હઝકિયેલ ૧૭:૧-૨૪

  • બે ગરુડ અને દ્રાક્ષાવેલાનું ઉખાણું (૧-૨૧)

  • કુમળી ડાળી ઘટાદાર વૃક્ષ બનશે (૨૨-૨૪)

૧૭  ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨  “હે માણસના દીકરા, ઇઝરાયેલના લોકોને એક ઉખાણું કહે, એક ઉદાહરણ આપ.+ ૩  તું જણાવ કે ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “એક મોટો ગરુડ+ લબાનોન આવ્યો.+ તેને વિશાળ અને લાંબી પાંખો હતી. તેને ભરાવદાર અને રંગબેરંગી પીંછાં હતાં. તેણે દેવદારના ઝાડની ટોચની ડાળી તોડી લીધી.+ ૪  સૌથી ઉપરની ડાળી તોડીને તે વેપારીઓના દેશમાં* લઈ ગયો. તેણે એ ડાળી વેપારીઓના શહેરમાં રોપી.+ ૫  તેણે દેશમાંથી* અમુક બી લીધાં+ અને રસાળ જમીનમાં રોપ્યાં. તેણે એ પુષ્કળ પાણી પાસે રોપ્યાં, જેમ નેતર રોપવામાં આવે છે. ૬  એ બીમાંથી અંકુર ફૂટીને દ્રાક્ષાવેલો ઊગી નીકળ્યો. એ ઊંચે ચઢવાને બદલે નીચે ફેલાયો.+ એનાં પાંદડાં અંદરની તરફ વળ્યાં અને એનાં મૂળ એની નીચે ફેલાયાં. આમ એ વેલો ઊગ્યો, એને કૂંપળો ફૂટી અને એની ડાળીઓ ફેલાઈ.+ ૭  “‘“પછી બીજો એક મોટો ગરુડ આવ્યો.+ તેને વિશાળ અને મોટી પાંખો હતી.+ પેલા દ્રાક્ષાવેલાએ મોટી આશા રાખીને પોતાનાં મૂળ ગરુડ તરફ લંબાવ્યાં. વેલો જે બગીચામાં રોપાયો હતો ત્યાંથી પોતાનાં મૂળ દૂર લઈ ગયો. ગરુડ માવજત કરે એ માટે વેલાએ પોતાની ડાળીઓ તેની તરફ લંબાવી.+ ૮  એ વેલો સારી જમીનમાં અને પુષ્કળ પાણી પાસે જ રોપેલો હતો. એ માટે કે એની ડાળીઓ ઊગે, ફળ આવે અને ફૂલી-ફાલીને સરસ મજાનો દ્રાક્ષાવેલો બને.”’+ ૯  “તું જણાવ કે ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “શું આ વેલો ફૂલશે-ફાલશે? શું કોઈ એનાં મૂળ ખેંચી નહિ કાઢે?+ શું એનાં ફળ સડી નહિ જાય અને ડાળીઓ સુકાઈ નહિ જાય?+ એ એટલો સુકાઈ જશે કે એને જડમૂળથી ખેંચી કાઢવા મજબૂત હાથની કે ઘણા લોકોની જરૂર નહિ પડે. ૧૦  ખરું કે એ ફરીથી રોપાયો છે, તોપણ શું એ ફાલશે ખરો? પૂર્વનો પવન વાય ત્યારે, શું એ સાવ સુકાઈ નહિ જાય? જે બગીચામાં એ ખીલ્યો હતો ત્યાં જ સુકાઈ જશે.”’” ૧૧  ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૧૨  “બંડખોર લોકોને કહે, ‘શું તમે આ બધાનો અર્થ નથી જાણતા?’ તેઓને જણાવ કે ‘જુઓ, બાબેલોનનો રાજા યરૂશાલેમ આવ્યો. તે એના રાજા અને આગેવાનોને પકડીને પોતાની સાથે બાબેલોન લઈ આવ્યો.+ ૧૩  એટલું જ નહિ, તેણે એક રાજવી વંશજ+ સાથે કરાર કર્યો અને તેને સમ ખવડાવ્યા.+ તે દેશના જાણીતા લોકોને પોતાની સાથે લઈ ગયો,+ ૧૪  જેથી રાજ્યની એવી પડતી થાય કે ફરી ઊભું ન થઈ શકે. ઇઝરાયેલી લોકો એ કરાર પાળે તો જ એ રાજ્ય ટકી શકે.