૂક ૨૧:૧-૩૮

  • ગરીબ વિધવાના બે સિક્કા (૧-૪)

  • જે થવાનું છે એની નિશાની (૫-૩૬)

    • યુદ્ધો, મોટા ધરતીકંપો, રોગચાળો, ખોરાકની અછત (૧૦, ૧૧)

    • સૈન્યોથી ઘેરાયેલું યરૂશાલેમ (૨૦)

    • બીજી પ્રજાઓના નક્કી કરેલા સમયો (૨૪)

    • માણસના દીકરાનું આવવું (૨૭)

    • અંજીરના ઝાડનું ઉદાહરણ (૨૯-૩૩)

    • જાગતા રહો (૩૪-૩૬)

  • ઈસુ મંદિરમાં શીખવે છે (૩૭, ૩૮)

૨૧  ઈસુએ દાન-પેટીઓ તરફ નજર કરી. તેમણે ધનવાનોને એમાં દાન નાખતા જોયા.+ ૨  તેમણે એક ગરીબ વિધવાને સાવ ઓછી કિંમતના બે નાના સિક્કા* નાખતી જોઈ.+ ૩  તેમણે કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે એ બધા કરતાં આ ગરીબ વિધવાએ વધારે નાખ્યું છે.+ ૪  એ બધાએ પોતાની પુષ્કળ ધનદોલતમાંથી દાન નાખ્યું. પણ ગરીબ વિધવાએ પોતાના જીવન માટે જે જરૂરી હતું એ બધું જ નાખી દીધું.”+ ૫  પછી અમુક લોકો મંદિર વિશે વાત કરવા લાગ્યા. તેઓ કહેવા લાગ્યા કે કેવા સરસ પથ્થરોથી અને ઈશ્વરને અર્પણ કરેલી વસ્તુઓથી મંદિર સજાવવામાં આવ્યું છે.+ ૬  ઈસુએ કહ્યું: “હમણાં તમે આ બધું જુઓ છો. પણ એવા દિવસો આવશે જ્યારે એનો એકેય પથ્થર બીજા પથ્થર પર રહેશે નહિ. એ બધા પથ્થર પાડી નાખવામાં આવશે.”+ ૭  તેઓએ પૂછ્યું: “શિક્ષક, એ બધું ક્યારે બનશે? એ બધું બનવાની નિશાની શું હશે?”+ ૮  તેમણે કહ્યું: “જોજો, કોઈ તમને ભમાવે નહિ.+ ઘણા મારા નામે આવીને કહેશે કે ‘હું તે છું.’ તેઓ એમ પણ કહેશે, ‘નક્કી કરેલો સમય પાસે આવ્યો છે.’ તમે તેઓ પાછળ જતા નહિ.+ ૯  યુદ્ધોનો ઘોંઘાટ અને હુલ્લડો* વિશે સાંભળો ત્યારે ગભરાતા નહિ. પહેલા આ બધું થાય એ જરૂરી છે, પણ તરત જ અંત નહિ આવે.”+ ૧૦  પછી તેમણે કહ્યું: “એક દેશ બીજા દેશ સામે થશે+ અને એક રાજ્ય બીજા રાજ્ય સામે થશે.+ ૧૧  મોટા મોટા ધરતીકંપો થશે, એક પછી એક ઘણી જગ્યાએ ખોરાકની અછત પડશે અને રોગચાળો ફેલાશે.+ ડરાવી નાખતા બનાવો બનશે અને આકાશમાંથી* મોટી મોટી નિશાનીઓ થશે. ૧૨  “એ બધું થતા પહેલાં લોકો તમને પકડશે અને તમારી સતાવણી કરશે.+ તમને સભાસ્થાનોમાં સોંપી દેશે અને કેદખાનાઓમાં નાખી દેશે. મારા નામને લીધે તમને રાજાઓ અને રાજ્યપાલો સામે લઈ જવાશે.+ ૧૩  એના લીધે તમને સાક્ષી આપવાની તક મળશે. ૧૪  એટલે તમારાં મનમાં આ નક્કી કરો: તમે પહેલેથી તૈયારી નહિ કરો કે પોતાનો બચાવ કઈ રીતે કરશો.+ ૧૫  તમારો બચાવ કરવા હું તમને શબ્દો અને બુદ્ધિ આપીશ. પછી બધા વિરોધીઓ મળીને પણ તમારો સામનો કરી શકશે નહિ.+ ૧૬  માબાપ, ભાઈઓ, સગાઓ અને મિત્રો પણ તમને પકડાવી દેશે.* અરે, તમારામાંથી અમુકને તેઓ મારી નાખશે.+ ૧૭  તમે મારા શિષ્યો છો એટલે* બધા લોકો તમારો ધિક્કાર કરશે.+ ૧૮  છતાં તમારાં માથાનો એક વાળ પણ વાંકો નહિ થાય.+ ૧૯  તમે અંત સુધી ધીરજથી સહન કરીને તમારું જીવન બચાવશો.