લેવીય ૧૧:૧-૪૭

  • શુદ્ધ અને અશુદ્ધ પ્રાણીઓ (૧-૪૭)

૧૧  પછી યહોવાએ મૂસા અને હારુનને કહ્યું: ૨  “ઇઝરાયેલીઓને કહો, ‘પૃથ્વી પરનાં આ પ્રાણીઓ તમે ખાઈ શકો:+ ૩  જેના પગની ખરી બે ભાગમાં ફાટેલી હોય અને જે વાગોળતું હોય એવું દરેક પ્રાણી તમે ખાઈ શકો. ૪  “‘પણ તમે આ પ્રાણીઓ ન ખાઓ, જે ફક્ત વાગોળે છે અથવા જેની ફક્ત ખરી ફાટેલી છે: ઊંટ, કેમ કે એ વાગોળે છે, પણ એની ખરી ફાટેલી નથી. એ તમારા માટે અશુદ્ધ છે.+ ૫  ખડકોમાં રહેતું સસલું,*+ કેમ કે એ વાગોળે છે, પણ એની ખરી ફાટેલી નથી. એ તમારા માટે અશુદ્ધ છે. ૬  સસલું,* કેમ કે એ વાગોળે છે, પણ એની ખરી ફાટેલી નથી. એ તમારા માટે અશુદ્ધ છે. ૭  અને ભૂંડ,+ કેમ કે એની ખરી ફાટેલી છે, પણ એ વાગોળતું નથી. એ તમારા માટે અશુદ્ધ છે. ૮  તમે એ પ્રાણીઓનું માંસ ન ખાઓ અથવા તેઓનાં મડદાંને ન અડકો. એ તમારા માટે અશુદ્ધ છે.+ ૯  “‘પાણીમાં રહેતાં આ બધાં પ્રાણીઓ તમે ખાઈ શકો: જેને ભીંગડાં અને પર* હોય એ તમે ખાઈ શકો, પછી ભલે એ સમુદ્રનું હોય કે નદીનું.+ ૧૦  પણ સમુદ્ર કે નદીમાં રહેતાં એવાં પ્રાણીઓ તમે ન ખાઓ, જેઓને ભીંગડાં અને પર નથી, પછી ભલે એ ઝુંડમાં રહેતાં પ્રાણીઓ* હોય કે બીજા કોઈ પણ પ્રકારનાં હોય. એ તમારા માટે અશુદ્ધ* છે. ૧૧  હા, એ પ્રાણીઓ અશુદ્ધ છે, એટલે તમે તેઓનું માંસ ન ખાઓ+ અને તેઓનાં મડદાંને ન અડકો. ૧૨  પાણીમાં રહેતું એવું દરેક પ્રાણી જેને ભીંગડાં અને પર નથી, એ તમારા માટે અશુદ્ધ છે. ૧૩  “‘આકાશમાં ઊડતાં આ પક્ષીઓ તમારા માટે અશુદ્ધ છે; તમે તેઓનું માંસ ન ખાઓ, કેમ કે એ અશુદ્ધ છે: ગરુડ,+ દરિયાઈ બાજ, કાળું ગીધ,+ ૧૪  લાલ સમડી, દરેક જાતની કાળી સમડી, ૧૫  દરેક જાતના કાગડા, ૧૬  શાહમૃગ, ઘુવડ, દરિયાઈ ધૂમડો,* દરેક જાતના શકરા, ૧૭  ચીબરી, જળકૂકડી, લાંબા કાનવાળું ઘુવડ, ૧૮  હંસ, પેણ,* ગીધ, ૧૯  સારસ, દરેક પ્રકારના બગલા, હુદહુદ* અને ચામાચીડિયું. ૨૦  પાંખવાળું એવું દરેક જીવજંતુ તમારા માટે અશુદ્ધ છે, જે ઝુંડમાં રહે છે અને ચાર પગે ચાલે છે. ૨૧  “‘ઝુંડમાં રહેતાં અને ચાર પગે ચાલતાં જીવજંતુઓમાંથી તમે ફક્ત એવાં જ ખાઓ, જેઓને જમીન પર કૂદકો મારવા પગની બીજી એક જોડ હોય. ૨૨  તમે આ ખાઈ શકો: જુદી જુદી જાતનાં ઊડતાં તીડો, બીજાં તીડો,+ તમરાં અને તીતીઘોડા. ૨૩  ઝુંડમાં રહેતાં અને ચાર પગે ચાલતાં પાંખવાળાં બીજાં બધાં જીવજંતુઓ તમારા માટે અશુદ્ધ છે. ૨૪  એ ખાવાથી તમે અશુદ્ધ થશો. જે કોઈ એ મરેલા જીવજંતુને અડકે, એ સાંજ સુધી અશુદ્ધ ગણાય.