સભાશિક્ષક ૨:૧-૨૬

  • સુલેમાનનાં કામો પર એક નજર (૧-૧૧)

  • માણસોની બુદ્ધિ સીમિત છે (૧૨-૧૬)

  • સખત મહેનત નકામી છે (૧૭-૨૩)

  • ખાઓ-પીઓ અને મહેનતનો આનંદ માણો (૨૪-૨૬)

 મેં મનમાં કહ્યું: “ચાલ ત્યારે મોજમજા કરું. જોઉં તો ખરો એનાથી શો ફાયદો થાય છે.” જુઓ! એ પણ નકામું છે.  ૨  મેં કહ્યું: “હાસ્ય તો ગાંડપણ છે!” મને થયું: “મોજમજા કરવાથી શો ફાયદો?” ૩  મેં વિચાર્યું, ચાલ દ્રાક્ષદારૂની મજા માણી જોઉં.+ મેં ઘણો દ્રાક્ષદારૂ પીધો, પણ હોશ ગુમાવ્યો નહિ. મેં મૂર્ખાઈનાં કામો પણ કર્યાં. મારે જાણવું હતું કે પોતાના ટૂંકા જીવન દરમિયાન મનુષ્ય માટે શું કરવું સૌથી સારું છે. ૪  મેં મોટાં મોટાં કામો કર્યાં:+ મેં મારા માટે ઘરો બાંધ્યાં+ અને દ્રાક્ષાવાડીઓ રોપી.+ ૫  મેં વાડીઓ અને બાગ-બગીચા બનાવ્યાં. સર્વ પ્રકારનાં ફળ આપે એવાં વૃક્ષો એમાં રોપ્યાં. ૬  વાડીમાં* રોપેલાં વૃક્ષોને પાણી સિંચવા મેં તળાવો ખોદાવ્યાં. ૭  મેં ઘણાં દાસ-દાસીઓ મેળવ્યાં.+ મારી પાસે એવા દાસો પણ હતા, જેઓ મારા ઘરમાં પેદા થયા હતા. મારી અગાઉ યરૂશાલેમમાં થઈ ગયેલા સર્વ રાજાઓ કરતાં મેં વધારે ઘેટાં-બકરાં અને ઢોરઢાંક ભેગાં કર્યાં.+ ૮  મેં મારા માટે એટલું સોનું-ચાંદી ભેગું કર્યું,+ જેટલું રાજાઓ અને પ્રાંતોના* ખજાનામાં હોય છે.+ મેં અનેક ગાયકો અને ગાયિકાઓ ભેગાં કર્યાં. માણસોને જેની સંગતથી ખુશી મળે એવી સ્ત્રી, હા, એવી ઘણી સ્ત્રીઓ મેં મેળવી. ૯  આમ હું મોટો માણસ બન્યો. યરૂશાલેમમાં મારી અગાઉના કોઈ પણ માણસ કરતાં મેં વધારે ભેગું કર્યું.+ મારી બુદ્ધિએ હંમેશાં મને સાથ આપ્યો. ૧૦  મારા મનમાં જે કંઈ ઇચ્છા જાગી, એ મેં પૂરી કરી.*+ મેં મારા દિલને કોઈ પણ જાતની મોજમજા કરવાથી રોક્યું નહિ, કેમ કે મારી મહેનતથી મારું દિલ ખુશ થતું. એ મારી સખત મહેનતનું ઇનામ હતું.+ ૧૧  મેં મારા હાથે કરેલાં કામો પર વિચાર કર્યો. મેં સખત મહેનતથી જે કંઈ મેળવ્યું હતું એના પર પણ વિચાર કર્યો.+ મને ખ્યાલ આવ્યો કે એ બધું જ નકામું છે, હવામાં બાચકા ભરવા જેવું છે.+ પૃથ્વી પર એવું કંઈ નથી, જેનાથી ખરેખર લાભ થાય.+ ૧૨  પછી મેં બુદ્ધિ, ગાંડપણ અને મૂર્ખાઈ પર વિચાર કર્યો.+ (રાજા પછી આવનાર માણસ બીજું શું નવું કરવાનો? એ જ કરવાનો, જે થઈ ચૂક્યું છે.) ૧૩  મને સમજાયું કે જેમ અંધકાર કરતાં અજવાળું વધારે ચઢિયાતું છે, તેમ મૂર્ખાઈ કરતાં બુદ્ધિ વધારે ચઢિયાતી છે.