હઝકિયેલ ૪૦:૧-૪૯

  • હઝકિયેલને દર્શનમાં ઇઝરાયેલ લઈ જવાયો (૧, ૨)

  • હઝકિયેલ દર્શનમાં મંદિર જુએ છે (૩, ૪)

  • આંગણાં અને દરવાજા (૫-૪૭)

    • પૂર્વ તરફનો બહારનો દરવાજો (૬-૧૬)

    • બહારનું આંગણું અને બીજા દરવાજા (૧૭-૨૬)

    • અંદરનું આંગણું અને દરવાજા (૨૭-૩૭)

    • મંદિરની સેવા માટેના ખંડો (૩૮-૪૬)

    • વેદી (૪૭)

  • મંદિરની પરસાળ (૪૮, ૪૯)

૪૦  અમારી ગુલામીનું ૨૫મું વર્ષ+ અને યરૂશાલેમ શહેરના વિનાશનું ૧૪મું વર્ષ હતું.+ એ વર્ષની શરૂઆતમાં, પહેલા મહિનાના દસમા દિવસે યહોવાની શક્તિ* મારા પર આવી. તે મને શહેરમાં લઈ ગયા.+ ૨  ઈશ્વર મને દર્શનમાં ઇઝરાયેલ દેશ લઈ ગયા અને ખૂબ ઊંચા પર્વત પર મૂક્યો.+ ત્યાં મને દક્ષિણ તરફ શહેર જેવું કંઈક દેખાતું હતું. ૩  તે મને ત્યાં લઈ આવ્યા ત્યારે મેં એક માણસ જોયો. તે જાણે તાંબાનો બનેલો હોય એવો દેખાતો હતો.+ તેના હાથમાં શણની દોરી અને માપવાની લાકડી* હતી.+ તે દરવાજા આગળ ઊભો હતો. ૪  એ માણસે મને કહ્યું: “હે માણસના દીકરા, ધ્યાનથી જો, કાન દઈને સાંભળ અને હું જે બતાવું એ બધા પર ધ્યાન આપ. તને એ જ કારણે અહીં લાવવામાં આવ્યો છે. તું જે કંઈ જુએ એ બધું ઇઝરાયેલના લોકોને જણાવ.”+ ૫  મેં મંદિરની* બહાર ચારે બાજુ એક દીવાલ જોઈ. એ માણસના હાથમાં માપવાની લાકડી હતી, જે છ હાથ લાંબી હતી (દરેક હાથ માપમાં ચાર આંગળ લંબાઈ ઉમેરી હતી).* તે દીવાલ માપવા લાગ્યો. એની જાડાઈ એક લાકડી અને ઊંચાઈ એક લાકડી હતી. ૬  પછી તે પૂર્વ તરફના દરવાજા આગળ આવ્યો+ અને એનાં પગથિયાં ચઢ્યો. તેણે દરવાજાના ઉંબરાનું માપ લીધું. એની પહોળાઈ એક લાકડી અને બીજા ઉંબરાની પહોળાઈ પણ એક લાકડી હતી. ૭  રક્ષકોની દરેક ઓરડી એક લાકડી લાંબી અને એક લાકડી પહોળી હતી. રક્ષકોની ઓરડીઓ+ વચ્ચે પાંચ પાંચ હાથનું અંતર હતું. મંદિર સામેના દરવાજાની પરસાળ પાસે એક બીજો દરવાજો હતો, જેના ઉંબરાની પહોળાઈ એક લાકડી હતી. ૮  તેણે અંદરના દરવાજાની પરસાળ માપી, જેનું માપ એક લાકડી હતું. ૯  પછી તેણે દરવાજાની પરસાળ માપી, જેનું માપ આઠ હાથ હતું. તેણે એની બાજુના સ્તંભો માપ્યા, જેનું માપ બે હાથ હતું. દરવાજાની પરસાળ મંદિર સામે હતી. ૧૦  પૂર્વના દરવાજાની બંને બાજુએ રક્ષકોની ત્રણ ત્રણ ઓરડીઓ હતી. એ ત્રણેયનું માપ એકસરખું હતું. બંને બાજુના