હઝકિયેલ ૨૯:૧-૨૧

  • ફારુન વિરુદ્ધ ભવિષ્યવાણી (૧-૧૬)

  • બાબેલોનને ઇનામ તરીકે ઇજિપ્ત અપાશે (૧૭-૨૧)

૨૯  દસમા વર્ષનો* દસમો મહિનો હતો. એ મહિનાના ૧૨મા દિવસે ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨  “હે માણસના દીકરા, તારું મોં ઇજિપ્તના રાજા ફારુન* તરફ ફેરવીને તેની વિરુદ્ધ અને આખા ઇજિપ્ત વિરુદ્ધ ભવિષ્યવાણી કર.+ ૩  તું જણાવ કે ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “ઓ ઇજિપ્તના રાજા ફારુન,* હું તારી વિરુદ્ધ છું.+ ઓ નાઈલનાં* ઝરણાઓમાં પડી રહેનાર દરિયાના મોટા પ્રાણી,+તું કહે છે: ‘નાઈલ નદી તો મારી છે. મેં પોતાના માટે એને બનાવી છે.’+  ૪  પણ હું તારાં જડબાંમાં આંકડાઓ નાખીશ અને તારાં ભીંગડાં પર નાઈલની માછલીઓ ચોંટી રહે એમ કરીશ. હું તારાં ભીંગડાં પર ચોંટેલી બધી માછલીઓ સાથે તને નાઈલમાંથી બહાર ખેંચી કાઢીશ.  ૫  હું તને અને નાઈલની બધી માછલીઓને રણમાં ફેંકી દઈશ. તું ઉજ્જડ ભૂમિ પર પડી રહીશ અને કોઈ તને દફનાવશે નહિ.+ હું તને પૃથ્વીનાં જંગલી પ્રાણીઓનો અને આકાશનાં પક્ષીઓનો ખોરાક બનાવી દઈશ.+  ૬  ઇજિપ્તના બધા લોકોએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું. ઇઝરાયેલી લોકો માટે તેઓનો ટેકો બરુ* જેવો સાબિત થયો.+  ૭  ઇઝરાયેલી લોકોએ તારો હાથ પકડ્યો અને તું ભાંગી ગયો. તેં તેઓનો ખભો ચીરી નાખ્યો. તેઓએ તારા પર આધાર રાખ્યો ત્યારે તું ભાંગી પડ્યો. તેં તેઓના પગને ઠોકર ખવડાવી.”+ ૮  “‘વિશ્વના માલિક યહોવા કહે છે: “હું તારી વિરુદ્ધ તલવાર લાવીશ.+ હું તારામાંથી માણસો અને જાનવરોનો સંહાર કરીશ. ૯  ઇજિપ્ત દેશ ઉજ્જડ અને વેરાન થઈ જશે.+ એના લોકોએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું, કેમ કે તું* બોલ્યો હતો: ‘નાઈલ નદી તો મારી છે. મેં એને બનાવી છે.’+ ૧૦  એટલે હું તારી વિરુદ્ધ અને નાઈલ નદી વિરુદ્ધ છું. હું ઇજિપ્ત દેશને બરબાદ કરી નાખીશ, એને વેરાન કરી નાખીશ.+ હું એને મિગ્દોલથી+ લઈને સૈયેને+ અને ઇથિયોપિયાની સરહદ સુધી ઉજ્જડ બનાવી દઈશ. ૧૧  એમાંથી મનુષ્ય કે ઢોરઢાંક પસાર થશે નહિ,+ ૪૦ વર્ષ સુધી એમાં કોઈ રહેશે નહિ. ૧૨  હું ઇજિપ્તને બીજા દેશો કરતાં એકદમ ઉજ્જડ કરી નાખીશ. ૪૦ વર્ષ સુધી હું એનાં શહેરોને બીજાં શહેરો કરતાં સાવ ઉજ્જડ કરી નાખીશ.+ ઇજિપ્તના લોકોને પ્રજાઓમાં વિખેરી નાખીશ અને દેશોમાં વેરવિખેર કરી નાખીશ.”