લેવીય ૧૩:૧-૫૯
૧૩ વધુમાં યહોવાએ મૂસા અને હારુનને કહ્યું:
૨ “જો કોઈ માણસની ચામડી પર સોજો, પોપડી કે ડાઘ થાય અને એમાંથી રક્તપિત્તનો* રોગ+ થવાનું જોખમ હોય, તો તે માણસને હારુન યાજક પાસે અથવા હારુનના દીકરાઓ, એટલે કે યાજકો પાસે લઈ જવો.+
૩ યાજક ચેપવાળા ભાગની તપાસ કરે. જો ત્યાંના વાળ સફેદ થઈ ગયા હોય અને ચેપ ચામડી કરતાં ઊંડો દેખાતો હોય, તો એ રક્તપિત્તનો રોગ છે. યાજક એની તપાસ કરે અને એ માણસને અશુદ્ધ જાહેર કરે.
૪ પણ જો ચામડી પરનો ડાઘ સફેદ હોય, ચામડી કરતાં ઊંડો દેખાતો ન હોય અને ત્યાંના વાળ સફેદ પડી ગયા ન હોય, તો યાજક એ માણસને સાત દિવસ સુધી બીજાઓથી અલગ રાખે.+
૫ સાતમા દિવસે યાજક તેને તપાસે. જો એ ડાઘ એવો ને એવો જ હોય અને ચામડી પર ફેલાયો ન હોય, તો યાજક તેને બીજા સાત દિવસ અલગ રાખે.
૬ “યાજક તેને ફરીથી સાતમા દિવસે તપાસે. જો ડાઘ ઝાંખો થયો હોય અને ચામડીમાં ફેલાયો ન હોય, તો યાજક તેને શુદ્ધ જાહેર કરે.+ એ ફક્ત પોપડી છે. તે માણસ પોતાનાં કપડાં ધૂએ અને શુદ્ધ થાય.
૭ પણ શુદ્ધિકરણ માટે યાજક પાસે પહેલી વાર તપાસ કરાવ્યા પછી, જો સાફ દેખાતું હોય કે એ પોપડી* ચામડી પર ફેલાઈ રહી છે, તો તે ફરીથી યાજક પાસે જાય.
૮ યાજક તેને તપાસે અને જો પોપડી ચામડી પર ફેલાઈ હોય, તો યાજક તેને અશુદ્ધ જાહેર કરે. એ રક્તપિત્ત છે.+
૯ “જો કોઈ માણસને રક્તપિત્ત થાય, તો તેને યાજક પાસે લઈ જવો.
૧૦ યાજક તેને તપાસે.+ જો ચામડી પર સફેદ સોજો હોય, ત્યાંના વાળ સફેદ થઈ ગયા હોય અને સોજા પર ખુલ્લો જખમ હોય,+
૧૧ તો એ ચામડીનો રક્તપિત્ત છે, જે લાંબો સમય ચાલશે. યાજક તે માણસને અશુદ્ધ જાહેર કરે. વધારે તપાસ કરવા તેને અલગ રાખવાની જરૂર નથી,+ કેમ કે તે અશુદ્ધ છે.
૧૨ હવે જો રક્તપિત્ત ફેલાઈને ચામડીમાં પ્રસરી જાય અને યાજક જોઈ શકે કે રક્તપિત્ત માથાથી લઈને પગ સુધી ફેલાયો છે
૧૩ અને તપાસ કર્યા પછી યાજકને જોવા મળે કે રક્તપિત્ત ચામડીમાં બધે ફેલાઈ ગયો છે, તો યાજક તે માણસને શુદ્ધ* જાહેર કરે. તેની બધી ચામડી સફેદ થઈ ગઈ હોવાથી તે શુદ્ધ છે.
૧૪ પણ જ્યારે ચામડીમાં ખુલ્લો જખમ દેખાય, ત્યારે તે માણસ અશુદ્ધ ગણાય.
૧૫ યાજક જ્યારે ખુલ્લો જખમ જુએ, ત્યારે તે માણસને અશુદ્ધ જાહેર કરે.+ ખુલ્લો જખમ અશુદ્ધ છે. એ રક્તપિત્ત છે.+
૧૬ પણ જો ખુલ્લો જખમ ફરી સફેદ થઈ જાય, તો તે યાજક પાસે જાય.
