હિબ્રૂઓને પત્ર ૮:૧-૧૩

  • મંડપ, સ્વર્ગની વસ્તુઓનો નમૂનો (૧-૬)

  • જૂના અને નવા કરારમાં ફરક (૭-૧૩)

 હવે અમે જે કહીએ છીએ એનો મુખ્ય મુદ્દો આ છે: આપણી પાસે એવા પ્રમુખ યાજક છે,+ જે સ્વર્ગમાં મહાન ઈશ્વરની રાજગાદીની જમણી તરફ બેઠા છે.+ ૨  તે ખરા મંડપના પવિત્ર સ્થાનના સેવક* છે,+ એ મંડપ માણસોએ નહિ, યહોવાએ* ઊભો કર્યો છે. ૩  દરેક પ્રમુખ યાજકને ભેટ અને બલિદાનો ચઢાવવા નીમવામાં આવે છે. તેથી આ પ્રમુખ યાજક માટે પણ એ જરૂરી હતું કે અર્પણ ચઢાવવા તેમની પાસે કંઈક હોય.+ ૪  જો તે પૃથ્વી પર હોત, તો યાજક બન્યા ન હોત,+ કેમ કે નિયમશાસ્ત્ર પ્રમાણે ભેટ ચઢાવનારા યાજકો તો પહેલેથી જ છે. ૫  સ્વર્ગની વસ્તુઓની+ નકલ અને પડછાયા+ તરીકે આ માણસો પવિત્ર સેવા આપે છે. મૂસા જ્યારે મંડપ* બાંધવાની તૈયારીમાં હતા, ત્યારે તેમને ઈશ્વર તરફથી આ આજ્ઞા આપવામાં આવી: ઈશ્વરે કહ્યું: “ધ્યાન રાખજે, મેં તને પર્વત પર જે નમૂનો બતાવ્યો એ પ્રમાણે જ તું બધી વસ્તુઓ બનાવ.”+ ૬  પણ હવે, ઈસુને ઉત્તમ સેવા* મળી છે, કેમ કે તે પહેલાંના કરાર કરતાં વધારે સારા કરારના+ મધ્યસ્થ* પણ છે.+ એ કરાર પહેલાંનાં વચનો કરતાં વધારે સારાં વચનોને આધારે કાયદેસર રીતે સ્થપાયો છે.+ ૭  જો પ્રથમ કરારમાં કોઈ ખામી ન હોત, તો બીજા કરારની જરૂર પડી ન હોત.+ ૮  ઈશ્વર આમ કહીને લોકોને દોષિત ઠરાવે છે: “યહોવા* કહે છે, ‘જુઓ! એવા દિવસો આવી રહ્યા છે, જ્યારે હું ઇઝરાયેલના લોકો સાથે અને યહૂદાના લોકો સાથે નવો કરાર કરીશ. ૯  ઇજિપ્તમાંથી મેં તેઓના બાપદાદાઓને હાથ પકડીને બહાર કાઢ્યા હતા,+ એ દિવસે મેં તેઓ સાથે જે કરાર કર્યો હતો એના જેવો આ કરાર નહિ હોય. તેઓ મારા કરાર પ્રમાણે ચાલ્યા નહિ, એટલે મેં તેઓની સંભાળ રાખવાનું છોડી દીધું,’ એવું યહોવા* કહે છે. ૧૦  “યહોવા* કહે છે, ‘એ દિવસો પછી હું ઇઝરાયેલના લોકો સાથે આ કરાર કરીશ. હું મારા નિયમો તેઓનાં મનમાં મૂકીશ અને તેઓનાં દિલ પર એ લખીશ.+ હું તેઓનો ઈશ્વર બનીશ અને તેઓ મારા લોકો બનશે.+ ૧૧  “‘કોઈ પોતાના સાથી નાગરિકને કે પોતાના ભાઈને હવેથી આવું શીખવશે નહિ, “યહોવાને* ઓળખો!” કેમ કે નાનાથી લઈને મોટા સુધી બધા મને ઓળખશે. ૧૨  હું દયા બતાવીશ અને તેઓનાં ખરાબ કામો માફ કરીશ. હું તેઓનાં પાપ ક્યારેય યાદ નહિ કરું.’”+ ૧૩  આમ, તેમણે “નવા કરાર” વિશે વાત કરીને અગાઉના કરારને રદ કર્યો.+ હવે જે રદ થયું છે અને જૂનું થતું જાય છે, એ ભૂંસાઈ જવાની અણી પર છે.+