+ ૧૪  બુદ્ધિમાન માણસ પોતાનો માર્ગ સાફ જોઈ શકે છે,*+ પણ મૂર્ખ અંધારામાં ચાલે છે.+ મને ખ્યાલ આવ્યો કે છેવટે બધાના હાલ* એક જેવા જ થાય છે.+ ૧૫  મેં મનમાં કહ્યું: “મૂર્ખની જે દશા થાય છે, એ જ મારી પણ થવાની.”+ તો પછી આટલું બધું જ્ઞાન લઈને મને શો ફાયદો થયો? મેં મનમાં કહ્યું: “એ પણ નકામું છે.” ૧૬  ન બુદ્ધિમાનને યાદ રાખવામાં આવે છે, ન મૂર્ખને.+ સમય જતાં, તેઓ બધા ભુલાઈ જાય છે. બુદ્ધિમાનનું મરણ કઈ રીતે થાય છે? મૂર્ખની જેમ જ તેનું મરણ થાય છે.+ ૧૭  એટલે મને જીવનથી નફરત થઈ ગઈ.+ મને ખ્યાલ આવ્યો કે પૃથ્વી પર થતાં બધાં કામોથી નિરાશા જ હાથ લાગે છે. બધું જ નકામું છે,+ હવામાં બાચકા ભરવા જેવું છે.+ ૧૮  પૃથ્વી પર સખત મહેનત કરીને મેં જે કંઈ ભેગું કર્યું હતું,+ એનાથી મને નફરત થઈ ગઈ. કેમ કે મારે એ બધું મારા પછી આવનાર માટે છોડી જવું પડશે.+ ૧૯  કોણ જાણે તે બુદ્ધિમાન હશે કે મૂર્ખ?+ પૃથ્વી પર મેં સખત મહેનતથી અને બુદ્ધિથી જે કંઈ મેળવ્યું છે, એ બધું તેના હાથમાં જતું રહેશે. એ પણ નકામું છે. ૨૦  મારું દિલ દુઃખી થઈ ગયું કે મેં કેમ પરસેવો પાડીને પૃથ્વી પર આ કામો કર્યાં! ૨૧  માણસ પોતાનું ડહાપણ, જ્ઞાન અને આવડત વાપરીને સખત મહેનત કરે છે. પણ તેણે પોતાનો હિસ્સો* એવા માણસને આપવો પડે છે, જેણે એ માટે મહેનત કરી નથી.+ એ પણ નકામું અને દુઃખ આપનારું* છે. ૨૨  પૃથ્વી પર માણસ સખત મહેનત કરે છે, પોતાનાં સપનાં પૂરાં કરવા* રાત-દિવસ એક કરે છે, તેને આખરે શું મળે છે?+ ૨૩  તેનાં કામોને લીધે તેના બધા દિવસો દુઃખમાં અને ચિંતામાં વીતે છે.+ રાતે પણ તેના મનને ચેન પડતું નથી.+ એ પણ નકામું છે. ૨૪  ખાવું-પીવું અને પોતાની મહેનતનો આનંદ માણવો એ સિવાય માણસ માટે બીજું કંઈ સારું નથી.+ મને ખ્યાલ આવ્યો કે એ બધું સાચા ઈશ્વર* તરફથી જ છે.+ ૨૫  શું એવો કોઈ માણસ છે, જે મારા કરતાં વધારે સારું ખાતો-પીતો હોય?+ ૨૬  સાચા ઈશ્વર જે માણસથી ખુશ થાય છે તેને ડહાપણ, જ્ઞાન અને ખુશી આપે છે.+ પણ પાપીઓને તે ધનસંપત્તિ ભેગી કરવાનું કામ સોંપે છે, જેથી ભેગું કરેલું બધું તેઓ એ માણસને સોંપી દે જેનાથી ઈશ્વર ખુશ છે.+ એ પણ નકામું છે, હવામાં બાચકા ભરવા જેવું છે.

ફૂટનોટ

અથવા, “જંગલમાં.”
અથવા, “જિલ્લાઓના.”
મૂળ, “મારી આંખોને જે કંઈ ગમ્યું, એ મેં મેળવ્યું.”
અથવા, “બધાનું પરિણામ.”
મૂળ, “બુદ્ધિમાનની આંખો તેના માથામાં હોય છે.”
અથવા, “આફત લાવનારું.”
અથવા, “પોતાનું સર્વસ્વ.”
મૂળ, “દિલની ઇચ્છા પૂરી કરવા.”