હિબ્રૂઓને પત્ર ૧૨:૧-૨૯

  • ઈસુ, આપણી શ્રદ્ધાને પૂર્ણ કરનાર (૧-૩)

    • મોટા વાદળની જેમ સાક્ષીઓનું ટોળું ()

  • યહોવાની શિસ્તને તુચ્છ ન ગણો (૪-૧૧)

  • તમારા પગને માટે સીધા માર્ગો તૈયાર કરો (૧૨-૧૭)

  • સ્વર્ગના યરૂશાલેમ પાસે આવવું (૧૮-૨૯)

૧૨  આમ, આપણી આસપાસ મોટા વાદળની જેમ સાક્ષીઓનું ટોળું છે. એટલે ચાલો, દરેક પ્રકારના બોજાને અને સહેલાઈથી ફસાવનાર પાપને+ નાખી દઈએ. ચાલો, ઈશ્વરે આપણી આગળ રાખેલી દોડમાં ધીરજથી દોડીએ.+ ૨  આપણા મુખ્ય આગેવાન* અને આપણી શ્રદ્ધાને પૂર્ણ કરનાર, ઈસુ પર પૂરું ધ્યાન આપીએ.+ કેમ કે તેમની આગળ રાખેલા આનંદને લીધે તેમણે વધસ્તંભનું દુઃખ અને અપમાન સહન કર્યાં. તે ઈશ્વરની રાજગાદીની જમણી બાજુ બેઠા છે.+ ૩  ખરેખર, તેમણે પાપીઓનાં કડવા વેણ સહન કર્યાં,+ જેનાથી એ પાપીઓને જ નુકસાન થતું હતું. તમે પણ ઈસુ પર પૂરું ધ્યાન આપો, જેથી તમે થાકી ન જાઓ અને હિંમત ન હારો.+ ૪  પાપ વિરુદ્ધની લડાઈમાં તમારે હજુ સુધી ક્યારેય એવા સંજોગોનો સામનો કરવો પડ્યો નથી કે તમારું મરણ થાય.* ૫  તમને દીકરાઓ ગણીને અપાયેલી શિખામણ તમે તદ્દન ભૂલી ગયા છો: “મારા દીકરા, યહોવા* તરફથી મળતી શિસ્તને* તુચ્છ ન ગણતો અને તે તને સુધારે ત્યારે નિરાશ ન થતો. ૬  કેમ કે યહોવા* જેને પ્રેમ કરે છે, તેને શિસ્ત આપે છે. હકીકતમાં, જેને તે દીકરા તરીકે સ્વીકારે છે, એ દરેકને તે સજા કરે છે.”*+ ૭  તમારી તકલીફોને સહન કરો અને એને શિસ્ત* તરીકે સ્વીકારો. ઈશ્વર તમને દીકરાઓ માને છે,+ કેમ કે એવો કયો દીકરો છે, જેને સુધારવા તેના પિતાએ શિસ્ત આપી ન હોય?+ ૮  જો તમને બધાને આ શિસ્ત મળી ન હોય, તો સાચે જ તમે તેમના ખરા દીકરાઓ નહિ, પણ ગેરકાયદેસર દીકરાઓ છો. ૯  પૃથ્વી પરના આપણા પિતા આપણને શિસ્ત આપતા હતા અને આપણે તેમને આદર આપતા હતા. તો પછી, શું આપણે સ્વર્ગમાંના આપણા પિતાને* ખુશીથી આધીન રહીને જીવવું ન જોઈએ?+ ૧૦  પૃથ્વી પરના આપણા પિતાએ તેમને યોગ્ય લાગ્યું તેમ, થોડા દિવસો આપણને શિસ્ત આપી. પણ આપણા સ્વર્ગમાંના પિતા આપણા ભલા માટે હંમેશાં આપણને શિસ્ત આપે છે, જેથી આપણે તેમના જેવા પવિત્ર થઈએ.+ ૧૧  ખરું કે, કોઈ શિસ્તથી તરત ખુશી મળતી નથી, પણ દુઃખ થાય છે. જોકે, પછીથી જેઓ એનાથી ઘડાય છે, તેઓને શાંતિ અને નેકી મળે છે. ૧૨  એટલે કમજોર હાથને અને લથડતાં ઘૂંટણોને મજબૂત કરો.+ ૧૩  તમારા પગને માટે સીધા માર્ગો તૈયાર કરતા રહો,+ જેથી લંગડો પગ સાંધામાંથી ખસી ન જાય, પણ સાજો થાય. ૧૪  બધા લોકો સાથે શાંતિથી રહેવા મંડ્યા રહો.+ જીવન પવિત્ર+ રાખવા પ્રયત્ન કરતા રહો, કેમ કે એના વગર કોઈ માણસ માલિકને જોઈ શકશે નહિ. ૧૫  સાવધ રહો કે ઈશ્વરની અપાર કૃપા મેળવવાનું તમારામાંથી કોઈ ચૂકી ન જાય, જેથી કોઈ ઝેરી મૂળ ફૂટી નીકળીને મુસીબત ઊભી ન કરે અને ઘણા એનાથી ભ્રષ્ટ ન થાય.