સ્તંભોનું માપ પણ એકસરખું હતું. ૧૧  પછી તેણે દરવાજાના પ્રવેશદ્વારની પહોળાઈ માપી, જે ૧૦ હાથ હતી અને દરવાજાની લંબાઈ ૧૩ હાથ હતી. ૧૨  બંને બાજુએ આવેલી રક્ષકોની ઓરડીઓ આગળ એક નીચી દીવાલ હતી, જેનું માપ એક હાથ હતું. બંને બાજુએ આવેલી રક્ષકોની ઓરડીઓનું માપ છ છ હાથ હતું. ૧૩  પછી તેણે દરવાજાના પ્રવેશદ્વારની પહોળાઈ માપી. તેણે રક્ષકોની એક ઓરડીની છતથી* બીજી ઓરડીની છત સુધીનું માપ લીધું, જેની પહોળાઈ ૨૫ હાથ હતી. એ ઓરડીઓના દરવાજા સામસામે હતા.+ ૧૪  પછી તેણે બાજુના સ્તંભોનું માપ લીધું, જે ૬૦ હાથ ઊંચા હતા. તેણે આંગણાની ચારે બાજુના દરવાજાના સ્તંભોનું માપ પણ લીધું. ૧૫  દરવાજાના પ્રવેશદ્વારથી અંદરના દરવાજાની પરસાળના છેડા સુધીનું માપ ૫૦ હાથ હતું. ૧૬  દરવાજાની અંદરના ભાગમાં રક્ષકોની ઓરડીઓને બારીઓ હતી+ અને એના સ્તંભોને બારીઓ હતી. એ બારીઓ બહારથી સાંકડી અને અંદરથી પહોળી હતી. પરસાળોની અંદર પણ દરેક બાજુએ એવી બારીઓ હતી. સ્તંભો પર ખજૂરીઓની કોતરણી હતી.+ ૧૭  પછી તે મને બહારના આંગણામાં લઈ આવ્યો. મેં આંગણાની ચારે બાજુ ભોજનખંડો*+ અને પથ્થર જડેલી ફરસ જોઈ. ફરસ પર ૩૦ ભોજનખંડો હતા. ૧૮  દરવાજાઓની બાજુએ આવેલી ફરસની પહોળાઈ દરવાજાઓની લંબાઈ જેટલી હતી. એ ફરસ અંદરના આંગણાથી નીચી હતી. ૧૯  પછી તેણે નીચલા દરવાજાથી અંદરના આંગણાના છેડા સુધીનું અંતર* માપ્યું. પૂર્વ તરફ અને ઉત્તર તરફ એનું માપ ૧૦૦ હાથ હતું. ૨૦  બહારના આંગણાની ઉત્તર તરફ દરવાજો હતો. તેણે એની લંબાઈ અને એની પહોળાઈ માપી. ૨૧  બંને બાજુએ રક્ષકોની ત્રણ ત્રણ ઓરડીઓ હતી. એની બાજુનાં સ્તંભો અને પરસાળનું માપ પણ પહેલા દરવાજાનાં સ્તંભો અને પરસાળના માપ જેટલું હતું. એ દરવાજો ૫૦ હાથ લાંબો અને ૨૫ હાથ પહોળો હતો. ૨૨  એની બારીઓ, પરસાળ અને ખજૂરીઓની કોતરણીનું+ માપ પૂર્વના દરવાજાની બારીઓ, પરસાળ અને ખજૂરીઓની કોતરણીના માપ જેટલું હતું. સાત પગથિયાં ચઢીને એ દરવાજે જવાતું હતું. પગથિયાંની આગળ પરસાળ હતી. ૨૩  અંદરના આંગણામાં પણ દરવાજા હતા. એક ઉત્તરના દરવાજાની સામે, બીજો પૂર્વના દરવાજાની સામે. તેણે સામસામેના એક દરવાજાથી બીજા દરવાજા વચ્ચેનું માપ લીધું અને એ ૧૦૦ હાથ હતું. ૨૪  પછી તે મને દક્ષિણે લઈ ગયો અને મેં દક્ષિણ તરફ એક દરવાજો જોયો.