હોશિયા ૫:૧-૧૫

  • એફ્રાઈમ અને યહૂદા વિરુદ્ધ ન્યાયચુકાદો (૧-૧૫)

 “હે યાજકો, તમે સાંભળો,+ હે ઇઝરાયેલના લોકો,* તમે ધ્યાન આપો, હે રાજમહેલના લોકો,* તમે કાન ધરો, તમારી વિરુદ્ધ ન્યાયચુકાદો જાહેર કરવામાં આવ્યો છે, કેમ કે તમે મિસ્પાહમાં ફાંદો નાખ્યો છે અને તાબોર+ પર જાળ બિછાવી છે.  ૨  બંડખોર લોકો* કતલ કરવામાં ગળાડૂબ છે, હું એ બધાને ચેતવણી* આપું છું.  ૩  હું એફ્રાઈમને ઓળખું છું અને ઇઝરાયેલ મારાથી છૂપું નથી. હે એફ્રાઈમ, તેં વ્યભિચાર કર્યો છે, ઇઝરાયેલે પોતાને ભ્રષ્ટ કર્યું છે.+  ૪  તેઓનાં કામો તેઓને ઈશ્વર પાસે પાછા ફરતાં અટકાવે છે, કેમ કે તેઓનું મન વ્યભિચાર તરફ ઢળેલું છે+ અને તેઓ યહોવાની કદર કરતા નથી.  ૫  ઇઝરાયેલના ઘમંડે તેની પોતાની વિરુદ્ધ સાક્ષી પૂરી છે,+ ઇઝરાયેલે અને એફ્રાઈમે પોતાના અપરાધોને લીધે ઠોકર ખાધી છે, તેઓની સાથે યહૂદાએ પણ ઠોકર ખાધી છે.+  ૬  તેઓ ઢોરઢાંક અને ઘેટાં-બકરાં લઈને યહોવા આગળ બલિદાન ચઢાવવા ગયા, પણ તેમણે એ સ્વીકાર્યાં નહિ. તે તેઓથી દૂર જતા રહ્યા હતા.+  ૭  તેઓએ યહોવાને દગો દીધો છે,+ તેઓને પરદેશી સ્ત્રીઓથી દીકરાઓ થયા છે.* એક જ મહિનામાં તેઓનો અને તેઓના વારસાનો* નાશ થઈ જશે.*  ૮  ગિબયાહમાં રણશિંગડું વગાડો,+ રામામાં+ તુરાઈ* વગાડો! બેથ-આવેનમાં+ યુદ્ધનો પોકાર કરો, હે બિન્યામીન, અમે તારી પાછળ આવીશું!  ૯  હે એફ્રાઈમ, સજાના દિવસે તારા એવા હાલ થશે કે તને જોઈને બધા ધ્રૂજી ઊઠશે.+ જે ચોક્કસ થવાનું છે એ મેં ઇઝરાયેલનાં કુળોને જણાવ્યું છે. ૧૦  યહૂદાના અધિકારીઓ એ માણસો જેવા છે, જેઓ હદની નિશાની ખસેડે છે.+ હું મારો કોપ પાણીની જેમ તેઓ પર રેડી દઈશ. ૧૧  એફ્રાઈમ પર જુલમ થયો છે, તેની સજાએ તેને કચડી નાખ્યો છે, કેમ કે તે પોતાના દુશ્મન પાછળ જવા મક્કમ હતો.+ ૧૨  મેં એફ્રાઈમને કીડાની જેમ કોરી ખાધો અને યહૂદાના ઘરને સડાની જેમ નષ્ટ કરી દીધું. ૧૩  જ્યારે એફ્રાઈમે પોતાની બીમારી જોઈ અને યહૂદાએ પોતાનું ગૂમડું જોયું, ત્યારે એફ્રાઈમ આશ્શૂર પાસે ગયો,+ તેણે મહાન રાજા પાસે સંદેશવાહકો મોકલ્યા. પણ એ રાજા તમને સાજા કરી શક્યો નહિ, તે તમારું ગૂમડું મટાડી શક્યો નહિ. ૧૪  એફ્રાઈમ સામે હું જુવાન સિંહ જેવો બનીશ, યહૂદાના ઘર સામે હું ખૂંખાર સિંહ જેવો બનીશ. હું તેઓને ફાડીને ટુકડે-ટુકડા કરી નાખીશ અને દૂર લઈ જઈશ.+ હું તેઓને ઉપાડીને લઈ જઈશ ત્યારે, તેઓને કોઈ છોડાવશે નહિ.+ ૧૫  હું મારી જગ્યાએ પાછો જઈશ. તેઓ પોતાના અપરાધોનું પરિણામ ભોગવે ત્યાં સુધી હું ત્યાં જ રહીશ. પછી તેઓ મારી કૃપા મેળવવા મને શોધશે.+ તેઓ આફતમાં હશે ત્યારે, મને શોધશે.”+

ફૂટનોટ

મૂળ, “હે ઇઝરાયેલનું ઘર.”
મૂળ, “હે રાજાનું ઘર.”
અથવા, “પડી ગયેલા લોકો.”
અથવા, “શિસ્ત.”
અથવા, “ખેતરોનો.”
મૂળ, “હવે મહિનો તેઓને અને તેઓના વારસાને ભરખી જશે.”
મૂળ, “તેઓ પરદેશી બાળકોના પિતા થયા છે.”