હઝકિયેલ ૨૩:૧-૪૯

  • બે બેવફા બહેનો (૧-૪૯)

    • આશ્શૂરીઓ સાથે ઓહલાહ (૫-૧૦)

    • બાબેલોન અને ઇજિપ્ત સાથે ઓહલીબાહ (૧૧-૩૫)

    • બંને બહેનોને સજા (૩૬-૪૯)

૨૩  ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨  “હે માણસના દીકરા, એક માની બે દીકરીઓ હતી.+ ૩  તેઓ ઇજિપ્તમાં વેશ્યા બની+ અને યુવાનીથી વેશ્યાનું કામ કરવા લાગી. ત્યાં તેઓ વ્યભિચારનાં કામોમાં ડૂબી ગઈ અને કુંવારી રહી નહિ. ૪  મોટીનું નામ ઓહલાહ* હતું અને નાનીનું નામ ઓહલીબાહ.* તેઓ મારી થઈ અને તેઓને દીકરા-દીકરીઓ થયાં. ઓહલાહ સમરૂન છે+ અને ઓહલીબાહ યરૂશાલેમ.* ૫  “ઓહલાહ મારી હતી ત્યારથી વેશ્યાનો ધંધો કરવા લાગી.+ તેના પ્રેમીઓ, એટલે કે તેના પડોશી આશ્શૂરીઓ+ પાછળ તે પાગલ થઈ.+ ૬  તેઓ ભૂરા રંગનાં કપડાં પહેરેલા રાજ્યપાલો અને ઉપઅધિકારીઓ હતા. તેઓ બધા રૂપાળા યુવાનો હતા, જેઓ પોતાના ઘોડાઓ પર સવારી કરતા. ૭  તે આશ્શૂરના બધા મનમોહક દીકરાઓ સાથે વ્યભિચાર કરતી રહી. તે તેઓ પાછળ પાગલ હતી. તેઓની ધિક્કારપાત્ર મૂર્તિઓથી* તેણે પોતાને અશુદ્ધ કરી.+ ૮  ઇજિપ્તમાં કરેલાં વેશ્યાનાં કામો તેણે બંધ કર્યાં નહિ. તેની યુવાનીથી ઇજિપ્તના માણસો તેની સાથે સૂતા હતા. તેઓ તેની સાથે વ્યભિચાર કરીને પોતાની વાસના સંતોષતા હતા અને તે કુંવારી રહી નહિ.+ ૯  તે જેઓ પાછળ પાગલ થઈ હતી એ આશ્શૂરીઓ, એટલે કે તેના પ્રેમીઓના હાથમાં મેં તેને સોંપી દીધી.+ ૧૦  તેઓએ તેની નગ્‍નતા ઉઘાડી કરી+ અને તેનાં દીકરા-દીકરીઓને પકડી લીધાં.+ તેઓએ તેનો ન્યાય કરીને સજા કરી અને તલવારથી મારી નાખી. તે બધી સ્ત્રીઓમાં એકદમ બદનામ થઈ ગઈ. ૧૧  “તેની બહેન ઓહલીબાહે એ જોયું. તેની કામવાસના તેની બહેન કરતાં પણ અધમ હતી. વ્યભિચાર કરવામાં તે પોતાની બહેનથી પણ આગળ નીકળી ગઈ.+ ૧૨  તે પોતાના પડોશી આશ્શૂરીઓ,+ રાજ્યપાલો અને ઉપઅધિકારીઓ પાછળ પાગલ હતી. તેઓ બધા રૂપાળા યુવાનો હતા. તેઓ ભપકાદાર કપડાં પહેરતાં અને ઘોડાઓ પર સવારી કરતા. ૧૩  તેણે પણ પોતાને અશુદ્ધ કરી અને મેં જોયું કે તેઓ બંને એક જ રસ્તે ચાલતી હતી.