હઝકિયેલ ૭:૧-૨૭
૭ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો:
૨ “હે માણસના દીકરા, વિશ્વના માલિક યહોવા ઇઝરાયેલ દેશને કહે છે: ‘અંત આવ્યો છે! આખા દેશનો અંત આવ્યો છે!
૩ હવે દેશના લોકોનો અંત આવ્યો છે. હું મારો કોપ તમારા પર પૂરેપૂરો રેડી દઈશ. તમારાં કામો પ્રમાણે હું તમારો ન્યાય કરીશ. તમારાં નીચ કામોનો હું ગણી ગણીને હિસાબ લઈશ.
૪ હું તમારા પર રહેમ કરીશ નહિ.* હું તમારા પર જરાય દયા* બતાવીશ નહિ.+ હું એવું કરીશ કે તમને હાથનાં કર્યાં હૈયે વાગશે. તમે કરેલાં નીચ કામોનાં પરિણામ તમારે ભોગવવાં પડશે+ અને તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’+
૫ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘જુઓ, એક આફત આવે છે. હા, એવી આફત આજ સુધી આવી નથી.+
૬ અંત આવે છે, હા, અંત જરૂર આવશે. એ તમારી આગળ આવીને ઊભો રહેશે. જુઓ, એ આવે છે!
૭ ઓ દેશના લોકો, તમારો વારો* આવી ગયો છે! સમય પાકી ગયો છે અને એ દિવસ નજીક છે.+ પર્વતો પર આનંદનો પોકાર નહિ, પણ ધાંધલ-ધમાલ સંભળાય છે.
૮ “‘બહુ જલદી મારો રોષ તમારા પર ઊતરી આવશે.+ હું મારો કોપ તમારા પર પૂરેપૂરો રેડી દઈશ.+ તમારાં કામો પ્રમાણે હું તમારો ન્યાય કરીશ. તમારાં નીચ કામોનો હું ગણી ગણીને હિસાબ લઈશ.
૯ હું તમારા પર રહેમ કરીશ નહિ. હું તમારા પર જરાય દયા બતાવીશ નહિ.+ હું એવું કરીશ કે તમને હાથનાં કર્યાં હૈયે વાગશે. તમે કરેલાં નીચ કામોનાં પરિણામ તમારે ભોગવવાં પડશે અને તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું, હું તમને સજા કરું છું.+
૧૦ “‘જુઓ, એ દિવસ આવે છે!+ તમારો વારો* આવી ગયો છે. સજાની સોટી તૈયાર છે અને દુશ્મનોનું ઘમંડ આસમાને ચઢ્યું છે.
૧૧ હિંસા વધીને દુષ્ટને સજા કરવાની સોટી બની ગઈ છે.+ તમે કે તમારી ધનદોલત કે તમારાં ટોળાઓ કે તમારી જાહોજલાલી બચશે નહિ.
૧૨ એ સમય આવશે, એ દિવસ આવશે. ખરીદનારે ખુશ થવું નહિ, વેચનારે દુઃખી થવું નહિ, કેમ કે તેઓ બધા પર કોપ ઊતરી આવશે.*+
૧૩ ભલે વેચનારનો જીવ બચી જાય, પણ પોતે વેચેલી જમીન પર તે પાછો આવશે નહિ. આ દર્શનની અસર બધા લોકો પર થશે. કોઈ પાછો ફરશે નહિ અને પોતાનાં પાપને લીધે* કોઈ પોતાનો જીવ બચાવી શકશે નહિ.
૧૪ “‘તેઓએ રણશિંગડું* વગાડ્યું+ અને બધા તૈયાર છે, પણ કોઈ લડવા જતું નથી, કેમ કે મારો કોપ બધા લોકો પર ઊતરી આવ્યો છે.+
૧૫ શહેરની બહાર તલવાર છે+ અને અંદર રોગચાળો ને દુકાળ છે. જે બહાર ખેતરમાં છે તેને તલવાર મારી નાખશે, જે શહેરમાં છે તેને દુકાળ અને રોગચાળો મારી નાખશે.+
૧૬ બચી ગયેલા લોકો પહાડોમાં નાસી છૂટશે. તેઓ પોતાનાં પાપને લીધે નિસાસા નાખશે. તેઓ ખીણોમાંનાં કબૂતરો જેવા થઈ જશે.+
૧૭ તેઓના હાથ ઢીલા પડી જશે અને તેઓનાં ઘૂંટણો ભીનાં થઈ જશે.*+
૧૮ તેઓએ કંતાન પહેરી લીધું છે.+ તેઓ થરથર કાંપે છે. તેઓ બધાએ શરમાવું પડશે અને તેઓનાં માથાં મૂંડાવેલાં હશે.*+
૧૯ “‘તેઓ પોતાની ચાંદી રસ્તાઓ પર ફેંકી દેશે અને પોતાના સોનાથી તેઓને નફરત થઈ જશે. યહોવાના કોપના દિવસે તેઓનું સોનું કે ચાંદી તેઓને બચાવી શકશે નહિ.+ એ તેઓને સંતોષ આપશે નહિ કે તેઓનું પેટ ભરશે નહિ. એ* તેઓને ઠોકર ખવડાવીને પાપ કરાવે છે.
