સભાશિક્ષક ૧૦:૧-૨૦

  • થોડી મૂર્ખાઈ સમજુ માણસનું નામ બગાડે છે ()

  • આવડત વગર કામ કરવું ખતરનાક છે (૨-૧૧)

  • મૂર્ખની ખરાબ હાલત (૧૨-૧૫)

  • અધિકારીઓની મૂર્ખતા (૧૬-૨૦)

    • પક્ષી તારી વાત જણાવી દેશે (૨૦)

૧૦  જેમ મરેલી માખીઓ ખુશબોદાર તેલને* બગાડે છે અને એને ગંધાતું કરી મૂકે છે, તેમ થોડી મૂર્ખાઈ સમજુ અને આબરૂદાર માણસનું નામ બગાડે છે.+ ૨  જ્ઞાનીનું હૃદય તેને સાચા માર્ગે દોરે છે,* પણ મૂર્ખનું હૃદય તેને ખોટા માર્ગે દોરે છે.*+ ૩  ભલે મૂર્ખ ગમે એ માર્ગે ચાલે, તેનામાં જરાય બુદ્ધિ હોતી નથી.+ તે પોતાની મૂર્ખાઈ જગજાહેર કરે છે.+ ૪  જો અધિકારીનો ગુસ્સો તારા પર સળગી ઊઠે, તો તેની આગળથી જતો ન રહે,+ કેમ કે શાંત રહેવાથી મોટાં મોટાં પાપ ઓછાં કરી શકાય છે.+ ૫  મેં પૃથ્વી પર બીજી એક વાત જોઈ, જે દુઃખી કરે છે. જેઓ પાસે અધિકાર છે તેઓ આવી ભૂલ કરી બેસે છે:+ ૬  તેઓ મૂર્ખને ઊંચી પદવીએ ચઢાવે છે અને હોશિયારને* નીચે જ રાખે છે. ૭  મેં ચાકરોને ઘોડા પર સવારી કરતા જોયા છે અને અધિકારીઓને ચાકરોની જેમ પગે ચાલતા જોયા છે.+ ૮  ખાડો ખોદનારને એમાં પડવાનું જોખમ હોય છે.+ પથ્થરની દીવાલ તોડનારને સાપ કરડવાનું જોખમ હોય છે. ૯  ખાણમાં પથ્થર તોડનારને પથ્થરથી ઈજા થવાનું જોખમ હોય છે. લાકડું કાપનારને લાકડું વાગવાનું જોખમ હોય છે.* ૧૦  જો કુહાડી બુઠ્ઠી હોય અને એની ધાર કાઢવામાં ન આવે, તો વાપરનારે વધારે મહેનત કરવી પડે છે. પણ બુદ્ધિ સફળ થવા મદદ કરે છે. ૧૧  જો મંત્રથી વશ કરતા પહેલાં સાપ કરડી જાય, તો મંત્ર બોલનારની વિદ્યા નકામી છે. ૧૨  બુદ્ધિમાનના શબ્દો સૌને મીઠા લાગે છે,*+ પણ મૂર્ખની વાતો તેનું પોતાનું જ નુકસાન કરે છે.+ ૧૩  તેની વાતની શરૂઆત મૂર્ખાઈથી અને અંત ગાંડપણથી થાય છે,+ જે છેવટે આફત લઈ આવે છે. ૧૪  તોપણ મૂર્ખ પોતાનું મોઢું બંધ કરતો નથી.+ માણસ જાણતો નથી કે કાલે શું થવાનું છે. તેના ગયા પછી શું થશે એ તેને કોણ જણાવી શકે?+ ૧૫  મૂર્ખની મહેનત તેને થકવી નાખે છે, કેમ કે તે એટલું પણ જાણતો નથી કે શહેર પહોંચવા કયા રસ્તે જવું જોઈએ. ૧૬  એ દેશના કેવા હાલ થશે, જેનો રાજા એક નાનો છોકરો હોય+ અને જેના અધિકારીઓ સવાર સવારમાં જ મિજબાની શરૂ કરતા હોય! ૧૭  એ દેશ કેટલો ખુશહાલ હશે, જેનો રાજા શાહી કુટુંબમાંથી હોય અને જેના અધિકારીઓ યોગ્ય સમયે ખાતાં-પીતાં હોય! તેઓ તાકાત મેળવવા ખાતાં-પીતાં હોય, નશા માટે નહિ!+ ૧૮  આળસને લીધે છાપરું નમી પડે છે. હાથ પર હાથ ધરીને બેસી રહેવાથી છતમાંથી પાણી ટપકે છે.+ ૧૯  ખોરાક મનને ખુશ કરે છે* અને દ્રાક્ષદારૂ જીવનને ખુશીઓથી ભરી દે છે.+ પણ પૈસો દરેક જરૂરિયાત પૂરી કરે છે.+ ૨૦  તારા વિચારોમાં* પણ રાજાને શ્રાપ ન આપ.+ તારી સૂવાની ઓરડીમાં ધનવાનને શ્રાપ ન આપ. નહિતર પક્ષી તારા શબ્દો* લઈ જશે અને નાનું પક્ષી તારી વાતો જણાવી દેશે.

ફૂટનોટ

અથવા, “અત્તર બનાવનારના તેલને.”
મૂળ, “તેના જમણા હાથે છે.”
મૂળ, “તેના ડાબા હાથે છે.”
મૂળ, “ધનવાનને.”
અથવા કદાચ, “લાકડું કાપનારે લાકડાથી સાવધ રહેવું જોઈએ.”
અથવા, “સૌની કૃપા મેળવે છે.”
અથવા, “ખોરાક મુખ પર હાસ્ય લાવે છે.”
અથવા કદાચ, “તારી પથારીમાં.”
અથવા, “તારો સંદેશો.”