હઝકિયેલ ૧૬:૧-૬૩

  • યરૂશાલેમ માટે ઈશ્વરનો પ્રેમ (૧-૬૩)

    • ત્યજી દેવાયેલી બાળકી (૧-૭)

    • ઈશ્વર તેને શણગારે છે અને લગ્‍નનો કરાર કરે છે (૮-૧૪)

    • તે બેવફા બને છે (૧૫-૩૪)

    • વ્યભિચાર કરવાની સજા (૩૫-૪૩)

    • સમરૂન અને સદોમ સાથે સરખામણી (૪૪-૫૮)

    • ઈશ્વર પોતાનો કરાર યાદ રાખે છે (૫૯-૬૩)

૧૬  ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨  “હે માણસના દીકરા, યરૂશાલેમને તેનાં* દુષ્ટ કામો વિશે જણાવ.+ ૩  તારે જણાવવું કે ‘વિશ્વના માલિક યહોવા યરૂશાલેમને કહે છે: “તારો જન્મ કનાનીઓના દેશમાં થયો હતો અને તું ત્યાંની છે. તારો પિતા અમોરી હતો+ અને તારી મા હિત્તી હતી.+ ૪  તારા જન્મની વાત કરું તો એ દિવસે તારી નાળ કાપવામાં આવી નહિ, તને નવડાવીને સાફ કરવામાં આવી નહિ, તને મીઠું લગાડવામાં આવ્યું નહિ અને કપડાંમાં લપેટવામાં આવી નહિ. ૫  કોઈએ તારા પર દયા ખાઈને એમાંનું કંઈ પણ કર્યું નહિ. કોઈએ તારા પર કરુણા બતાવી નહિ. પણ તને ખુલ્લા મેદાનમાં નાખી દેવામાં આવી, કેમ કે તું જન્મી એ જ દિવસથી તને નફરત કરવામાં આવી. ૬  “‘“હું ત્યાંથી પસાર થતો હતો ત્યારે મેં તને તારા લોહીમાં તરફડતી જોઈ. તું તારા લોહીમાં પડેલી હતી ત્યારે મેં કહ્યું, ‘જીવતી રહે!’ હા, તું તારા લોહીમાં લથપથ હતી ત્યારે કહ્યું: ‘જીવતી રહે!’ ૭  ખેતરમાં ઊગતાં ફૂલછોડની જેમ મેં તને ઘણી વધારી. તું મોટી થતી થતી યુવાનીમાં આવી અને તેં સારાં સારાં ઘરેણાં પહેરીને શણગાર કર્યો. તારી છાતી ભરાઈ અને તારા વાળ વધ્યા, પણ તેં હજુ કપડાં પહેરેલાં ન હતાં અને તું ઉઘાડી હતી.”’ ૮  “‘હું ત્યાંથી પસાર થતો હતો ત્યારે મેં તને જોઈ. મેં જોયું કે તારી ઉંમર પ્રેમમાં પડવાની છે. એટલે મેં તારા પર મારું કપડું ઓઢાડ્યું+ અને તારી નગ્‍નતા ઢાંકી. મેં સમ ખાઈને તને વચન આપ્યું અને તારી સાથે કરાર* કર્યો. આમ તું મારી થઈ,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે. ૯  ‘મેં તને નવડાવી અને તારું લોહી સાફ કર્યું. મેં તને તેલ ચોળ્યું.+ ૧૦  પછી મેં તને ભરત ભરેલાં કપડાં પહેરાવ્યાં અને ચામડાની* મોજડીઓ પહેરાવી. મેં તને શણનું કપડું ઓઢાડ્યું અને મોંઘાં મોંઘાં કપડાં પહેરાવ્યાં. ૧૧  મેં તને ઘરેણાંથી શણગારી. મેં તારા હાથમાં બંગડીઓ અને ગળામાં હાર પહેરાવ્યાં. ૧૨  મેં તારા નાકમાં નથણી, કાનમાં ઝૂમખાં અને માથે સુંદર તાજ પહેરાવ્યાં. ૧૩  તું સોના-ચાંદીથી સજીધજીને તૈયાર થતી. તારાં કપડાં કીમતી શણનાં, મોંઘાં મોંઘાં કાપડનાં અને સરસ મજાનું ભરત ભરેલાં હતાં. તું મેંદો, મધ અને તેલથી બનેલાં પકવાનોની મજા માણતી. તારું રૂપ દિવસે ને દિવસે ખીલતું ગયું+ અને તું રાણી બનવા* તૈયાર થઈ!’” ૧૪  “‘તારી સુંદરતાને લીધે તારી નામના* પ્રજાઓમાં ફેલાવા લાગી.