૨૦ તેઓને પોતાનાં સુંદર ઘરેણાંનું અભિમાન છે. એનાથી તેઓ ધિક્કાર ઊપજે એવી મૂર્તિઓ બનાવે છે.+ એટલે એનાથી* તેઓને સખત નફરત થાય એવું હું કરીશ.
૨૧ હું પરદેશીઓના હાથમાં અને પૃથ્વીના દુષ્ટ માણસોના હાથમાં એ લૂંટ તરીકે આપી દઈશ. તેઓ એને અશુદ્ધ કરશે.
૨૨ “‘હું તેઓથી* મારું મોં ફેરવી લઈશ.+ તેઓ* મારી મનપસંદ જગ્યા* ભ્રષ્ટ કરશે. લુટારાઓ એની અંદર આવશે અને એને અશુદ્ધ કરશે.+
૨૩ “‘સાંકળો* બનાવો,+ કેમ કે અન્યાયથી વહાવેલા લોહીથી આખો દેશ ભરાઈ ગયો છે.+ શહેર જોરજુલમથી ભરપૂર છે.+
૨૪ હું સૌથી ખરાબ પ્રજાને લઈ આવીશ.+ એ લોકો તમારાં ઘરો કબજે કરી લેશે.+ હું શૂરવીરોનું અભિમાન ઉતારીશ. તેઓની પવિત્ર જગ્યાઓ અશુદ્ધ કરવામાં આવશે.+
૨૫ તેઓ ભારે વેદનામાં શાંતિ મેળવવા ફાંફાં મારશે, પણ એ તેઓને મળશે નહિ.+
૨૬ તેઓ પર એક પછી એક આફત આવી પડશે. એક પછી બીજી ખબર તેઓના કાને પડશે. લોકો પ્રબોધક પાસેથી દર્શન જોવા માંગશે,+ પણ યાજકોનું માર્ગદર્શન* કે વડીલોની સલાહ કંઈ કામ લાગશે નહિ.+
૨૭ રાજા શોક પાળશે,+ આગેવાનો નિરાશાથી ઘેરાઈ જશે અને દેશના લોકોના હાથ ડરના માર્યા થરથર કાંપશે. તેઓનાં કામ પ્રમાણે હું તેઓ સાથે વર્તીશ. તેઓએ જે રીતે ન્યાય કર્યો એવી રીતે હું તેઓનો ન્યાય કરીશ અને તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’”+
ફૂટનોટ
^ અથવા, “કરુણા.”
^ મૂળ, “મારી આંખ તમારા પર રહેમ કરશે નહિ.”
^ અથવા કદાચ, “ફૂલોનો હાર.”
^ અથવા કદાચ, “ફૂલોનો હાર.”
^ એટલે કે, માલ-મિલકત ખરીદનારને કે વેચનારને કંઈ ફાયદો થશે નહિ, કેમ કે તેઓ બધા પર આફત ઊતરી આવશે.
^ અથવા કદાચ, “તેનાં પાપને લીધે.”
^ મૂળ, “તુરાઈ.” શબ્દસૂચિમાં “તુરાઈ” જુઓ.
^ એટલે કે, બીકને લીધે પેશાબ થઈ જશે.
^ એટલે કે, શોકને લીધે તેઓનાં માથાં મૂંડાવેલાં હશે.
^ એટલે કે, તેઓનું સોનું-ચાંદી.
^ એટલે કે, મૂર્તિઓ બનાવવા વપરાયેલું તેઓનું સોનું-ચાંદી.
^ એટલે કે, ઈશ્વરના લોકો.
^ એટલે કે, દુશ્મનો.
^ અથવા, “ગુપ્તસ્થાન.” દેખીતું છે, એ યહોવાના મંદિરના પરમ પવિત્ર સ્થાનને બતાવે છે.
^ એટલે કે, ગુલામીની સાંકળો.
^ અથવા, “શિક્ષણ.”