હઝકિયેલ ૨૨:૧-૩૧

  • યરૂશાલેમ ખૂની નગરી (૧-૧૬)

  • ઇઝરાયેલીઓ કચરા જેવા નકામા (૧૭-૨૨)

  • આગેવાનો અને ઇઝરાયેલીઓ વિરુદ્ધ ન્યાયચુકાદો (૨૩-૩૧)

૨૨  ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨  “હે માણસના દીકરા, ખૂની નગરી+ વિરુદ્ધ ભવિષ્યવાણી કરવા શું તું તૈયાર છે? તેનાં બધાં અધમ કામો જણાવવાં શું તું તૈયાર છે?+ ૩  તું જણાવ, ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “ઓ નગરી, તારો સમય પાકી ગયો છે.+ તેં પોતાના લોકોનું લોહી વહાવ્યું છે.+ ધિક્કાર થાય એવી મૂર્તિઓથી* તેં પોતાને ભ્રષ્ટ કરી છે.+ ૪  તેં લોહી વહાવ્યું હોવાથી તું દોષિત છે.+ ધિક્કાર થાય એવી મૂર્તિઓએ તને અશુદ્ધ કરી છે.+ તેં તારા દિવસો ટૂંકાવી દીધા છે અને તારાં વર્ષોનો અંત આવી ગયો છે. એટલે હું એવું કરીશ, જેથી પ્રજાઓ તારી હાંસી ઉડાવે અને બધા દેશો તને મહેણાં મારે.+ ૫  તારી નજીકના અને દૂરના દેશો તારી મશ્કરી કરશે.+ તારા નામની બદનામી થઈ છે અને તારામાં અંધાધૂંધી ફેલાઈ ગઈ છે. ૬  ઇઝરાયેલનો દરેક મુખી પોતાની સત્તા વાપરીને લોહી વહાવે છે.+ ૭  તારા લોકો પોતાનાં માતા-પિતાનું અપમાન કરે છે.+ તેઓ પરદેશીઓને છેતરે છે, અનાથો* અને વિધવાઓ પર જુલમ ગુજારે છે.”’”+ ૮  “‘તેં મારી પવિત્ર જગ્યાઓનો ધિક્કાર કર્યો છે અને મારા સાબ્બાથો અશુદ્ધ કર્યા છે.+ ૯  તારા લોકો બીજાઓને બદનામ કરીને લોહી વહાવવા ચાહે છે.+ તેઓ પર્વત પર મૂર્તિઓને ચઢાવેલાં બલિદાનો ખાય છે અને અધમ કામોમાં ડૂબેલા રહે છે.+ ૧૦  તેઓ પોતાના પિતાની પત્ની સાથે સૂઈ જાય છે*+ અને માસિકને લીધે અશુદ્ધ થયેલી સ્ત્રી સાથે જાતીય સંબંધ બાંધે છે.+ ૧૧  કોઈ માણસ પડોશીની પત્ની સાથે નીચ કામ કરે છે.+ કોઈ પોતાની વહુ સાથે બેશરમ કામ કરીને તેને અશુદ્ધ કરે છે.+ કોઈ પોતાના પિતાની દીકરી, એટલે કે પોતાની બહેન સાથે બળજબરીથી જાતીય સંબંધ બાંધે છે.+ ૧૨  તારા લોકો પૈસા લઈને ખૂન કરે છે.+ તેઓ વ્યાજે પૈસા આપે છે+ અને એનો ફાયદો ઉઠાવે છે. તેઓ પડોશીઓ પર જુલમ કરીને પૈસા પડાવે છે.+ હા, તું મને સાવ ભૂલી ગઈ છે,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે. ૧૩  “‘તારી બેઈમાનીની કમાણી અને તેં વહાવેલા લોહીને લીધે હું રોષે ભરાઈને તાળી પાડીશ. ૧૪  હું તને સજા કરીશ ત્યારે શું તારામાં હિંમત રહેશે? શું તારામાં શક્તિ રહેશે?+ હું યહોવા પોતે એ બોલ્યો છું અને એ જરૂર કરી બતાવીશ. ૧૫  હું તને બીજી પ્રજાઓમાં વિખેરી નાખીશ અને દેશોમાં વેરવિખેર કરી નાખીશ.+ હું તારી ગંદકી દૂર કરીશ.+ ૧૬  બીજી પ્રજાઓ આગળ તારું અપમાન થશે અને તારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’”+ ૧૭  ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૧૮  “હે માણસના દીકરા, ઇઝરાયેલના લોકો મારા માટે કચરા જેવા નકામા બની ગયા છે. તેઓ ભઠ્ઠીમાંનાં તાંબા, કલાઈ, લોઢા અને સીસા જેવાં છે. તેઓ ચાંદીના મેલ જેવા નકામા બની ગયા છે.