લેવીય ૧૮:૧-૩૦

  • નિયમ વિરુદ્ધ જાતીય સંબંધ (૧-૩૦)

    • કનાનીઓ જેવાં કામ કરવાં નહિ ()

    • નજીકનાં સગાં સાથે જાતીય સંબંધ (૬-૧૮)

    • માસિકના દિવસો દરમિયાન (૧૯)

    • સજાતીય સંબંધો (૨૨)

    • જાનવર સાથે જાતીય સંબંધ (૨૩)

    • ‘શુદ્ધ રહો, નહિતર દેશ તમને ઓકી કાઢશે’ (૨૪-૩૦)

૧૮  યહોવાએ વધુમાં મૂસાને કહ્યું: ૨  “ઇઝરાયેલીઓને કહે, ‘હું યહોવા તમારો ઈશ્વર છું.+ ૩  જે ઇજિપ્ત દેશમાં તમે રહેતા હતા, ત્યાંના લોકોની જેમ વર્તશો નહિ. જે કનાન દેશમાં હું તમને લઈ જઈ રહ્યો છું,+ ત્યાંના લોકોના જેવાં કામો પણ કરશો નહિ. તમે તેઓના રીતરિવાજો પાળશો નહિ. ૪  તમે મારા કાયદા-કાનૂન પાળો. મારા નિયમોનું પાલન કરો અને એ પ્રમાણે ચાલો.+ હું યહોવા તમારો ઈશ્વર છું. ૫  તમે મારા કાયદા-કાનૂન અને નિયમો પાળો. જે કોઈ એ પાળશે, એ જીવતો રહેશે.+ હું યહોવા છું. ૬  “‘તમારામાંથી કોઈ પણ પોતાના નજીકના સગા સાથે જાતીય સંબંધ ન બાંધે.*+ હું યહોવા છું. ૭  તમે તમારા પિતા સાથે અથવા તમારી માતા સાથે જાતીય સંબંધ ન બાંધો. તે તમારી માતા છે, એટલે તેની સાથે જાતીય સંબંધ ન બાંધો. ૮  “‘તમે તમારી સાવકી મા* સાથે જાતીય સંબંધ ન બાંધો.+ એવું કરવાથી તમારા પિતાનું અપમાન થાય છે.* ૯  “‘તમે તમારી સગી બહેન સાથે જાતીય સંબંધ ન બાંધો. તેમ જ, તમારા પિતાની દીકરી* કે તમારી માતાની દીકરી* સાથે પણ જાતીય સંબંધ ન બાંધો, પછી ભલે એ તમારા કુટુંબમાં કે બીજા કુટુંબમાં જન્મી હોય.+ ૧૦  “‘તમે તમારા દીકરાની દીકરી સાથે અથવા દીકરીની દીકરી સાથે જાતીય સંબંધ ન બાંધો. એવું કરવાથી તમારું પોતાનું અપમાન થાય છે. ૧૧  “‘તમે તમારી સાવકી માની* દીકરી સાથે જાતીય સંબંધ ન બાંધો. તે તમારા પિતાનું સંતાન અને તમારી બહેન છે. ૧૨  “‘તમે તમારી ફોઈ સાથે જાતીય સંબંધ ન બાંધો. તે તમારા પિતાની નજીકની સગી છે.+ ૧૩  “‘તમે તમારી માસી સાથે જાતીય સંબંધ ન બાંધો. તે તમારી માતાની નજીકની સગી છે. ૧૪  “‘તમે તમારી કાકી સાથે જાતીય સંબંધ બાંધીને તમારા કાકાનું અપમાન ન કરો.* તે તમારી કાકી છે.+ ૧૫  “‘તમે તમારી પુત્રવધૂ સાથે જાતીય સંબંધ ન બાંધો.+ તે તમારા દીકરાની પત્ની છે. તમે તેની સાથે જાતીય સંબંધ ન બાંધો. ૧૬  “‘તમે તમારી ભાભી સાથે જાતીય સંબંધ ન બાંધો.+ એવું કરવાથી તમારા ભાઈનું અપમાન થાય છે.* ૧૭  “‘તમે કોઈ સ્ત્રીને પરણો તો, તેની દીકરી સાથે જાતીય સંબંધ ન બાંધો.