લેવીય ૯:૧-૨૪
-
હારુન અર્પણો ચઢાવે છે (૧-૨૪)
૯ આઠમા દિવસે,+ મૂસાએ હારુન અને તેના દીકરાઓને અને ઇઝરાયેલના વડીલોને બોલાવ્યા.
૨ મૂસાએ હારુનને કહ્યું: “તારા પાપ-અર્પણ માટે એક વાછરડો+ અને અગ્નિ-અર્પણ માટે એક નર ઘેટો લે અને યહોવા આગળ ચઢાવ. એ પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.
૩ પણ તું ઇઝરાયેલીઓને કહે, ‘પાપ-અર્પણ માટે એક બકરો અને અગ્નિ-અર્પણ માટે એક વાછરડો અને એક ઘેટો લો. એ વાછરડો અને ઘેટો એક વર્ષના અને ખોડખાંપણ વગરના હોય.
૪ તેમ જ, યહોવા આગળ શાંતિ-અર્પણો ચઢાવવા એક આખલો અને એક ઘેટો લો+ અને તેલ નાખેલું અનાજ-અર્પણ લો,+ કેમ કે આજે યહોવા તમારી આગળ પ્રગટ થશે.’”+
૫ તેથી તેઓ મૂસાની આજ્ઞા પ્રમાણે એ બધું મુલાકાતમંડપ આગળ લાવ્યા. પછી બધા ઇઝરાયેલીઓ આગળ આવ્યા અને યહોવા સામે ઊભા રહ્યા.
૬ મૂસાએ કહ્યું: “આ બધું કરવાની આજ્ઞા યહોવાએ આપી છે, જેથી યહોવા પોતાનું ગૌરવ તમને બતાવે.”+
૭ પછી મૂસાએ હારુનને કહ્યું: “વેદી પાસે આવ. તારાં પાપ-અર્પણ+ અને અગ્નિ-અર્પણ ચઢાવ અને તારા માટે અને તારા કુટુંબ* માટે પ્રાયશ્ચિત્ત કર.+ પછી લોકોનાં અર્પણ ચઢાવ+ અને તેઓ માટે પ્રાયશ્ચિત્ત કર,+ જેમ યહોવાએ આજ્ઞા આપી છે.”
૮ હારુન તરત જ વેદી પાસે આવ્યો અને તેણે પાપ-અર્પણનો વાછરડો કાપ્યો, જે તેનાં પોતાનાં પાપ માટે હતો.+
૯ પછી હારુનના દીકરાઓ વાછરડાનું લોહી તેની પાસે લાવ્યા.+ હારુને એ લોહીમાં પોતાની આંગળી બોળી અને વેદીનાં શિંગડાં પર એ લગાવ્યું. બાકીનું લોહી તેણે વેદીને તળિયે રેડી દીધું.+
૧૦ તેણે પાપ-અર્પણના પ્રાણીની ચરબી, બંને મૂત્રપિંડ અને કલેજા ઉપરની ચરબી લઈને વેદી પર આગમાં ચઢાવ્યાં. યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી,+ એ પ્રમાણે જ હારુને કર્યું.
૧૧ પછી વાછરડાનું માંસ અને ચામડું છાવણીની બહાર બાળવામાં આવ્યાં.+
૧૨ પછી હારુને અગ્નિ-અર્પણનો ઘેટો કાપ્યો. હારુનના દીકરાઓ ઘેટાનું લોહી તેની પાસે લાવ્યા અને હારુને એને વેદીની ચારે બાજુ છાંટ્યું.+
૧૩ તેઓએ અગ્નિ-અર્પણના પ્રાણીનાં ટુકડા અને માથું હારુનને આપ્યાં અને તેણે એ વેદી પર આગમાં ચઢાવ્યાં.
૧૪ પછી તેણે આંતરડાં અને પગ પાણીથી ધોયાં અને એને વેદી પર ચઢાવેલા અગ્નિ-અર્પણ ઉપર મૂકીને આગમાં ચઢાવ્યાં.
૧૫ પછી હારુને લોકોનાં અર્પણો ચઢાવ્યાં. તેણે પાપ-અર્પણ માટેનો બકરો લીધો, જે લોકોનાં પાપ માટે હતો. તેણે એને કાપ્યો અને જે રીતે પોતાનાં પાપ માટે વાછરડો ચઢાવ્યો હતો, એ જ રીતે આ બકરો ચઢાવ્યો.
૧૬ પછી તેણે અગ્નિ-અર્પણ ચઢાવવાની વિધિ પ્રમાણે લોકોનાં અગ્નિ-અર્પણ ચઢાવ્યાં.+
૧૭ ત્યાર બાદ, તેણે અનાજ-અર્પણ ચઢાવ્યું.+ તેણે એમાંથી થોડું પોતાની મુઠ્ઠીમાં લીધું અને એને વેદી પર હોમી દીધું. એ દિવસે સવારે ચઢાવેલા અગ્નિ-અર્પણ ઉપરાંત તેણે આ ચઢાવ્યું.+
૧૮ પછી હારુને શાંતિ-અર્પણ માટેનો આખલો અને ઘેટો કાપ્યા, જે લોકો માટે હતા. ત્યાર બાદ, હારુનના દીકરાઓ એ પ્રાણીઓનું લોહી તેની પાસે લાવ્યા અને હારુને એને વેદીની ચારે બાજુ છાંટ્યું.+
૧૯ પછી તેઓએ આખલાની ચરબી,+ ઘેટાની ચરબીથી ભરેલી પૂંછડી, અંદરનાં અંગો ફરતેની ચરબી, કલેજા ઉપરની ચરબી અને બંને મૂત્રપિંડ લીધાં+
૨૦ અને એ બધાંને આખલાની અને ઘેટાની છાતી પર મૂક્યાં. પછી હારુને એ બધું વેદી પર આગમાં ચઢાવ્યું.+
૨૧ પણ હારુને એ પ્રાણીઓનો છાતીનો ભાગ અને જમણો પગ લઈને હલાવવાના અર્પણ તરીકે યહોવા સામે આગળ-પાછળ હલાવ્યા. જેમ મૂસાએ આજ્ઞા આપી હતી,+ એમ જ તેણે કર્યું.
૨૨ પછી હારુને લોકો તરફ પોતાના હાથ ઊંચા કરીને તેઓને આશીર્વાદ આપ્યો.+ પાપ-અર્પણ, અગ્નિ-અર્પણ અને શાંતિ-અર્પણ ચઢાવીને તે વેદી પરથી નીચે ઊતર્યો.
૨૩ ત્યાર બાદ, મૂસા અને હારુન મુલાકાતમંડપની અંદર ગયા. બહાર આવીને તેઓએ લોકોને આશીર્વાદ આપ્યો.+
એવામાં યહોવાનું ગૌરવ બધા લોકો આગળ પ્રગટ થયું.+
૨૪ ત્યાર બાદ, યહોવા પાસેથી અગ્નિ ઊતરી આવ્યો+ અને વેદી પરનાં અગ્નિ-અર્પણ અને ચરબીને બાળી નાખ્યાં. એ જોઈને લોકોએ મોટેથી આનંદનો પોકાર કર્યો અને પોતાનાં માથાં છેક જમીન સુધી નમાવ્યાં.+
ફૂટનોટ
^ અથવા, “કુળ.”