+ મેં મારું ગૌરવ તારા પર ફેલાવ્યું હોવાથી તારી સુંદરતામાં કોઈ ખોટ ન હતી,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.” ૧૫  “‘પણ તું પોતાની સુંદરતા પર ભરોસો રાખવા લાગી.+ તારી નામનાને લીધે તું વેશ્યા બની ગઈ.+ તું વેશ્યા બનીને આવતાં-જતાં દરેકની સાથે ખુલ્લેઆમ વ્યભિચાર કરવા લાગી.+ તેં પોતાની સુંદરતા તેઓ પર લુટાવી દીધી. ૧૬  તેં તારાં અમુક રંગબેરંગી કપડાંથી ભક્તિ-સ્થળો સજાવ્યાં અને ત્યાં વ્યભિચાર કર્યો.+ એવું થવું ન જોઈએ અને ફરી કદી થશે પણ નહિ. ૧૭  મેં તને સોના-ચાંદીનાં બનાવેલાં સુંદર ઘરેણાં આપ્યાં હતાં. એનાથી તેં તારા માટે પુરુષોની મૂર્તિઓ બનાવી અને એની સાથે વ્યભિચાર કર્યો.+ ૧૮  તેં તારાં ભરત ભરેલાં કપડાં લઈને તેઓને* ઓઢાડ્યાં. તેં મારું તેલ અને મારો ધૂપ તેઓને ચઢાવ્યાં.+ ૧૯  મેં તને મેંદો, તેલ અને મધની બનેલી રોટલી ખાવા આપી હતી. એ રોટલી પણ તેં તેઓને અર્પણ કરી, જેથી તેઓ એની સુગંધથી ખુશ થાય.+ હા, એમ જ બન્યું છે,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.” ૨૦  “‘તને મારાથી થયેલાં દીકરા-દીકરીઓને+ તું મૂર્તિઓ પાસે લઈ ગઈ અને તેં તેઓને બલિદાન કરી દીધાં.+ શું તારી વેશ્યાગીરીનાં કામોએ હદ વટાવી નથી? ૨૧  તેં મારા દીકરાઓની કતલ કરી. તેઓને આગમાં બલિ ચઢાવીને* અર્પણ કરી દીધા.+ ૨૨  અધમ કામો અને વેશ્યાગીરી કરતી વખતે તેં પોતાનું બાળપણ યાદ કર્યું નહિ. એ સમયે તારા શરીર પર કપડાં ન હતાં અને તું ઉઘાડી હતી. તું તારા લોહીમાં આળોટતી હતી. ૨૩  તેં કેવાં દુષ્ટ કામો કર્યાં છે! તને અફસોસ છે અફસોસ!’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે. ૨૪  ‘તેં દરેક ચોકમાં પોતાને માટે ટેકરો બનાવ્યો અને ભક્તિ-સ્થળો ઊભાં કરી દીધાં. ૨૫  તેં તારાં ભક્તિ-સ્થળો ગલીએ ગલીએ નજરે ચઢે એવી જગ્યાએ બનાવ્યાં. તેં આવતાં-જતાં દરેકને પોતાની જાત સોંપી દીધી. એક સમયની તારી સુંદરતાને તેં ચીતરી ચઢે એવી બનાવી દીધી.+ તું તારી વેશ્યાગીરીમાં ઊંડે ને ઊંડે ઊતરતી ગઈ.+ ૨૬  તારા હવસખોર પડોશીઓ, એટલે કે ઇજિપ્તના* દીકરાઓ સાથે તેં વ્યભિચાર કર્યો.