હઝકિયેલ ૪૪:૧-૩૧

  • પૂર્વ તરફનો દરવાજો બંધ રહેશે (૧-૩)

  • પરદેશીઓ વિશે નિયમો (૪-૯)

  • લેવીઓ અને યાજકો વિશે નિયમો (૧૦-૩૧)

૪૪  તે મને મંદિરના બહારના દરવાજે પાછો લઈ આવ્યો, જે પૂર્વ તરફ હતો.+ એ દરવાજો બંધ હતો.+ ૨  પછી યહોવાએ મને કહ્યું: “આ દરવાજો બંધ રહેશે. એ ખોલવામાં આવશે નહિ. કોઈ માણસ એમાંથી અંદર આવશે નહિ, કેમ કે ઇઝરાયેલના ઈશ્વર યહોવા એમાંથી અંદર ગયા છે.+ એ બંધ જ રહેશે. ૩  પણ આગેવાન એમાં બેસીને યહોવા આગળ રોટલી ખાશે,+ કેમ કે તે આગેવાન છે. તે દરવાજાની પરસાળમાં થઈને અંદર આવશે અને એમાં થઈને બહાર જશે.”+ ૪  પછી તે મને ઉત્તરના દરવાજાથી મંદિર આગળ લઈ આવ્યો. મેં જોયું તો યહોવાનું મંદિર યહોવાના ગૌરવથી ભરાઈ ગયું હતું.+ એ જોઈને મેં ઘૂંટણિયે પડીને નમન કર્યું.+ ૫  યહોવાએ મને કહ્યું: “હે માણસના દીકરા, યહોવાના મંદિરના જે કાયદા-કાનૂન અને નિયમો હું તને જણાવું, એના પર ધ્યાન આપ* અને એ કાન દઈને સાંભળ. મંદિરની અંદર આવવાના અને બહાર નીકળવાના બધા દરવાજાઓ પર બરાબર નજર રાખ.+ ૬  ઇઝરાયેલના બંડખોર લોકોને જણાવ કે ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “ઓ ઇઝરાયેલના લોકો, બહુ થયું! અધમ કામો કરવામાં તમે હદ વટાવી દીધી છે. ૭  તમે પરદેશીઓને મારા મંદિરમાં લાવો છો. તેઓનાં દિલ ભ્રષ્ટ છે, તેઓની સુન્‍નત પણ થયેલી નથી. તેઓ મારું મંદિર અશુદ્ધ કરે છે. એક બાજુ તમે રોટલી, ચરબી અને લોહી ચઢાવો છો, બીજી બાજુ નીચ કામો કરીને મારો કરાર તોડો છો. ૮  તમે મારી પવિત્ર વસ્તુઓની સંભાળ રાખતા નથી.+ તમે તો મારા મંદિરની જવાબદારી બીજા લોકોને સોંપી દો છો.”’ ૯  “‘વિશ્વના માલિક યહોવા કહે છે: “ઇઝરાયેલમાં રહેતો કોઈ પણ પરદેશી મારા મંદિરમાં આવી શકશે નહિ, કેમ કે તેનું દિલ ભ્રષ્ટ છે અને તેની સુન્‍નત થયેલી નથી.”’ ૧૦  “‘ઇઝરાયેલી લોકો મને છોડીને ધિક્કારપાત્ર મૂર્તિઓ* પાછળ ગયા. એ સમયે જે લેવીઓ મારા માર્ગમાંથી ભટકી ગયા,+ તેઓએ પોતાનાં પાપનાં ફળ ભોગવવાં પડશે. ૧૧  તેઓ મારા મંદિરના ફક્ત સેવકો બની રહેશે. તેઓ મંદિરના દરવાજાઓની સંભાળ રાખશે+ અને મંદિરે સેવા આપશે. તેઓ અગ્‍નિ-અર્પણો અને લોકો માટેનાં બલિદાન કાપશે. તેઓ લોકો આગળ ઊભા રહીને તેઓની સેવા કરશે. ૧૨  અગાઉ તેઓ ધિક્કારપાત્ર મૂર્તિઓની આગળ લોકોની સેવા કરતા હતા. તેઓએ ઇઝરાયેલના લોકોને ઠોકર ખવડાવીને પાપમાં નાખ્યા હતા.+ એટલે મેં સમ ખાઈને તેઓ વિરુદ્ધ મારો હાથ ઉઠાવ્યો છે. તેઓએ પોતાનાં પાપનાં ફળ ભોગવવાં પડશે,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે. ૧૩  ‘તેઓ યાજકો તરીકે સેવા આપવા મારી આગળ આવશે નહિ. તેઓ મારી પવિત્ર અને ખૂબ પવિત્ર વસ્તુઓ પાસે પણ આવશે નહિ. તેઓનાં નીચ કામોને લીધે તેઓએ અપમાન સહેવું પડશે. ૧૪  પણ હું તેઓને મંદિરની બીજી જવાબદારીઓ સોંપીશ. મંદિરની સેવા માટે જે કંઈ કરવાની જરૂર હોય, એની તેઓ દેખરેખ રાખશે.’+ ૧૫  “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘જ્યારે ઇઝરાયેલી લોકો મારા માર્ગમાંથી ભટકી ગયા, ત્યારે સાદોકના દીકરાઓ, લેવી યાજકોએ+ મારા મંદિરની જવાબદારીઓ ઉપાડી હતી.