હિબ્રૂઓને પત્ર ૧૩:૧-૨૫
૧૩ ભાઈઓની જેમ એકબીજાને પ્રેમ બતાવતા રહો.+
૨ મહેમાનગતિ* કરવાનું ભૂલશો નહિ,+ કેમ કે કેટલાકે અજાણતાં દૂતોને મહેમાનગતિ બતાવી હતી.+
૩ કેદીઓની* સાથે તમે પણ કેદમાં છો,+ એમ સમજીને તેઓને યાદ રાખો.+ જેઓ પર જુલમ કરવામાં આવી રહ્યો છે તેઓને પણ યાદ રાખો, કેમ કે તમે પણ તેઓની સાથે જુલમ સહી રહ્યા છો.
૪ બધા લોકોમાં લગ્ન માનયોગ્ય ગણાય અને પતિ-પત્ની એકબીજાને બેવફા ન બને,*+ કેમ કે વ્યભિચાર* કરનાર બધાને ઈશ્વર સજા કરશે, પછી ભલે એ વ્યક્તિ કુંવારી હોય કે પરણેલી.+
૫ જીવનમાં પૈસાનો મોહ ન રાખો.+ તમારી પાસે જેટલું છે એમાં સંતોષ માનો,+ કેમ કે ઈશ્વરે કહ્યું છે: “હું તને કદી છોડી દઈશ નહિ અને હું તને કદી ત્યજી દઈશ નહિ.”+
૬ એટલે આપણે પૂરી હિંમતથી કહી શકીએ છીએ: “યહોવા* મને મદદ કરનાર છે, હું જરાય ડરીશ નહિ. માણસ મને શું કરી લેવાનો?”+
૭ તમારામાં આગેવાની લેતા ભાઈઓને યાદ રાખો,+ જેઓએ તમને ઈશ્વરનો સંદેશો જણાવ્યો છે. તેઓનાં વાણી-વર્તનનાં સારાં પરિણામનો વિચાર કરો અને તેઓ જેવી શ્રદ્ધા બતાવો.+
૮ ઈસુ ખ્રિસ્ત ગઈ કાલે, આજે અને હંમેશાં એવા જ છે, તે ક્યારેય બદલાતા નથી.
૯ જાતજાતના અને અજાણ્યા શિક્ષણ દ્વારા ફંટાઈ જશો નહિ. તમારું હૃદય મજબૂત કરવા ઈશ્વરની અપાર કૃપા પર આધાર રાખો, ખોરાક* પર નહિ. જેઓ ખોરાકને વધારે પડતું મહત્ત્વ આપે છે, તેઓને એનાથી ફાયદો થતો નથી.+
૧૦ આપણી પાસે એવી વેદી છે, જેના પર ચઢાવેલો ખોરાક ખાવાનો અધિકાર મંડપમાં પવિત્ર સેવા કરનારાઓને નથી.+
૧૧ કેમ કે પ્રમુખ યાજક પાપ-અર્પણ તરીકે પ્રાણીઓનું લોહી પવિત્ર સ્થાનમાં લઈ જાય, એ પછી પ્રાણીઓનાં શરીરને છાવણી બહાર બાળી નાખવામાં આવતાં.+
૧૨ એટલે ઈસુએ પણ શહેરના દરવાજા બહાર દુઃખ સહન કર્યું,+ જેથી તે પોતાના લોહીથી લોકોને પવિત્ર કરી શકે.+
૧૩ તેથી ચાલો આપણે છાવણીની બહાર તેમની પાસે જઈએ અને તેમણે જે અપમાન સહન કર્યું એ સહન કરીએ,+
૧૪ કેમ કે આપણી પાસે અહીં હંમેશાં ટકે એવું શહેર નથી, પણ આપણે તો આવનાર શહેરની આતુરતાથી રાહ જોઈએ છીએ.+
૧૫ ચાલો, આપણે ઈસુ દ્વારા હંમેશાં ઈશ્વરની સ્તુતિ કરીએ,+ એ ઈશ્વરને ચઢાવેલું આપણું અર્પણ* છે.+ ચાલો, આપણાં મોંથી જાહેરમાં તેમનું નામ જણાવીએ.+
૧૬ ભલું કરવાનું અને તમારી વસ્તુઓથી બીજાઓને મદદ કરવાનું ભૂલશો નહિ,+ કેમ કે એવાં બલિદાનોથી ઈશ્વર ઘણા ખુશ થાય છે.+
૧૭ જેઓ તમારામાં આગેવાની લે છે,+ તેઓનું કહેવું માનો અને તેઓને આધીન રહો.+ કેમ કે તેઓ તમારી સંભાળ રાખે છે અને તેઓએ ઈશ્વરને હિસાબ આપવાનો છે.+ જો તમે તેઓને આધીન રહેશો, તો તેઓ ખુશી ખુશી કામ કરશે, નહિતર તેઓ કમને કામ કરશે અને તમને જ નુકસાન થશે.
૧૮ અમારા માટે પ્રાર્થના કરતા રહો, કેમ કે અમને ભરોસો છે કે અમારું અંતઃકરણ શુદ્ધ* છે અને અમે બધી રીતે પ્રમાણિક રહેવા ચાહીએ છીએ.+
૧૯ હું તમને ખાસ અરજ કરું છું કે પ્રાર્થના કરો, જેથી હું જલદી તમારી પાસે આવી શકું.
૨૦ શાંતિના ઈશ્વરે આપણા માલિક ઈસુને મરણમાંથી જીવતા કર્યા છે, જે મહાન ઘેટાંપાળક+ છે. તેમની પાસે હંમેશાં ટકનાર કરારનું લોહી છે. હવે મારી વિનંતી છે કે શાંતિના ઈશ્વર
૨૧ તમને દરેક સારી વસ્તુ આપે, જેથી તમે તેમની ઇચ્છા પૂરી કરી શકો. ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર આપણને એવાં કામ કરવાની પ્રેરણા આપે, જેથી ઈશ્વર ખુશ થાય. ઈશ્વરનો મહિમા સદાને માટે થતો રહે. આમેન.*
૨૨ ભાઈઓ, હવે હું તમને અરજ કરું છું કે આ ઉત્તેજન આપતા શબ્દો ધ્યાનથી સાંભળો, કેમ કે મેં તમને ટૂંકમાં પત્ર લખ્યો છે.
૨૩ હું તમને જણાવવા માંગતો હતો કે આપણા ભાઈ તિમોથીને કેદમાંથી છોડી મૂકવામાં આવ્યો છે. જો તે જલદી આવી જાય, તો હું તેની સાથે તમારી પાસે આવીશ.
૨૪ તમારામાં આગેવાની લેતા સર્વને અને બધા પવિત્ર જનોને મારી યાદ આપજો. ઇટાલીનાં+ ભાઈ-બહેનો તમને યાદ મોકલે છે.
૨૫ તમારા સર્વ પર અપાર કૃપા રહો.
ફૂટનોટ
^ અથવા, “અજાણ્યાઓને પ્રેમ.”
^ મૂળ, “બંધાયેલાઓની; જેઓ બંધનમાં છે તેઓની.”
^ મૂળ, “અને લગ્નનું બિછાનું નિર્મળ રહે.” અહીં જાતીય સંબંધની વાત થાય છે.
^ વધારે માહિતી ક-૫ જુઓ.
^ એટલે કે, ખોરાક વિશેના નિયમો.
^ મૂળ, “હોઠોના ફળનું અર્પણ.”
^ મૂળ, “સારું.”