સભાશિક્ષક ૧૧:૧-૧૦
૧૧ તારી રોટલી પાણી પર નાખ+ અને ઘણા દિવસો પછી એ તને પાછી મળશે.+
૨ તારી સંપત્તિમાંથી સાત લોકોને, હા, આઠ લોકોને આપ,+ કેમ કે પૃથ્વી પર કઈ આફત આવશે એ તું જાણતો નથી.
૩ જો વાદળો પાણીથી ભરેલાં હોય, તો પૃથ્વી પર ચોક્કસ વરસાદ પડશે. ભલે ઝાડ ઉત્તરમાં પડે કે દક્ષિણમાં, તે જ્યાં પડે છે ત્યાં જ પડેલું રહેશે.
૪ જે માણસ પવન પર ધ્યાન રાખ્યા કરે છે, તે બી વાવશે નહિ. જે માણસ વાદળો તરફ જોયા કરે છે, તે કાપણી કરશે નહિ.+
૫ તું જાણતો નથી કે માના ગર્ભમાં બાળકનાં હાડકાં કઈ રીતે આકાર લે છે.*+ એવી જ રીતે, એ બધું કરનાર સાચા ઈશ્વરનાં કામો પણ તું જાણતો નથી.+
૬ સવારમાં બી વાવ અને સાંજે તારો હાથ પાછો ખેંચી ન લે.+ કેમ કે આ બી ઊગશે* કે પેલું ઊગશે અથવા એ બંને ઊગશે એ તું જાણતો નથી.
૭ અજવાળું પ્રિય લાગે છે. સૂર્ય જોવો આંખ માટે સારો છે.
૮ જો માણસ ઘણાં વર્ષો જીવે, તો તેણે જીવનના એકેએક દિવસની મજા માણવી જોઈએ.+ પણ તેણે યાદ રાખવું જોઈએ કે દુઃખના દિવસો ઘણા હશે. દુઃખના એ દિવસો નકામા છે.+
૯ હે યુવાન, તારી યુવાનીમાં આનંદ કર. યુવાનીના દિવસોમાં તારા દિલને ખુશ રાખ. તારા દિલનું સાંભળ અને તારી આંખો જ્યાં લઈ જાય ત્યાં જા. પણ યાદ રાખજે, સાચા ઈશ્વર તારી પાસે એ બધાનો હિસાબ માંગશે.*+
૧૦ તારા દિલમાંથી ચિંતા કાઢી નાખ. તારા શરીરમાંથી નુકસાન કરનાર બાબત દૂર કર, કેમ કે યુવાની અને ભરયુવાની નકામી છે.+
ફૂટનોટ
^ હિબ્રૂમાં અહીં બતાવ્યું છે કે ગર્ભમાં રહેલા બાળકનાં હાડકાંમાં કઈ રીતે જીવન-શક્તિ અથવા ઈશ્વરની શક્તિ કામ કરે છે.
^ અથવા, “સફળ થશે.”
^ અથવા, “તારો ન્યાય કરશે.”