+ એટલે તેઓ મારી આગળ આવીને મારી સેવા કરશે. તેઓ મારી આગળ ઊભા રહીને મને ચરબી+ અને લોહી ચઢાવશે.+ ૧૬  તેઓ મારા મંદિરમાં આવીને મારી સેવા કરવા મારી મેજ આગળ આવશે.+ તેઓ મારા માટે એ જવાબદારીઓ ઉપાડશે.+ ૧૭  “‘તેઓ અંદરના આંગણાના દરવાજાઓમાં આવે ત્યારે, શણનાં કપડાં પહેરે.+ તેઓ અંદરના આંગણાના દરવાજાએ કે એની અંદર સેવા આપે ત્યારે, ઊનનાં કોઈ કપડાં પહેરે નહિ. ૧૮  તેઓ માથે શણની પાઘડી પહેરે અને કમરથી જાંઘ સુધીનો શણનો ટૂંકો લેંઘો પહેરે.+ તેઓ એવું કંઈ ન પહેરે, જેનાથી પરસેવો થાય. ૧૯  તેઓ બહારના આંગણામાં, એટલે કે લોકો માટેના બહારના આંગણામાં જાય એ પહેલાં, સેવા કરતી વખતે પહેરેલાં કપડાં બદલી નાખે.+ એ કપડાં તેઓ પવિત્ર ભોજનખંડોમાં* રાખી મૂકે.+ તેઓ પોતાનાં કપડાંથી લોકોને પવિત્ર ન કરે એ માટે તેઓ બીજાં કપડાં પહેરે. ૨૦  તેઓ પોતાનું માથું ન મૂંડાવે.+ તેઓ પોતાનાં માથાંના વાળ લાંબા ન થવા દે, પણ એ કપાવતા રહે. ૨૧  યાજકો અંદરના આંગણામાં આવે ત્યારે શરાબ ન પીએ.+ ૨૨  તેઓ વિધવા સાથે અથવા છૂટાછેડા લીધેલી સ્ત્રી સાથે ન પરણે.+ પણ તેઓ ઇઝરાયેલી લોકોમાંથી કોઈ કુંવારી કન્યા સાથે અથવા યાજકની વિધવા સાથે પરણે.’+ ૨૩  “‘જે પવિત્ર છે અને જે સામાન્ય છે, એના વચ્ચેનો ફરક તેઓએ મારા લોકોને બતાવવો. તેઓએ લોકોને શુદ્ધ અને અશુદ્ધ વચ્ચેનો તફાવત શીખવવો.+ ૨૪  તેઓએ ન્યાયાધીશો બનીને મુકદ્દમાનો ચુકાદો આપવો,+ મારા કાયદા-કાનૂન પ્રમાણે ઇન્સાફ કરવો.+ તેઓએ મારા બધા તહેવારો વિશે મારા નિયમો અને કાયદા-કાનૂન પાળવા.+ મારા સાબ્બાથોને પવિત્ર મનાવવા. ૨૫  તેઓએ માણસની લાશ પાસે ન જવું, નહિ તો તેઓ અશુદ્ધ થઈ જશે. પણ તેઓને પોતાનાં પિતા, માતા, દીકરા, દીકરી, ભાઈ અથવા કુંવારી બહેન માટે અશુદ્ધ થવાની છૂટ છે.+ ૨૬  એ યાજકે શુદ્ધ થયા પછી સાત દિવસ રાહ જોવી. ૨૭  જે દિવસે તે પવિત્ર જગ્યાની અંદર આવે, એટલે કે અંદરના આંગણામાં પવિત્ર જગ્યાએ સેવા આપવા આવે, એ દિવસે તેણે પોતાના માટે પાપ-અર્પણ રજૂ કરવું,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે. ૨૮  “‘આ તેઓનો વારસો થશે: હું તેઓનો વારસો છું.+ તમારે તેઓને ઇઝરાયેલમાં કોઈ મિલકત આપવી નહિ, કેમ કે હું તેઓની મિલકત છું. ૨૯  તેઓ અનાજ-અર્પણ,+ પાપ-અર્પણ અને દોષ-અર્પણ ખાશે.+ ઇઝરાયેલમાં ઈશ્વરને અર્પણ કરેલી બધી જ ચીજો તેઓની થશે.+ ૩૦  પહેલી ઊપજનાં* સૌથી સારાં પાકાં ફળો યાજકોનાં છે. તમારી પાસેથી આવેલાં બધા પ્રકારનાં દાનો પણ તેઓનાં છે.+ તમારે અનાજની પહેલી ઊપજનો કકરો લોટ યાજકોને આપવો.+ એમ કરવાથી તમારાં કુટુંબો પર ઘણા આશીર્વાદો આવશે.+ ૩૧  યાજકોએ એવું કોઈ પક્ષી કે જાનવર ખાવું નહિ, જે મરેલું કે ફાડી ખાધેલું હોય.’+

ફૂટનોટ

મૂળ, “મન લગાડ.”
આના માટેનો હિબ્રૂ શબ્દ કદાચ “મળ” કે “છાણ” માટેના શબ્દ સાથે સંકળાયેલો છે, જે તિરસ્કાર બતાવવા વપરાય છે.
અથવા, “પવિત્ર ઓરડાઓમાં.”
મૂળ, “પ્રથમ ફળનાં.” શબ્દસૂચિમાં “પ્રથમ ફળ” જુઓ.