હઝકિયેલ ૨૦:૧-૪૯
૨૦ સાતમા વર્ષનો* પાંચમો મહિનો હતો. એ મહિનાના દસમા દિવસે ઇઝરાયેલના અમુક વડીલો આવ્યા અને યહોવાની સલાહ લેવા મારી સામે બેઠા.
૨ પછી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો:
૩ “હે માણસના દીકરા, ઇઝરાયેલના વડીલો સાથે વાત કર અને તેઓને જણાવ, ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “શું તમે મારી સલાહ લેવા આવ્યા છો? ‘હું સમ* ખાઈને કહું છું કે હું તમારા સવાલોના જવાબ નહિ આપું,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”’
૪ “હે માણસના દીકરા, શું તેઓનો ન્યાય કરવા* તું તૈયાર છે? શું તું તૈયાર છે? તેઓને જણાવ કે તેઓના બાપદાદાઓએ કેવાં અધમ કામો કર્યાં હતાં.+
૫ તેઓને જણાવ કે ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “જે દિવસે મેં ઇઝરાયેલના લોકોને પસંદ કર્યા,+ એ દિવસે મેં યાકૂબના વંશજ આગળ સમ ખાધા હતા. ઇજિપ્ત દેશમાં તેઓને મારી ઓળખ આપી હતી.+ હા, મેં તેઓ આગળ સમ ખાઈને કહ્યું હતું કે ‘હું યહોવા તમારો ઈશ્વર છું.’
૬ એ દિવસે મેં સમ ખાધા કે હું તેઓને ઇજિપ્ત દેશમાંથી બહાર કાઢી લાવીશ. હું તેઓને દૂધ-મધની રેલમછેલવાળા દેશમાં લઈ જઈશ,+ જે મેં તેઓ માટે પસંદ કર્યો છે.* એ દેશ બધા દેશો કરતાં એકદમ સુંદર છે.
૭ પછી મેં તેઓને કહ્યું: ‘નફરત થાય એવી જે ચીજો તમારી નજર સામે છે, એ ફેંકી દો. ધિક્કાર થાય એવી ઇજિપ્તમાંની મૂર્તિઓથી* પોતાને અશુદ્ધ ન કરો.+ હું યહોવા તમારો ઈશ્વર છું.’+
૮ “‘“પણ તેઓએ મારી સામે બળવો કર્યો અને તેઓ મારું સાંભળવા તૈયાર ન હતા. નફરત થાય એવી ચીજો તેઓએ પોતાની આગળથી ફેંકી દીધી નહિ. ધિક્કાર થાય એવી ઇજિપ્તની મૂર્તિઓને તેઓએ છોડી દીધી નહિ.+ એટલે મેં નક્કી કર્યું કે હું તેઓ પર મારો કોપ રેડી દઈશ અને ઇજિપ્તમાં તેઓ પર મારો ક્રોધ ભડકી ઊઠશે.
૯ પણ મારા નામને લીધે મેં એમ ન કર્યું, જેથી તેઓ જે પ્રજાઓમાં રહેતા હતા તેઓમાં મારું નામ બદનામ ન થાય.+ હું તેઓને* જ્યારે ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો, ત્યારે મેં એ પ્રજાઓની સામે તેઓને* મારી ઓળખ આપી.+
૧૦ આ રીતે હું તેઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો અને તેઓને વેરાન પ્રદેશમાં લઈ ગયો.+
૧૧ “‘“પછી મેં તેઓને મારા નિયમો આપ્યા અને મારા કાયદા-કાનૂન જણાવ્યા,+ જેથી જે કોઈ એ પાળે તે જીવતો રહે.+
૧૨ મારી અને તેઓની વચ્ચે નિશાની તરીકે+ મેં તેઓને મારા સાબ્બાથો* પણ આપ્યા.+ એનાથી તેઓને ખબર પડે કે હું યહોવા જ તેઓને પવિત્ર કરું છું.