+ ૧૪  ઓહલીબાહ વધારે ને વધારે વ્યભિચાર કરતી ગઈ. તેણે દીવાલો પર લાલ રંગથી કોતરેલાં ખાલદીઓનાં ચિત્રો જોયાં. ૧૫  તેઓની કમરે પટ્ટો હતો અને માથે લહેરાતી પાઘડીઓ હતી. તેઓ યોદ્ધાઓ જેવા દેખાતા હતા. તેઓ બધા ખાલદીઓના દેશમાં જન્મેલા બાબેલોનના લોકો જેવા હતા. ૧૬  તેણે તેઓને જોયા કે તરત તેઓ પર મોહી પડી. તેણે ખાલદીઓના દેશમાં તેઓને સંદેશો મોકલ્યો.+ ૧૭  એટલે બાબેલોનીઓ તેના પલંગમાં તેની સાથે સૂવા આવતા. તેઓએ પોતાની વાસના સંતોષીને તેને અશુદ્ધ કરી. તેઓથી અશુદ્ધ થયા પછી તેને તેઓ પર નફરત થઈ અને તેનું મન ઊઠી ગયું. ૧૮  “તે બેશરમ બનીને વેશ્યાગીરીમાં ઊંડે ને ઊંડે ઊતરતી ગઈ. તેણે પોતાની નગ્‍નતા ઉઘાડી કરી.+ એટલે મેં જેમ તેની બહેનને નફરતને લીધે છોડી દીધી હતી, તેમ તેને પણ નફરતને લીધે છોડી દીધી.+ ૧૯  યુવાનીના સમયે ઇજિપ્તમાં તેણે જે વ્યભિચારનાં કામો કર્યાં હતાં,+ એ યાદ કરીને તે વેશ્યાનાં કામોમાં વધારે ડૂબેલી રહી.+ ૨૦  તે પોતાના પ્રેમીઓ પાછળ પાગલ થઈ. ઘોડા અને ગધેડાંની જેમ બેકાબૂ વાસનાથી ભરપૂર માણસોની ઉપપત્નીઓ જેવી તે બની. ૨૧  ઓહલીબાહ, તું યુવાનીમાં ઇજિપ્તના લોકો સાથે વ્યભિચારમાં ડૂબી ગઈ હતી અને તું કુંવારી રહી નહિ.+ તું આજે પણ એવાં નીચ કામો કરવા ઝૂરે છે.+ ૨૨  “એટલે ઓ ઓહલીબાહ, વિશ્વના માલિક યહોવા કહે છે: ‘તારા જે પ્રેમીઓથી તને સખત નફરત થઈ હતી અને જેઓ પરથી તારું મન ઊઠી ગયું હતું, તેઓને હું તારી વિરુદ્ધ ઊભા કરીશ.+ હું તેઓને ચારે બાજુથી તારી વિરુદ્ધ લઈ આવીશ.+ ૨૩  બાબેલોનીઓ,+ ખાલદીઓ,+ પેકોદ,+ શોઆ અને કોઆના માણસો તથા બધા આશ્શૂરીઓને હું તારી વિરુદ્ધ લઈ આવીશ. તેઓ બધા તો ઘોડા પર સવારી કરતા મનમોહક યુવાનો છે, રાજ્યપાલો અને ઉપઅધિકારીઓ છે, યોદ્ધાઓ અને પસંદ કરેલા માણસો છે. ૨૪  તેઓ રથો અને પૈડાંના ગડગડાટ સાથે તારા પર હુમલો કરશે. તેઓ તારી સામે મોટાં લશ્કરો સાથે નાની ઢાલ* અને મોટી ઢાલ લઈને, ટોપ પહેરીને ચઢી આવશે. તેઓ તારી ફરતે ઘેરો નાખશે. તારો ન્યાય કરવાનો અધિકાર હું તેઓને આપીશ. તેઓ મન ફાવે તેમ તને સજા કરશે.+ ૨૫  મારો કોપ તારા પર સળગી ઊઠશે અને તેઓ રોષે ભરાઈને તારા બૂરા હાલ કરશે. તેઓ તારાં નાક-કાન કાપી નાખશે. જેઓ બચી જશે તેઓ તલવારથી માર્યા જશે. તેઓ તારાં દીકરા-દીકરીઓને લઈ જશે. જેઓ બચી જશે તેઓ આગમાં બળીને ખાખ થઈ જશે.+ ૨૬  તેઓ તારાં કપડાં ઉતારી લેશે+ અને તારાં સુંદર ઘરેણાં લૂંટી લેશે.