હોશિયા ૧૦:૧-૧૫

  • ઇઝરાયેલ જંગલી દ્રાક્ષાવેલા જેવો છે, તેનો નાશ થશે (૧-૧૫)

૧૦  “ઇઝરાયેલ જંગલી* દ્રાક્ષાવેલા જેવો છે, જેના પર ફળ આવે છે.+ એને જેટલાં વધારે ફળ આવે છે, એટલી વધારે તે વેદીઓ બાંધે છે.+ તેની જમીનમાં જેટલો સારો પાક થાય છે, તેના ભક્તિ-સ્તંભો એટલા જ સુંદર બનતા જાય છે.+  ૨  તેઓનું દિલ ઢોંગી* છે, તેઓ દોષિત ઠરશે. ઈશ્વર તેઓની વેદીઓ તોડી નાખશે અને તેઓના સ્તંભોનો નાશ કરશે.  ૩  હવે તેઓ કહેશે, ‘આપણો કોઈ રાજા નથી,+ કેમ કે આપણે યહોવાનો ડર રાખ્યો નથી. જો રાજા હોત પણ ખરો, તો તે શું કરી લેવાનો હતો?’  ૪  તેઓ ખોખલી વાતો કરે છે, જૂઠા સમ ખાય છે+ અને કરારો કરે છે, એટલે તેઓનો અન્યાય ખેતરમાં ઊગી નીકળતા ઝેરી છોડની જેમ બધે ફેલાઈ ગયો છે.+  ૫  બેથ-આવેનની વાછરડાની મૂર્તિને લીધે સમરૂનના રહેવાસીઓ ગભરાશે.+ જૂઠા દેવના યાજકો એ મૂર્તિ અને એના ગૌરવને લીધે આનંદ મનાવતા હતા, પણ હવે એ યાજકો અને લોકો શોક પાળશે, કેમ કે એ મૂર્તિનું ગૌરવ તેઓથી દૂર ગુલામીમાં જતું રહેશે.  ૬  એ મૂર્તિ આશ્શૂર લઈ જવામાં આવશે અને મહાન રાજાને ભેટ તરીકે આપવામાં આવશે.+ એફ્રાઈમ શરમમાં મુકાશે. ઇઝરાયેલ પણ શરમમાં મુકાશે, કેમ કે તેણે નકામી સલાહ માની હતી.+  ૭  પાણી પર તરતી ડાળીની જેમ, સમરૂન અને એનો રાજા તણાઈ જશે.*+  ૮  બેથ-આવેનનાં ભક્તિ-સ્થળોનો*+ નાશ કરવામાં આવશે,+ કેમ કે એના લીધે ઇઝરાયેલે પાપ કર્યું છે.+ તેઓની વેદીઓ પર કાંટા અને ઝાંખરાં ઊગી નીકળશે.+ લોકો પર્વતોને કહેશે, ‘અમને સંતાડી દો!’ ટેકરીઓને કહેશે, ‘અમને ઢાંકી દો!’+  ૯  હે ઇઝરાયેલના લોકો, તમે ગિબયાહના દિવસોથી પાપ કરતા આવ્યા છો.+ તમે હજી સુધર્યા નથી. ગિબયાહમાં થયેલા યુદ્ધે દુષ્ટ લોકોનો* પૂરેપૂરો નાશ કર્યો ન હતો. ૧૦  મને યોગ્ય લાગશે ત્યારે હું તેઓને સજા કરીશ.* તેઓના બે અપરાધોનો ભાર તેઓ પર લાદવામાં આવશે ત્યારે,* પ્રજાઓ તેઓ વિરુદ્ધ ભેગી થશે. ૧૧  એફ્રાઈમ તાલીમ પામેલી ગાય જેવો હતો, જેને અનાજ છૂટું પાડવાનું કામ ગમતું હતું. એટલે મેં તેની સુંદર ગરદન પર ઝૂંસરી* મૂકી નહિ. હવે હું એફ્રાઈમ પર કોઈકને સવારી કરાવીશ.+ યાકૂબ તેના માટે ઢેફાં ભાંગશે અને યહૂદા હળ ચલાવશે. ૧૨  યહોવા પાસે સલાહ માંગવાનો હજી સમય છે.+ એટલે તમારા માટે પડતર જમીન પસંદ કરો અને એને ખેડો.+ નેકીનાં* બી વાવો અને અતૂટ પ્રેમ લણો. પછી ઈશ્વર આવશે અને તમને નેક કામો શીખવશે.+ ૧૩  પણ તમે દુષ્ટતા વાવી છે અને બૂરાઈ લણી છે,+ તમે કપટનાં ફળ ભોગવ્યાં છે. કેમ કે તમે પોતાના પર અને પોતાના યોદ્ધાઓ પર ભરોસો મૂક્યો છે. ૧૪  તમારા લોકો વિરુદ્ધ યુદ્ધનો પોકાર થશે. જેમ શાલ્માને યુદ્ધમાં બેથ-આર્બેલના ઘરનો નાશ કર્યો હતો, તેમ તમારાં બધાં જ કોટવાળાં શહેરોનો નાશ કરવામાં આવશે.+ એ દિવસે માતાઓને અને તેઓનાં બાળકોને પછાડીને મારી નાખવામાં આવ્યાં હતાં. ૧૫  હે બેથેલ, તારા પણ એવા જ હાલ થશે,+ કેમ કે તેં ઘણી દુષ્ટતા કરી છે. વહેલી સવારે ઇઝરાયેલનો રાજા ચોક્કસ માર્યો જશે.”*+

ફૂટનોટ

અથવા, “ફૂલેલા-ફાલેલા.”
અથવા, “લીસું; લપસી પડે એવું.”
મૂળ, “એના રાજાને ચૂપ કરી દેવામાં આવશે.”
મૂળ, “ઉચ્ચ સ્થાનોનો.” શબ્દસૂચિ જુઓ.
મૂળ, “અન્યાયના દીકરાઓનો.”
અથવા, “શિસ્ત આપીશ.” શબ્દસૂચિમાં “શિસ્ત” જુઓ.
એટલે કે, ઝૂંસરીની જેમ તેઓ સજાનો ભાર ઊંચકશે ત્યારે.
અથવા, “ન્યાયીપણાનાં.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
મૂળ, “ચૂપ થઈ જશે.”