હઝકિયેલ ૨૮:૧-૨૬
૨૮ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો:
૨ “હે માણસના દીકરા, તૂરના આગેવાનને જણાવ, ‘વિશ્વના માલિક યહોવા કહે છે:
“તું ઘમંડથી ફુલાઈ ગયો છે+ અને કહેતો ફરે છે કે ‘હું ભગવાન છું.
હું દરિયાની વચ્ચે ભગવાનની રાજગાદી પર બેઠો છું.’+
ભલે તું પોતાને ભગવાન માને,પણ તું ભગવાન નહિ, મામૂલી માણસ છે.
૩ તું પોતાને દાનિયેલ કરતાં વધારે બુદ્ધિમાન સમજે છે.+
તને લાગે છે કે કોઈ રહસ્ય તારાથી છુપાયેલું નથી.
૪ તારી બુદ્ધિ અને સમજણથી તું ધનવાન બની બેઠો છે.
તું તારા ખજાનામાં સોના-ચાંદી વધાર્યા કરે છે.+
૫ કુશળતાથી વેપાર કરીને તેં ખૂબ ધનદોલત ભેગી કરી છે.+
તારી ધનદોલતને લીધે તારું દિલ ઘમંડથી ફુલાઈ ગયું છે.”’
૬ “‘વિશ્વના માલિક યહોવા કહે છે:
“તું મનમાં ને મનમાં પોતાને ભગવાન માને છે.
૭ એટલે હું તારી સામે પરદેશીઓને, સૌથી જુલમી પ્રજાને લઈ આવીશ.+
તેં પોતાની બુદ્ધિથી મેળવેલી બધી સુંદર વસ્તુઓનો તેઓ તલવારથી વિનાશ કરશે.
તેઓ તારું ગૌરવ ધૂળભેગું કરીને તને ભ્રષ્ટ કરી નાખશે.+
૮ તેઓ તને કબરમાં* ઉતારી દેશે,દરિયાની વચ્ચે તું એકદમ ક્રૂર રીતે માર્યો જઈશ.+
૯ શું તું પોતાના ખૂનીને હજી કહીશ કે ‘હું ભગવાન છું’?
તને ભ્રષ્ટ કરનારના હાથમાં તું કોઈ ભગવાન નહિ, મામૂલી માણસ હોઈશ.”’
૧૦ ‘તું પરદેશીઓના હાથે સુન્નત* વગરના માણસોની જેમ માર્યો જઈશ.
હું પોતે એ બોલ્યો છું,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”
૧૧ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો:
૧૨ “હે માણસના દીકરા, તૂરના રાજા વિશે વિલાપગીત* ગા અને તેને જણાવ, ‘વિશ્વના માલિક યહોવા કહે છે:
“તું સંપૂર્ણ હતો,તું ઘણો બુદ્ધિશાળી+ અને સુંદર હતો.+
૧૩ તું ઈશ્વરના એદન બાગમાં હતો.
તને કીમતી રત્નોથી, હા, માણેક, પોખરાજ, યાસપિસ,તૃણમણિ, ગોમેદ,* મરકત, નીલમ, પીરોજ+ અને લીલમથી શણગારવામાં આવ્યો હતો.
એ બધાંને સોનાનાં ઘરેણાંમાં જડવામાં આવ્યાં હતાં.
તને બનાવવામાં આવ્યો એ દિવસે એ બધાંને તૈયાર કરવામાં આવ્યાં હતાં.
૧૪ મેં તારો અભિષેક* કરીને તને રક્ષા કરનાર કરૂબ તરીકે પસંદ કર્યો હતો.
તું ઈશ્વરના પવિત્ર પર્વત પર હતો+ અને અગ્નિના પથ્થરો વચ્ચે ચાલતો હતો.