+ ૧૯  “એટલે વિશ્વના માલિક યહોવા કહે છે: ‘તમે બધા કચરા જેવા નકામા બની ગયા હોવાથી,+ હું તમને યરૂશાલેમમાં ભેગા કરવાનો છું. ૨૦  ચાંદી, તાંબું, લોઢું, સીસું અને કલાઈ ભઠ્ઠીમાં ભેગાં કરવામાં આવે છે, જેથી એને આગથી ઓગાળી શકાય. એ જ રીતે, હું ક્રોધે ભરાઈને તમને ભેગા કરીશ. હું તમારા પર ગુસ્સાની આગ વરસાવીશ અને તમને ઓગાળી નાખીશ.+ ૨૧  હું તમને ભેગા કરીશ અને તમારા પર મારા ગુસ્સાની આગ વરસાવીશ.+ તમે એ નગરીમાં ઓગળી જશો.+ ૨૨  જેમ ભઠ્ઠીમાં ચાંદી ઓગાળવામાં આવે છે, તેમ એ નગરીમાં તમને ઓગાળવામાં આવશે. તમારે સ્વીકારવું પડશે કે મેં યહોવાએ તમારા પર મારો કોપ રેડી દીધો છે.’” ૨૩  ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨૪  “હે માણસના દીકરા, એ નગરીને કહે, ‘તું એવી નગરી છે, જેને કોપના દિવસે સાફ કરવામાં આવશે નહિ કે જેના પર વરસાદ વરસાવવામાં આવશે નહિ. ૨૫  શિકાર ફાડી ખાનાર ગર્જતા સિંહની જેમ+ પ્રબોધકો કાવતરાં ઘડે છે+ અને લોકોને ભરખી જાય છે. તેઓ ખજાનો અને કીમતી ચીજવસ્તુઓ લૂંટી લે છે. તેઓએ ઘણી સ્ત્રીઓને વિધવા બનાવી દીધી છે. ૨૬  તેના યાજકો મારા નિયમો તોડે છે.+ તેઓ મારી પવિત્ર જગ્યાઓ અશુદ્ધ કરે છે.+ પવિત્ર અને અપવિત્ર વચ્ચે તેઓ કોઈ ફરક રાખતા નથી.+ શુદ્ધ અને અશુદ્ધ વચ્ચેનો તફાવત તેઓ શીખવતા નથી.+ તેઓ મારા સાબ્બાથો પાળવાની મના કરે છે. તેઓને લીધે મારી બદનામી થઈ છે. ૨૭  તેના અધિકારીઓ શિકાર ફાડી ખાનાર વરુઓ જેવા છે. બેઈમાનીથી પૈસા કમાવા માટે તેઓ લોહી વહાવે છે અને લોકોને મારી નાખે છે.+ ૨૮  દીવાલ પર ચૂનો લગાડવામાં આવે તેમ પ્રબોધકો પોતાનાં કામ ઢાંકે છે. તેઓ ખોટાં દર્શનો જુએ છે અને ખોટા જોષ જણાવે છે.+ યહોવાએ તેઓ સાથે વાત કરી ન હોય, તોપણ તેઓ કહે છે: “વિશ્વના માલિક યહોવા કહે છે.” ૨૯  દેશના લોકો બીજાઓને છેતરે છે અને લૂંટ ચલાવે છે.+ તેઓ ગરીબ અને લાચાર પર જુલમ કરે છે. તેઓ પરદેશીઓને છેતરે છે અને તેઓને ઇન્સાફ આપતા નથી.’ ૩૦  “‘હું તેઓમાંથી એવો માણસ શોધતો હતો, જે પથ્થરની દીવાલનું સમારકામ કરે. અથવા દેશ માટે તે મારી સામે દીવાલના ગાબડામાં ઊભો રહે, જેથી દેશનો નાશ ન થાય.+ પણ મને એવો એકેય માણસ મળ્યો નહિ. ૩૧  એટલે હું તેઓ પર મારો કોપ રેડી દઈશ. મારા ક્રોધની આગમાં તેઓને ભસ્મ કરી નાખીશ. હું એવું કરીશ કે તેઓએ પોતાનાં કામોનાં ફળ ભોગવવાં પડશે,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”

ફૂટનોટ

આના માટેનો હિબ્રૂ શબ્દ કદાચ “મળ” કે “છાણ” માટેના શબ્દ સાથે સંકળાયેલો છે, જે તિરસ્કાર બતાવવા વપરાય છે.
અથવા, “પિતા વગરનાં બાળકો.”
મૂળ, “પિતાની નગ્‍નતા ઉઘાડી પાડે છે.”