૧૭ યાજક તેને તપાસે+ અને જો એ જખમ સફેદ થઈ ગયો હોય, તો યાજક તે માણસને શુદ્ધ જાહેર કરે. તે શુદ્ધ છે.
૧૮ “જો કોઈ માણસને ગૂમડું થાય અને એ મટી જાય,
૧૯ પણ જો એ ગૂમડાની જગ્યાએ સફેદ સોજો દેખાય અથવા લાલાશ પડતો સફેદ ડાઘ દેખાય, તો તે યાજક પાસે જાય.
૨૦ યાજક એને તપાસે.+ જો એ ડાઘ ચામડી કરતાં ઊંડો દેખાય અને ત્યાંના વાળ સફેદ થઈ ગયા હોય, તો યાજક તે માણસને અશુદ્ધ જાહેર કરે. એ રક્તપિત્ત છે, જે ગૂમડામાં ફૂટી નીકળ્યો છે.
૨૧ પણ એ ડાઘને તપાસતા યાજક જુએ કે, ત્યાંના વાળ સફેદ થયા નથી, એ ડાઘ ચામડી કરતાં ઊંડો નથી અને ઝાંખો થયો છે, તો યાજક તે માણસને સાત દિવસ અલગ રાખે.+
૨૨ પણ જો સાફ દેખાતું હોય કે એ ડાઘ ચામડી પર ફેલાયો છે, તો યાજક તે માણસને અશુદ્ધ જાહેર કરે. એ રક્તપિત્ત છે.
૨૩ પણ જો ડાઘ એક જ જગ્યાએ હોય અને બીજે ક્યાંય ફેલાયો ન હોય, તો એ ફક્ત ગૂમડાનો સોજો છે. યાજક તે માણસને શુદ્ધ જાહેર કરે.+
૨૪ “જો કોઈને દાઝી જવાથી જખમ થાય અને એ માંસની જગ્યાએ સફેદ અથવા લાલાશ પડતો સફેદ ડાઘ થઈ જાય,
૨૫ તો યાજક એને તપાસે. જો ડાઘ પરના વાળ સફેદ થઈ ગયા હોય અને એ ડાઘ ચામડી કરતાં ઊંડો દેખાતો હોય, તો એ રક્તપિત્ત છે જે જખમમાં ફૂટી નીકળ્યો છે. યાજક તે માણસને અશુદ્ધ જાહેર કરે. એ રક્તપિત્ત છે.
૨૬ પણ જો યાજક એ ડાઘને તપાસતા જુએ કે ત્યાંના વાળ સફેદ થયા નથી, એ ડાઘ ચામડી કરતાં ઊંડો નથી અને ઝાંખો થયો છે, તો યાજક તે માણસને સાત દિવસ અલગ રાખે.+
૨૭ યાજક તેને સાતમા દિવસે તપાસે અને જો સાફ દેખાતું હોય કે એ ડાઘ ચામડી પર ફેલાયો છે, તો યાજક તે માણસને અશુદ્ધ જાહેર કરે. એ રક્તપિત્ત છે.
૨૮ પણ જો ડાઘ એક જ જગ્યાએ હોય, બીજે ક્યાંય ફેલાયો ન હોય અને ઝાંખો થયો હોય, તો એ ફક્ત જખમનો સોજો છે. યાજક તે માણસને શુદ્ધ જાહેર કરે, કેમ કે એ જખમનો સોજો છે.
૨૯ “જો કોઈ પુરુષ કે સ્ત્રીને માથા પર અથવા દાઢી પર ચેપ લાગ્યો હોય,
૩૦ તો યાજક એ ચેપની તપાસ કરે.+ જો એ ચેપ ચામડી કરતાં ઊંડો દેખાય અને માથાના કે દાઢીના વાળ પીળા અને પાતળા થઈ ગયા હોય, તો યાજક તે વ્યક્તિને અશુદ્ધ જાહેર કરે. એ માથાના તાલકાનો અથવા દાઢીનો ચેપ છે. એ માથાનો અથવા દાઢીનો રક્તપિત્ત છે.
