હઝકિયેલ ૪:૧-૧૭

  • યરૂશાલેમ કઈ રીતે ઘેરાશે એ બતાવવામાં આવ્યું (૧-૧૭)

    • ૩૯૦ દિવસ અને ૪૦ દિવસ પાપ માથે લીધાં (૪-૭)

 “હે માણસના દીકરા, એક ઈંટ લે અને તારી સામે મૂક. એના પર યરૂશાલેમ શહેરની કોતરણી કર. ૨  એની ફરતે ઘેરો નાખ+ અને એને ઘેરી લેવા દીવાલો ઊભી કર.+ એના પર હુમલો કરવા ઢોળાવો બનાવ+ અને એની સામે છાવણી નાખ. કોટ તોડવાનાં સાધનોથી એને ઘેરી લે.+ ૩  લોઢાનો તવો લે, તારી અને એ શહેરની વચ્ચે લોઢાની દીવાલની જેમ એ ઊભો રાખ. પછી તારું મોઢું એ શહેર સામે રાખ. આમ તારે બતાવવું કે શહેર કઈ રીતે ઘેરી લેવાશે. ઇઝરાયેલના લોકો માટે એ નિશાની છે.+ ૪  “પછી તારે ડાબી બાજુ સૂઈ જવું અને ઇઝરાયેલી લોકોનાં પાપ તારા માથે લેવાં.+ જેટલા દિવસ તું એ બાજુ સૂઈ જઈશ, એટલા દિવસ તું તેઓનાં પાપ તારા માથે લઈશ. ૫  તેઓએ જેટલાં વર્ષો પાપ કર્યાં છે એ પ્રમાણે હું તારા માટે ૩૯૦ દિવસો ઠરાવીશ+ અને તું ઇઝરાયેલી લોકોનાં પાપ તારા માથે લઈશ. ૬  એટલા દિવસો તારે એવું જ કરવું. “પછી તારે જમણી બાજુ સૂઈ જવું. ૪૦ દિવસ સુધી તારે યહૂદાના લોકોનાં પાપ તારા માથે લેવાં.+ એક વર્ષ માટે એક દિવસ, હા, એક વર્ષ માટે એક દિવસ મેં તારા માટે નક્કી કર્યો છે. ૭  તું બાંયો ચઢાવીને તારું મોં ઘેરાયેલા યરૂશાલેમ સામે રાખજે+ અને એની વિરુદ્ધ ભવિષ્ય ભાખજે. ૮  “હું તને દોરડાંથી બાંધીશ, જેથી ઘેરાના દિવસો પૂરા ન થાય ત્યાં સુધી તું એક બાજુથી બીજી બાજુ ફરી ન શકે. ૯  “તું એક વાસણમાં ઘઉં, જવ, વાલ, દાળ, બાજરી અને લાલ ઘઉં* લે. એમાંથી તું પોતાના માટે રોટલી બનાવ. તું જેટલા દિવસ એક બાજુ સૂઈ રહીશ એટલા દિવસ, એટલે કે ૩૯૦ દિવસ સુધી તું એવી રોટલી ખાઈશ.+ ૧૦  તું દરરોજ ૨૦ શેકેલ* ખોરાક જોખીને ખાઈશ. તું નક્કી કરેલા સમયે એ ખાઈશ. ૧૧  “તું માપીને બે પ્યાલા* પાણી પીશ. તું નક્કી કરેલા સમયે એ પીશ. ૧૨  “તું જવની રોટલી ખાતો હોય એમ એ રોટલી ખાઈશ. એને તું માણસના સુકાઈ ગયેલા મળ પર લોકોના દેખતાં શેકીશ.” ૧૩  યહોવાએ કહ્યું: “હું જે પ્રજાઓમાં ઇઝરાયેલીઓને વિખેરી નાખીશ, ત્યાં તેઓ એવી અશુદ્ધ રોટલી ખાશે.”+ ૧૪  મેં કહ્યું: “હે વિશ્વના માલિક યહોવા, એવું ન થવા દેતા. નાનપણથી આજ સુધી મેં મરેલા કે ફાડી ખાધેલા જાનવરનું માંસ ખાધું નથી અને હું ખોરાકને લીધે અશુદ્ધ થયો નથી.+ મારા મોંમાં અશુદ્ધ માંસ ક્યારેય ગયું નથી.”+ ૧૫  એટલે તેમણે મને કહ્યું: “સારું ત્યારે, હું તને માણસના મળને બદલે છાણ પર રોટલી શેકવાની છૂટ આપું છું.” ૧૬  પછી તેમણે મને કહ્યું: “હે માણસના દીકરા, હું યરૂશાલેમમાં ખોરાકની અછત લાવીશ.*+ તેઓ બીકના માર્યા જોખી જોખીને રોટલી ખાશે.+ તેઓ ડરના માર્યા માપી માપીને પાણી પીશે.+ ૧૭  ખોરાક અને પાણીની અછતને લીધે તેઓ હેરાન-પરેશાન થઈને એકબીજા સામે તાકી રહેશે અને પોતાનાં પાપને લીધે રિબાઈ રિબાઈને મરશે.

ફૂટનોટ

આ ઘઉં હલકી જાતના હતા, જે પ્રાચીન ઇજિપ્તમાં ઉગાડવામાં આવતા હતા.
આશરે ૨૩૦ ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
મૂળ, “હીનનો છઠ્ઠો ભાગ.” એટલે કે, આશરે અડધો લિટર. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
મૂળ, “રોટલી મૂકવાની દરેક લાકડી તોડી નાખીશ.” એ કદાચ રોટલી લટકાવવાની લાકડીને બતાવે છે.