સભાશિક્ષક ૬:૧-૧૨

  • ધનદોલત હોવા છતાં એનો આનંદ ન માણી શકવો (૧-૬)

  • જે છે એમાં ખુશ રહેવું (૭-૧૨)

 મેં પૃથ્વી પર બીજી એક દુઃખની વાત જોઈ, જે માણસોમાં સામાન્ય છે: ૨  સાચા ઈશ્વર માણસને ધનદોલત અને માન-મોભો આપે છે, જેથી માણસની કોઈ ઇચ્છા અધૂરી ન રહી જાય. પણ સાચા ઈશ્વર એ માણસને એનો આનંદ માણવા દેતા નથી, કોઈ બીજો જ એનો આનંદ માણે છે. એ નકામું છે, ભારે દુઃખની વાત છે. ૩  જો કોઈ માણસને ૧૦૦ બાળકો થાય અને તે લાંબું જીવીને ઘરડો થાય, પણ કબરમાં જતાં પહેલાં પોતાની સારી વસ્તુઓનો આનંદ ન માણે, તો મારું માનવું છે કે તેના કરતાં એ બાળક વધારે સારું, જે મરેલું* પેદા થયું હોય.+ ૪  તે બાળક નકામું આ દુનિયામાં આવે છે અને અંધારામાં જતું રહે છે. તેનું નામ અંધારામાં ક્યાંય ખોવાઈ જાય છે. ૫  ભલે તે બાળકે સૂર્ય જોયો નથી કે બીજું કશું જાણ્યું નથી, છતાં તે પેલા માણસ કરતાં વધારે સારું છે,* જેણે જીવતેજીવ સુખ ભોગવ્યું નથી.+ ૬  માણસ ૨,૦૦૦ વર્ષ જીવે, પણ જીવનની મજા ન માણે તો શો ફાયદો? શું બધા લોકો એક જ જગ્યાએ જતા નથી?+ ૭  માણસ પોતાનું પેટ ભરવા સખત મહેનત કરે છે,+ પણ તે ક્યારેય ધરાતો નથી. ૮  તો મૂર્ખ માણસ કરતાં બુદ્ધિમાન માણસને શો ફાયદો?+ ગરીબ માણસ થોડામાં ગુજરાન ચલાવવાનું જાણતો હોય,* તોપણ તેને શો ફાયદો? ૯  ઇચ્છાઓ પાછળ આંધળી દોટ મૂકવી નકામું છે, હવામાં બાચકા ભરવા જેવું છે. એના કરતાં આંખો સામે જે છે એનો આનંદ માણવો વધારે સારું. ૧૦  જે કંઈ અસ્તિત્વમાં છે એનું નામ પહેલેથી પાડવામાં આવ્યું છે. માણસનો ખરો સ્વભાવ છતો થઈ ગયો છે, તે પોતાના કરતાં બળવાનની સામે દલીલ કરી શકતો નથી.* ૧૧  જેટલા વધારે શબ્દો, એટલી વધારે નકામી વાતો.* એનાથી માણસને શો ફાયદો? ૧૨  માણસ માટે જીવનમાં શું કરવું સૌથી સારું છે, એની કોને ખબર? તેનું ટૂંકું જીવન નકામું છે, એ પડછાયાની જેમ પસાર થઈ જાય છે.+ તેના ગયા પછી પૃથ્વી પર શું થશે એ તેને કોણ જણાવી શકે?

ફૂટનોટ

અથવા, “અધૂરા મહિને મરેલું.”
મૂળ, “તેને વધારે આરામ છે.”
મૂળ, “જીવતાઓ આગળ ચાલવાનું જાણતો હોય.”
અથવા, “તે પોતાનો દાવો રજૂ કરી શકતો નથી.”
અથવા કદાચ, “જેટલી વધારે વસ્તુઓ, એટલી વધારે વ્યર્થતા.”