૩૧ પણ જો યાજક જુએ કે ચેપ ચામડી કરતાં ઊંડો નથી અને ત્યાં એક પણ કાળો વાળ નથી, તો યાજક તે વ્યક્તિને સાત દિવસ માટે અલગ રાખે.+
૩૨ સાતમા દિવસે યાજક એ ચેપની તપાસ કરે અને જો એ ચેપ ફેલાયો ન હોય, ત્યાંના વાળ પીળા પડી ગયા ન હોય અને એ ચેપ ચામડી કરતાં ઊંડો દેખાતો ન હોય,
૩૩ તો તે વ્યક્તિ માથાના અથવા દાઢીના વાળ મૂંડાવે, પણ ચેપ લાગેલા ભાગના વાળ ન મૂંડાવે. પછી યાજક તે વ્યક્તિને સાત દિવસ માટે અલગ રાખે.
૩૪ “સાતમા દિવસે યાજક ફરીથી ચેપવાળા ભાગને તપાસે. જો માથાના તાલકાનો અને દાઢીનો ચેપ ચામડી પર બીજે ફેલાયો ન હોય અને ચામડી કરતાં ઊંડો ન હોય, તો યાજક તે વ્યક્તિને શુદ્ધ જાહેર કરે. તે પોતાનાં કપડાં ધૂએ અને શુદ્ધ થાય.
૩૫ પણ જો શુદ્ધિકરણ પછી સાફ દેખાતું હોય કે ચેપ ચામડી પર ફેલાયો છે,
૩૬ તો યાજક તેને તપાસે. જો ચેપ ચામડી પર ફેલાયો હોય, તો યાજકે પીળા વાળ શોધવાની જરૂર નથી. તે વ્યક્તિ અશુદ્ધ છે.
૩૭ પણ જો તપાસ દરમિયાન જોવા મળે કે, ચેપ ફેલાયો નથી અને ત્યાં કાળા વાળ ઊગ્યા છે, તો ત્યાં રૂઝ આવી છે. તે વ્યક્તિ શુદ્ધ છે અને યાજક તેને શુદ્ધ જાહેર કરે.+
૩૮ “જો કોઈ પુરુષ કે સ્ત્રીને ચામડી પર ડાઘ પડે અને એ ડાઘ સફેદ હોય,
૩૯ તો યાજક તેની તપાસ કરે.+ જો ડાઘ આછો સફેદ હોય, તો એ નુકસાન ન કરે એવું ચાંદું છે, જે ચામડી પર ઊપસી આવ્યું છે. એ વ્યક્તિ શુદ્ધ છે.
૪૦ “જો કોઈ માણસના વાળ ઊતરી જાય અને તેને માથે ટાલ પડી જાય, તો તે શુદ્ધ છે.
૪૧ જો તેના માથાના આગળના ભાગના વાળ ઊતરી જાય અને તેને ટાલ પડી જાય, તો તે શુદ્ધ છે.
૪૨ જો તેના માથાની ટાલ પર અથવા કપાળ પર લાલાશ પડતો સફેદ જખમ થાય, તો એ રક્તપિત્ત છે, જે તેની ટાલ અથવા કપાળ પર ફૂટી નીકળ્યો છે.
૪૩ યાજક તેને તપાસે. જો તેના માથાની ટાલ અથવા કપાળ પરના જખમનો સોજો લાલાશ પડતો સફેદ હોય અને એ ચામડીનો રક્તપિત્ત લાગતો હોય,
૪૪ તો તે રક્તપિત્તિયો છે. તે અશુદ્ધ છે. તેના માથા પરના રોગને કારણે યાજક તેને અશુદ્ધ જાહેર કરે.
૪૫ રક્તપિત્તનો રોગ થયો હોય એવો માણસ ફાટેલાં કપડાં પહેરે, પોતાના વાળ વેરવિખેર રાખે, હોઠ* સુધી પોતાનું મોં ઢાંકે અને મોટેથી બૂમો પાડે, ‘હું અશુદ્ધ છું, હું અશુદ્ધ છું!’
૪૬ જેટલો સમય તેને રોગ રહે, એટલો સમય તે અશુદ્ધ છે. અશુદ્ધ હોવાને લીધે તેણે બીજાઓથી અલગ રહેવું. તેનું રહેઠાણ છાવણી બહાર થાય.+
૪૭ “જો ઊન કે શણના વસ્ત્રને ફૂગ* લાગે
૪૮ અથવા શણ કે ઊનના વસ્ત્રના રેસાઓને* ફૂગ લાગે અથવા ચામડું કે ચામડાની બનેલી કોઈ વસ્તુને ફૂગ લાગે
૪૯ અને જો એ વસ્ત્ર, એ વસ્ત્રના રેસાઓ, ચામડા કે ચામડાની બનેલી વસ્તુ પર ફૂગને લીધે પીળાશ પડતો લીલો અથવા લાલ ડાઘ પડે, તો એ ખતરનાક ફૂગનો રોગ છે. એ વસ્તુ યાજકને બતાવવી.
