હબાક્કૂક ૩:૧-૧૯

  • યહોવા પગલાં ભરે એવી પ્રબોધકની પ્રાર્થના (૧-૧૯)

    • ઈશ્વર પોતાના અભિષિક્ત લોકોને બચાવશે (૧૩)

    • દુઃખમાં પણ યહોવાને લીધે આનંદ કરવો (૧૭, ૧૮)

 હબાક્કૂક પ્રબોધકની પ્રાર્થના, જે વિલાપગીતના* રૂપમાં છે:  ૨  “હે યહોવા, મેં તમારા વિશે સાંભળ્યું છે. હે યહોવા, તમારાં કાર્યોએ મને દંગ કરી દીધો છે. અમારા સમયમાં* એ કાર્યો ફરી કરી બતાવો. અમારા સમયમાં* એ કાર્યો જાહેર કરો. વિપત્તિ દરમિયાન અમને દયા બતાવવાનું ભૂલતા નહિ.+  ૩  તેમાન પ્રદેશથી ઈશ્વર આવ્યા,પારાન પર્વતથી પવિત્ર ઈશ્વર આવ્યા.+ (સેલાહ)* તેમના ગૌરવથી સ્વર્ગ ઢંકાઈ ગયું,+તેમની સ્તુતિથી પૃથ્વી ભરાઈ ગઈ.  ૪  તેમનું તેજ દિવસના પ્રકાશ જેવું હતું.+ તેમના હાથમાંથી બે કિરણો નીકળતાં હતાં,જેમાં તેમનું સામર્થ્ય છુપાયેલું હતું.  ૫  તેમની આગળ રોગચાળો હતો+ અને પાછળ ધગધગતો તાવ.  ૬  તે ઊભા રહ્યા અને પૃથ્વી ધ્રૂજી ઊઠી.+ તેમની એક નજરથી દેશો કાંપી ઊઠ્યા.+ સનાતન પર્વતોના ચૂરેચૂરા થઈ ગયા,અને પ્રાચીન ટેકરીઓ નમી પડી.+ તેમના માર્ગો હંમેશાંથી એવા જ છે.  ૭  મેં કૂશાનના તંબુમાં આફત જોઈ. મિદ્યાન દેશના તંબુઓના પડદા હચમચી ગયા.+  ૮  હે યહોવા, શું તમે નદીઓ પર ગુસ્સે છો? શું તમે ઝરણાઓ પર ક્રોધે ભરાયા છો? કે પછી સમુદ્ર પર રોષે ભરાયા છો?+ કેમ કે તમે ઘોડાઓ પર સવાર થઈને આવ્યા,+અને તમારા રથોએ વિજય* મેળવ્યો.+  ૯  તમે ધનુષ્ય બહાર કાઢ્યું છે અને તૈયાર રાખ્યું છે. શપથ લઈને હથિયારો* નીમવામાં આવ્યાં છે.* (સેલાહ) તમે નદીઓથી પૃથ્વીને ચીરી નાખો છો. ૧૦  પર્વતો તમને જોઈને દર્દથી ખૂબ રિબાયા.+ મુશળધાર વરસાદનું પાણી બધે ફરી વળ્યું. ઊંડાણના પાણીએ ગર્જના કરી+અને હાથ ઊંચા કરતું હોય એમ ફૂટી નીકળ્યું. ૧૧  તમારાં છૂટેલાં તીરોનો ચળકાટ+અને તમારા ભાલાઓનો ઝગમગાટ એટલો તેજ હતો કે,સૂર્ય અને ચંદ્ર ઊંચે પોતાના ઘરમાં જ ભરાઈ રહ્યા.+ ૧૨  તમે ગુસ્સામાં આખી પૃથ્વી ફરી વળ્યા,કોપાયમાન થઈને દેશોને કચડી* નાખ્યા. ૧૩  પોતાના લોકોનો ઉદ્ધાર કરવા, પોતાના અભિષિક્તને* બચાવવા તમે બહાર નીકળ્યા. દુષ્ટ માણસના ઘરના મુખીને તમે મસળી નાખ્યો. ઉપરથી લઈને નીચે પાયા સુધી એ ઘરને જમીનદોસ્ત કરી નાખ્યું. (સેલાહ) ૧૪  તેના યોદ્ધાઓ છાનીછૂપી રીતે લાચાર લોકોને ગળી જતા, તેઓને ખૂબ મજા આવતી. જ્યારે મને વેરવિખેર કરવા તેઓ વાવાઝોડાની જેમ આવ્યા,ત્યારે તમે તેઓનાં હથિયારો* તેઓના જ માથામાં ભોંકી દીધાં. ૧૫  તમે ઘોડાઓ પર સવાર થઈને દરિયો પાર કર્યો,ઊછળતાં મોજાઓમાંથી પસાર થઈને સમુદ્ર ખેડ્યો. ૧૬  એ બધું સાંભળીને મને કંપારી છૂટી ગઈ,* મારા હોઠ થથરવા લાગ્યા,મારાં હાડકાંમાં સડો પેસી ગયો,+મારા પગ ધ્રૂજવા લાગ્યા,તોપણ હું વિપત્તિના દિવસની શાંતિથી રાહ જોઈશ,+કેમ કે એ દિવસ અમારા દુશ્મનો* પર આવી રહ્યો છે. ૧૭  ભલે અંજીરી પર કોઈ ફળ ન આવે,દ્રાક્ષાવેલા પર કોઈ દ્રાક્ષ ન લાગે,ભલે જૈતૂનની કોઈ પેદાશ ન થાય,ખેતરમાં કોઈ ફસલ ન પાકે,ભલે ઘેટાં-બકરાં વાડામાંથી જતાં રહે,તબેલામાં કોઈ ઢોરઢાંક ન રહે, ૧૮  તોપણ, હું તો યહોવાને લીધે આનંદ કરીશ,મારો ઉદ્ધાર કરનાર ઈશ્વરમાં હું ખુશી મનાવીશ.+ ૧૯  વિશ્વના માલિક* યહોવા મારું બળ છે,+તે મારા પગ હરણ જેવા ચપળ કરશેઅને મને ઊંચી જગ્યાએ ચલાવશે.”+

ફૂટનોટ

અથવા, “શોકગીતોના.”
મૂળ, “વર્ષો દરમિયાન.”
મૂળ, “વર્ષો દરમિયાન.”
અથવા, “ઉદ્ધાર.”
અથવા કદાચ, “તીરો.”
અથવા કદાચ, “કુળોએ લીધેલા શપથ જણાવવામાં આવ્યા છે.”
મૂળ, “ઝૂડી.”
મૂળ, “દાંડા.”
મૂળ, “પેટમાં ધ્રાસકો પડ્યો.”
અથવા, “અમારા પર હુમલો કરનાર લોકો.”