હિબ્રૂઓને પત્ર ૬:૧-૨૦

  • પરિપક્વ બનવા પ્રગતિ કરીએ (૧-૩)

  • શ્રદ્ધાથી ભટકી ગયેલા લોકો દીકરાને ફરી ખીલાથી વધસ્તંભે જડે છે (૪-૮)

  • તમારી આશાની ખાતરી કરો (૯-૧૨)

  • ઈશ્વરનું વચન ભરોસાપાત્ર છે (૧૩-૨૦)

    • ઈશ્વરનું વચન અને સમ બદલાતા નથી (૧૭, ૧૮)

 હવે આપણે ખ્રિસ્ત વિશેનું મૂળ શિક્ષણ+ શીખી લીધું છે, એટલે ચાલો આપણે પરિપક્વ બનવા પ્રગતિ કરતા રહીએ.+ આપણે મૂળ શિક્ષણ ફરીથી શીખવા ન બેસીએ* જે આપણે શરૂઆતમાં શીખ્યા હતા, જેમ કે, નકામાં* કામોનો પસ્તાવો કરવો, ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી, ૨  અલગ અલગ બાપ્તિસ્મા* અને માથે હાથ મૂકવા* વિશેનું શિક્ષણ,+ ગુજરી ગયેલા લોકોનું જીવતા થવું*+ અને છેલ્લા ન્યાયચુકાદા વિશેનું શિક્ષણ. ૩  જો ઈશ્વરની ઇચ્છા હશે, તો આપણે જરૂર પરિપક્વ બનીશું. ૪  કેટલાક લોકોએ એકવાર ઈશ્વર તરફથી પ્રકાશ મેળવ્યો હતો+ અને સ્વર્ગમાંથી મળેલી ભેટનો* અનુભવ કર્યો હતો. તેઓ પવિત્ર શક્તિના ભાગીદાર થયા હતા. ૫  તેઓએ ઈશ્વરના ઉત્તમ સંદેશાનો અને આવનાર દુનિયાની શક્તિશાળી વસ્તુઓનો અનુભવ કર્યો હતો. ૬  પણ હવે તેઓ શ્રદ્ધામાંથી ભટકી ગયા છે.+ તેઓને પસ્તાવો કરવા મદદ કરવી અશક્ય છે, કેમ કે તેઓ ફરીથી ઈશ્વરના દીકરાને ખીલાથી વધસ્તંભે* જડે છે અને જાહેરમાં તેમનું અપમાન કરે છે.+ ૭  વારંવાર પડતો વરસાદ જમીન માટે ઈશ્વર તરફથી આશીર્વાદ છે. જમીન એ પાણી શોષે છે અને ખેડૂત માટે સારો પાક ઉગાડે છે. ૮  પણ જો જમીન કાંટા અને ઝાંખરાં ઉગાડે, તો એને નકામી ગણીને શ્રાપ આપવામાં આવશે અને છેવટે એને બાળી નાખવામાં આવશે. ૯  પ્રિય ભાઈઓ, ભલે અમે આ રીતે વાત કરીએ છીએ, પણ અમને ખાતરી છે કે તમારી હાલત સારી છે. તમને તારણ મળે એવાં કામો તમે કરી રહ્યા છો. ૧૦  કેમ કે ઈશ્વર એવા અન્યાયી નથી કે તમારાં કામોને અને તેમના નામ માટે તમે બતાવેલા પ્રેમને ભૂલી જાય.+ તમે પવિત્ર જનોની જે સેવા કરી છે અને હજુ કરી રહ્યા છો એ ઈશ્વર ક્યારેય નહિ ભૂલે. ૧૧  પણ અમે ચાહીએ છીએ કે તમે દરેક એવી જ સખત મહેનત કરો, જેથી તમને અંત સુધી+ ભરોસો રહે કે તમારી આશા ચોક્કસ પૂરી થશે.+ ૧૨  એ માટે કે તમે આળસુ ન બની જાઓ,+ પણ શ્રદ્ધા અને ધીરજ રાખવાને લીધે જેઓ વચનોના વારસ છે, તેઓને પગલે ચાલો. ૧૩  ઇબ્રાહિમને વચન આપ્યું ત્યારે, ઈશ્વરે પોતાના સમ ખાધા હતા, કેમ કે ઈશ્વર કરતાં મોટું કોઈ નથી કે જેના તે સમ ખાય.+ ૧૪  ઈશ્વરે કહ્યું: “હું તને ચોક્કસ આશીર્વાદ આપીશ. હું તારા વંશજની સંખ્યા વધારીશ.”+ ૧૫  ઇબ્રાહિમે ધીરજ બતાવી પછી તેમને એ વચન મળ્યું હતું. ૧૬  માણસો પોતાનાથી કોઈ મોટાના સમ ખાય છે અને એ સમથી દરેક તકરારનો અંત આવે છે, કેમ કે સમ તેઓને કાયદેસરની ખાતરી આપે છે.+ ૧૭  એવી જ રીતે, જ્યારે ઈશ્વરે વચનના વારસદારો+ આગળ સાફ જાહેર કરવાનું નક્કી કર્યું કે તેમનો હેતુ* બદલાઈ શકતો નથી, ત્યારે તેમણે સમ ખાઈને એની ખાતરી આપી.* ૧૮  એટલે આ બે બાબતો* અફર છે અને એમાં ઈશ્વર જૂઠું બોલે એ શક્ય જ નથી.+ તેથી આપણને, ઈશ્વરના શરણમાં દોડી જનારાઓને આપણી આગળ મૂકેલી આશાને વળગી રહેવા ઘણું ઉત્તેજન મળે છે. ૧૯  એ આશા+ આપણા જીવન માટે લંગર જેવી છે, અડગ અને મજબૂત છે, જે આપણને પડદાની* પાર લઈ જાય છે.+ ૨૦  આગેવાન ઈસુએ આપણા માટે એમાં પહેલા પ્રવેશ કર્યો છે.+ તે મલ્ખીસદેક જેવા પ્રમુખ યાજક બન્યા છે અને તે હંમેશ માટે પ્રમુખ યાજક રહેશે.+

ફૂટનોટ

મૂળ, “મરેલાં.”
મૂળ, “ફરીથી પાયો ન નાખીએ.”
મૂળ, “સ્વર્ગની ભેટનો.”
અથવા, “નિર્ણય.”
અથવા, “વચ્ચે પડ્યા.” મૂળ, “મધ્યસ્થ બન્યા.”
એટલે કે, ઈશ્વરનું વચન અને તેમના સમ.
અહીં મંડપમાં પવિત્ર અને પરમ પવિત્ર ભાગને અલગ કરતા પડદાની વાત થાય છે.