+ તેણે એનાં સ્તંભો અને પરસાળનું માપ લીધું. એ બીજા બધા દરવાજાનાં સ્તંભો અને પરસાળના માપ જેટલું હતું. ૨૫  દરવાજાની અને એની પરસાળની બાજુએ બારીઓ હતી, જે બીજી બધી બારીઓ જેવી હતી. એ દરવાજો ૫૦ હાથ લાંબો અને ૨૫ હાથ પહોળો હતો. ૨૬  સાત પગથિયાં ચઢીને એ દરવાજે જવાતું હતું.+ તેઓની આગળ પરસાળ હતી. બંને સ્તંભો પર ખજૂરીઓની કોતરણી હતી. ૨૭  અંદરના આંગણાનો એક દરવાજો દક્ષિણ તરફ હતો. તેણે દક્ષિણ તરફ સામસામેના એક દરવાજાથી બીજા દરવાજા વચ્ચેનું માપ લીધું અને એ ૧૦૦ હાથ હતું. ૨૮  પછી તે મને દક્ષિણના દરવાજે થઈને અંદરના આંગણામાં લઈ આવ્યો. તેણે દક્ષિણનો દરવાજો માપ્યો અને એનું માપ બીજા દરવાજાઓ જેટલું હતું. ૨૯  એમાં આવેલી રક્ષકોની ઓરડીઓ, એના સ્તંભો અને એની પરસાળનું માપ બીજા દરવાજાઓમાં આવેલી રક્ષકોની ઓરડીઓ, એના સ્તંભો અને એની પરસાળના માપ જેટલું હતું. દરવાજાની અને એની પરસાળની બાજુએ બારીઓ હતી. એ દરવાજો ૫૦ હાથ લાંબો અને ૨૫ હાથ પહોળો હતો.+ ૩૦  ત્યાં ચારે બાજુએ પરસાળો હતી. એ ૨૫ હાથ લાંબી અને ૫ હાથ પહોળી હતી. ૩૧  એની પરસાળો બહારના આંગણા તરફ જતી હતી અને એના સ્તંભો પર ખજૂરીઓની કોતરણી હતી.+ એ દરવાજે જવા આઠ પગથિયાં ચઢવાનાં હતાં.+ ૩૨  તે મને પૂર્વ તરફથી અંદરના આંગણામાં લઈ આવ્યો. તેણે એ દરવાજો માપ્યો અને એનું માપ બીજા દરવાજાઓ જેટલું હતું. ૩૩  એમાં આવેલી રક્ષકોની ઓરડીઓ, એના સ્તંભો અને એની પરસાળનું માપ બીજા દરવાજાઓમાં આવેલી રક્ષકોની ઓરડીઓ, એના સ્તંભો અને એની પરસાળના માપ જેટલું હતું. દરવાજાની અને એની પરસાળની બાજુએ બારીઓ હતી. એ દરવાજો ૫૦ હાથ લાંબો અને ૨૫ હાથ પહોળો હતો. ૩૪  એની પરસાળો બહારના આંગણા તરફ જતી હતી અને એના બંને સ્તંભો પર ખજૂરીઓની કોતરણી હતી. એ દરવાજે જવા આઠ પગથિયાં ચઢવાનાં હતાં. ૩૫  તે મને ઉત્તરના દરવાજે લઈ આવ્યો+ અને તેણે એ દરવાજો માપ્યો. એનું માપ બીજા દરવાજાઓ જેટલું હતું. ૩૬  એમાં આવેલી રક્ષકોની ઓરડીઓ, એના સ્તંભો અને એની પરસાળનું માપ બીજા દરવાજાઓમાં આવેલી રક્ષકોની ઓરડીઓ, એના સ્તંભો અને એની પરસાળના માપ જેટલું હતું. એની દરેક બાજુએ બારીઓ હતી. એ દરવાજો ૫૦ હાથ લાંબો અને ૨૫ હાથ પહોળો હતો. ૩૭  એના સ્તંભો બહારના આંગણા તરફ હતા. એના બંને સ્તંભો પર ખજૂરીઓની કોતરણી હતી. એ દરવાજે જવા આઠ પગથિયાં ચઢવાનાં હતાં. ૩૮  દરવાજાઓના સ્તંભોની બાજુમાં ભોજનખંડો હતા. ત્યાં અગ્‍નિ-અર્પણો* ધોવામાં આવતાં હતાં.