૫૦ યાજક એ રોગ તપાસે અને ડાઘવાળી વસ્તુને સાત દિવસ માટે અલગ રાખે.+
૫૧ સાતમા દિવસે એ રોગ તપાસતા તે જુએ કે, વસ્ત્ર, વસ્ત્રના રેસાઓ કે ચામડા પર ડાઘ ફેલાયો છે (પછી ભલેને એ ચામડું કોઈ પણ કામમાં વપરાતું હોય), તો એ ખતરનાક ચેપી ફૂગ છે. એ વસ્તુ અશુદ્ધ છે.+
૫૨ તેણે ફૂગ લાગેલા વસ્ત્ર અથવા શણ કે ઊનના વસ્ત્રના રેસાઓ અથવા ચામડાની બનેલી વસ્તુને બાળી નાખવી, કેમ કે એ ખતરનાક ચેપી ફૂગ છે. એ વસ્તુને આગમાં બાળી નાખવી.
૫૩ “પણ જો યાજક એને તપાસે અને જુએ કે વસ્ત્ર અથવા વસ્ત્રના રેસાઓ અથવા ચામડાની બનેલી વસ્તુ પર ડાઘ ફેલાયો નથી,
૫૪ તો યાજક એ ડાઘવાળી વસ્તુને ધોવાની આજ્ઞા કરે. પછી એ વસ્તુને તે બીજા સાત દિવસ અલગ રાખે.
૫૫ ડાઘવાળી વસ્તુ બરાબર ધોવાય એ પછી યાજક એને ફરી તપાસે. એ ડાઘ એવો ને એવો જ હોય અને ફેલાયો ન હોય, તોપણ એ અશુદ્ધ છે. એ વસ્તુને તમે આગમાં બાળી નાખો, કેમ કે એ અંદરથી કે બહારથી ખવાઈ ગઈ છે.
૫૬ “પણ જો યાજક એને તપાસે અને જુએ કે ડાઘવાળો ભાગ ધોવાયા પછી આછો થયો છે, તો તે વસ્ત્ર અથવા વસ્ત્રના રેસાઓ અથવા ચામડાનો ડાઘવાળો ભાગ ફાડીને કાઢી નાખે.
૫૭ પણ જો વસ્ત્ર અથવા વસ્ત્રના રેસાઓ અથવા ચામડાના બીજા ભાગ પર ડાઘ દેખાય, તો એ ડાઘ ફેલાઈ રહ્યો છે. ડાઘવાળી એ વસ્તુને તમે આગમાં બાળી નાખો.+
૫૮ પણ જો વસ્ત્ર અથવા વસ્ત્રના રેસાઓ અથવા ચામડાની બનેલી વસ્તુને ધોયા પછી એ ડાઘ જતો રહે, તો એ વસ્તુને બીજી વાર ધોવી. પછી એ વસ્તુ શુદ્ધ ગણાય.
૫૯ “એ નિયમો ઊન કે શણના વસ્ત્ર અથવા એ વસ્ત્રના રેસાઓ અથવા ચામડાની બનેલી વસ્તુને લાગતા ફૂગના રોગ વિશે છે, જેથી તમે એને શુદ્ધ અથવા અશુદ્ધ જાહેર કરી શકો.”
ફૂટનોટ
^ અથવા, “કોઢ.” અહીં “રક્તપિત્ત” માટે વપરાયેલા હિબ્રૂ શબ્દના ઘણા અર્થ થઈ શકે. એમાં ચામડીના બીજા ચેપી રોગોનો તેમજ કપડાંને અને ઘરને થતા અમુક ચેપનો પણ સમાવેશ થઈ શકે. શબ્દસૂચિ જુઓ.
^ અથવા, “ચેપ.”
^ અથવા, “તે માણસ ચેપી નથી એવું.”
^ અથવા, “મૂછ.”
^ અથવા, “કોઢ.” શબ્દસૂચિમાં “રક્તપિત્ત” જુઓ.
^ અથવા, “તાણા કે વાણાને.”