+ ૧૩  “‘વિશ્વના માલિક યહોવા કહે છે: “ઇજિપ્તના લોકો જ્યાં વિખેરાઈ ગયા હતા, ત્યાંથી ૪૦ વર્ષ પછી હું તેઓને પાછા ભેગા કરીશ.+ ૧૪  હું ઇજિપ્તના લોકોને ગુલામીમાંથી પાછા તેઓના વતન પાથ્રોસ લાવીશ.+ ત્યાં તેઓનું રાજ્ય સાવ મામૂલી બની રહેશે. ૧૫  ઇજિપ્ત બીજાં રાજ્યો કરતાં એટલું નાનું બની જશે કે બીજી પ્રજાઓ પર સત્તા ચલાવી નહિ શકે.+ હું એને એટલું નાનું રાજ્ય બનાવી દઈશ કે બીજી પ્રજાઓ પર રાજ નહિ કરી શકે.+ ૧૬  ઇઝરાયેલના લોકો તેઓ પર ભરોસો રાખવાની ભૂલ ક્યારેય નહિ કરે.+ તેઓને વારંવાર યાદ આવશે કે ઇજિપ્તની મદદ લઈને પોતે કેવી મૂર્ખામી કરી હતી! તેઓએ સ્વીકારવું પડશે કે હું વિશ્વનો માલિક યહોવા છું.”’” ૧૭  પછી ૨૭મા વર્ષે,* પહેલા મહિનાના પહેલા દિવસે યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૧૮  “હે માણસના દીકરા, તૂર+ પર હુમલો કરવા બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારે*+ પોતાના સૈન્ય પાસે સખત મહેનત કરાવી હતી. દરેકના માથે ટાલ પડી ગઈ હતી અને ખભા છોલાઈ ગયા હતા. તૂર માટે તેણે જે મહેનત કરી હતી, એના બદલામાં તેને અને તેના સૈન્યને કંઈ મજૂરી મળી ન હતી. ૧૯  “એટલે વિશ્વના માલિક યહોવા કહે છે, ‘હું બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારને* ઇજિપ્ત દેશ આપું છું.+ તે એની બધી ધનદોલત લૂંટી લેશે અને પોતાની સાથે લઈ જશે. તેના સૈન્યને એ મજૂરી તરીકે મળશે.’ ૨૦  “‘તેણે તૂર સામે લડવા જે મહેનત કરી, એની મજૂરી તરીકે હું તેને ઇજિપ્ત દેશ આપી દઈશ, કેમ કે તેણે મારા માટે કામ કર્યું છે,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે. ૨૧  “એ દિવસે હું ઇઝરાયેલના લોકો માટે એક શક્તિશાળી માણસ ઊભો કરીશ.*+ હું તને* તેઓ વચ્ચે બોલવાનો મોકો આપીશ અને તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.”

ફૂટનોટ

રાજા યહોયાખીન, હઝકિયેલ અને બીજા યહૂદીઓની ગુલામીનું દસમું વર્ષ બતાવે છે. (હઝ ૧:૨ જુઓ.)
ઇજિપ્તના રાજાઓને અપાયેલો ખિતાબ.
ઇજિપ્તના રાજાઓને અપાયેલો ખિતાબ.
આ અધ્યાયમાં “નાઈલ” એની નહેરોને પણ બતાવે છે.
અથવા, “સૂકા ઘાસના તણખલા.”
કદાચ ઇજિપ્તના રાજાને બતાવે છે.
રાજા યહોયાખીન, હઝકિયેલ અને બીજા યહૂદીઓની ગુલામીનું ૨૭મું વર્ષ બતાવે છે. (હઝ ૧:૨ જુઓ.)
મૂળ, “નબૂખાદરેસ્સારે,” અલગ જોડણી છે.
મૂળ, “નબૂખાદરેસ્સારને,” અલગ જોડણી છે.
મૂળ, “શિંગ ઊંચું કરીશ.” શબ્દસૂચિમાં “શિંગ” જુઓ.
અહીં કદાચ હઝકિયેલની વાત થાય છે.