૧૩ “‘“જોકે ઇઝરાયેલી લોકોએ વેરાન પ્રદેશમાં મારી સામે બળવો કર્યો.+ તેઓ મારા નિયમો પ્રમાણે ચાલ્યા નહિ અને મારા કાયદા-કાનૂનનો ત્યાગ કર્યો. જો કોઈ માણસ એ બધું પાળે તો તે જીવતો રહે. પણ તેઓએ મારા સાબ્બાથો પૂરેપૂરા અશુદ્ધ કર્યા. એટલે મેં નક્કી કર્યું કે વેરાન પ્રદેશમાં હું તેઓ પર મારો કોપ રેડી દઈશ અને તેઓનો સફાયો કરી નાખીશ.+
૧૪ પણ મારા નામને લીધે મેં એમ ન કર્યું, જેથી હું તેઓને* જે પ્રજાઓમાંથી બહાર કાઢી લાવ્યો, તેઓમાં મારું નામ બદનામ ન થાય.+
૧૫ દૂધ-મધની રેલમછેલવાળો દેશ,+ જે બધા દેશો કરતાં એકદમ સુંદર છે, એ હું તેઓને આપવાનો હતો. પણ મેં વેરાન પ્રદેશમાં તેઓની આગળ સમ ખાધા કે હું તેઓને એમાં નહિ લઈ જાઉં.+
૧૬ એનું કારણ એ છે કે તેઓએ મારા કાયદા-કાનૂનનો ત્યાગ કર્યો, તેઓ મારા નિયમો પ્રમાણે ચાલ્યા નહિ અને તેઓએ મારા સાબ્બાથો અશુદ્ધ કર્યા. તેઓનાં દિલ તો ધિક્કાર થાય એવી મૂર્તિઓ પર લાગેલાં હતાં.+
૧૭ “‘“પણ મને* તેઓની દયા આવી અને મેં તેઓનો સંહાર કર્યો નહિ. મેં વેરાન પ્રદેશમાં તેઓનો સફાયો કરી નાખ્યો નહિ.
૧૮ વેરાન પ્રદેશમાં મેં તેઓના દીકરાઓને કહ્યું,+ ‘તમારા બાપદાદાઓના નિયમો પ્રમાણે ચાલતા નહિ.+ તેઓના કાયદા-કાનૂન પાળતા નહિ અથવા ધિક્કાર થાય એવી મૂર્તિઓથી પોતાને અશુદ્ધ કરતા નહિ.
૧૯ હું યહોવા તમારો ઈશ્વર છું. મારા નિયમો પ્રમાણે ચાલો, મારા કાયદા-કાનૂન પાળો અને એ પ્રમાણે જીવો.+
૨૦ મારા સાબ્બાથો પવિત્ર માનો.+ એ મારી અને તમારી વચ્ચે નિશાની બનશે, જેથી તમે જાણો કે હું યહોવા તમારો ઈશ્વર છું.’+
૨૧ “‘“પણ એ દીકરાઓએ મારી સામે બળવો કર્યો.+ તેઓ મારા નિયમો પ્રમાણે ચાલ્યા નહિ અને તેઓએ મારા કાયદા-કાનૂન પાળ્યા નહિ. જો કોઈ માણસ એ બધું પાળે તો તે જીવતો રહે. તેઓએ તો મારા સાબ્બાથો અશુદ્ધ કર્યા. એટલે મેં નક્કી કર્યું કે વેરાન પ્રદેશમાં હું તેઓ પર મારો કોપ રેડી દઈશ અને તેઓ પર મારો ક્રોધ ભડકી ઊઠશે.+
૨૨ પણ મેં મારા નામને લીધે+ એમ ન કર્યું,+ જેથી હું તેઓને* જે પ્રજાઓમાંથી કાઢી લાવ્યો, તેઓમાં મારું નામ બદનામ ન થાય.
૨૩ મેં વેરાન પ્રદેશમાં તેઓ આગળ એવા પણ સમ ખાધા કે હું તેઓને પ્રજાઓમાં વિખેરી નાખીશ અને દેશોમાં વેરવિખેર કરી નાખીશ.+
૨૪ એનું કારણ એ છે કે તેઓએ મારા કાયદા-કાનૂન પાળ્યા નહિ, તેઓએ મારા નિયમોનો ત્યાગ કર્યો,+ તેઓએ મારા સાબ્બાથો અશુદ્ધ કર્યા અને તેઓ પોતાના બાપદાદાઓની મૂર્તિઓ પાછળ ચાલ્યા, જે ધિક્કાર થાય એવી હતી.+
૨૫ મેં તેઓને એવા નિયમો પાળવા દીધા જે સારા ન હતા. તેઓને એવા કાયદા-કાનૂન પ્રમાણે ચાલવા દીધા, જેનાથી તેઓ જીવતા રહી શકે નહિ.+
૨૬ તેઓ પોતાના પ્રથમ જન્મેલા બાળકને આગમાં બલિ ચઢાવતા.*+ મેં તેઓને એવું કરવા દીધું અને તેઓને અશુદ્ધ થવા દીધા, જેથી હું તેઓને બરબાદ કરી નાખું અને તેઓ જાણે કે હું યહોવા છું.”’