+ ૨૫  જે કોઈ એ મરેલું જીવજંતુ ઉઠાવે, તે પોતાનાં કપડાં ધૂએ+ અને સાંજ સુધી અશુદ્ધ ગણાય. ૨૬  “‘જે પ્રાણીની ખરી ફાટેલી હોય, પણ બે ભાગમાં ફાટેલી ન હોય અને જે વાગોળતું ન હોય એ તમારા માટે અશુદ્ધ છે. જે કોઈ એના મડદાને અડકે, તે અશુદ્ધ ગણાય.+ ૨૭  ચાર પગે ચાલતાં પ્રાણીઓમાંથી જે પોતાના પંજા પર ચાલે છે, એ તમારા માટે અશુદ્ધ છે. જે કોઈ એના મડદાને અડકે, તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. ૨૮  જે કોઈ એનું મડદું ઉઠાવે, તે પોતાનાં કપડાં ધૂએ+ અને સાંજ સુધી અશુદ્ધ ગણાય.+ એ પ્રાણી તમારા માટે અશુદ્ધ છે. ૨૯  “‘ઝુંડમાં રહેતાં જમીન પરનાં આ પ્રાણીઓ તમારા માટે અશુદ્ધ છે: છછુંદર,* ઉંદર,+ દરેક જાતની ગરોળી, ૩૦  રેતીમાં રહેતી ગરોળી, પાટલા ઘો, પાણીમાં રહેતી ગરોળી, ચંદન ઘો અને કાચીંડો. ૩૧  એ પ્રાણીઓ તમારા માટે અશુદ્ધ છે.+ જે કોઈ એના મડદાને અડકે, તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.+ ૩૨  “‘એમાંનું કોઈ પણ પ્રાણી મરી જાય અને કોઈ વસ્તુ પર પડે તો એ વસ્તુ અશુદ્ધ ગણાય, પછી ભલે એ લાકડાનું વાસણ હોય, કપડું હોય, ચામડું હોય કે કંતાનનો ટુકડો હોય. રોજબરોજના કામમાં વપરાતું વાસણ પાણીથી ધોઈ નાખવું. એ સાંજ સુધી અશુદ્ધ ગણાય. પછી એ શુદ્ધ ગણાય. ૩૩  જો એ માટીના વાસણમાં પડે, તો એને ભાંગી નાખવું અને એમાં જે કંઈ હોય એ બધું અશુદ્ધ ગણાય.+ ૩૪  એવા વાસણમાંનું પાણી જો કોઈ ખોરાક પર પડે, તો એ અશુદ્ધ ગણાય. એવા વાસણમાંનું કોઈ પણ પીણું અશુદ્ધ ગણાય. ૩૫  જેના પર મડદું પડે એ દરેક વસ્તુ અશુદ્ધ છે. ભલે એ ભઠ્ઠી હોય કે ચૂલો, એને તમે ભાંગી નાખો. એ અશુદ્ધ છે અને તમારા માટે અશુદ્ધ રહેશે. ૩૬  ફક્ત ઝરણાં અને પાણીના ટાંકા જ શુદ્ધ ગણાશે. જે કોઈ એમાંથી એ મડદું બહાર કાઢશે, તે અશુદ્ધ ગણાશે. ૩૭  જો વાવવાનાં બી પર મડદું પડે, તો એ બી શુદ્ધ છે. ૩૮  પણ જો એ બી પર પાણી નાખેલું હોય અને એના પર મડદાનો કોઈ ભાગ પડે, તો એ બી તમારા માટે અશુદ્ધ છે. ૩૯  “‘જે પ્રાણી ખાવાની તમને છૂટ છે, એમાંનું કોઈ મરી જાય અને જે કોઈ એના મડદાને અડકે, તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.