+ ૧૬  ધ્યાન રાખો કે તમારામાં કોઈ વ્યભિચારી* ન હોય કે પછી કોઈ એવો ન હોય, જે એસાવની જેમ પવિત્ર વસ્તુઓની કદર કરતો ન હોય. તેણે એક ભોજન માટે પ્રથમ જન્મેલા દીકરા તરીકેના પોતાના હક જતા કર્યા.+ ૧૭  તમે જાણો છો કે પછીથી તેને આશીર્વાદનો વારસો જોઈતો હતો ત્યારે, તેનો નકાર કરવામાં આવ્યો. તેણે રડી રડીને તેમનું મન* બદલવાનો પૂરો પ્રયત્ન કર્યો,+ છતાં એનો કોઈ ફાયદો થયો નહિ.* ૧૮  તમે એવા પર્વત પાસે ગયા નથી, જેને અડકી શકાય,+ જે આગથી સળગતો હોય,+ જેની આસપાસ કાળું વાદળ, ગાઢ અંધકાર અને તોફાન હોય,+ ૧૯  જ્યાં રણશિંગડાનો*+ મોટો અવાજ સંભળાતો હોય અને સ્વર્ગમાંથી વાત કરતી વાણી+ સંભળાતી હોય. જ્યારે લોકોએ એ વાણી સાંભળી, ત્યારે વિનંતી કરી કે તેઓને વધારે કંઈ કહેવામાં ન આવે.+ ૨૦  કેમ કે તેઓ આ આજ્ઞાથી ઘણા ડરી ગયા હતા: “જો કોઈ પ્રાણી પણ એ પર્વતને અડકે, તો એને પથ્થરે મારી નાખવામાં આવે.”+ ૨૧  એટલું જ નહિ, એ દૃશ્ય એટલું ભયાનક હતું કે મૂસાએ કહ્યું: “હું ડરી ગયો છું અને થરથર કાંપું છું.”+ ૨૨  પણ તમે સિયોન પર્વત*+ પાસે અને જીવંત ઈશ્વરના શહેર, એટલે કે સ્વર્ગના યરૂશાલેમ+ પાસે અને લાખો* દૂતોની સભા પાસે આવ્યા છો. ૨૩  તમે પ્રથમ જન્મેલાઓના મંડળ+ પાસે આવ્યા છો, જેઓનાં નામ સ્વર્ગમાં લખેલાં છે. તમે બધાનો ન્યાય કરનાર ઈશ્વર+ પાસે તથા સંપૂર્ણ કરાયેલા અને પવિત્ર શક્તિથી પસંદ થયેલા નેક લોકો પાસે આવ્યા છો.+ ૨૪  તમે નવા કરારના+ મધ્યસ્થ*+ ઈસુ પાસે તથા તેમણે આપણા પર છાંટેલા લોહી પાસે આવ્યા છો, જે હાબેલના લોહી કરતાં વધારે સારી રીતે બોલે છે.+ ૨૫  સ્વર્ગમાંથી તમારી સાથે જે વાત કરે છે, તેમનું સાંભળવાનું ચૂકશો નહિ.* અગાઉના સમયમાં પૃથ્વીના લોકોએ ઈશ્વરની ચેતવણી સાંભળી નહિ* અને તેઓને સજા થઈ. એટલે જો આપણે સ્વર્ગમાંથી વાત કરનારની વાણી નહિ સાંભળીએ, તો આપણને કેટલી ભારે સજા થશે!+ ૨૬  એ સમયે ઈશ્વરના અવાજે પૃથ્વીને હલાવી નાખી,+ પણ હવે તેમણે વચન આપ્યું છે: “ફરી એક વાર હું ફક્ત પૃથ્વીને જ નહિ, આકાશને પણ હલાવી નાખીશ.”+ ૨૭  “ફરી એક વાર” આ શબ્દો બતાવે છે કે હલાવી નાખેલી વસ્તુઓને, એટલે કે જે વસ્તુઓ ઈશ્વરે બનાવી નથી એ કાઢી નાખવામાં આવશે, જેથી જે વસ્તુઓ હલાવવામાં આવી નથી એ કાયમ રહે. ૨૮  તેથી, હલાવી ન શકાય એવું રાજ્ય આપણને મળવાનું છે એ જાણીને ચાલો આપણે અપાર કૃપા મેળવતા રહીએ. એ કૃપા દ્વારા આપણે ઈશ્વરનો ડર અને આદર રાખીને તેમને પસંદ પડે એવી પવિત્ર સેવા આપીએ. ૨૯  કેમ કે આપણા ઈશ્વર તો ભસ્મ કરનાર અગ્‍નિ છે.+

ફૂટનોટ

અથવા, “લોહી વહે.”
અથવા, “કોરડા મારે છે.”
અથવા, “તાલીમ; શિક્ષા.”
અથવા, “સ્વર્ગનું જીવન આપનાર પિતાને.”
શબ્દસૂચિમાં “વ્યભિચાર” જુઓ.
મૂળ, “એ માટે તેને કોઈ જગ્યા મળી નહિ.”
એટલે કે, તેના પિતાનું મન.
મૂળ, “તુરાઈનો.” શબ્દસૂચિમાં “તુરાઈ” જુઓ.
અથવા, “હજારોહજાર.”
અથવા, “બહાનાં કાઢશો નહિ; ટાળશો નહિ.”
અથવા કદાચ, “ઈશ્વરની ચેતવણી આપનારનું સાંભળ્યું નહિ.”