લેવીય ૨:૧-૧૬

 “‘હવે જો કોઈ યહોવાને અનાજ-અર્પણ* ચઢાવે,+ તો એ મેંદાનું* હોય. તે મેંદા પર તેલ રેડે અને એના પર લોબાન* મૂકે.+ ૨  પછી એ અર્પણ તે હારુનના દીકરાઓ, એટલે કે યાજકો પાસે લાવે. યાજક એમાંથી એક મુઠ્ઠી મેંદો, તેલ અને બધો લોબાન લે અને વેદી પર એને યાદગીરી* તરીકે આગમાં ચઢાવે.+ એ આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી યહોવા ખુશ* થાય છે. ૩  અનાજ-અર્પણમાંથી જે કંઈ બાકી રહે એ હારુન અને તેના દીકરાઓનું થાય.+ એ ખૂબ પવિત્ર+ છે, કેમ કે યહોવા માટે આગમાં ચઢાવવાના અર્પણમાંથી એ લેવામાં આવ્યું છે. ૪  “‘જો તમે ભઠ્ઠીમાં પકવેલું અનાજ-અર્પણ ચઢાવો, તો એ મેંદાનું હોય. એ અર્પણ મેંદામાં તેલ નાખીને બનાવેલી બેખમીર* રોટલી* હોય અથવા તેલ ચોપડેલા બેખમીર પાપડ હોય.+ ૫  “‘જો તમે તવા પર શેકેલું અનાજ-અર્પણ ચઢાવો,+ તો એ બેખમીર મેંદામાં તેલ નાખીને બનાવેલું હોય. ૬  એ અર્પણના ટુકડા કરીને એના પર તેલ રેડો.+ એ અનાજ-અર્પણ છે. ૭  “‘જો તમે કઢાઈમાં તળેલું અનાજ-અર્પણ ચઢાવો, તો એ મેંદા અને તેલનું બનેલું હોય. ૮  એ સામગ્રીથી તૈયાર કરેલું અનાજ-અર્પણ તમે યહોવા આગળ લાવો. એ યાજકને આપો અને તે એને વેદી પાસે લાવે. ૯  યાજક એ અનાજ-અર્પણમાંથી થોડું લે અને વેદી પર યાદગીરી તરીકે+ એને આગમાં ચઢાવે. એ આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી યહોવા ખુશ થાય છે.+ ૧૦  અનાજ-અર્પણમાંથી જે કંઈ બાકી રહે એ હારુન અને તેના દીકરાઓનું થાય. એ ખૂબ પવિત્ર છે, કેમ કે યહોવા માટે આગમાં ચઢાવેલા અર્પણમાંથી+ એ લેવામાં આવ્યું છે. ૧૧  “‘યહોવાને ચઢાવેલા અનાજ-અર્પણમાં ખમીરવાળું કંઈ ન હોય. યહોવા માટે આગમાં ચઢાવવામાં આવતા અર્પણમાં ખમીરવાળો લોટ*+ કે મધ ન હોય. ૧૨  “‘તમે એને પ્રથમ ફળ*+ તરીકે યહોવાને ચઢાવી શકો, પણ એને સુવાસ* માટે વેદી પર ન બાળો. ૧૩  “‘તમારા દરેક અનાજ-અર્પણમાં મીઠું મેળવેલું હોય. તમે અનાજ-અર્પણમાં મીઠું ઉમેરવાનું ન ભૂલો, કેમ કે મીઠું તમને ઈશ્વર સાથે કરેલા કરારની* યાદ અપાવે છે. તમે દરેક અર્પણ સાથે મીઠું ચઢાવો.+ ૧૪  “‘જો તમે ફસલનો પહેલો પાક* અનાજ-અર્પણ તરીકે યહોવાને ચઢાવો, તો એ લીલાં કણસલાં હોય. એ કણસલાં આગમાં શેકેલાં હોય અને એના દાણા કકરા દળેલા હોય. એ પહેલા પાકનું+ અનાજ-અર્પણ છે. ૧૫  તમે એના પર તેલ રેડો અને એના પર લોબાન મૂકો. એ અનાજ-અર્પણ છે. ૧૬  યાજક એ દળેલું અનાજ, તેલ અને બધો લોબાન વેદી પર યાદગીરી તરીકે આગમાં ચઢાવે.+ એ યહોવા માટે આગમાં ચઢાવવાનું અર્પણ છે.

ફૂટનોટ

શબ્દસૂચિમાં “અનાજ-અર્પણ” જુઓ.
શબ્દસૂચિમાં “યાદગીરી-અર્પણ” જુઓ.
મૂળ, “શાંત.”
અથવા, “ખમીર વગરની.”
એ રોટલી ગોળ હતી અને વચ્ચે કાણું હતું.
ખમીરવાળો થોડો જૂનો લોટ. નવો લોટ ખમીરવાળો કરવા એને જૂના લોટ સાથે બાંધવામાં આવતો.
મૂળ, “શાંતિ.”
મૂળ, “પ્રથમ ફળ.”