હઝકિયેલ ૩૪:૧-૩૧

  • ઇઝરાયેલના ઘેટાંપાળકો વિરુદ્ધ ભવિષ્યવાણી (૧-૧૦)

  • યહોવા પોતાનાં ઘેટાંની સંભાળ રાખે છે (૧૧-૩૧)

    • ‘મારો સેવક દાઉદ’ તેઓની સંભાળ રાખશે (૨૩)

    • “શાંતિનો કરાર” (૨૫)

૩૪  ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨  “હે માણસના દીકરા, ઇઝરાયેલના ઘેટાંપાળકો વિરુદ્ધ ભવિષ્યવાણી કર. ભવિષ્યવાણી કરીને ઘેટાંપાળકોને જણાવ કે ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “ઇઝરાયેલના ઘેટાંપાળકોને અફસોસ!+ શું ઘેટાંપાળકોએ ઘેટાં-બકરાંની સંભાળ રાખવી ન જોઈએ?+ તેઓ તો ફક્ત પોતાનું જ પેટ ભરે છે! ૩  તમે ચરબી ખાઓ છો, ઊનનાં કપડાં પહેરો છો અને તાજા-માજા પ્રાણીની કતલ કરો છો.+ પણ તમે ઘેટાં-બકરાંની સંભાળ રાખતા નથી.+ ૪  તમે કમજોરને બળવાન કર્યાં નથી, બીમારને સાજાં કર્યાં નથી, ઘવાયેલાંને પાટાપિંડી કરી નથી, ભટકી ગયેલાંને પાછાં લાવ્યાં નથી કે પછી ખોવાયેલાંની શોધ કરી નથી.+ એના બદલે તમે તો તેઓ પર બળજબરી અને જુલમથી સત્તા ચલાવી છે.+ ૫  તેઓનો કોઈ ઘેટાંપાળક ન હોવાથી તેઓ વિખેરાઈ ગયાં છે.+ તેઓ વિખેરાઈ ગયાં અને જંગલી જાનવરોનો શિકાર બન્યાં. ૬  મારાં ઘેટાં બધા પર્વતો પર અને ઊંચા ઊંચા ડુંગરો પર આમતેમ ભટકી ગયાં છે. મારાં ઘેટાં આખી ધરતી પર વિખેરાઈ ગયાં છે. કોઈને તેઓની પડી નથી કે કોઈ તેઓને શોધતું નથી. ૭  “‘“ઓ ઘેટાંપાળકો, યહોવાનો સંદેશો સાંભળો: ૮  ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “હું મારા સમ* ખાઈને કહું છું કે હું જરૂર પગલાં ભરીશ. મારાં ઘેટાં શિકાર થઈ ગયાં છે અને જંગલી જાનવરોનો કોળિયો બની ગયાં છે, કેમ કે તેઓનો કોઈ ઘેટાંપાળક નથી. મારા ઘેટાંપાળકોએ મારાં ઘેટાંની શોધ કરી નથી. મારાં ઘેટાંનું પોષણ કરવાને બદલે, તેઓ પોતાનું જ પેટ ભરે છે.”’ ૯  ઓ ઘેટાંપાળકો, યહોવાનો સંદેશો સાંભળો. ૧૦  વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું ઘેટાંપાળકોની વિરુદ્ધ છું. હું તેઓ પાસેથી મારાં ઘેટાંનો હિસાબ માંગીશ.* હું તેઓ પાસેથી મારાં ઘેટાંની સંભાળ રાખવાનું કામ લઈ લઈશ.+ પછી ઘેટાંપાળકો પોતાનું પેટ ભરી શકશે નહિ. હું મારાં ઘેટાંને તેઓનાં મોંમાંથી બચાવી લઈશ અને મારાં ઘેટાંને તેઓનો કોળિયો થવા નહિ દઉં.’” ૧૧  “‘વિશ્વના માલિક યહોવા કહે છે: “જુઓ, હું પોતે જ મારાં ઘેટાંને શોધી કાઢીશ અને હું પોતે જ તેઓની સંભાળ રાખીશ.+ ૧૨  જેમ એક ઘેટાંપાળકને પોતાનાં વિખેરાઈ ગયેલાં ઘેટાં પાછાં મળે અને તે તેઓનું પાલન-પોષણ કરે, તેમ હું મારાં ઘેટાંની સંભાળ રાખીશ.+ ઘનઘોર વાદળના દિવસે, અંધકારના દિવસે+ તેઓ જ્યાં જ્યાં વિખેરાઈ ગયાં હશે, ત્યાં ત્યાંથી હું તેઓને બચાવી લઈશ. ૧૩  હું તેઓને બીજી પ્રજાઓમાંથી બહાર કાઢી લાવીશ અને તેઓને દેશોમાંથી ભેગાં કરીશ. હું તેઓને પોતાના દેશમાં પાછાં લાવીશ. ઇઝરાયેલના પર્વતો પર ઝરણાઓ પાસે અને દેશની વસ્તીવાળી જગ્યાઓ પાસે હું તેઓનું લાલન-પાલન કરીશ.+ ૧૪  હું તેઓને ચરાવવા સારી જગ્યાએ લઈ જઈશ. તેઓ ઇઝરાયેલના ઊંચા ઊંચા પહાડો પર ચરશે.+ તેઓ લીલીછમ જગ્યાએ આરામ કરશે.