હઝકિયેલ ૧૨:૧-૨૮

  • અગાઉથી બતાવાયું કે લોકો કઈ રીતે ગુલામીમાં જશે (૧-૨૦)

    • ગુલામીમાં જવા સામાન બાંધવો (૧-૭)

    • મુખીએ અંધારામાં નીકળવું પડશે (૮-૧૬)

    • ચિંતાની રોટલી, ભયનું પાણી (૧૭-૨૦)

  • છેતરામણી કહેવત જૂઠી પડી (૨૧-૨૮)

    • “મારો એકેએક શબ્દ પૂરો થશે, એમાં જરાય વાર નહિ લાગે” (૨૮)

૧૨  ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨  “હે માણસના દીકરા, તું બંડખોર લોકો વચ્ચે રહે છે. તેઓને આંખો તો છે પણ જોતા નથી અને કાન તો છે પણ સાંભળતા નથી.+ તેઓ બંડખોર લોકો છે.+ ૩  પણ હે માણસના દીકરા, તું ગુલામીમાં જવા તારો સામાન બાંધ. પછી દિવસે તેઓ જોતા હોય ત્યારે, તું જાણે ગુલામીમાં જતો હોય એમ પોતાના ઘરેથી બીજી જગ્યાએ જા. ભલે તેઓ બંડખોર લોકો છે પણ કદાચ તેઓ ધ્યાન આપે. ૪  દિવસે તેઓ જોતા હોય ત્યારે ગુલામીમાં જવા માટે તારો સામાન બહાર લઈ આવ. જાણે તને ગુલામીમાં લઈ જવાતો હોય+ એમ તું તેઓના દેખતાં સાંજે ત્યાંથી નીકળજે. ૫  “તેઓના દેખતાં દીવાલમાં ગાબડું પાડ અને તારો સામાન એમાંથી બહાર લઈ જા.+ ૬  તેઓ જોતા હોય ત્યારે તારો સામાન ખભે નાખ અને અંધારામાં એને લઈ જા. તારો ચહેરો ઢાંક, જેથી તું ભૂમિ જોઈ ન શકે, કેમ કે હું તને ઇઝરાયેલ માટે નિશાની ઠરાવું છું.”+ ૭  મને મળેલી આજ્ઞા પ્રમાણે જ મેં કર્યું. જાણે ગુલામીમાં જતો હોઉં એમ દિવસે હું મારો સામાન બહાર લઈ આવ્યો. સાંજે મેં મારા હાથે દીવાલમાં ગાબડું પાડ્યું. અંધારું થયું ત્યારે મેં મારો સામાન લીધો અને તેઓના દેખતાં ખભે નાખ્યો. ૮  સવારે ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૯  “હે માણસના દીકરા, શું ઇઝરાયેલના બંડખોર લોકોએ તને પૂછ્યું નથી કે ‘તું શું કરે છે?’ ૧૦  તેઓને જણાવ કે ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “આ સંદેશો યરૂશાલેમના મુખી+ માટે અને ત્યાં રહેતા ઇઝરાયેલીઓ માટે છે.”’ ૧૧  “તું તેઓને જણાવ કે તું નિશાની છે.+ તેં જેવું કર્યું છે એવું તેઓને થશે. તેઓને કેદ કરીને ગુલામીમાં લઈ જવાશે.+ ૧૨  તેઓનો મુખી પોતાના ખભા પર સામાન ઊંચકીને અંધારામાં જશે. તે દીવાલમાં ગાબડું પાડશે અને એમાંથી પોતાનો સામાન લઈ જશે.+ તે પોતાનો ચહેરો ઢાંકશે જેથી ભૂમિ જોઈ ન શકે. ૧૩  હું તેના પર મારી જાળ નાખીશ અને તે મારી જાળમાં ફસાઈ જશે.+ પછી હું તેને બાબેલોનમાં, ખાલદીઓના દેશમાં લાવીશ. પણ એ દેશ તે જોઈ નહિ શકે અને ત્યાં તેનું મરણ થશે.+ ૧૪  તેની આસપાસના બધા લોકોને, એટલે કે તેને મદદ કરનારાઓને અને તેના લશ્કરને હું ચારેય દિશામાં વિખેરી નાખીશ.+ હું તલવાર લઈને તેઓનો પીછો કરીશ.+ ૧૫  જ્યારે હું તેઓને પ્રજાઓમાં અને દેશોમાં વિખેરી નાખીશ, ત્યારે તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું. ૧૬  હું તેઓમાંના અમુકને બચાવી લઈશ. હું તેઓને તલવાર, દુકાળ અને રોગચાળામાંથી બચાવીશ, જેથી તેઓ જે પ્રજાઓમાં જાય ત્યાં જણાવે કે પોતે કેવાં અધમ કામો કરતા હતા. તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.” ૧૭  ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૧૮  “હે માણસના દીકરા, તારે ધ્રૂજતાં ધ્રૂજતાં રોટલી ખાવી, તારે ભય અને ચિંતામાં પાણી પીવું.+ ૧૯  દેશના લોકોને કહે, ‘વિશ્વના માલિક યહોવા, ઇઝરાયેલ દેશમાં વસતા યરૂશાલેમના લોકોને કહે છે: “તેઓ હેરાન-પરેશાન થઈને રોટલી ખાશે અને ડરી ડરીને પાણી પીશે. દેશમાં રહેતા બધા લોકોના જુલમને+ લીધે તેઓનો દેશ બરબાદ થઈ જશે.+ ૨૦  વસ્તીવાળાં શહેરો ખંડેર થઈ જશે અને જમીન વેરાન થઈ જશે.+ તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું.”’”+ ૨૧  ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨૨  “હે માણસના દીકરા, ઇઝરાયેલમાં કેમ આવી કહેવત છે, ‘દિવસો વહેતા જાય છે અને એકેય દર્શન પૂરું થતું નથી’?+ ૨૩  એટલે તેઓને કહે, ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “હું એ કહેવત બંધ કરાવી દઈશ. ઇઝરાયેલમાં હવેથી તેઓ એ કહેવત વાપરશે નહિ.”’ તેઓને જણાવ કે ‘એવા દિવસો દૂર નથી+ જ્યારે દરેક દર્શન પૂરું થશે.’ ૨૪  ઇઝરાયેલી લોકોમાં કોઈ ખોટું દર્શન નહિ જુએ કે મીઠી મીઠી* વાતોની ભવિષ્યવાણી નહિ કરે.+ ૨૫  ‘“હું યહોવા છું અને હું જે બોલીશ એ પૂરું થશે, એમાં જરાય મોડું નહિ થાય.+ ઓ બંડખોર લોકો, તમારા દિવસોમાં+ હું બોલીશ અને એ પૂરું કરીશ,” એવું વિશ્વના માલિક યહોવા કહે છે.’” ૨૬  ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨૭  “હે માણસના દીકરા, ઇઝરાયેલના લોકો આવી વાતો કરે છે: ‘તેણે જોયેલું દર્શન તો બહુ દૂરના ભાવિનું છે. એને પૂરું થતા કોણ જાણે કેટલો સમય લાગશે.’+ ૨૮  એટલે તેઓને જણાવ, ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “‘મારો એકેએક શબ્દ પૂરો થશે, એમાં જરાય વાર નહિ લાગે. હું જે કંઈ કહું છું એ ચોક્કસ પૂરું થશે,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”’”

ફૂટનોટ

અથવા, “છેતરામણી.”