+ ૧૫  પણ છેવટે યહૂદાના રાજાએ* બાબેલોનના રાજા સામે બળવો કર્યો+ અને પોતાના માણસો ઇજિપ્ત મોકલ્યા, જેથી તેઓ ઘોડા+ અને મોટું સૈન્ય લઈ આવે.+ શું તે સફળ થશે? એવું કરીને શું કોઈ માણસ સજાથી બચી જશે? શું તે કરાર તોડીને બચી શકે ખરો?’+ ૧૬  “‘વિશ્વના માલિક યહોવા કહે છે: “તેણે રાજાના સમ પાળ્યા નથી અને કરાર તોડી નાખ્યો છે. હું સમ* ખાઈને કહું છું કે તે બાબેલોનમાં જ મરી જશે. એટલે કે એ રાજાના* દેશમાં, જેણે તેને* રાજા બનાવ્યો હતો.+ ૧૭  યુદ્ધમાં ઘણા લોકોનો નાશ કરવા ઘેરો નાખવામાં આવશે, ઢોળાવો બાંધવામાં આવશે અને દીવાલો ઊભી કરવામાં આવશે. એ સમયે ઇજિપ્તના રાજાનું* મોટું સૈન્ય કે તેના અગણિત સૈનિકો કંઈ કામ નહિ આવે.+ ૧૮  તેણે સમ પાળ્યા નથી અને કરાર તોડ્યો છે. તે વચન આપીને ફરી ગયો અને આ બધું કર્યું હોવાથી તે બચશે નહિ.”’ ૧૯  “‘વિશ્વના માલિક યહોવા કહે છે: “તેણે મારા સમ પાળ્યા નથી અને મારો કરાર તોડ્યો છે. હું સમ* ખાઈને કહું છું કે એનું પરિણામ તેના માથે ચોક્કસ લાવીશ.+ ૨૦  હું તેના પર મારી જાળ નાખીશ અને તે મારી જાળમાં ફસાઈ જશે.+ હું તેને બાબેલોન લાવીશ અને ત્યાં તેનો ન્યાય કરીશ, કેમ કે તે મને બેવફા બન્યો છે.+ ૨૧  તેના લશ્કરમાંથી નાસી છૂટેલા બધાની તલવારથી કતલ થશે. એમાંથી જેઓ બચી જશે, તેઓ ચારેય દિશામાં વિખેરાઈ જશે.+ પછી તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા પોતે એ બોલ્યો છું.”’+ ૨૨  “‘વિશ્વના માલિક યહોવા કહે છે: “હું દેવદારની ટોચ પરથી એક ડાળી તોડીશ+ અને એ રોપીશ. હું એની ટોચની ડાળીઓમાંથી એક કુમળી ડાળી તોડીશ.+ હું એ ઊંચા અને મોટા પર્વત પર રોપીશ.+ ૨૩  હું ઇઝરાયેલના ઊંચા પર્વત પર એ રોપીશ. એની ડાળીઓ વધશે, એને ફળ આવશે અને એ દેવદારનું મોટું ઘટાદાર વૃક્ષ બનશે. બધા પ્રકારનાં પંખીઓ એની છાયા નીચે રહેશે અને એની ડાળીઓમાં વસશે. ૨૪  બધાં વૃક્ષોએ સ્વીકારવું પડશે કે મેં યહોવાએ જ ઊંચા ઝાડને નીચું કર્યું છે અને નીચા ઝાડને ઊંચું કર્યું છે.+ મેં લીલાછમ વૃક્ષને સૂકવી નાખ્યું છે અને સુકાયેલા વૃક્ષને લીલુંછમ કર્યું છે.+ હું યહોવા એ બોલ્યો છું અને મેં જ એવું કર્યું છે.”’”

ફૂટનોટ

મૂળ, “કનાન દેશમાં.”
દેખીતું છે, એ યહૂદા દેશને રજૂ કરે છે.
એટલે કે, સિદકિયા.
મૂળ, “મારા જીવના સમ.”
એટલે કે, નબૂખાદનેસ્સાર.
એટલે કે, સિદકિયા.
અથવા, “ફારુનનું.” શબ્દસૂચિમાં “ફારુન” જુઓ.
મૂળ, “મારા જીવના સમ.”