+ તેં વ્યભિચાર કરી કરીને મને રોષ ચઢાવ્યો. ૨૭  હવે હું મારો હાથ તારી વિરુદ્ધ ઉગામીશ અને તને રોટલી અને કપડાં આપવાનું બંધ કરી દઈશ.+ હું તને પલિસ્તીઓની દીકરીઓના હાથમાં સોંપી દઈશ, જેઓ તને નફરત કરે છે.+ તેઓ તારી સાથે મન ફાવે એમ વર્તશે. તેઓ તો તારાં નીચ કામો જોઈને દંગ રહી ગઈ હતી.+ ૨૮  “‘તને સંતોષ થયો નહિ, એટલે તેં આશ્શૂરના દીકરાઓ સાથે વ્યભિચાર કર્યો.+ તેઓ સાથે વ્યભિચાર કરીને પણ તું ધરાઈ નહિ. ૨૯  એટલે તેં તારી વેશ્યાગીરી વેપારીઓના દેશ* તરફ અને ખાલદીઓ તરફ ફેલાવી.+ એ પછી પણ તારી ભૂખ સંતોષાઈ નહિ. ૩૦  તું તો સાવ બેશરમ વેશ્યા જેવી છે! એવાં કામો કર્યાં ત્યારે તારું દિલ વાસનાથી ભરપૂર* હતું,’*+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે. ૩૧  ‘તેં ગલીએ ગલીએ નજરે ચઢે એવી જગ્યાએ પોતાના માટે ટેકરો બનાવ્યો અને દરેક ચોકમાં ભક્તિ-સ્થળો ઊભાં કર્યાં. પણ તું વેશ્યા જેવી ન હતી, કેમ કે તેં એકેય પૈસો લેવાની ના પાડી. ૩૨  તું તો વ્યભિચારી પત્ની છે, જે પોતાના પતિના બદલે પારકા પુરુષોને ચાહે છે!+ ૩૩  વેશ્યાઓ પાસે જનારા પુરુષો તેઓને ભેટ આપે છે,+ પણ તું તો સામેથી તારા પ્રેમીઓને ભેટ આપે છે.+ તું આસપાસના બધાને તારી સાથે વ્યભિચાર કરવા લાંચ આપીને બોલાવે છે.+ ૩૪  તું બીજી વેશ્યાઓ કરતાં એકદમ અલગ છે. તારા જેવી વેશ્યા કોઈ નહિ હોય. તેઓ તને પૈસા ચૂકવતા નથી, પણ તું તેઓને પૈસા ચૂકવે છે. તું સાવ અલગ છે.’ ૩૫  “એટલે ઓ વેશ્યા,+ યહોવાનો સંદેશો સાંભળ. ૩૬  વિશ્વના માલિક યહોવા કહે છે: ‘તેં તારા પ્રેમીઓ સાથે વ્યભિચાર કર્યો છે. નફરત અને ધિક્કાર થાય એવી તારી બધી મૂર્તિઓ* સાથે પણ તેં વ્યભિચાર કર્યો છે.+ તારી બેકાબૂ વાસના છલકાઈ ગઈ છે અને તારી નગ્‍નતા ઉઘાડી થઈ છે. અરે, એ મૂર્તિઓ આગળ તેં તારા દીકરાઓનું લોહી અર્પણ કરી દીધું છે.+ ૩૭  એટલે હું તારા બધા પ્રેમીઓને ભેગા કરીશ, જેઓ સાથે તેં મજા માણી છે. તું જેઓને ચાહે છે અને તું જેઓને ધિક્કારે છે, એ બધાને ભેગા કરીશ. હું ચારે બાજુથી એ બધાને તારી વિરુદ્ધ લાવીશ. હું તને તેઓ સામે ઉઘાડી કરીશ અને તેઓ તારી નગ્‍નતા જોશે.+ ૩૮  “‘વ્યભિચારી અને ખૂની સ્ત્રીઓને+ જેવી સજા આપવામાં આવે છે, એવી સજા હું તને કરીશ.+ હું ક્રોધથી તપી ઊઠીને અને રોષે ભરાઈને તારું લોહી વહાવીશ.+ ૩૯  હું તને તારા પ્રેમીઓના હાથમાં સોંપી દઈશ. તેઓ તારા ટેકરાઓ તોડી પાડશે અને તારાં ભક્તિ-સ્થળો ભાંગી નાખશે.