+ ૨૭  તેં ઇજિપ્તમાં શરૂ કર્યાં હતાં એ નીચ કામો અને વ્યભિચારનો હું અંત લાવીશ.+ હવેથી તું ઇજિપ્તને કદી યાદ કરીશ નહિ.+ તું તેઓ* તરફ જોવાનું બંધ કરી દઈશ.’ ૨૮  “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘તું જેઓને ધિક્કારે છે, જેઓ પર સખત નફરતને લીધે તારું મન ઊઠી ગયું છે, તેઓના હાથમાં હું તને સોંપી દઈશ.+ ૨૯  તેઓ તને ખૂબ ધિક્કારશે. તેં જે મેળવવા સખત મહેનત કરી છે+ એ તેઓ લૂંટી લેશે. તેઓ તને નગ્‍ન અને ઉઘાડી છોડી દેશે. તેઓ તારી શરમભરેલી નગ્‍નતા, તારાં નીચ કામો અને તારી વેશ્યાગીરી ખુલ્લાં પાડશે.+ ૩૦  તારા એવા હાલ કરવામાં આવશે, કેમ કે તું વેશ્યાની જેમ બીજી પ્રજાઓ પાછળ દોડી.+ તેઓની ધિક્કારપાત્ર મૂર્તિઓથી તેં પોતાને અશુદ્ધ કરી.+ ૩૧  તું તારી બહેનના માર્ગે ચાલી છે.+ એટલે હું તારી બહેનનો પ્યાલો તારા હાથમાં પકડાવીશ.’+ ૩૨  “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘તું તારી બહેનના પ્યાલામાંથી પીશે, જે ઊંડો અને પહોળો છે.+ તારી હાંસી ઉડાવવામાં આવશે અને મશ્કરી કરવામાં આવશે, કેમ કે એ પ્યાલો એનાથી છલોછલ ભરેલો છે.+ ૩૩  તું તારી બહેન સમરૂનનો પ્યાલો,હા, ડર અને બરબાદીનો પ્યાલો પીશે. તું નશામાં ચકચૂર થઈશ અને શોકમાં ડૂબી જઈશ. ૩૪  તારે એમાંથી પીવું પડશે, એકેએક ટીપું પીવું પડશે,+ એ પ્યાલાનાં ઠીકરાં પણ ચાવવાં પડશે. તું શોકને લીધે તારી છાતી ચીરી નાખીશ. “હું પોતે એ બોલ્યો છું,” એવું વિશ્વના માલિક યહોવા કહે છે.’ ૩૫  “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘તું મને ભૂલી ગઈ છે અને તેં મારાથી પીઠ ફેરવી લીધી છે.+ તારાં નીચ કામોનાં અને વ્યભિચારનાં પરિણામ તારે ભોગવવાં પડશે.’” ૩૬  પછી યહોવાએ મને કહ્યું: “હે માણસના દીકરા, શું ઓહલાહ અને ઓહલીબાહ+ વિરુદ્ધ તું ન્યાયચુકાદો જાહેર કરીશ? શું તેઓનાં અધમ કામો વિશે તું જણાવીશ? ૩૭  તેઓએ વ્યભિચાર કર્યો છે,+ તેઓના હાથ લોહીથી રંગાયેલા છે. તેઓએ પોતાની ધિક્કારપાત્ર મૂર્તિઓ સાથે વ્યભિચાર કર્યો છે. અરે, મૂર્તિઓને ભોગ ચઢાવવા તેઓએ મારાથી થયેલા દીકરાઓને આગમાં બલિ ચઢાવ્યા છે.