+ ૨૦  “તમે યરૂશાલેમને સૈન્યોથી ઘેરાયેલું જુઓ+ ત્યારે જાણજો કે એનો ઉજ્જડ થવાનો સમય પાસે આવ્યો છે.+ ૨૧  જેઓ યહૂદિયામાં હોય તેઓએ પહાડો પર નાસી જવું,+ જેઓ યરૂશાલેમમાં હોય તેઓએ બહાર નીકળી જવું અને જેઓ સીમમાં હોય તેઓએ યરૂશાલેમમાં ન જવું. ૨૨  એ દિવસો ન્યાય કરવાના* દિવસો છે, જેથી લખવામાં આવેલી બધી વાતો પૂરી થાય. ૨૩  એ દિવસો ગર્ભવતી સ્ત્રીઓ અને ધવડાવનારી સ્ત્રીઓ માટે કેટલા મુશ્કેલ હશે!+ આ જગ્યા પર ભારે આફત આવી પડશે અને લોકો પર ઈશ્વરનો ક્રોધ ભડકી ઊઠશે. ૨૪  તેઓ તલવારની ધારથી માર્યા જશે. તેઓને ગુલામ બનાવીને બીજા બધા દેશોમાં લઈ જવામાં આવશે.+ બીજી પ્રજાઓના નક્કી કરેલા સમયો પૂરા ન થાય ત્યાં સુધી, યરૂશાલેમને એ પ્રજાઓના પગ નીચે ખૂંદવામાં આવશે.+ ૨૫  “સૂર્ય, ચંદ્ર અને તારાઓમાં નિશાનીઓ થશે.+ પૃથ્વી પર પ્રજાઓ નિરાશામાં ડૂબી જશે. સમુદ્રની ગર્જના અને એનાં મોટાં મોટાં તોફાનોને લીધે તેઓને ખ્યાલ નહિ આવે કે શું કરવું. ૨૬  આકાશોમાંની શક્તિઓ હલી ઊઠશે. એટલે પૃથ્વી પર જે આવી પડવાનું છે, એનાં ભય અને ચિંતાથી લોકોના હોશ ઊડી જશે. ૨૭  એ પછી તેઓ માણસના દીકરાને+ શક્તિ અને મહાન ગૌરવ સાથે આકાશના વાદળ પર આવતો જોશે.+ ૨૮  આ બધું થવા લાગે ત્યારે માથાં ઊંચાં કરીને સીધા ઊભા રહો, કેમ કે તમારો ઉદ્ધાર નજીક આવ્યો છે.” ૨૯  પછી તેમણે એક ઉદાહરણ આપ્યું: “અંજીરના ઝાડ અને બીજાં બધાં ઝાડ પર ધ્યાન આપો.+ ૩૦  જ્યારે તેઓને પાંદડાં ફૂટે છે, ત્યારે એ જોઈને તમને ખબર પડે છે કે હવે ઉનાળો નજીક છે. ૩૧  એ જ રીતે, તમે આ બધું થતું જુઓ ત્યારે જાણજો કે ઈશ્વરનું રાજ્ય પાસે જ છે. ૩૨  હું તમને સાચે જ કહું છું કે એ બધું બનશે નહિ ત્યાં સુધી આ પેઢી* જતી રહેશે નહિ.+ ૩૩  આકાશ અને પૃથ્વી નાશ પામશે, પણ મારા શબ્દો કાયમ ટકશે.+ ૩૪  “પણ ધ્યાન રાખો! વધારે પડતું ખાવા-પીવાથી+ અને જીવનની ચિંતાઓના+ બોજથી તમારાં હૃદયો દબાઈ ન જાય. જોજો, એ દિવસ અચાનક તમારા પર ફાંદાની જેમ આવી ન પડે.+ ૩૫  આખી પૃથ્વી પર રહેતા સર્વ લોકો પર એ દિવસ ચોક્કસ આવશે. ૩૬  એટલે જાગતા રહો!+ હંમેશાં વિનંતી કરતા રહો!+ આમ કરશો તો જે બનાવો ચોક્કસ બનવાના છે એમાંથી તમે બચી શકશો. તમે માણસના દીકરાની આગળ ઊભા રહી શકશો.”+ ૩૭  ઈસુ દિવસે મંદિરમાં શીખવતા, પણ રાતે શહેરની બહાર જતા. તે જૈતૂન પર્વત પર જઈને રહેતા. ૩૮  વહેલી સવારે બધા લોકો તેમની વાતો સાંભળવા મંદિરમાં આવતા.

ફૂટનોટ

મૂળ, “બે લેપ્ટા.” વધારે માહિતી ખ-૧૪ જુઓ.
અથવા, “ઊથલ-પાથલ; બળવાઓ.”
અહીં વપરાયેલા ગ્રીક શબ્દનો અર્થ આકાશ અથવા સ્વર્ગ થઈ શકે.
અથવા, “દગો દેશે.”
મૂળ, “મારા નામને લીધે.”
અથવા, “વેર લેવાના.”
સામાન્ય રીતે “પેઢી” એટલે કે કોઈ એક સમયગાળામાં જીવતા અલગ અલગ ઉંમરના લોકો.