૨૭ “હે માણસના દીકરા, ઇઝરાયેલી લોકો સાથે વાત કર અને તેઓને જણાવ કે ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “તમારા બાપદાદાઓએ આ રીતે મારું નામ બદનામ કર્યું હતું અને મને બેવફા બન્યા હતા.
૨૮ મેં તેઓને જે દેશ આપવાના સમ ખાધા હતા, એમાં હું તેઓને લઈ આવ્યો.+ તેઓએ ઊંચા ડુંગરો અને ઘટાદાર ઝાડ જોયાં+ કે તરત તેઓએ ત્યાં બલિદાનો અને અર્પણો ચઢાવીને મને ખૂબ ગુસ્સે કર્યો. તેઓએ બલિદાનોની સુવાસ અને દ્રાક્ષદારૂ-અર્પણો* ચઢાવ્યાં.
૨૯ મેં તેઓને પૂછ્યું, ‘તમે એ ભક્તિ-સ્થળે શું કામ જાઓ છો? (એ આજે પણ ભક્તિ-સ્થળ કહેવાય છે.)’”’+
૩૦ “હવે ઇઝરાયેલી લોકોને જણાવ કે ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “તમારા બાપદાદાઓ ધિક્કાર થાય એવી મૂર્તિઓને ભજીને ઈશ્વરને બેવફા બન્યા હતા.* શું તમે પણ તેઓની જેમ જ અશુદ્ધ થઈ ગયા છો?+
૩૧ ધિક્કાર થાય એવી બધી મૂર્તિઓને બલિદાનો ચઢાવીને અને પોતાના દીકરાઓને આગમાં બલિ ચઢાવીને* શું તમે આજ સુધી અશુદ્ધ થતા નથી?+ હે ઇઝરાયેલી લોકો, હું તમારા સવાલોના જવાબ શું કામ આપું?”’+
“વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું સમ* ખાઈને કહું છું કે હું તમને જવાબ નહિ આપું.+
૩૨ તમે કહો છો, “ચાલો આપણે બીજી પ્રજાઓ જેવા બનીએ, બીજા દેશોનાં કુટુંબો જેવાં બનીએ, જેઓ લાકડા અને પથ્થરની ભક્તિ* કરે છે.”+ તમારાં મનના એ ઇરાદા ક્યારેય પૂરા નહિ થાય.’”
૩૩ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું સમ* ખાઈને કહું છું કે હું તમારા પર રાજા તરીકે રાજ કરીશ. હું મારો શક્તિશાળી હાથ લંબાવીશ અને તમારા પર મારો ગુસ્સો રેડી દઈશ.+
૩૪ હું મારો શક્તિશાળી હાથ લંબાવીને અને તમારા પર મારો ગુસ્સો રેડીને તમને લોકોમાંથી બહાર લઈ આવીશ. તમે જે દેશોમાં વિખેરાઈ ગયા છો, એમાંથી તમને ભેગા કરીશ.+
૩૫ હું તમને લોકોના વેરાન પ્રદેશમાં લઈ આવીશ અને ત્યાં તમારી સામે મુકદ્દમો લડીશ.+
૩૬ “‘જેમ ઇજિપ્ત દેશના વેરાન પ્રદેશમાં તમારા બાપદાદાઓ સામે હું મુકદ્દમો લડ્યો હતો, એમ હું તમારી સામે પણ મુકદ્દમો લડીશ,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.
૩૭ ‘હું તમને ઘેટાંપાળકની લાકડી નીચેથી પસાર કરીશ+ અને તમારી પાસે કરારનું પાલન કરાવીશ.