૧૫ તને બનાવવામાં આવ્યો એ દિવસથી તારામાં બૂરાઈ પેદા થઈ ત્યાં સુધી,તારા વર્તનમાં કોઈ ખરાબી ન હતી.+
૧૬ પણ તારા પુષ્કળ વેપારને લીધે+તું જુલમી બની ગયો અને પાપ કરવા લાગ્યો.+
એટલે હું તને અશુદ્ધ ગણીને ઈશ્વરના પર્વત પરથી કાઢી મૂકીશ અને તારો નાશ કરીશ.+
ઓ રક્ષા કરનાર કરૂબ, હું તને સળગતા પથ્થરોથી દૂર હાંકી કાઢીશ.
૧૭ તારી સુંદરતાને લીધે તું ઘમંડથી ફુલાઈ ગયો,+તારા ગૌરવને લીધે તેં તારી બુદ્ધિ ભ્રષ્ટ કરી.+
હું તને ભોંયભેગો કરી દઈશ.+
તારી એવી દશા કરીશ કે રાજાઓ છક થઈ જશે.
૧૮ મોટાં મોટાં પાપ કરીને અને બેઈમાનીથી વેપાર કરીને, તેં તારી પવિત્ર જગ્યાઓ અશુદ્ધ કરી છે.
હું તારામાં આગ ભડકાવીશ અને એ તને ભસ્મ કરી નાખશે.+
તને જોનારાઓની નજર આગળ હું તને પૃથ્વી પર રાખ કરી દઈશ.
૧૯ તને ઓળખતા લોકોને આઘાત લાગશે અને તેઓ તને ટગર-ટગર જોઈ રહેશે.+
તારો અંત અચાનક આવશે, જે ભયાનક હશે.
તારો વિનાશ હંમેશ માટે થઈ જશે.”’”+
૨૦ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો:
૨૧ “હે માણસના દીકરા, તારું મોં સિદોન તરફ ફેરવ+ અને તેની વિરુદ્ધ ભવિષ્યવાણી કર.
૨૨ તારે જણાવવું, ‘વિશ્વના માલિક યહોવા કહે છે:
“હે સિદોન, હું તારી વિરુદ્ધ છું અને તારા જે હાલ કરીશ એનાથી મારો મહિમા થશે.
હું તને સજા કરીશ અને બતાવી આપીશ કે હું પવિત્ર ઈશ્વર છું ત્યારે લોકોએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.
૨૩ હું તારામાં રોગચાળો મોકલીશ અને તારી ગલીઓમાં લોહી વહેશે.
તારા પર ચારે બાજુથી તલવારનો હુમલો થશે અને તારા લોકોની કતલ થશે.
તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.+
૨૪ “‘“પછી જે પ્રજાઓ ઇઝરાયેલના લોકોની આસપાસ રહે છે અને મહેણાં મારે છે, તેઓ ઝાડી-ઝાંખરાં અને કાંટાઓની જેમ ભોંકાશે નહિ.+ લોકોએ સ્વીકારવું પડશે કે હું વિશ્વનો માલિક યહોવા છું.”’
૨૫ “‘વિશ્વના માલિક યહોવા કહે છે: “ઇઝરાયેલના લોકો જે પ્રજાઓમાં વિખેરાઈ ગયા છે, એમાંથી હું તેઓને ફરીથી ભેગા કરીશ.+ તેઓને લીધે હું બીજી પ્રજાઓમાં પવિત્ર મનાઈશ.+ તેઓ પોતાના દેશમાં રહેશે,+ જે મેં મારા સેવક યાકૂબને આપ્યો હતો.+
૨૬ તેઓ સુખ-શાંતિથી એમાં રહેશે.+ તેઓ ઘરો બાંધશે અને દ્રાક્ષાવાડીઓ રોપશે.+ આસપાસની જે પ્રજાઓ તેઓની મજાક ઉડાવે છે, એ પ્રજાઓને હું સજા કરીશ.+ પછી ઇઝરાયેલી લોકો સલામતીમાં રહેશે અને તેઓએ સ્વીકારવું પડશે કે હું તેઓનો ઈશ્વર યહોવા છું.”’”