+ તેઓ તારાં કપડાં ઉતારી લેશે+ અને તારાં સુંદર ઘરેણાં લઈ લેશે.+ તેઓ તને નગ્‍ન અને ઉઘાડી છોડી મૂકશે. ૪૦  તેઓ તારી સામે એક ટોળું લઈ આવશે.+ તેઓ તને પથ્થરે મારશે+ અને તલવારોથી તારી કતલ કરશે.+ ૪૧  તેઓ તારાં ઘરો બાળી નાખશે,+ ઘણી સ્ત્રીઓની નજર આગળ તને સજા કરશે. હું તારી વેશ્યાગીરીનો અંત લાવીશ+ અને તું પૈસા ચૂકવવાનું બંધ કરી દઈશ. ૪૨  તારી સામેનો મારો ગુસ્સો શમી જશે+ અને તારા પરનો મારો રોષ ઠંડો પડશે.+ પછી મને શાંતિ થશે અને હું ક્રોધે ભરાઈશ નહિ.’ ૪૩  “‘તેં તારા બાળપણના દિવસો યાદ રાખ્યા નથી+ અને આ બધાં કામોથી મને કોપાયમાન કર્યો છે. એટલે હું તારાં કામોનું પરિણામ તારા માથે લાવીશ. હવેથી તું ધિક્કાર થાય એવાં અધમ કામો નહિ કરે,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે. ૪૪  “‘કહેવતોના શોખીન લોકો તારા માટે આ કહેવત વાપરશે: “જેવી મા તેવી દીકરી!”+ ૪૫  તારી મા પોતાના પતિ અને પોતાનાં બાળકોને નફરત કરતી હતી. તું એની જ દીકરી છે. તારી બહેનો પોતાના પતિઓને અને પોતાનાં બાળકોને નફરત કરતી હતી. તું તેઓની જ બહેન છે. તારી મા હિત્તી હતી અને તારો પિતા અમોરી હતો.’”+ ૪૬  “‘તારી મોટી બહેન સમરૂન છે,+ જે પોતાની દીકરીઓ* સાથે તારી ઉત્તર* બાજુએ રહે છે.+ તારી નાની બહેન સદોમ છે,+ જે પોતાની દીકરીઓ સાથે તારી દક્ષિણ* બાજુએ રહે છે.+ ૪૭  તું તેઓના માર્ગોમાં ચાલી અને તેઓનાં જેવાં અધમ કામો કર્યાં. અરે, થોડા સમયમાં તું તેઓના કરતાં પણ વધારે નીચ કામો કરવા લાગી.’+ ૪૮  વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું મારા સમ* ખાઈને કહું છું કે તેં અને તારી દીકરીઓએ જેવાં કામો કર્યાં છે, એવાં તો તારી બહેન સદોમે અને તેની દીકરીઓએ પણ નથી કર્યાં. ૪૯  તારી બહેન સદોમનો ગુનો આ હતો: તે અને તેની દીકરીઓ+ ઘમંડી હતી.+ તેઓ પાસે પુષ્કળ ખોરાક હતો,+ સુખ-શાંતિ હતી.+ તોપણ તેઓ ગરીબને અને લાચારને મદદ કરતી ન હતી.+ ૫૦  તેઓ ઘમંડી જ રહી+ અને મારી નજર આગળ નીચ કામો કરતી રહી.+ એટલે મારે તેઓનો નાશ કરવો પડ્યો.+ ૫૧  “‘તેં જેટલાં પાપ કર્યાં છે, એનાથી અડધાં પણ સમરૂને કર્યાં નથી.+ તારી બહેનો કરતાં તું વધારે ને વધારે અધમ કામો કરતી ગઈ. તેં એટલાં અધમ કામો કર્યાં કે તારી આગળ તેઓ નિર્દોષ લાગે.+ ૫૨  એટલે તારે અપમાન સહેવું પડશે, કેમ કે તેં તારી બહેનોનાં કામ યોગ્ય ઠરાવ્યાં છે. તેઓ કરતાં વધારે અધમ કામો કરીને તેં પાપ કર્યું છે. એટલે તારા કરતાં તેઓ વધારે સારી છે. તું તારી બહેનોને નિર્દોષ ઠરાવે એવી હોવાથી, હવે તારે શરમાવું પડશે અને અપમાન સહેવું પડશે.’ ૫૩  “‘હું તેઓના કેદીઓને ભેગા કરીશ, એટલે કે સદોમ અને તેની દીકરીઓના કેદીઓ, સમરૂન અને તેની દીકરીઓના કેદીઓ. હું તેઓની સાથે તારા કેદીઓને પણ ભેગા કરીશ,+ ૫૪  જેથી તારે ભારે અપમાન સહેવું પડે. તારા કારણે તેઓને જે રાહત મળી છે, એના લીધે તારે નીચું જોવું પડશે. ૫૫  તારી બહેનો, એટલે કે સદોમ અને સમરૂન તથા તેઓની દીકરીઓની હાલત અગાઉ જેવી થઈ જશે. તારી અને તારી દીકરીઓની હાલત પણ અગાઉ જેવી થઈ જશે.+ ૫૬  તારા ઘમંડના દિવસોમાં તારી બહેન સદોમની વાત કરવી પણ તને યોગ્ય લાગતી ન હતી. ૫૭  એ સમયે તારી દુષ્ટતા ખુલ્લી પડી ન હતી.+ પણ હવે સિરિયાની દીકરીઓ અને એના પડોશીઓ તારી બદનામી કરે છે. પલિસ્તીઓની દીકરીઓ+ અને આસપાસના બધા લોકો તારી મજાક ઉડાવે છે. ૫૮  ધિક્કાર થાય એવાં તારાં અધમ કામોનાં પરિણામ તારે ભોગવવાં પડશે,’ એવું યહોવા કહે છે.” ૫૯  “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘તેં જે કર્યું છે એની હું સજા કરીશ.+ તેં મારા કરારનો ભંગ કર્યો છે અને મારા સમ નકામા ગણ્યા છે.+ ૬૦  પણ મેં તારી યુવાનીના દિવસોમાં તારી સાથે જે કરાર કર્યો હતો, એ હું યાદ રાખીશ. હું તારી સાથે કાયમ માટેનો કરાર કરીશ.+ ૬૧  તું તારી મોટી અને નાની બહેનોનો સ્વીકાર કરશે ત્યારે, તને તારું વર્તન યાદ આવશે અને શરમ આવશે.+ હું તારી બહેનોને તારી દીકરીઓ બનાવીશ, પણ તારી સાથે કરેલા કરારને લીધે નહિ.’ ૬૨  “‘હું પોતે તારી સાથે મારો કરાર કરીશ અને તારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું. ૬૩  તેં એ બધું કર્યું હોવા છતાં હું તને માફ કરીશ.*+ પછી તને યાદ આવશે અને શરમને લીધે તું બોલી પણ નહિ શકે,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”

ફૂટનોટ

આ અધ્યાયમાં યરૂશાલેમ, સદોમ અને સમરૂનનો ઉલ્લેખ સ્ત્રી તરીકે થયો છે.
અથવા, “સીલ માછલીના ચામડાની.”
અથવા, “રાજવી પદ માટે.”
મૂળ, “નામ.”
એટલે કે, પુરુષોની મૂર્તિઓ.
મૂળ, “આગમાં ચલાવીને.”
અથવા, “મિસરના.”
મૂળ, “કનાન દેશ.”
અથવા, “દિલ કમજોર.”
અથવા કદાચ, “મારો કોપ તારા પર સળગી ઊઠ્યો હતો.”
આના માટેનો હિબ્રૂ શબ્દ કદાચ “મળ” કે “છાણ” માટેના શબ્દ સાથે સંકળાયેલો છે, જે તિરસ્કાર બતાવવા વપરાય છે.
મૂળ, “ડાબી.”
મૂળ, “જમણી.”
કદાચ આધાર રાખતાં નગરોને બતાવે છે.
મૂળ, “મારા જીવના સમ.”
મૂળ, “તારા માટે પ્રાયશ્ચિત્ત કરીશ.”