૩૮ હું તમારામાંથી બળવાખોરોને અને મારી વિરુદ્ધ પાપ કરનારાઓને દૂર કરીશ.+ જે દેશમાં તેઓ પરદેશીઓ છે એમાંથી તેઓને કાઢી લાવીશ, પણ તેઓ ઇઝરાયેલ દેશમાં જશે નહિ.+ તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’
૩૯ “હે ઇઝરાયેલી લોકો, તમારા વિશે વિશ્વના માલિક યહોવા કહે છે: ‘જાઓ, તમે બધા જઈને ધિક્કાર થાય એવી મૂર્તિઓની પૂજા કરો.+ જો તમે મારું સાંભળશો નહિ, તો તમારે એનાં પરિણામો ભોગવવાં પડશે. હવે તમારાં બલિદાનોથી અને તમારી મૂર્તિઓથી તમે મારું પવિત્ર નામ બદનામ નહિ કરી શકો.’+
૪૦ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘દેશના બધા લોકો, હા, આખા ઇઝરાયેલના લોકો મારા પવિત્ર પર્વત પર, ઇઝરાયેલના ઊંચા પર્વત પર+ મારી ભક્તિ કરશે.+ ત્યાં હું તમારો સ્વીકાર કરીશ અને તમે મને તમારાં દાનો અને સૌથી સારાં અર્પણો, તમારી બધી પવિત્ર વસ્તુઓ ચઢાવશો.+
૪૧ હું તમને બીજા લોકોમાંથી બહાર કાઢી લાવીશ અને જે દેશોમાં તમે વિખેરાઈ ગયા છો, એમાંથી તમને ભેગા કરીશ.+ એ સમયે તમે ચઢાવેલાં બલિદાનોની સુવાસથી હું રાજી થઈશ. બીજી પ્રજાઓ આગળ હું તમારી વચ્ચે પવિત્ર મનાઈશ.’+
૪૨ “‘તમારા બાપદાદાઓ આગળ જે દેશ વિશે મેં સમ ખાધા હતા, એ ઇઝરાયેલ દેશમાં જ્યારે તમને લાવીશ+ ત્યારે તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું.+
૪૩ ત્યાં તમને તમારાં કામો યાદ આવશે. તમે જે નીચ કામો કરીને અશુદ્ધ થયા હતા એ તમને યાદ આવશે.+ તમારાં એ અધમ કામોને લીધે તમને પોતાનાથી સખત નફરત થશે.+
૪૪ હે ઇઝરાયેલી લોકો, તમારાં દુષ્ટ કામો કે ભ્રષ્ટ કામો પ્રમાણે હું તમારી સાથે વર્તતો નથી. પણ હું મારા નામને લીધે+ એવું કરું છું. એ સમયે તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”
૪૫ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો:
૪૬ “હે માણસના દીકરા, તારું મોં દક્ષિણ દિશા તરફ ફેરવ અને દક્ષિણને સંદેશો જણાવ. દક્ષિણ વિસ્તારના જંગલ વિશે ભવિષ્યવાણી જણાવ.
૪૭ દક્ષિણના જંગલને કહે કે ‘યહોવાનો સંદેશો સાંભળ. વિશ્વના માલિક યહોવા કહે છે: “હું તારામાં આગ ચાંપીશ.+ એનાથી તારું દરેક લીલું ઝાડ અને સૂકું ઝાડ બળીને ખાખ થઈ જશે. આગનો ભડકો કોઈ હોલવી નહિ શકે.+ દક્ષિણથી ઉત્તર સુધીનો દરેક ચહેરો એનાથી દાઝી જશે.
૪૮ બધા લોકો જોશે કે મેં, ખુદ યહોવાએ એ આગ ચાંપી છે અને કોઈ એને હોલવી નહિ શકે.”’”+
૪૯ મેં કહ્યું: “અફસોસ, વિશ્વના માલિક યહોવા! તેઓ મારા વિશે કહે છે, ‘આ તો બસ ઉખાણાં* કહેતો ફરે છે!’”
ફૂટનોટ
^ મૂળ, “મારા જીવના સમ.”
^ અથવા, “તેઓને ન્યાયચુકાદો જાહેર કરવા.”
^ અથવા, “શોધી કાઢ્યો છે.”
^ આના માટેનો હિબ્રૂ શબ્દ કદાચ “મળ” કે “છાણ” માટેના શબ્દ સાથે સંકળાયેલો છે, જે તિરસ્કાર બતાવવા વપરાય છે.
^ એટલે કે, ઇઝરાયેલ.
^ એટલે કે, ઇઝરાયેલ.
^ એટલે કે, ઇઝરાયેલ.
^ મૂળ, “મારી આંખને.”
^ એટલે કે, ઇઝરાયેલ.
^ મૂળ, “આગમાં ચલાવતા.”
^ અથવા, “જાણે વેશ્યાગીરી કરી હતી.”
^ મૂળ, “મારા જીવના સમ.”
^ મૂળ, “આગમાં ચલાવીને.”
^ અથવા, “સેવા.”
^ મૂળ, “મારા જીવના સમ.”
^ અથવા, “કહેવતો.”