હોશિયા ૯:૧-૧૭

  • એફ્રાઈમનાં પાપને લીધે ઈશ્વરે તેનો નકાર કર્યો (૧-૧૭)

    • નિર્લજ્જ દેવને સમર્પણ (૧૦)

 “હે ઇઝરાયેલ, આનંદ કરીશ નહિ,+ બીજી પ્રજાઓની જેમ હરખાઈશ નહિ. કેમ કે વ્યભિચારને લીધે તું તારા ઈશ્વરથી દૂર થઈ ગયો છે.+ તને તો વ્યભિચારનું વેતન ખૂબ વહાલું છે, જે અનાજની ખળીઓ* પર તને મળે છે.+  ૨  પણ અનાજની ખળી અને દ્રાક્ષાકુંડ તેઓનું પોષણ કરશે નહિ, નવો દ્રાક્ષદારૂ ખૂટી પડશે.+  ૩  તેઓ યહોવાના દેશમાં રહી શકશે નહિ.+ એફ્રાઈમ ઇજિપ્ત દેશમાં પાછો જશે અને આશ્શૂરમાં તે અશુદ્ધ ખોરાક ખાશે.+  ૪  તેઓ યહોવાને ફરી ક્યારેય દ્રાક્ષદારૂ-અર્પણ* ચઢાવશે નહિ,+ તેઓનાં અર્પણોથી તે ખુશ થશે નહિ.+ તેઓ મરણપ્રસંગે ખવાતી રોટલી જેવા થશે, જે કોઈ એ ખાશે, તે અશુદ્ધ થશે. તેઓની રોટલી ફક્ત તેઓ માટે જ હશે, એ યહોવાના મંદિરે લાવવામાં આવશે નહિ.  ૫  યહોવાના તહેવારના દિવસે, ભેગા મળવાના* દિવસે તમે શું કરશો?  ૬  જુઓ! વિનાશને લીધે તેઓએ નાસી જવું પડશે.+ ઇજિપ્ત તેઓને ભેગા કરશે+ અને મેમ્ફિસ તેઓને દફનાવશે.+ કુવેચ* તેઓની ચાંદીની કીમતી વસ્તુઓ પર કબજો કરશે, તેઓના તંબુઓમાં ઝાડી-ઝાંખરાં ઊગી નીકળશે.  ૭  હિસાબ લેવાના દિવસો આવશે,+ બદલો લેવાના દિવસો આવશે, ઇઝરાયેલને એની જાણ થશે. તેઓના પ્રબોધકો મૂર્ખ સાબિત થશે, તેઓના પ્રેરિતો ગાંડા થઈ જશે, તારી સામે દુશ્મનાવટ વધી છે, કેમ કે તારા અપરાધો ઘણા છે.”  ૮  એફ્રાઈમનો ચોકીદાર+ મારા ઈશ્વરની સાથે હતો.+ પણ હવે તેના પ્રબોધકોના+ સર્વ રસ્તાઓ શિકારીની જાળ જેવા છે અને ઈશ્વરના મંદિરમાં દુશ્મનાવટ છે.  ૯  તેઓ ખૂબ ભ્રષ્ટ થઈ ગયા છે, જેમ ગિબયાહના દિવસોમાં થયું હતું.+ ઈશ્વર તેઓના અપરાધો યાદ રાખશે અને તેઓનાં પાપોની સજા કરશે.+ ૧૦  ઈશ્વરે કહ્યું: “વેરાન પ્રદેશમાં દ્રાક્ષો મળે તેમ મને ઇઝરાયેલ મળી આવ્યો.+ મારી નજરે તમારા બાપદાદાઓ અંજીરીના પ્રથમ અંજીર જેવા હતા. પણ તેઓ પેઓરના બઆલ પાસે ગયા.+ પોતાને નિર્લજ્જ દેવને* સમર્પિત કર્યા,+ તેઓ જેની પૂજા કરતા હતા એ દેવની જેમ તેઓ ધિક્કારને લાયક બન્યા. ૧૧  એફ્રાઈમનો વૈભવ પક્ષીની જેમ ઊડી જાય છે, કોઈ સ્ત્રી ગર્ભવતી થતી નથી કે બાળકને જન્મ આપતી નથી.+ ૧૨  જો તેઓ બાળકોને ઉછેરે, તોપણ હું તેઓને છીનવી લઈશ, જેથી એકેય માણસ બચે નહિ.+ હું તેઓથી દૂર થઈ જઈશ ત્યારે તેઓને અફસોસ થશે!+ ૧૩  એફ્રાઈમ તો સીમમાં રોપાયેલો હતો, તે મારા માટે તૂર જેવો હતો.+ હવે એફ્રાઈમે પોતાના દીકરાઓને બહાર લાવવા પડશે, જેથી તેઓની કતલ થાય.” ૧૪  હે યહોવા, તેઓ જેને લાયક છે એ જ તેઓને આપો. પેટમાં જ બાળક મરી જાય એવી કૂખ આપો અને દૂધ ન હોય એવાં સ્તન આપો. ૧૫  ઈશ્વરે કહ્યું: “તેઓએ ગિલ્ગાલમાં દુષ્ટ કામો કર્યાં,+ એટલે મને તેઓથી નફરત થઈ ગઈ. તેઓનાં ખરાબ કામોને લીધે હું તેઓને મારા મંદિરમાંથી કાઢી મૂકીશ.+ હું તેઓને ફરી ક્યારેય પ્રેમ નહિ કરું.+ તેઓના બધા અધિકારીઓ હઠીલા છે. ૧૬  એફ્રાઈમને ઝાડની જેમ કાપી નાખવામાં આવશે.+ એના મૂળ સુકાઈ જશે અને એને એકેય ફળ આવશે નહિ. જો તેઓ બાળકોને જન્મ આપે, તોપણ હું તેઓનાં વહાલાં બાળકોને મારી નાખીશ.” ૧૭  મારા ઈશ્વર તેઓનો નકાર કરશે, કેમ કે તેઓએ તેમનું સાંભળ્યું નથી.+ તેઓએ બીજી પ્રજાઓમાં ભટકવું પડશે.+

ફૂટનોટ

અથવા, “પેયાર્પણ.” શબ્દસૂચિ જુઓ.
અથવા, “તમારી ઠરાવેલી મિજબાનીના.”
અથવા, “કૌવચ.” એક વનસ્પતિ જેનાં પાન, ફૂલ અને ફળને રુવાંટી હોય છે અને એને અડવાથી શરીર પર ખંજવાળ આવે છે.
અથવા, “વસ્તુને.” એ જૂઠા દેવ બઆલને બતાવે છે.