+ ૪૦  જે કોઈ એ મડદાનું માંસ ખાય, તે પોતાનાં કપડાં ધૂએ અને સાંજ સુધી અશુદ્ધ ગણાય.+ જે કોઈ એ મડદું ઉઠાવે, તે પોતાનાં કપડાં ધૂએ અને સાંજ સુધી અશુદ્ધ ગણાય. ૪૧  પૃથ્વી પર ઝુંડમાં રહેતું દરેક પ્રાણી* અશુદ્ધ છે.+ એ તમે ન ખાઓ. ૪૨  એવું કોઈ પણ પ્રાણી તમે ન ખાઓ, જે પેટે ચાલતું હોય, ચાર પગે ચાલતું હોય અથવા ઝુંડમાં રહેતું હોય અને જેને ઘણા પગ હોય, કેમ કે એ તમારા માટે અશુદ્ધ છે.+ ૪૩  ઝુંડમાં રહેતાં એવાં પ્રાણીઓ ખાઈને પોતાને ધિક્કારને લાયક ન બનાવો. તેઓથી પોતાને ભ્રષ્ટ અને અશુદ્ધ ન કરો.+ ૪૪  હું યહોવા તમારો ઈશ્વર છું.+ તમે શુદ્ધ અને પવિત્ર થાઓ,+ કેમ કે હું પવિત્ર છું.+ પૃથ્વી પર ઝુંડમાં રહેતા કોઈ પણ પ્રાણીથી* પોતાને અશુદ્ધ ન કરો. ૪૫  હું યહોવા છું. હું તમને ઇજિપ્તમાંથી* બહાર લઈ જઈ રહ્યો છું, જેથી સાબિત કરું કે હું તમારો ઈશ્વર છું.+ તમે પવિત્ર થાઓ,+ કેમ કે હું પવિત્ર છું.+ ૪૬  “‘એ બધા નિયમો પ્રાણીઓ, પક્ષીઓ, પાણીમાં રહેતાં પ્રાણીઓ અને જમીન પર ઝુંડમાં રહેતાં બધાં પ્રાણીઓને લગતા છે, ૪૭  જેથી તમે શુદ્ધ અને અશુદ્ધ વચ્ચે તેમજ ખાઈ શકાય અને ખાઈ ન શકાય એવાં પ્રાણીઓ વચ્ચે ભેદ પારખી શકો.’”+

ફૂટનોટ

સસલા જેવું પૂંછડી વગરનું એક પ્રાણી, જે ખડકોમાં રહે છે.
સસલા જેવું મોટું પ્રાણી, જેને લાંબા કાન અને પગ હોય છે.
અથવા, “પાંખ.”
હિબ્રૂમાં વપરાયેલો શબ્દ ઝુંડમાં રહેતાં નાનાં પ્રાણીઓને રજૂ કરી શકે, જે હવામાં, સમુદ્રમાં કે જમીન પર હોય છે.
અથવા, “ધિક્કારપાત્ર.”
અંગ્રેજી, સી-ગલ.
અંગ્રેજી, પેલિકન.
લક્કડખોદ જેવું કલગીવાળું પક્ષી.
અહીં એવા છછુંદરની વાત થાય છે, જે જમીનમાં રહે છે.
હિબ્રૂમાં વપરાયેલો શબ્દ ઝુંડમાં રહેતાં નાનાં પ્રાણીઓને રજૂ કરી શકે, જે હવામાં, સમુદ્રમાં કે જમીન પર હોય છે.
હિબ્રૂમાં વપરાયેલો શબ્દ ઝુંડમાં રહેતાં નાનાં પ્રાણીઓને રજૂ કરી શકે, જે હવામાં, સમુદ્રમાં કે જમીન પર હોય છે.
અથવા, “મિસરમાંથી.”