+ ૩૮  તેઓએ મારી સાથે આવું પણ કર્યું: એ જ દિવસે તેઓએ મારું મંદિર અશુદ્ધ કર્યું. તેઓએ મારા સાબ્બાથો અપવિત્ર કર્યા. ૩૯  તેઓએ ધિક્કારપાત્ર મૂર્તિઓ આગળ પોતાના દીકરાઓની કતલ કરી અને બલિદાનો ચઢાવ્યાં.+ એ જ દિવસે તેઓએ મારા મંદિરમાં ઘૂસીને એને અશુદ્ધ કર્યું.+ મારા મંદિરમાં તેઓએ એવાં કામો કર્યાં. ૪૦  અરે, તેઓએ સંદેશો મોકલીને દૂર દૂરથી માણસો બોલાવ્યા.+ એ માણસો આવતા હતા ત્યારે તું નાહી-ધોઈને તૈયાર થઈ, આંખોમાં કાજળ લગાવ્યું અને ઘરેણાંનો શણગાર કર્યો.+ ૪૧  તું ભવ્ય પલંગ પર બેઠી.+ એની સામે મેજ ગોઠવેલી હતી,+ જેના પર તેં મારો ધૂપ+ અને મારું તેલ મૂક્યાં.+ ૪૨  ત્યાં મોજમસ્તી કરનારા માણસોનો અવાજ સંભળાતો હતો. તેઓમાં વેરાન પ્રદેશથી બોલાવેલા દારૂડિયાઓ પણ હતા. તેઓએ સ્ત્રીઓના હાથમાં બંગડીઓ અને માથાં પર સુંદર તાજ પહેરાવ્યાં. ૪૩  “વ્યભિચાર કરી કરીને ઘસાઈ ગયેલી સ્ત્રી વિશે મેં કહ્યું: ‘હવે તે વેશ્યાનો ધંધો ચાલુ રાખશે.’ ૪૪  કોઈ માણસ વેશ્યા પાસે વારંવાર જાય તેમ તેઓ તેની પાસે ગયા. આ રીતે તેઓ નીચ કામો કરનારી સ્ત્રીઓ ઓહલાહ અને ઓહલીબાહ પાસે ગયા. ૪૫  તેઓ વ્યભિચારી સ્ત્રીઓ છે અને તેઓના હાથ લોહીથી રંગાયેલા છે.+ એટલે તેઓએ કરેલાં વ્યભિચાર અને ખૂન માટે+ નેક માણસો તેઓને યોગ્ય સજા ફટકારશે.+ ૪૬  “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘તેઓ સામે એક સૈન્ય લાવવામાં આવશે, જે તેઓને લૂંટી લેશે. લોકો તેઓની હાલત જોઈને થરથર કાંપશે.+ ૪૭  એ સૈન્ય તેઓ પર પથ્થરોનો મારો ચલાવશે+ અને તેઓને તલવારોથી કાપી નાખશે. તેઓનાં દીકરા-દીકરીઓને મારી નાખશે+ અને તેઓનાં ઘરો બાળી નાખશે.+ ૪૮  દેશમાં થતાં અધમ કામોનો હું અંત લાવીશ. બધી સ્ત્રીઓ એમાંથી શીખશે અને તમારાં જેવાં નીચ કામો નહિ કરે.+ ૪૯  તમે કરેલાં નીચ કામો માટે અને ધિક્કારપાત્ર મૂર્તિઓને ભજીને કરેલાં પાપ માટે તેઓ તમને સજા કરશે. પછી તમારે સ્વીકારવું પડશે કે હું વિશ્વનો માલિક યહોવા છું.’”+

ફૂટનોટ

આ અધ્યાયમાં સમરૂન અને યરૂશાલેમનો ઉલ્લેખ સ્ત્રી તરીકે થયો છે.
અર્થ, “મારો તંબુ તેનામાં છે.”
અર્થ, “તેનો તંબુ.”
આના માટેનો હિબ્રૂ શબ્દ કદાચ “મળ” કે “છાણ” માટેના શબ્દ સાથે સંકળાયેલો છે, જે તિરસ્કાર બતાવવા વપરાય છે.
એ મોટા ભાગે તીરંદાજો વાપરતા હતા.
એટલે કે, ઇજિપ્તના લોકો.