+ તમે એ સ્ત્રીના દીકરાની દીકરી સાથે અને તેની દીકરીની દીકરી સાથે પણ જાતીય સંબંધ ન બાંધો. એ તેનાં નજીકનાં સગાં છે. એ અશ્લીલ કામ* છે. ૧૮  “‘જ્યાં સુધી તમારી પત્ની જીવતી હોય, ત્યાં સુધી તેની બહેન સાથે લગ્‍ન ન કરો*+ અને તેની સાથે જાતીય સંબંધ પણ ન બાંધો. ૧૯  “‘જ્યારે તમારી પત્ની માસિક સ્રાવને લીધે અશુદ્ધ હોય, ત્યારે તમે તેની સાથે જાતીય સંબંધ ન બાંધો.+ ૨૦  “‘તમે બીજા કોઈ માણસની* પત્ની સાથે જાતીય સંબંધ ન બાંધો. એમ કરીને પોતાને અશુદ્ધ ન કરો.+ ૨૧  “‘તમે તમારું કોઈ પણ બાળક મોલેખને* ન ચઢાવો.*+ એમ કરીને તમારા ઈશ્વરના નામનું અપમાન ન કરો.+ હું યહોવા છું. ૨૨  “‘કોઈ પુરુષ જેમ સ્ત્રી સાથે જાતીય સંબંધ બાંધે છે, એમ બીજા પુરુષ સાથે જાતીય સંબંધ ન બાંધે.+ એ ધિક્કારને લાયક કામ છે. ૨૩  “‘કોઈ પુરુષ જાનવર સાથે જાતીય સંબંધ બાંધીને પોતાને અશુદ્ધ ન કરે. તેમ જ, કોઈ સ્ત્રી જાનવર સાથે જાતીય સંબંધ બાંધવાના ઇરાદાથી એની પાસે ન જાય.+ એ સૃષ્ટિ વિરુદ્ધનું કામ છે. ૨૪  “‘એવું એક પણ કામ કરીને તમે પોતાને અશુદ્ધ ન કરો, કેમ કે જે પ્રજાઓને હું તમારી આગળથી કાઢી મૂકું છું, તેઓએ એવાં જ કામો કરીને પોતાને અશુદ્ધ કરી છે.+ ૨૫  એટલે, દેશ અશુદ્ધ થયો છે. હું એના અપરાધોની સજા કરીશ અને દેશ પોતાના રહેવાસીઓને ઓકી કાઢશે.+ ૨૬  પણ તમે મારા નિયમો અને કાયદા-કાનૂન પાળો.+ તમારામાંનું કોઈ પણ એવાં અધમ કામો ન કરે, પછી ભલે એ ઇઝરાયેલી હોય કે તમારી વચ્ચે રહેતો કોઈ પરદેશી હોય.+ ૨૭  કેમ કે એ દેશમાં તમારા પહેલાં રહેતા લોકોએ એવાં અધમ કામો કર્યાં હતાં+ અને એના લીધે દેશ અશુદ્ધ થયો છે. ૨૮  તમે એવાં કામો કરીને દેશને ભ્રષ્ટ ન કરો. નહિતર, એ તમારી અગાઉની પ્રજાઓની જેમ તમને ઓકી કાઢશે. ૨૯  જો કોઈ માણસ એવું એક પણ અધમ કામ કરે, તો તેને મારી નાખો. ૩૦  તમારી અગાઉની પ્રજાઓના ધિક્કારપાત્ર રિવાજો પાળીને પોતાને અશુદ્ધ ન કરો.+ એવાં કામોથી દૂર રહીને તમે મારી આજ્ઞાઓ પાળો. હું યહોવા તમારો ઈશ્વર છું.’”

ફૂટનોટ

મૂળ, “નગ્‍નતા ઉઘાડી ન પાડે.” એ વિચાર આ અને પછીની કલમોમાં લાગુ પડે છે.
મૂળ, “પિતાની પત્ની.”
મૂળ, “એ તમારા પિતાની નગ્‍નતા ઉઘાડી પાડે છે.”
આ સગી બહેન અથવા સાવકી બહેન હોય શકે.
આ સગી બહેન અથવા સાવકી બહેન હોય શકે.
મૂળ, “પિતાની પત્નીની.”
મૂળ, “કાકાની નગ્‍નતા ઉઘાડી ન પાડો.”
મૂળ, “એ તમારા ભાઈની નગ્‍નતા ઉઘાડી પાડે છે.”
અથવા, “શરમજનક વર્તન; લંપટતા.”
અથવા, “સાળીને શોક્ય તરીકે ન લાવો.”
અથવા, “પડોશીની; ઓળખીતાની.”
અથવા, “અર્પણ ન કરો.”