+ ૩૯  દરવાજાની પરસાળની બંને બાજુએ બે બે મેજો હતી. એના પર અગ્‍નિ-અર્પણો,+ પાપ-અર્પણો*+ અને દોષ-અર્પણો*+ કાપવામાં આવતાં હતાં. ૪૦  ઉત્તરના દરવાજે જતાં પ્રવેશદ્વારની બહાર બે બે મેજો હતી. દરવાજાની પરસાળની બીજી બાજુ પણ બે બે મેજો હતી. ૪૧  એટલે કે દરવાજાની અંદર ચાર અને બહાર ચાર, કુલ આઠ મેજો હતી. એના પર બલિદાનો કાપવામાં આવતાં હતાં. ૪૨  અગ્‍નિ-અર્પણો માટેની ચાર મેજો ઘડેલા પથ્થરોની હતી. એ મેજો દોઢ હાથ લાંબી, દોઢ હાથ પહોળી અને એક હાથ ઊંચી હતી. તેઓ પર અગ્‍નિ-અર્પણો અને બલિદાનો કાપવાનાં સાધનો રાખવામાં આવતાં હતાં. ૪૩  અંદરની દીવાલો પર ચારે બાજુ ચાર આંગળ પહોળી પટ્ટી લગાડેલી હતી. મેજો પર ભેટ-અર્પણોનું માંસ રાખવામાં આવતું હતું. ૪૪  અંદરના દરવાજાની બહાર ગાયકો માટે+ ભોજનખંડો હતા. એ ઉત્તરના દરવાજા પાસે અંદરના આંગણામાં હતા અને એના દરવાજા દક્ષિણ તરફ હતા. પૂર્વના દરવાજા પાસે પણ એક ભોજનખંડ હતો, જેનો દરવાજો ઉત્તર તરફ હતો. ૪૫  તેણે મને કહ્યું: “જે ભોજનખંડનો દરવાજો દક્ષિણ તરફ છે, એ એવા યાજકો માટે છે, જેઓની જવાબદારી મંદિરમાં સેવા આપવાની છે.+ ૪૬  જે ભોજનખંડનો દરવાજો ઉત્તર તરફ છે, એ એવા યાજકો માટે છે, જેઓની જવાબદારી વેદી આગળ સેવા કરવાની છે.+ તેઓ સાદોકના દીકરાઓ છે+ અને લેવીઓમાંના છે, જેઓ યહોવા આગળ સેવા આપે છે.”+ ૪૭  પછી તેણે અંદરના આંગણાનું માપ લીધું. એ ચોરસ હતું. એ ૧૦૦ હાથ લાંબું અને ૧૦૦ હાથ પહોળું હતું. વેદી મંદિરની આગળ હતી. ૪૮  પછી તે મને મંદિરની પરસાળમાં લઈ આવ્યો+ અને તેણે પરસાળના સ્તંભો માપ્યા. એનું માપ એક બાજુએ પાંચ હાથ અને બીજી બાજુએ પાંચ હાથ હતું. દરવાજાની પહોળાઈ એક બાજુએ ત્રણ હાથ અને બીજી બાજુએ ત્રણ હાથ હતી. ૪૯  પરસાળ ૨૦ હાથ લાંબી અને ૧૧* હાથ પહોળી હતી. લોકો પગથિયાં ચઢીને એમાં જતા. સ્તંભોની બાજુમાં એક એક થાંભલો હતો.+

ફૂટનોટ

મૂળ, “હાથ.”
મૂળ, “ઘરની.” હઝકિયેલના ૪૦-૪૮ અધ્યાયોમાં “ઘર” મંદિરને અથવા મંદિરની આસપાસની ઇમારતોને બતાવે છે.
આ લાંબા હાથને બતાવે છે. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
કદાચ એ રક્ષકોની ઓરડીની દીવાલની ટોચને બતાવે છે.
અથવા, “ઓરડાઓ.”
મૂળ, “પહોળાઈ.”
અથવા કદાચ, “૧૨.”