લેવીય ૧૨:૧-૮

  • બાળકના જન્મ પછી સ્ત્રીનું શુદ્ધિકરણ (૧-૮)

૧૨  યહોવાએ મૂસાને આગળ કહ્યું: ૨  “ઇઝરાયેલીઓને કહે, ‘જો કોઈ સ્ત્રી ગર્ભવતી થાય અને છોકરાને જન્મ આપે, તો એ સ્ત્રી સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય, જેમ તે માસિક સ્રાવના સમયમાં અશુદ્ધ ગણાય છે.+ ૩  જન્મના આઠમા દિવસે તમે એ છોકરાની સુન્‍નત* કરો.+ ૪  તે સ્ત્રીને રક્તસ્રાવમાંથી શુદ્ધ થતા બીજા ૩૩ દિવસ લાગશે. જ્યાં સુધી તેના શુદ્ધિકરણના દિવસો પૂરા ન થાય, ત્યાં સુધી તે કોઈ પવિત્ર વસ્તુને અડકે નહિ અને પવિત્ર જગ્યામાં આવે નહિ. ૫  “‘જો તે છોકરીને જન્મ આપે, તો એ સ્ત્રી ૧૪ દિવસ સુધી અશુદ્ધ ગણાય, જેમ તે માસિક સ્રાવના સમયમાં અશુદ્ધ ગણાય છે. તેને રક્તસ્રાવમાંથી શુદ્ધ થતા બીજા ૬૬ દિવસ લાગશે. ૬  છોકરા કે છોકરીના જન્મ પછી સ્ત્રીના શુદ્ધિકરણના દિવસો પૂરા થાય ત્યારે, તે સ્ત્રી અર્પણ ચઢાવે. તે અગ્‍નિ-અર્પણ માટે એક વર્ષનો ઘેટો+ અને પાપ-અર્પણ માટે કબૂતરનું બચ્ચું અથવા હોલો લાવે અને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યાજકને આપે. ૭  યાજક એને યહોવા આગળ ચઢાવે અને તે સ્ત્રી માટે પ્રાયશ્ચિત્ત કરે. આમ તે સ્ત્રી રક્તસ્રાવમાંથી શુદ્ધ થશે. છોકરા કે છોકરીને જન્મ આપનાર સ્ત્રી વિશે એ નિયમ છે. ૮  પણ જો ઘેટો ચઢાવવો તેના ગજા બહાર હોય, તો તે બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં ચઢાવે,+ એક અગ્‍નિ-અર્પણ માટે અને બીજું પાપ-અર્પણ માટે. પછી યાજક તેના માટે પ્રાયશ્ચિત્ત કરશે અને તે શુદ્ધ થશે.’”

ફૂટનોટ