+ ઇઝરાયેલના પર્વતોની સૌથી સારી જમીન પર તેઓ પોષણ મેળવશે.” ૧૫  “‘વિશ્વના માલિક યહોવા કહે છે: “હું પોતે મારાં ઘેટાંની સંભાળ રાખીશ+ અને તેઓને આરામ આપીશ.+ ૧૬  હું ખોવાયેલાંને શોધી કાઢીશ,+ ભટકી ગયેલાંને પાછાં લાવીશ, ઘવાયેલાંને પાટાપિંડી કરીશ અને કમજોરને બળવાન કરીશ. પણ તાજાં-માજાં અને તાકતવરોનો હું વિનાશ કરીશ. હું તેઓનો ન્યાય કરીશ અને યોગ્ય સજા આપીશ.” ૧૭  “‘હે મારાં ઘેટાં, વિશ્વના માલિક યહોવા કહે છે: “હું ઘેટા ઘેટાની વચ્ચે, નર ઘેટા અને નર બકરાની વચ્ચે ન્યાય કરીશ.+ ૧૮  શું એટલું પૂરતું નથી કે તમે* સૌથી સારો ચારો ચરો છો? તો પછી બાકીનો ચારો તમે પગ નીચે શું કામ કચડી નાખો છો? તમે એકદમ ચોખ્ખું પાણી પીઓ છો, તો પછી બાકીનું પાણી તમારા પગથી શું કામ ડહોળી નાખો છો? ૧૯  શું મારાં ઘેટાં હવે તમારા પગ નીચે કચડાયેલો ચારો ચરે? શું તેઓ તમારા પગથી ડહોળાયેલું પાણી પીએ?” ૨૦  “‘વિશ્વના માલિક યહોવા તેઓને કહે છે: “જુઓ, હું પોતે તાજાં-માજાં ઘેટાં અને કમજોર ઘેટાં વચ્ચે ન્યાય કરીશ. ૨૧  તમે બીમાર ઘેટાંને તમારાં પડખાં અને ખભાથી ધક્કા મારો છો, શિંગડાંથી ગોદા મારો છો. તેઓ બધાંને તમે દૂર દૂર સુધી વિખેરી નાખ્યાં છે. ૨૨  પણ હું મારાં ઘેટાંને બચાવીશ. હવેથી તેઓ કોઈનો શિકાર નહિ બને.+ હું ઘેટા ઘેટાની વચ્ચે ન્યાય કરીશ. ૨૩  હું મારા સેવક દાઉદને+ તેઓનો ઘેટાંપાળક બનાવીશ.+ તે તેઓનું પાલન-પોષણ કરશે. હા, તે પોતે તેઓની સંભાળ રાખશે અને તેઓનો ઘેટાંપાળક બનશે.+ ૨૪  હું યહોવા પોતે તેઓનો ઈશ્વર થઈશ.+ મારો સેવક દાઉદ તેઓનો આગેવાન બનશે.+ હું યહોવા પોતે એવું બોલ્યો છું. ૨૫  “‘“હું તેઓ સાથે શાંતિનો કરાર કરીશ.+ હું દેશમાંથી જંગલી જાનવરોનો નાશ કરીશ.+ પછી તેઓ વેરાન પ્રદેશમાં સલામત રહેશે અને જંગલોમાં ઊંઘી જશે.+ ૨૬  હું તેઓને અને મારા ડુંગરની આસપાસની જગ્યાને આશીર્વાદ આપીશ.*+ હું ત્યાં યોગ્ય સમયે વરસાદ વરસાવીશ. ત્યાં પુષ્કળ આશીર્વાદોનો વરસાદ થશે.+ ૨૭  વાડીનાં વૃક્ષો ઘણાં ફળ આપશે. ભૂમિ એની ઊપજ આપશે.+ તેઓ દેશમાં સલામત રહેશે. હું તેઓની ઝૂંસરીઓ* તોડી નાખીશ.+ તેઓને ગુલામ બનાવનારાઓના હાથમાંથી હું તેઓને છોડાવી લઈશ ત્યારે, તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું. ૨૮  હવેથી બીજી પ્રજાઓ તેઓને શિકાર નહિ બનાવે. ધરતીનાં જંગલી જાનવરો તેઓને ફાડી નહિ ખાય. તેઓ સલામત રહેશે અને તેઓને કોઈ ડરાવશે નહિ.+ ૨૯  “‘“હું તેઓ માટે એવી વાડી બનાવીશ, જે ખૂબ જાણીતી થશે. દુકાળને લીધે હવેથી તેઓએ મરવું નહિ પડે.+ તેઓએ બીજી પ્રજાઓ આગળ નીચું જોવું નહિ પડે.+ ૩૦  ‘તેઓએ સ્વીકારવું પડશે કે હું તેઓનો ઈશ્વર યહોવા તેઓની સાથે છું. ઇઝરાયેલના લોકો મારા લોકો છે,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”’ ૩૧  “‘તમે મારાં ઘેટાં છો+ અને હું તમારી સંભાળ રાખું છું. તમે મામૂલી માણસો છો અને હું તમારો ઈશ્વર છું,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”

ફૂટનોટ

મૂળ, “મારા જીવના સમ.”
અથવા, “હું મારાં ઘેટાં તેઓના હાથમાંથી પાછાં માંગીશ.”
એટલે કે, નર ઘેટા, નર બકરા અને તાજાં-માજાં ઘેટાંને રજૂ કરતા માણસો.
અથવા કદાચ, “આશીર્વાદ બનાવીશ.”